નવા વર્ષમાં શું એક્સાઈટિંગ બનશે?
પત્ની પિયર જાય ત્યારે માણસ અનહદ આનંદ અનુભવે છે અને વિચારે છે કે હાશ, હવે મજા આવશે. આનંદ એટલો અનહદ હોય છે કે એ વાસ્તવિકતા ભૂલી જાય છે. વાસ્તિકતા એ છે કે પત્ની પિયરથી આજે નહીં તો કાલે પાછી આવવાની જ છે. અને ફરીથી રૂટિન લાઈફ શરૂ થઈ જશે. આવું કંઈક દરેક નવા વર્ષની પૂર્વસંધ્યાએ નિર્દોષ લોકો માનવા લાગે છે. એમને લાગે છે કે આવતી કાલથી નવું વર્ષ, નવી શરૂઆત. બધુ એક્સાઈટિંગ બનશે, બહુ મજા આવશે. પણ વાસ્તવિકતા એ છે કે નવા વર્ષમાં પણ કશું એક્સાઈટિંગ બનવાનું નથી. 2015ની પૂર્વસંધ્યાએ પણ એવું વિચાર્યું હતું કે આવતા વર્ષમાં જિંદગી બદલાઈ જશે, પણ એવું કંઈ બન્યું નથી. આ વર્ષમાં પણ કંઈ બદલાવાનું નથી. બધુ જ રૂટિન બન્યા કરશે.
2016માં ભારતવર્ષમાં પણ ગયા વર્ષે બની હતી એવી જ ઘટનાઓ બનશે, પણ એમાં થોડાં મામૂલી તફાવતો જોવા મળશે. આમાં ઝાઝો હરખ કે શોક રાખવાની જરૂર નથી. આમ છતાં આશાવાદી લોકો આવા નાનાં તફાવતોમાં એક્સાઈટમેન્ટ શોધી શકે છે. જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવાં વર્ષમાં પહેલા જેવા જ જોશથી ભાષણો આપતા રહેશે અને સેલ્ફી ખેંચતા રહેશે. ફરક કદાચ એટલો પડશે કે હવે એમના ચહેરા પર વધુ ખુલ્લું હાસ્ય જોવા મળશે. જેમ નિષ્ફળતાઓ વધે એમ માણસ વધુ હસવા માંડે છે.
મોદીભક્તોને કદાચ એવી ચિંતા થાય કે નવા વર્ષમાં આપણા વડા પ્રધાન કયા દેશના પ્રવાસે જશે? કારણ કે વિશ્વના મોટા ભાગના દેશોનો પ્રવાસ તો તેઓ ખેડી ચૂક્યા છે. ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી નવાં વર્ષમાં એ જ દેશોનો પ્રવાસ ફરીથી કરશે. છે ને એક્સાઈટિંગ વાત?
ગયા વર્ષની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. આ વર્ષે કયા દેશના વડા ચીફ ગેસ્ટ બનવાના છે એની ખબર નથી, પણ જે કોઈ આવશે એમના દેશની વાટ લાગી જવાની છે, કારણ કે પછી નરેન્દ્ર મોદી એ દેશનો પ્રવાસ એટલી બધી વાર કરશે કે એ લોકો કંટાળી જશે. બરાક ઓબામાં આજે પણ પોતાની જિંદગીની પાંચ મોટી ભૂલોમાં ભારતના પ્રજાસત્તાક દિને ચીફ ગેસ્ટ બન્યા એ ઘટનાનો સમાવેશ કરે છે.
ગયા વર્ષે દેશમાં વિવિધ સ્તરની અનેક ચૂંટણીઓ યોજાઈ અને એના ખાટાંમીઠાં પરિણામો પણ જોવા મળ્યા. ભારતીય જનતા પક્ષને નરેન્દ્ર મોદીના મોજાં વખતે જે સફળતાઓ મળી હતી એ વાર્તા હવે પૂરી થઈ ગઈ છે. હવે નિષ્ફળતાનો દોર શરૂ થયો છે. જોકે ભાજપને નિષ્ફળતા મળે એમાં ખાસ કંઈ એક્સાઇટિંગ નહીં હોય. પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ જે પ્રકારના ખુલાસા કરશે એમાં તમે જરૂર એક્સાઈટમેન્ટ શોધી શકશો અને માણી પણ શકશો.
ગયા વર્ષે કેટલાક કટ્ટરવાદી બૌદ્ધિકોએ એવોર્ડ વાપસીનું નાટક કરીને થોડું એક્સાઈટમેન્ટ ઊભું કર્યું હતું એટલે આ વર્ષે તેઓ એનાથી કોઈ વધુ મોટું નાટક કરે એવી અપેક્ષા અસ્થાને નથી. આ વર્ષે ભલે તેઓ ગમે એવું નાટક કરે, પણ એક વાત નક્કી છે કે એમાં શાહરૂખ ખાન અને આમીર ખાન નહીં જોડાય. નવા વર્ષમાં આ ફિલ્મસ્ટાર્સ સરકારની કોઈ ઝૂંબેશનો હિસ્સો બનીને એક્સાઈટમેન્ટ ઊભું કરે એવી પણ શક્યતા છે.
ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો રાબેતા મુજબ જ રહ્યા. ક્યારેક બંને દેશોએ એકબીજાની ટીકા કરી તો ક્યારેક એકબીજા પર પ્રેમ વર્ષાવ્યો. ભાંગી પડેલી મંત્રણાઓ શરૂ થઈ, પણ વાત આગળ વધી જ નહીં. રાજકીય સ્તરે ભલે ગમે એ બને, પણ લશ્કરી સ્તરે ગયા વર્ષ જેવી ઘટનાઓ જરૂર બનવાની. સરહદે ભારત અને પાકિસ્તાનના સૈનિકો સામસામા ગોળીબાર જરૂર કરશે અને આવી ઘટના વર્ષમાં પંદર વાર બનશે.
ગયા વર્ષે દાઉદ ઈબ્રાહિમની અવેજીમાં સરકાર છોટા રાજનને ભારત લઈ આવી. આ રીતે થોડું એક્સાઈટમેન્ટ જરૂર ઊભું થયું એટલે નવાં વર્ષમાં પણ આવું કંઈક બની શકે છે. અલબત્ત, દાઉદ તો પાછો આવવાનો જ નથી, પણ એના બે સાગરિતો પકડાવાના એક્સાઈટિંગ સમાચાર અખબારોમાં દર મહિને વાંચવા મળશે.
વિદેશમાં પડેલું કાળું નાણું ભારત પાછું આવશે અને દરેક નાગરિકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થશે એ વાતે લોકોએ ગયા વર્ષ દરમિયાન અનેક વાર એક્સાઈટમેન્ટ અનુભવ્યું અને પછી નિરાશ થયા. વિદેશમાંનું કાળું નાણું ભારત આવે એવી આશા તો હવે નથી રહી. નવા વર્ષમાં બાબા રામદેવના બિઝનેસ એમ્પાયર પતંજલિ પ્રાઈવેટ લિમિટેડનું કાળું નાણું ઝડપાય અને એમાંથી દરેક નાગરિકના ખાતામાં દશ દશ હજાર રૂપિયા જમા થઈ જાય એવો વિચાર જરૂર એક્સાઈટમેન્ટ પેદા કરે છે.
ગયા વર્ષે સલમાન ખાનના હિટ એન્ડ રન કેસનો ચુકાદો આવ્યો. કેસ ચાલતો હતો ત્યારે ઘણું એક્સાઈટમેન્ટ ઊભું થયું, હતું, પરંતુ છેલ્લે એન્ટી ક્લાઈમેક્સ આવી ગયું. આ વર્ષે સલમાન સામે બીજો કોઈ કેસ ચાલશે અથવા તો બીજી કોઈ મોટી સેલિબ્રિટી સામેનો કેસ ચાલશે અને એમાં પણ એન્ટી ક્લાઈમેક્સ આવવાની પૂરી શક્યતા છે. આવા કિસ્સામાં તો નિરાશાને જ એક્સાઈટમેન્ટ તરીકે માણવાની.
દિલ્હીની ‘આમ આદમી પાર્ટી’ પાસેથી તમે બીજી કોઈ પણ અપેક્ષા રાખો તો નિષ્ફળતા મળવાની શક્યતા રહે છે. પરંતુ એક્સાઈટમેન્ટ જગાવવાની અપેક્ષા રાખો તો એ તમને ક્યારેય નિરાશ નહીં કરે. ગયા વર્ષના અંત ભાગમાં દિલ્હી સરકારે પ્રદૂષણ નિવારણ માટે ઓડ-ઈવન કારની યોજનાની જાહેરાત કરી અને પહેલી જાન્યુઆરીથી એનો અમલ કર્યો. આ યોજનાનું પરિણામ ભલે ગમે તે આવે, પણ એમાં એક્સાઈટમેન્ટ ભરપૂર હશે. જોકે આ પક્ષના નેતાઓના મોટા મોટા દાવા અને કોંગ્રેસ તથા ભાજપના એમની સામેના આક્ષેપો ગયા વર્ષ જેટલા જ બોરિંગ હશે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે જેવા એવોર્ડ્સ જાહેર થશે અને એ એવોર્ડ્સ ભાજપ તથા પરિવારની ગૂડ બૂકમાં હોય એવા લોકોને મળશે એટલે એમાં કોઈ ઉત્તેજના નહીં હોય. એવોર્ડ્સ માટેના નામો જાહેર થતાં જ લોકો બગાસા ખાવા માંડશે. આમ છતાં જો સરકાર વધુ પડતું સાહસ કરીને નથુરામ ગોડસેને મરોણોત્તર ભારતરત્ન એવોર્ડ આપશે તો જબરૂ એક્સાઈટમેન્ટ ઊભું થશે. એમ તો સ્મૃતિ ઈરાનીને રાજકીય રીતે નિવૃત્ત કરીને એમને ભારતરત્ન આપવામાં આવે તો પણ એક્સાઈટમેન્ટ ઊભું થાય.
એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારથી લોકો અચ્છે દિનની અપેક્ષા રાખી રહ્યા છે અને લોકોની આકાંક્ષા ફળીભૂત કરવા સરકારે સ્વચ્છતા અભિયાન, મેકઈન ઇન્ડિયા, ગેસ સબસિડી છોડો વગેરે જેવી અનેક યોજનાઓની જાહેરાત કરી અને એમાં નિષ્ફળતા મળી. અચ્છે દિન કેમ નથી આવ્યા એના જવાબો આપવાનો સરકારને ત્રાસ થાય છે એટલે નવા વર્ષમાં સરકાર ‘સ્વેચ્છાએ અચ્છે દિનની આશા છોડો’ શિર્ષક હેઠળની એક યોજના લાવે તો નવાઈ નહીં લાગે. શરૂઆતમાં આ યોજના મરજિયાત રીતે લાગુ પાડવામાં આવશે અને થોડા સમય પછી એને ફરજિયાત બનાવવામાં આવશે. જે લોકો દિવસમાં એક વાર ભોજન કરી શકતા હોય એ લોકો માટે અચ્છે દિનની આશા છોડવાનું ફરજિયાત બનાવવામાં આવશે.
જો આ યોજના અમલમાં આવશે તો એક ઝાટકે લોકોના દુઃખ દૂર થઈ જશે. જ્યાં કોઈ અપેક્ષા જ ન હોય ત્યાં નિરાશા શેની? નવા વર્ષમાં સૌથી વધુ એક્સાઈટિંગ ઘટના આ બની શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર