આવડત હોય તો લેખનનો ધંધો પણ કસદાર છે
ગયા અઠવાડિયે લેખકો અને લેખન વ્યવસાય વિશે લખ્યું એનાથી ઘણા લોકો નારાજ થઈ ગયા. એમને લાગ્યું કે લેખમાં ફક્ત નિરાશાવાદ અને નકારાત્મક અભિગમ હતો. આથી એના પર મલમપટ્ટા લગાવવા માટે આજે એ જ વિષય પર પોઝિટિવ અભિગમ સાથે લખી રહ્યો છું.
જો બીજા કોઈ વ્યવસાયમાં ખાસ જામતું ન હોય તો લેખનનો વ્યવસાય અજમાવવા જેવો છે. ઓછી મહેનતે વધુ પૈસા કમાવાની કળાનો ડિપ્લોમા કોર્સ કરીને જો તમે આ વ્યવસાયમાં ઝંપલાવો તો પછી મજા જ મજા છે. ચાલો, ગણવા બેસીએ આ વ્યવસાયના કેટલાક જમા પાસાં.
1) ભાવિ લેખકોને આનંદ આપે એવી એક વાત એ છે કે, ગુજરાતી વાચકો પોતાના ધંધામાં ભલે ગમે એટલા હોશિયાર હોય, પણ છાપામાં છપાયેલા કાળા અક્ષરોથી હજુય તેઓ પ્રભાવિત થાય છે. જો રિપોર્ટ, લેખ કે વાર્તાની સાથે તમારું નામ અવારનવાર છપાય તો તમને એક પ્રકારની પ્રતિષ્ઠા મળે છે. ઘણા શ્રીમંત પરિવારો ફેમિલી ડોક્ટર, ફેમિલી ધર્મગુરુની જેમ એક ફેમિલી લેખક રાખતા હોય. સાંપ્રત સમસ્યાઓ વિશે ફેમિલી લેખકના અભિપ્રાય જાણીને પોતાનું કન્ફ્યુઝન વધારવામાં એમને આનંદ આવે છે. આ ઉપરાંત નાના-મોટા પ્રસંગોમાં લેખકને બોલાવીને સગાં-વહાલાં તથા પરિચિતોમાં તેઓ પોતાની શોભા વધારતા હોય. જોકે બહુ મોટા ફંક્શનમાં ફેમિલી લેખકને આમંત્રણ નથી મળતું, કારણ કે ઓબેરોય હોટલમાં લેખક રિક્ષામાં આવે એ ન ચાલે. લેખકે એ વાત યાદ રાખવી જોઈએ કે, પ્રતિષ્ઠા એ પૈસા નથી. આ પ્રતિષ્ઠાને પૈસામાં કઈ રીતે બદલવી એ આવડી જાય તો લેખક ભવ તરી જાય. શ્રીમંતોના કોન્ટેક્સના લાભ લઈને તે જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે.
2) ઘણા યુવાનો પૂછતા હોય છે કે લેખક બનવા માટે શું કરવું પડે? શું એનો કોઈ કોર્સ હોય છે? આનો જવાબ બહુ જ ટૂંકો અને જડબેસલાક છેઃ તમારે ગુજરાતી ભાષાના લેખક બનવું હોય તો અંગ્રેજી ભાષા શીખો. ગુજરાતીમાં જે કંઈ લખાય છે એમાંનું મોટા ભાગનું અંગ્રેજી ભાષામાંથી ઊતરી આવે છે. અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કે ભાવાનુવાદ કરતાં આવડે તો તમે ઉત્તમ કક્ષાના ગુજરાતી લેખક બની શકો છો. મારો આશય કોઈને નીચા ઊતારી પાડવાનો નથી. મારો અભિગમ પોઝિટીવ છે અને લેખકોને સફળ થવાના શોર્ટકટ્સ બતાવવાનો મારો ઈરાદો છે.
3) લેખક બનવાની મનમાં ઈચ્છા થયા પછી મનમાં પ્રશ્ન એ થાય કે શું લખવું? ડરવાની જરા પણ જરૂર નથી. અંગ્રેજી મેગેઝીનો અને પુસ્તકોમાં ભરપૂર ગુજરાતી સાહિત્ય પડેલું હોય છે. તમારે ફક્ત અંગ્રેજી ભાષાને ડિકોડ કરીને એને ફરીથી ગુજરાતીમાં લખવાનું હોય છે. શરૂઆતમાં તકલીફ પડશે, પણ ધીમે ધીમે ફાવટ આવતી જશે. ગુજરાતીમાં માહિતી લેખો લખવા માગતા લેખકોને ઈશ્વરે બે મોટા વરદાન આપ્યા છેઃ ગુગલ અને વિકીપિડિયા. અહીં તો માહિતીનો ખજાનો પડ્યો છે. લૂંટાય એટલો લૂંટો.
4) યુવા લેખકોમાં ઘણી વાર કોન્ફિડન્સનો અભાવ હોય છે. લખી નાંખ્યા પછી એ વિચારે છે કે તંત્રી તથા વાચકોને એ ગમશે કે નહીં? મારું ચાલે તો હું એમને સીધુ કહી દઉં કે ભાઈ તું ગમે એવું લખે, કોઈને નહીં ગમે. પરંતુ મારો આશય શુભ છે, યુવાનોને પ્રોત્સાહિત કરવાનો ઈરાદો છે એટલે હું પોઝિટિવ અભિગમ રાખીશ. ભાવિ લેખકોએ એક વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ પ્રકારનું લખાણ એની ગુણવત્તાના આધારે છપાતું નથી, વંચાતું નથી કે વખણાતું નથી. તમારું લખાણ છાપવું કે નહીં એનો નિર્ણય આ ધરતી પરના ઈશ્વરો એટલે કે તંત્રીઓ અને સંપાદકો કરે છે. તંત્રીઓને પાછો ગુણવત્તા સાથે દૂર દૂરનો કોઈ સંબંધ નથી હોતો. આથી એક જ ઈલાજ છેઃ તંત્રીઓ માટેનો ભક્તિભાવ કેળવો. તમારે તમારા લખાણ પર ઓછું અને તંત્રી તથા સંપાદકો માટેના ભક્તિભાવ પર વધુ ધ્યાન આપવું. ફળ અવશ્ય મળશે.
5) હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન પણ થાય કે તંત્રીઓ તથા સંપાદકોની ભક્તિ કઈ રીતે કરવી? આમાં જરા તકલીફ છે. દરેક તંત્રી અને સંપાદક અનામત પ્રથામાં માને છે. અહીં સરેરાશ પચાસ ટકા મહિલા અનામત નોર્મલ ગણાય છે. કેટલાક તંત્રીઓ તો લેખિકાઓ અને કવયિત્રીઓ સિવાય બીજા કોઈને મળતા જ નથી. તંત્રીઓએ મહિલા ઉપરાંત પોતાના સગાં, મિત્રો, પરિચિતો માટે વિવિધ માત્રામાં અનામત ફાળવેલી હોય છે. થોડી ઘણી જગ્યા બ્રાન્ડેડ લેખકો માટે પણ રાખવી પડે. આથી પુરુષ નવાગંતુક લેખકો માટે લેખનનો માર્ગ કાંટાળો છે. જોકે હું એમને પોઝિટિવ અભિગમ સાથે શોર્ટકટ્સ જરૂર બતાવીશ.
6) મંદિરના પૂજારીના મનમાં સાચો ભક્તિભાવ હોય કે ન હોય, એને ઈશ્વરની મૂર્તિના પૂજાપાઠ કરવાનો મોકો સૌથી વધુ મળે છે. લેખક બનવા માગતા યુવાનો પણ જો અખબાર કે મેગેઝિનમાં નોકરી લઈ લે તો એ પોતાના ઈશ્વર એટલે કે તંત્રીની નજીક રહી શકે. આ રીતે સ્ટ્રગલનો પિરિયડ ટૂંકો થઈ જાય. જે લેખો વાંચીને પ્રૂફ રીડર પણ હાંફી જાય એવા ઘણા લેખોના લેખકોની એકમાત્ર લાયકાત એ હોય છે કે તેઓ અખબાર કે મેગેઝીનમાં નોકરી કરતા હોય છે.
7) જેમ સ્કૂલમાં તમે સ્પોર્ટ્સ કે વક્તૃત્વ સ્પર્ધા જેવી ઈતર પ્રવૃત્તિઓમાં આગળ પડતા રહો તો ગ્રેસના થોડા વધુ માર્ક્સ મળે એવું લેખન ક્ષેત્રમાં પણ છે. કોઈ સેમિનાર કે સમારંભમાં ભાગ લેવો, ભાષણ આપવું, કોઈનું સન્માન કરવું, કાર્યક્રમોનું સંચાલન કરવું એ બધુ પણ તમને થોડી થોડી પ્રતિષ્ઠા આપે છે. અખબારમાં છપાયેલો દરેક ફોટોગ્રાફ એક લેખક તરીકે તમારું મૂલ્ય વધારે છે. માટે સોશિયલ બનો, લાઈમલાઈટમાં રહો. ક્યારેક તો તમારું કલ્યાણ થશે જ.
8) લેખક ક્યારેક નિરાશ થઈને એમ વિચારે કે આવી સ્ટ્રગલ કરીને જો વળતર ખાસ ન મળવાનું હોય તો શું અર્થ? હું આવા લેખકોની નિરાશા દૂર કરવા માટેની ટ્રિક બતાવીશ. જે રમતમાં એ લોકો તમને ઉલ્લુ બનાવે છે એ જ રમતમાં તમે એમને ઉલ્લુ બનાવો. એમનો ઈરાદો ઓછું મહેનતાણું આપવાનો છે તો તમે એની સામે મહેનત ઓછી કરો. તંત્રી જ્યારે સરસ લેખ માગે ત્યારે સરસ મજાનું ભાષાંતર પકડાવી દો. તંત્રી જ્યારે સારી વાર્તા માગે ત્યારે એમને બીજી ભાષાના કોઈ સારા લેખકની વાર્તાનો અનુવાદ આપી દો. અંગ્રેજી લખાણો વાંચવાથી પ્રેરણા સતત મળતી રહે છે અને થોકબંધ ઉત્પાદન શક્ય બને છે. અંગ્રેજી વાંચતા રહેવાથી કદી રાઈટર્સ બ્લોક આવતો નથી. આ ઉપરાંત લખાણ છપાયાના છ આઠ મહીના પછી એ જ લેખ થોડાઘણા સુધારાવધારા સાથે ફરીથી છાપવા યોગ્ય બને છે. બે વર્ષ પછી એ ત્રીજીવાર પણ છપાવી શકાય છે. આમ તમારા પાંચસો રૂપિયાની કિંમતના લેખ માટે તંત્રી જો શોષણ કરીને તમને એના ફક્ત 300 રૂપિયા આપે તો તમારે એમને ઉલ્લુ બનાવીને એમાંથી 900 રૂપિયા પેદા કરવાના. નવાસવા લેખકના મનમાં એવો ડર રહે કે પકડાઇ જઈશું તો? આવો ડર અસ્થાને છે, કારણ કે તમારો લેખ પહેલી વાર છપાયો ત્યારે એ કોઈએ નહોતો વાંચ્યો, બીજીવાર છપાશે ત્યારે પણ કોઈ નહીં વાચે અને બે વર્ષ પછી ત્રીજીવાર છપાશે ત્યારે પણ કોઈ નથી વાંચવાનું. માટે જસ્ટ ચિલ. આ ઉપરાંત, એક વિષય પર અંગ્રેજીના વિવિધ પત્રકારો અને લેખકો અલગ અલગ અભિગમ સાથે લેખ કે કોલમ લખતા હોય છે. તમે આ દરેક અભિગમનો લાભ લઈને એક જ વિષય પર અનેક લેખો લખી ઘસડી છો. લેખનક્ષેત્રમાં આ રીતે સ્કોપ ઘણો છે, ફક્ત માર્કેટની ટ્રિક્સ સમજી લેવાની જરૂર છે.
9) લેખક થોડો સેટલ થાય એ પછી એના મનમાં એવો પ્રશ્ન જાગે છે કે, મારે સામાજિક જાગરૂકતા માટે કંઈક લખવું જોઇએ. મારા લેખનનું ધ્યેય શું? એવો પ્રશ્ન પણ તેના મનમાં ઉદભવે. આવા સમયે લેખકે એ વિચારવાનું કે, હું લેખનના ધંધામાં આવ્યો છું, આમ આદમી પાર્ટીના કોઈ પ્રકાશનમાં નથી જોડાયો. લેખકે સદ્ધર અને સલામત રહેવું હોય તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અભિગમ સાથેના લખાણો લખવાનું ટાળવું. ક્યારે કોણ અડી જાય, કંઈ કહેવાય નહીં. અને બીજી વાત, જો વધુ સંખ્યામાં લેખકો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અભિગમ સાથે લખવા માંડશે તો ગુજરાતી લેખનક્ષેત્રનું ડીએનએ બદલાઈ જશે, જે કોઈને પરવડે એમ નથી. માટે ખાઓપીઓ, લખો અને મજા કરો. પોઝિટિવ રહો તો લેખનક્ષેત્ર પણ સારું એવું કસદાર છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર