વહેવારિક માણસ તહેવારિક પણ હોય છે
વહેવારિક. ગુજરાતી ભાષાના આ શબ્દ જેવો શબ્દ બીજી ભાષામાં નહીં હોય. હકીકતમાં આ આખો એક શબ્દ પ્રયોગ છે. માણસ વહેવારિક હોય અથવા વહેવારિક ન હોય. અને હોય તો પાછો ઓછોવત્તો વહેવારિક હોઇ શકે. અંગ્રેજી ભાષામાં આ માટે કદાચ સોશિયલ શબ્દ છે, પરંતુ ગુજરાતી ભાષાના વહેવારિક શબ્દ જેવો વ્યાપક અર્થ એમાં નથી. ખાસ તો એટલા માટે કે ગુજરાતીમાં આપણે એમ પણ કહેતા હોઇએ છીએ કે માણસ વહેવારમાં ઊભો રહે એવો છે. હવે અંગ્રેજીમાં એવું તો ન જ કહી શકાય કે હી કેન સ્ટેન્ડ સોશિયલી અથવા તો હી ઓલ્વેઝ સ્ટેન્ડ સોશિયલી.
વહેવારિક અથવા વહેરવારમાં ઊભા રહે એ માણસ કેવા હોય? મને કોઇ આવો પ્રશ્ન પૂછે તો મારો ત્વરીત જવાબ હોય દોઢ ડાહ્યા. કોણ જાણે કેમ, પણ મને વહેવારિક માણસો દોઢ ડાહ્યા લાગતા હોય છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ કદાચ એ હશે કે હું પોતે જરાય વહેવારિક નથી. કોઇના લગ્ન હોય, કોઇનો બર્થડે હોય, કોઇની સાદડી હોય કે અન્ય કોઇ પ્રસંગ હોય, એમાં હાજર રહેવું કે ન રહેવું એ વિશેનો નિર્ણય હું મારી ફૂરસદ અને મારા મૂડના આધારે લેતો હોઉં છું અને મોટે ભાગે મને એવા પ્રસંગોમાં હાજર રહેવાનું ગમતું નથી હોતું. આના કારણે ઘણા લોકોને ખોટું લાગી જાય છે, ઘણા સાથેના સંબંધો ઓછા થઇ જાય છે અને બીજા કેટલાય લોકો મારી પત્નીને મેણાટોણાં મારતા રહે છે. પત્ની બિચારી મારો બચાવ કરતી રહે છે કે એમને પહેલેથી વહેવારનું જરા ઓછું.
માણસ વહેવારિક હોય એ સહન કરી શકાય, પરંતુ કેટલાક લોકો વધુ પડતા અને અતિ વહેવારિક હોય છે. મને એમની સામે ખાસ વાંધો છે. અતિ વહેવારિક માણસોની એક ખાસિયત એ હોય છે કે એમની પાસે કોઇ નક્કર કે સત્તાવાર કામધંધો નથી હોતો. કોઇ પણ પ્રસંગ હોય, ઉત્સવ હોય કે દુર્ઘટના હોય, વહેવારિક માણસો ત્યાં સૌથી પહેલા પહોંચી જાય. એટલું જ નહીં, પ્રસંગ દરમિયાન કરવામાં આવતી દરેક વિધિ, દરેક ક્રિયાની પૂરી જાણકારી એમની પાસે હોય અથવા એવો એમનો દાવો હોય. જ્યારે પણ વાત અટકી પડે અથવા કોઇ અડચણ ઊભી થાય ત્યારે સામાન્ય મનુષ્યો આવા અતિ વહેવારિક માણસોના શરણમાં જ જાય. અને અતિ વહેવારિક માણસો પૂરા કોન્ફિડન્સથી કહે કે આમાં આમ જ કરાય, અથવા આમ ન જ કરાય. અલબત્ત, વહેવારિક માણસો આવી સત્તાની સામે ભોગ પણ આપતા હોય છે. વિના કારણની મહેનત કરવામાં એમને ઘણો આનંદ મળતો હોય છે. કોઇના પ્રસંગો સચવાઇ જાય એ માટે આવા માણસો મન મૂકીને કામ કરતા હોય છે. જાહેર સમારંભોમાં જોકે ભૂલેચૂકે એમના હાથમાં માઇક આવી જાય તો ભાષણ આપવાનો મોકો ગુમાવતા નથી. આવા અતિ વહેવારિક માણસો પ્રત્યે મને ચીડ હોવાનું એક મોટું કારણ એ છે કે સ્ત્રીઓ આવા સામાજિક રીતે આગળ પડતા માણસોથી બહુ પ્રભાવિત થતી હોય છે. એટલું જ નહીં, પત્નીઓ પોતપોતાના પતિઓને સંભળાવતી પણ હોય છે કે જૂઓ, ફલાણાભાઇ કેટલાક એક્ટિવ છે, ગઇકાલના જમણવારમાં એમનો કેવો વટ પડતો હતો.
આવા માણસોની બીજી એક ખાસિયત એ હોય છે કે તેઓ જેટલા વહેવારિક હોય છે એટલા જ તહેવારિક પણ હોય છે. આપણા દરેક તહેવારના હેતુથી માંડીને એની સાથે સંકળાયેલી વિધિઓ, ક્રિયાઓ અને શું કરાય, શું ન કરાયની આંટીઘૂંટીની તમામ માહિતી એમને મોઢે હોય. જો કોઇ વાતની જાણકારી ન હોય તો એમનો આત્મવિશ્વાસ એમને એ વાત કબૂલ કરવા ન દે અને તેઓ પૂરા આત્મવિશ્વાસ સાથે ફેકંફેંક પણ કરી જાણે. એમના કથનને જો કોઇ પડકારે તો એનું આવી બન્યું. કોઇ પૂછે કે ગયા વર્ષે તો તમે આમ નહીં, તેમ કહ્યું હતું કે તહેવારિક માણસ એની સામે ડોળાં કાઢીને કહેશે કે એ વાત મેં કયા સંદર્ભમાં કહી હતી એ યાદ કરો. ત્યારે ચોઘડિયું કયું હતું એ યાદ કરો. વદમાં જે થાય એ સુદમાં ન થાય એટલું ભાન ન પડતું હોય તો મહેરબાની કરીને ચૂપ રહો. આવી સત્તાધારી વ્યક્તિને પછી કોઇ પડકારતું નથી અને એમનું અધિકારક્ષેત્ર વિસ્તરતું જ જાય છે.
તહેવારિક માણસોનું દિલ વિશાળ હોય છે અને મન મોટું હોય છે. તેઓ બંધારણના તમામ મૂલ્યોને વરેલા હોય છે. જેમ કે સમાનતાને તેઓ પૂરું મહત્ત્વ આપતા હોય છે. દરેક તહેવારને એકસરખા ઉત્સાહથી ઉજવવામાં તેઓ ગર્વ અનુભવતા હોય છે. જે રીતે તેઓ નવારાત્રિમાં નાચે એ જ રીતે ગણેશોત્સવમાં પણ નાચે અને પર્યુષણમાં પણ નાચે. કોઇ ભેદભાવ નહીં. નવરાત્રિ માટે ચંદા ઊઘરાવવા નીકળે તો ગણેશોત્સવ માટે પણ એટલા જ ઉત્સાહથી વરગણી ઊઘરાવે.
તહેવારિક માણસ પાછા સેક્યુલર પણ ખરા. એવું નહીં કે પોતાના ધર્મના જ ઉત્સવોની ઉજવણી કરે. દરેક ધર્મના જે જે પ્રસંગની ઉજવણી જાહેરમાં થઇ શકતી હોય એની ઉજવણી તેઓ એકસમાન હોંશથી કરે. દશેરાના દિવસે રાવણનું પૂતળું બાળ્યા પછી એકત્રીસમી ડિસેમ્બરની રાતે આગલા વર્ષના દુષ્ટ તત્ત્વોનું પૂતળું પણ બાળે. શીખોના લંગરમાં પણ પહોંચી જાય, ઇફ્તાર પાર્ટીમાં પહોંચી જાય અને મુસ્લીમ બિરાદરોની અદામાં ઇદ મુબારક કહેતા પણ શીખી જાય.
તહેવારિક માણસો ગુજરાતીઓમાં જ હોય છે એવું નથી. દરેક કોમમાં આવા અતિ વહેવારિક અને અતિ તહેવારિક માણસો જોવા મળતા હોય છે.
વહેવારિક અને તહેવારિક માણસો દરેક ધર્મના ઉત્સવો અને પ્રસંગો ઓછા પડતા હોય એમ હવે પાછું સોશિયલ મિડિયા એમની મદદ આવી પહોંચ્યું છે. વ્હોટ્સ એપ અને ફેસબુક તો વહેવારિક લોકોના સ્વર્ગ છે. ફેસબુકમાં લાઇક કરવાનું જે ઓપ્શન છે એ માણસના વ્યક્તિત્વના વહેવારિક પાસાંને છતું કરે છે. આ ઉપરાંત કોઇના બર્થ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવી અને ડિજિટલ ગુલદસ્તાં તથા ડિજિટલ કેક મોકલવાનું આવા વહેવારિક માણસો ચૂકતા નથી. કોઇ ભારતીય કોઇ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે તો એમને અભિનંદન આપવાનું કામ સૌથી પહેલા આ લોકો જ કરે. એ જ રીતે કોઇ મોટી હસ્તીનું અવસાન થાય તો આરઆઇપી તથા અંજલિ આપવાનું પણ આ વહેવારિક માણસો ચૂકે નહીં.
આટલું ઓછું હોય એમ હવે વિવિધ પ્રકારના આંતરરાષ્ટ્રીય દિવસો શરૂ થયા છે અને પણ આપણા અતિ વહેવારિક માણસોના લાભાર્થે જ. આંતરરાષ્ટ્રીય માતૃદિને વહેવારિક માણસો ફેસબુક પર માતાનો ફોટો મૂકે, પિતૃદિને પિતાનો ફોટો મૂકે અને આંતરરાષ્ટ્રીય ગર્લફ્રેન્ડ દિવસે ગર્લફ્રેન્ડનો ફોટો મૂકે.
સામાજિક રીતે આગળ પડતા રહેવા માટે, આટલું આટલું કરવા છતાં જે વહેવારિક અને તહેવારિક માણસો પાસે હજુ વધુ સમય ફાજલ પડ્યો હોય તેઓ વ્હોટ્સ એપ અને ફેસબુક પર ગૃપ બનાવે અને એના એડમિન તરીકેની ગંભીર જવાબદારી પોતાના માથાં પર લઇ લે. એડમિન તરીકે તેઓ નવાં નવા નિયમો બનાવે અને ગ્રુપની એક્ટિવિટી પર સતત દેખરેખ રાખે. આ રીતે વિના કારણની જવાબાદારીઓના બોજ તળે દટાઇને વહેવારિક માણસો સમાજ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે.
જોકે આવા વહેવારિક અને તહેવારિક માણસો સાવ નાંખી દેવા જેવા નથી હોતા. સમાજમાં એમની ઉપયોગીતા ઘણી છે. આપણા કોઇ પ્રસંગમાં જ્યારે આવા માણસો કામ કરવા મંડી પડે અને પ્રસંગને સાચવી લે ત્યારે આપણને એમનું મહત્ત્વ સમજાય. વહેવારિક અને તહેવારિક માણસો જ કેટલીક સામાજિક પરંપરાઓને જાળવી રાખવામાં મદદરૂપ બનતા હોય છે. સામાજિક રીતે વધુ હળતામળતાં ન હોય એવા એકલવાયા લોકો કરતા વધુ પડતા વહેવારિક અને તહેવારિક માણસોની સમાજને વધુ જરૂર છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર