જેએનયુ મામલાનું એ ટુ ઝેડ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં દેશવિરોધી નારા લાગ્યા અને એના આધારે વિદ્યાર્થી યુનિયનના નેતા કનૈયા કુમાર સામે દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો. એને જેલમાં પૂરવામાં આવ્યો અને જામીન પર છોડવામાં આવ્યો. આ દરમિયાન ન્યૂઝ ચેનલો વચ્ચે લડાઈ ફાટી નીકળી. કેટલીક ન્યૂઝ ચેનલોએ બનાવટી વીડિયો ચલાવી એવું બહાર આવ્યું. લોકસભામાં ચર્ચા થઈ. જેએનયુની ઘટનાને પગલે દેશભરમાં બીજી અનેક ઘટનાઓ બની અને દરેક ઘટના પોતપોતાની રીતે મહત્ત્વની છે. હવે શું? જેએનયુ વિશે તટસ્થ રહીને આજે કેટલાક છૂટાછવાયા વિચારો રજૂ કરવા છે. શક્ય છે એમાં કોઈ એકસૂત્રતા મળી રહે.
જેએનયુ અને નારેબાજી
સૌથી પહેલા બનેલી ઘટના. 9મી ફેબ્રુઆરીએ જેએનયુના કેમ્પસમાં અફઝલ ગુરુની તરફેણમાં નારાં લાગ્યા. એમાં કાશ્મીરની આઝાદી અને ભારતની બરબાદીને લગતા નારાં પણ લાગ્યા હોવાનું મનાય છે. આમ છતાં જે રીતે વીડિયોમાં ભેળસેળ થઈ છે એના આધારે આ વાતને વધુ મહત્ત્વ ન આપી શકાય. એક વાત તો નક્કી થઈ જ ગઈ છે કે કનૈયા કુમારે એવા નારા લગાવ્યા નહોતા. જેએનયુ એક એવું કેમ્પસ છે, જ્યાં મુક્ત વિચારોની અભિવ્યક્તિની છૂટ છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વિષય પર વિશે ચર્ચા કરી શકે છે. આ માટે કોઈવાર વિદ્યાર્થીઓ ડિબેટ કરે કે નારા લગાવે છે. આવું વર્ષોથી બનતું આવ્યું છે. યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પણ આનાથી વાકેફ હોય છે અને ક્યારેક એવી ચર્ચામાં તેઓ ભાગ લેતા હોય છે. આ એક પરંપરા છે અને એનાથી દેશને કોઈ નુકસાન નથી થયું. જેએનયુએ હજુ સુધી કોઈ દેશદ્રોહી પેદા નથી કર્યો.
વિદ્યાર્થી યુનિયનો અને એબીવીપી
કનૈયા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન (એઆઈએસએફ)નો નેતા છે, જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઇ)ની સ્ટુડન્ટ વિંગ છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી યુનિયનના પ્રમુખ તરીકે એ 2015માં ચૂંટાયો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની સ્ટુડન્ટ વિંગ એબીવીપી અને કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ એનએસયુઆઇના વિદ્યાર્થીઓ નેતા પણ સ્પર્ધામાં હતા. કેન્દ્રમાં એનડીએની સરકાર સત્તા પર આવી છે ત્યારથી સાક્ષી મહારાજો, ગિરિરાજ સિંહોની સાથોસાથ એબીવીપીના વિદ્યાર્થીઓ પણ જોરમાં આવ્યા છે. જેએનયુના હાલના સંઘર્ષનું કારણ પણ આ જ છે. જેએનયુમાં ક્યારેય સફળતા મેળવી ન શકેલા એબીવીપી વિદ્યાર્થી નેતાઓ લાગ્યું કે કેન્દ્ર સરકારની મદદથી તેઓ આ વખતે જેએનયુને ભીંસમાં લઈ શકે એમ છે એટલે તેઓ ડાબેરી ઝોક ધરાવતા વિદ્યાર્થીઓ અને એમની પ્રવૃત્તિ પર નજર રાખવા માંડ્યા અને લાગ મળ્યો એટલે હોબાળો મચાવ્યો.
એબીવીપીએ આવી જ દાદાગીરી હૈદરાબાદ યુનિવર્સિટીમાં કરી હતી, જેના કારણે પાંચ દલિત વિદ્યાર્થીઓ પર ખોટી મારપીટના આરોપ લગાવવામાં આવ્યા. આરોપ સાબિત ન થયા અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા એટલે એબીવીપીએ સ્મૃતિ ઈરાનીની એચઆરડી મિનિસ્ટ્રીમાં લાગવગ લગાવી. મિનિસ્ટ્રીએ યુનિવર્સિટીના વાઈસ ચેન્સલર પર દબાણ કર્યું અને છેવટે મારી મચડીને પાંચેય વિદ્યાર્થીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. આના પરીણામે રોહિત વેમુલાએ આત્મહત્યા કરી હોવાનું મનાય છે. રોહિત વેમુલાની આત્મહત્યાનો વિવાદ દેશભરમાં ફેલાઈ ગયો અને જેએનયુમાં પણ એની સામે અવાજ ઊઠાવવાની શરૂઆત થઈ. આથી રોહિત વેમુલા વિવાદને દબાવી દેવા માટે એબીવીપીએ જેએનયુમાં અફઝલ ગુરુવાળો મુદ્દો ઊઠાવ્યો. વાત વણસી ગઈ. તો જેએનયુ બાબતે ઊભા થયેલા વિવાદના મૂળમાં બેશકપણે આ રોહિત વેમુલા અને એબીવીપી છે.
દિલ્હીની પોલીસ અને વકીલો
કનૈયાને પકડવામાં આવ્યો ત્યારે દિલ્હીની પોલીસ અને વકીલોએ પોતાનો અસલી રંગ બતાવ્યો. પોલીસે સરકારને ખુશ કરવા માટે કનૈયાને ખોટી રીતે અટકાયતમાં લીધો અને વકીલોએ ખોટો દેશપ્રેમ બતાવવા કનૈયાની પીટાઈ કરી. દિલ્હી પોલીસ તો કનૈયાની સુરક્ષા કરવામાં પણ નિષ્ફળ ગઈ. દિલ્હીના પોલીસ કમિશનર બીએસ બસ્સી તો દેશભરમાં ધિક્કારનું પાત્ર બની ગયા. આમ છતાં, આખા મામલામાં પોલીસ કે વકીલોને કોઈ સજા મળી નથી અને કદાચ મળશે પણ નહી. જેએનયુ મામલાની આ એક કરુણા છે.
દેશદ્રોહ અને કાયદો 124(એ)
દેશના કેટલાય અગ્રણીઓએ આ કાયદો આઉટડેટે હોવાનો મત વ્યક્ત કર્યો છે. કનૈયા સામે આ કાયદાની કલમ લાગુ પાડવામાં આવી છે. આ કાયદો બ્રિટિશરોના જમાનામાં, એમની સામે ભારતની પ્રજા બળવો ન કરે એ માટે ઘડવામાં આવ્યો હતો. સરકારની સામે ઉશ્કેરણી ફેલવાનારને એમાં દેશદ્રોહી ગણવામાં આવે છે. એ સમયે કાયદાની વ્યાખ્યા બરોબર હતી, પરંતુ હવે ભારતમાં લોકશાહી છે અને સરકારની ટીકા કરવાનો દરેક નાગરિકને હક છે. ઉશ્કેરણીજનક ભાષણ કરીને અશાંતિ ફેલાવવા માટે તો બીજા કેટલાક કાયદા પણ લાગુ પાડી શકાય એમ છે. આ માટે દેશદ્રોહનો કાયદો લાગુ પાડવાની જરૂરત નથી. આજના સમયમાં દેશનો કોઈ પણ નાગરિક દેશદ્રોહ શા માટે કરે એ મૂળભૂત પ્રશ્નમાં જ એનો જવાબ આવી જાય છે. માણસ કોમવાદી ઉશ્કેરણી કરી શકે, ગુંડાગીરી કરી શકે, કોઈની હત્યા કરી શકે અને આ દરેકને પહોંચી વળવા માટે અનુરૂપ કાયદા મોજૂદ છે. જો ખરા અર્થમાં દેશદ્રોહના ગુનાની નજીક કંઈ હોય તો એ ભ્રષ્ટાચાર કરીને સરકારી તિજોરીના પૈસા પોતાના ઘરભેગા કરવાનો ગુનો છે. પણ જો દેશદ્રોહને એ અર્થમાં સમજવામાં આવે તો ફક્ત રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ જ આ ગુનામાં ફસાઈ જાય. હવે આવા જૂનવાણી કાયદાને રદ કરવાને બદલે સરકાર આ કાયદાને વધુ મજબૂત બનાવવાની પેરવી કરી રહી છે. જો આ કાયદાને બદલીને કોઈ પણ સ્વરૂપમાં જીવંત રાખવામાં આવશે તો એ નાગરિકોની સ્વતંત્રતા પર મોટી તરાપ ગણાશે.
કનૈયા કુમાર
કનૈયા જેલમાંથી બહાર આવ્યો છે ત્યારથી એની વાહવાહ થઈ રહી છે. આની પાછળ અનેક કારણો છે. એક તો એની સાથે અન્યાય થયો એવું મોટા ભાગના લોકો માને છે એટલે એને ફાઈવ સ્ટાર અંડરડોગનું સ્ટેટસ મળી ગયું છે. બીજું, જેલમાંથી આવીને એણે જેએનયુમાં પ્રભાવશાળી ભાષણ આપ્યું અને એટલી જ ચતુરાઈથી મીડિયા સાથેની પ્રેસ કોન્ફરન્સ સંબોધી. વ્યક્તિ પૂજા એ આપણા દેશનો એક સામુહિક રોગ છે. કોઈ માણસ સાથે અન્યાય થયો હોય એનાથી એ મહાન નથી બની જતો. કનૈયા કુમાર એક વિદ્યાર્થી નેતા છે અને એ સિવાય એણે કોઈ મોટી સિદ્ધિ નથી મેળવી. એણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને અત્યારે એ જેએનયુમાં આફ્રિકાને લગતા કોઈ વિષય પર પીએચડી કરી રહ્યો છે. એના પરિવારની આવક મહીને 3,000 રૂપિયા હોવાની વાતો અવાસ્તવિક લાગે છે. એના કપડાં પરથી તો એવું નથી લાગતું.
એણે ડાબેરી ઝોક ધરાવતા લોકોની નાટ્ય સંસ્થા ઈપ્ટામાં તાલીમ લીધી છે એટલે એ કદાચ નાટ્યકળાનો સારો જાણકાર પણ હશે. આ જ કારણસર એની વક્તૃત્વ છટા પ્રભાવશાળી છે. જોકે એ જે રીતે વાત કરે છે એના પરથી એવું જરૂર લાગે છે કે એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. એનામાં વિચારોની ગહનતા છે અને ભવિષ્ય જોવાની દૂરંદેશી પણ લાગે છે. આમ છતાં નજીકના ભવિષ્યમાં એ કોઇ લોકલાડીલો નેતા બની શકે એવી શક્યતા દેખાતી નથી. એ જે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એ સીપીઆઈનું દેશમાં ખાસ વર્ચસ કે વજન નથી.
હવે શું?
બે સિનારિયોની કલ્પના કરી શકાય.
પહેલો સિનારિયોઃ કેન્દ્ર સરકારને ખબર પડી ગઈ છે કે જેએનયુ મામલે એ ફસાઈ પડી છે. આથી ઉપરથી ભલે એ આક્રમક હોવાનો દેખાવ કરે, પરંતુ અંદરખાને પીછેહઠ કરવાનું સરકારે નક્કી કરી લીધું છે. જેએનયુના અન્ય વિદ્યાર્થીઓ પણ છૂટી જશે. ધીમે ધીમે લોકો આખો મામલો ભૂલી જશે.
બીજો સિનયારિયોઃ જામીન માટેની શરતનો દૂરોપયોગ કરીને સરકાર કનૈયાને ફરી જેલમાં ધકેલી દે. અન્ય વિદ્યાર્થીઓ પર પણ દેશદ્રોહના આરોપ લગાવવામાં આવે. ખરાબ પ્રકારનો પ્રચારમારો ચલાવવામાં આવે. જો આવું બન્યું તો દેશભરના વિદ્યાર્થીઓ જાગી ઊઠશે અને ઠેર ઠેર આંદોલનો થશે. વિવિધ રાજકીય પક્ષો આક્રમક બનશે. અને એનડીએની આ સરકારનું એના સમય કરતાં વહેલું પતન થશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર