આરુષિ હત્યાકાંડઃ વાર્તા અધુરી છે ને પડદો પડી ગયો
આરુષિ હેમરાજ હત્યાકાંડને લગતો હાઇ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, પરંતુ આ ચુકાદા પછીય કેસનુ રહસ્ય વણ ઉકેલાયેલુ જ રહ્યું છે. ચુકાદામાં આરુષિના માબાપ એટલે કે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ હિન્દી ફિલ્મોના ટિપિકલ શબ્દ વાપરીએ તો એમને બાઇજ્જત છોડી મુકવામાં નથી આવ્યા. અદાલતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પૂરાવાના અભાવે એમને ગુનેગાર ઠેરવી શકાય એમ નથી. બીજું, સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત પણ કરી છે. આ રીતે આ કેસ હજુ અધુરો જ ગણાય. એ વાત અલગ છે કે હવે આ કેસમાં કોઈ નવો વળાંક આવે એવી શક્યતા નહીવત છે, સિવાય કે અચાનક કોઈ કન્ફેશન આવી પડે.
આરુષિ કેસ વિશે ઘણું બધુ લખાયું છે, બોલાયુ છે, ચર્ચાઓ થઈ છે, ફિલ્મો બની છે. હવે ભાગ્યે જ કોઈ આમાં નવું કંઈક ઓફર કરી શકે. આમ છતાં કેટલાક મહત્ત્વના મુદ્દા એવા છે, જેના વિશે અલગ રીતે, અલગ એંગલથી વિચારવામાં આવ્યું હોત તો આજે વાત કંઈક અલગ હોત. પ્રસ્તુત છે કેટલાક નોખા મુદ્દાના નોખા એંગલ. 1. આપણે લાગણીશીલ પ્રજા છીએ એટલે અમુક વાતો સ્વીકારતાં તકલીફ થાય એટલે એ શક્યતાથી દૂર રહેવાનું આપણે પસંદ કરીએ. કોઈ માબાપ પોતાના સંતાનની હત્યા કરી શકે એ વાત સ્વીકારતા આપણને આવી જ તકલીફ પડે છે. આ તકલીફ બહુ સ્વાભાવિક છે અને નોર્મલ સંજોગોમાં આવું બની જ ન શકે. આમ છતાં આ જગતમાં ઘણી ઘટનાઓ એબનોર્મલ રીતે બનતી હોય છે. ઇન્દ્રાણી મુખર્જી જો પૂરાં પ્લાનિંગ સાથે, ઠંડે કલેજે પોતાની પુત્રીની હત્યા કરી શકે તો અન્ય કોઈ દંપતી આવેશમાં આવીને પોતાની પુત્રીની હત્યા કરી શકે. કહેવાનો મતલબ એ નથી કે આમ જ બન્યુ હશે, પરંતુ આવી શક્યતા નકારીને એવી હઠ લઇને ન બેસાય કે આવું બની જ ન શકે. 2. કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ કેસમાં પૂરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે, એટલે કે મહત્વના પૂરાવાનો નાશ કરવામાં આવ્યો છે. હવે તાર્કિક રીતે એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય કે પૂરાવાનો નાશ કોણ કરી શકે? પહેલું તો એ જેને થોડી નિરાંત હોય, જેની પાસે બધું રફેદફે કરવાનો સમય હોય. આ કેસમાં શંકા બે વ્યક્તિ જૂથો પર હતી. એક તરફ નોકરો હતા અને બીજી તરફ તલવાર દંપતી હતું. જો નોકરોએ હત્યા કરી હોય તો તેઓ ગુનો આચરીને પછી ભાગવાની પેરવીમા હોય, પૂરાવા નષ્ટ કરવાનું એમને ન સૂઝે અને જો એવું સૂઝે તોય એમની પાસે એવો સમય ન હોય. ઉતાવળમાં જે કંઈ થાય એ કરે, જે આસાનીથી પકડાઇ જાય. બીજી તરફ તલવાર દંપતી પાસે સવાર સુધીનો સમય હતો. પોતાનું ઘર હતું, કયાં શું છે એની પૂરી જાણકારી હતી. ઘટના સ્થળના પૂરાવા નષ્ટ કરવાનું તલવાર દંપતી માટે વધુ અનુકૂળ હતું. પૂરાવા એમણે જ નષ્ટ કર્યા છે એમ કહેવાનો ઇરાદો નથી. 3. ગુનો પુરવાર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે એવા ફોરેન્સીક પૂરાવા પણ નષ્ટ કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એ પૂરાવા પણ કોણ કરાવી શકે. અલબત્ત, જેની પાવર હોય, પૈસા હોય, વગ હોય. નેપાળથી આવેલા નોકરોનુ આમાં કામ નહીં. 4. બીજા રાજ્યો અને નાનાનાં ગામોમાંથી આવીને શહેરમાં નોકર તરીકે કામ કરતા માણસો શાંતિ અને વ્યવસ્થા માટે જોખમી હોય છે. આ લોકો મોટે ભાગે એકલવાયા હોય છે અને હતાશામા જીવતા હોય છે. જાતીય ગુના આચરવાનુ એમના માટે કયારેક સહજ બની જતું હોય છે. એક જ ગામના કે એક જ વિસ્તારના ચારપાચ જણા શહેરમાં એકબીજાને મળી જાય ત્યારે સાથે મળીને આનંદ કરતા હોય છે. હત્યાકાંડ થયો એ દિવસે આરુષિના ઘરે ત્રણચાર નોકરો એકઠાં થયા હતા અને એમણે શરાબની પાર્ટી કરી હતી એવી એક થિયરી છે, જે સ્વીકારી શકાય એમ છે. શરાબ પીને એમણે આરુષિ પર બળાત્કાર કર્યો હોય અને એની હત્યા કરી હોય એ પણ માની શકાય. અહીં ફક્ત હેમરાજની ભૂમિકા નક્કી કરવી પડે. વફાદાર નોકર તરીકે એણે આરુષિને બચાવવાની કોશિશ કરી હોય એવી એક શક્યતા વિચારી શકાય. બીજી શક્યતા એ કે હેમરાજ પણ ગુનામાં સંડોવાયેલો હોય. 5. જે એક શક્યતા વિશે ક્યારેય વિચારવામાં નથી આવ્યું એ શક્યતા એવી છે, જેમાં આરુષિ અને હેમરાજની હત્યા અલગ અલગ વ્યક્તિઓએ કરી હોય. આ ડબલ મર્ડરની ઘટના છે એટલે એ બન્ને હત્યા એક જ વ્યક્તિએ કરી હોય એવી ધારણા બાંધી લેવાનું સહજ છે, પરંતુ એ ધારણા ખોટી હોઇ શકે. માનો કે તલવાર દંપતી અચાનક બહારથી આવે અને જૂએ કે હેમરાજે અથવા એના સાથીઓએ આરુષિ પર બળાત્કાર કરીને એની હત્યા કરી છે. એ જોઇને તલવાર દંપતી અથવા એમાંનુ કોઈ એક આવેશમાં આવીને હેમરાજની હત્યા કરી નાંખે. આવી શક્યતા નકારી શકાય નહીં. 6. એક વાત તો સૌ સ્વીકારે છે કે આ કેસમાં તપાસ બહુ જ ખરાબ રીતે થઈ છે. પહેલા પોલીસ અને પછી સીબીઆઈએ તપાસ દરમિયાન અનેક લોચા માર્યા છે. જોકે તપાસ કાર્યવાહીમા જે કંઈ ઉણપ અને અણઆવડત જોવા મળી છે એ બિનકાર્યક્ષમતાને, કારણે નહીં, પણ ઉપરની કોઈ દખલગીરીને કારણે થવા પામી હોય એવું લાગે છે. ઘટના બની એ પછી તરત સ્થાનિક પોલીસે પોતાની રીતે તપાસ કરીને રાજેશ તલવારને મુખ્ય આરોપી જાહેર કરી દીધા. ત્યાર પછી સીબીઆઈ પિક્ચરમા આવી. સીબીઆઈએ જાણે તલવાર દંપતીને બચાવવાનુ બીડું ઝડપ્યું હોય એમ નોકરો અને એમના સાથીઓને ભીંસમાં લીધા. એમને પકડી પકડીને ફટકારવામાં આઆવ્યા. એમના નાનાર્કો ટેસ્ટ્સ કરવામાં આવ્યા. એમની પાસે કબૂલાતો કરાવવામા આવી. એમ લાગ્યું કે કેસ જાણે ઉકેલાઇ ગયો. નોકરો ગુનેગાર હોવાનું લગભગ નિશ્ચિત કરી દેવામાં આવ્યું. પરંતુ આ તબક્કે અચાનક શું બન્યું કે તલવાર દંપતી અને સીબીઆઇ વચ્ચેનો સંબંધ બગડી ગયો. સીબીઆઈ જાણે એકાએક હોસ્ટાઇલ બની ગઇ. નોકરોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા અને તલવાર દંપતીનો વારો નીકળી ગયો. એમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું, કેસ ચાલ્યો અને તલવાર દંપતીને સજા ફટકારવામા આવી. આવુ શા માટે બન્યું અને પડદા પાછળ કયો ખેલ ખેલાઇ ગયો એની આપણને ખબર નથી, પરંતુ કેસ તપાસની આ એક મોટી વિસંગતતા હતી એનો ઇનકાર થઈ શકે એમ નથી. 7. આરુષિ હેમરાજ હત્યા કેસનુ એક સૌથી અગત્યનું પાસું તો આરોપીઓની વર્તણૂંકનુ છે. ક્રીમીનલ સાઇકોલોજી વિશે આપણને તો વધુ ખબર ન પડે, પરંતુ આ ક્ષેત્રના નિષ્ણાતોને કેસ સાથે સંકળાયેલા લોકોની સાઇકોલોજી બરોબર સમજતા હશે. આપણે તો ફક્ત સાચાખોટા તર્ક લગાવી શકીએ. આ કેસમાં નોકરોની વર્તણૂંક સમજવાનો આપણને ખાસ મોકો નથી મળી શક્યો, કારણ કે તેઓ મોટે ભાગે સીબીઆઈની કસ્ટડીમાં જ રહ્યા છે અને જાહેરમાં તેઓ ઓછા દેખાયા છે. હા, તલવાર દંપતીને આપણે ખૂબ જોયા છે. ડે વનથી માંડીને હાઇકોર્ટના ચુકાદા સુધીની એમની જાહેર વર્તણૂંક આપણે જોઇ છે. એમના ચહેરાના હાવભાવથી માંડીને એમના શબ્દો અને એમના જેસ્ચર્સ તથા પોસ્ચર્સને દુનિયાએ જોયાં છે. માણસના મનની અંદર ચાલતી ગડમથલો અને કશ્મકશને છૂપી રાખવાનું એના માટે મુશ્કેલ હોય છે. ખાસ તો જ્યારે એણે જાહેરમાં દેખાવાનુ હોય. તલવાર દંપતીને આખા દેશે અવારનવાર જોયા છે. એમને જોઈને લોકોએ શું વિચાર્યું હશે, કેવા તર્કવિતર્ક કર્યા હશે? મને તો કેટલીક વાતો બહુ સ્પષ્ટ લાગી છે, છતાં એ મારી ધારણાઓ જ છે. કેટલાક નમૂના જોઈએ.
(1) હત્યા થઈ એની બીજી સવારે નુપુર તલવાર જે બહારની સૌથી પહેલી વ્યક્તિ સાથે વાત કરી એ વ્યક્તિ હતી નોકરાણી બાઇ ભારતી. નુપુર તલવારે એને એમ કહ્યું કે જો, આ હેમરાજે શું કરી નાંખ્યું. પોતાની દીકરીની હત્યા થઇ હોય એની જાણ શું કોઈ વ્યક્તિ પહેલા કામવાળી બાઇને કરે? અને આ રીતે? વાત જરાય હજમ થાય એવી નથી. (2) કોઇ પોતાની દીકરીની હત્યા કરીને ફરાર થઇ જાય ત્યારે માબાપની પ્રતિક્રીયા કેવી હોય? ગુસ્સો? રોષ? આક્રોશ? તલવાર દંપતીના વર્તનમાં આપણને આવો આક્રોશ ક્યારેય જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં માણસ ભાન ભૂલીને પોલીસ કે વહીવટી તંત્રને ગાળો આપવા માંડે એ પણ શક્ય છે. કોણે મારી નાખો મારી દીકરીને? જવાબ આપો. આવો આક્રોશ તલવાર દંપતીમા આપણે ક્યારેય જોયો નથી. કોઈ કહેશે કે તલવાર દંપતી એજ્યકેટેડ છે, સોફીસ્ટીકેટેડ છે એટલે આવી પ્રતિક્રીયા ન આપે. ના. આ વાત સાથે સહમત ન થઈ શકાય, કારણ કે લાગણીની ઉત્કટતામા ભણતરની શિષ્ટતા ટકી શકતી નથી. કોઈ એવી પણ દલીલ કરે કે તલવાર દંપતી પર શક હતો એટલે તેઓ ડઘાઈ ગયા હતા. આ દલીલ પણ સ્વીકારી શકાય એમ નથી, કારણ કે જો પોતે નિર્દોષ હોય તો આવા આક્ષેપથી માણસ વધુ આક્રમક બની જાય અને કદાચ આક્ષેપ કરનારને એક લાફો મારી દે. અને ચિલ્લાય કે તું શું બોલે છે એનું તને ભાન છે? તલવાર દંપતીમા આવી આક્રમકતા કયારેય જોવા નથી મળી. શા માટે? (3) આપણા ઘરમાં નાની ચોરી થાય ત્યારે આપણને કોઇના પર તો શક હોય છે કે એ કોણે કરી હશે. આપણે એવી કલ્પના પણ કરી લેતા હોઇએ છીએ કે તે દિવસે ઘરમાં બા એકલા હતા ત્યારે એ આવી હશે અને બાનુ ધ્યાન નહી હોય ત્યારે એણે વોચ સરકાવી લીધી હશે. આરુષિના પેરન્ટ્સને અનેક વાર પૂછવામાં આવ્યું કે આ હત્યા કોણે કરી હશે અને કઇ રીતે આ ઘટના બની હશે તો તેઓ કોઈ જ સ્પષ્ટ ઉત્તર આપી શક્યા નહોતા. એમણે ફક્ત એટલું જ કહ્યું કે કમ્પાઉન્ડર ક્રીષ્ણાની સાથે એમને અણબનાવ બન્યો હતો. આવી પ્રતિક્રીયા પણ સંતોષજનક નથી જણાતી અને શંકા ઉપજાવે એવી છે.
8. એકંદરે એવું લાગી રહ્યું છે કે અદાલતે તલવાર દંપતી ને બાઇજ્જત નિર્દોષ નથી છોડ્યા એ યોગ્ય જ છે. એમને ફક્ત પૂરાવાના અભાવે જ છોડવામાં આવ્યા છે એ વાત ઘણું મહત્વ ધરાવે છે. કારણ ફક્ત એ જ છે કે હાઇકોર્ટના ચુકાદા પછી પણ આ કિસ્સામાં હજુ ન્યાય નથી થયો એવી લાગણી સર્વત્ર પ્રવર્તે છે. લોકો કટાક્ષમાં કહે છે કે નો વન કિલ્ડ આરુષિ. આ કેસના મોટા ભાગના નક્કર પૂરાવા નષ્ટ થઈ ચૂક્યા છે. આથી ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ પણ કંઈ નહીં કરી શકે. આ કેસમાં જો કોઇ વધુ પ્રકાશ પાડી શકે એમ હોય તો એ છે તલવાર દંપતી. હત્યાકાંડમા એમની સીધી કે આડકતરી સંડોવણી બિલકુલ ન હોય એ વાત નિશ્ચિતપણે માની શકાય એમ છે. હકીકતમાં હું પણ માનું છું કે આરુષિની હત્યા એના માબાપે નથી જ કરી. સાથોસાથ એ પણ માનું છું કે આ કેસમાં તલવાર દંપતી એવી ઘણી વાતો જાણે છે, જે એમણે જાહેર નથી કરી. હવે નિર્દોષ છૂટ્યા પછી એ વાતો જાહેર કરવાની એમને કોઈ જરૂર પણ નહીં લાગે. આથી આરુષિ હેમરાજ હત્યાકાંડ પર આખરી પડદો પડી ગયો છે અને વાર્તા અધુરી રહી ગઈ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર