એક્ટિંગ તો કરવી જ પડે ભાઈ

05 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અભિનય ક્ષમતા વિશે હવે કોઈને શંકા નથી રહી, પરંતુ તેઓ વિદેશપ્રવાસ જાય ત્યારે તેમની આ કળા પૂરબહારમાં ખીલી ઊઠે છે. થોડા દિવસ પહેલા તેઓ ફેસબુકના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેમણે કેટલાક ઈમોશનલ દૃશ્યો ભજવ્યા. ત્યાંના ઓડિયન્સ માટે કદાચ આ નવી વાત હશે, પરંતુ ભારતીય પ્રેક્ષકો આવા ઉત્કૃષ્ઠ પ્રદર્શનો અવારનવાર માણી ચૂક્યા છે.

પોતાની માના ઉલ્લેખમાં નરેન્દ્ર મોદીએ ગળે ડૂમો બાઝી ગયો હોય એ રીતે કહ્યું કે હું નાનો હતો ત્યારે મારી માએ આડોશપાડોશના ઘરમાં જઈને વાસણો માંજ્યા હતા અને ઝાડુંપોતાં કર્યા હતા. પોતાના સંતાનોને ઉછેરવા માટે એક મા કેટલા કષ્ટ વેઠતી હોય છે. પશ્ચિમનું ઓડિયન્સ નરેન્દ્ર મોદીની રજૂઆતથી હલી ગયું.

ભારતમાં બીજેપીના સભ્યો અને ટેકેદારો સિવાયના પણ એવા કેટલાય લોકો છે, જે માને છે કે નરેન્દ્ર મોદીએ એ વખતે કોઈ અભિનય નહોતો કર્યો અને તેઓ ખરેખર લાગણીશીલ બની ગયા હતા. જો આ લોકોની વાત સાચી હોય તો પણ એટલું સ્વીકારવું જ પડશે કે નરેન્દ્ર મોદી ઈચ્છે ત્યારે લાગણીશીલ બની શકે છે. એમના હાવભાવ, એમના આંસુ, એમના અવાજ પર એમનો પૂરો કન્ટ્રોલ છે.

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે એટલે એમના વ્યક્તિત્વના આ પાસાંનો ખાસ ઉલ્લેખ કરવો પડે, બાકી અભિનય ક્ષમતા તો આપણા સૌમાં છે અને સામાજિક જીવનમાં ડગલેને પગલે આપણે આ અભિનયશક્તિનું પ્રદર્શન કરતા જ હોઈએ છીએ. જરા નિખાલસ બનીને વિચારીએ તો સમજાશે કે આપણા મોટી ઉંમરના માતા, પિતા, દાદા અને દાદી પણ જાહેરમાં એમના અભિનયના અજવાળાં પાથરતાં જ રહે છે. આમાંથી કોઈ બચી નથી શકતું.

સામાજિક જીવનમાં અભિનયનો સૌથી વધુ ઉપયોગ કોઈને અભિનંદન આપવા માટે કરવો પડતો હોય છે. આપણા પાડોશીનો દીકરો એસએસસીમાં પંચાણું ટકા લાવે તો આપણને એનો આનંદ શેનો થાય? એ છોકરાની અવળચંડાઈથી આપણે પૂરા પરિચિત હોઈએ અને ક્યાંકથી પેપરો મળી જવાના કારણ કે ઈવન મહેનતના કારણ એને પંચાણું ટકા આવી ગયા તો આપણા પિતાશ્રીના એમાં કેટલા ટકા? આમ છતાં જ્યારે એની મમ્મી પેંડાનું પેકેટ લઈને ઘરે આવે ત્યારે આપણે કેવો હરખ બતાવવો પડે? કેવા વખાણ કરવા પડે? અભિનયને વધુ વાસ્તવિક બનાવવા પત્નીએ તો ડાયલોગ્સ પણ બોલવા પડે. છોકરો તોફાની ખરો, પણ ભણવામાં બાકી કહેવું પડે!

સરકારી કે પ્રાઈવેટ ઓફિસમાં બોસના વખાણ કરવાનું એટલું જરૂરી બની ગયું છે કે, એમના કે એમના કામના વખાણ કરવામાં કોઈએ નવાજુદ્દીન સિદ્દીકી જેવી અભિનયશક્તિ કેળવવી નથી પડી. આવો અભિનય સહજ રીતે થઈ જાય છે. બોસ પણ આ વાત સમજતા હોય છે, એટલે તમારા વખાણની એમના પર કોઈ અસર નથી પડતી. મોટા ભાગના બોસ પોતાના વખાણ સાંભળ્યા પછી જ તમને ઠપકો આપતા હોય છે.

વખાણ કરવાની ક્રિયામાં એટલી બધી કૃત્રિમતા આવી ગઈ છે કે, કોઈના સાચા વખાણ થઈ જ ન શકે એવું લાગે. મસ્કા મારવા એ વખાણ કરવાનો પર્યાય શબ્દપ્રયોગ બની ગયો છે. સમજુ લોકો તો કોઈ વખાણ શરૂ કરે કે તરત જ પૂછી લે કે ભાઈ તને શું જોઈએ છે? ખરેખરું ઈનોવેશન તો વાસ્તવિક લાગે એમ વખાણ કરવાની અલગ અલગ રીતો શોધવામાં થવું જોઈએ.

કેટલાક લોકો પોતાના જ વખાણ કરવામાં એમની અભિનયક્ષમતા વેડફી નાંખતા હોય છે. કોલેજમાં મારા પર બધી છોકરીઓ મરતી હતી એલે મેં ટકો કરાવી નાંખેલો, જેથી થોડી છોકરીઓને રાહત મળે. કોઈ છોકરી સાથે હું રેસ્ટોરાંમાં જાઉં તો એ મને બિલ આપવા જ ન દે. મારા પપ્પા પહેલેથી દરિયાદિલ. એમણે બધી બચત એમના એક દોસ્તારને દુકાન ખરીદવા માટે આપી દીધી અને પછી પોતે એ દુકાનમાં નોકરીએ જોડાઈ ગયા. મારી મમ્મી તો એટલી ઈમોશનલ કે કોઈની તકલીફ વિશે સાંભળીને તરત રડી પડે. પોતાની બહેનપણીઓની તકલીફો વિશે સાંભળવા એ ક્યારેક દૂર દૂરનો પ્રવાસ કરતી અને પછી ત્યાં જઈને રડતી!

તમારી આત્મશ્લાઘામાં કોઈને રસ નથી હોતો. આથી અભિનય ગમે એવો સોલિડ હોવા છતાં પોતાના વખાણ કરનારી વ્યક્તિએ આખરે પોતે જ પોતાની કદર કરવી પડે છે.

નરેન્દ્ર મોદીની વાત પર પાછા આવીએ તો એમણે ઓડિયન્સમાં સહાનુભૂતિ જગાવવા માટે અભિનય કર્યો. સારા કલાકારો હંમેશાં અભિનયના આ પાસાંમાં માહેર હોય છે. માણસની જાત એટલી સ્વાર્થી છે કે સહજતાથી એ તમારી તકલીફ સમજતી નથી, સહાનુભૂતિ જતાવવાની વાત તો બાજુ પર રહી. આથી જ સામી વ્યક્તિની સહાનુભૂતિ મેળવવા માટે ખૂબ જ અસરકારક અભિનય દાખવવાનું જરૂરી બની જાય છે. સહાનુભૂતિ ફક્ત ડાયલોગ્સથી ન મળે, એ માટે આખી વાર્તા બનાવવી પડે. એમાં વાસ્તવિક લાગે એવી ઘટનાઓ ઉમેરવી પડે. એના વર્ણન કરવા પડે. અને એકદમ ધીમા અને ભીનાં અવાજે એની રજૂઆત કરવી પડે. નરેન્દ્ર મોદીની જેમ! જોકે જરૂરત પડે ત્યારે આ કળામાં બધા માહેર બની જાય છે. આમ જુઓ તો દરેક વ્યક્તિમાં એક ટ્રેજડી કિંગ પડ્યો છે. સંજોગો પેદા થતાં જ એની અભિનયશક્તિ ખીલી ઊઠે છે.

અમારા એક મિત્ર આ પ્રકારે અન્યોની સહાનુભૂતિ પેદા કરવામાં ઉસ્તાદ છે. તમે એને જ્યારે મળો ત્યારે એ હંમેશાં રડતા જ હોય. વેપારી તો ધંધાપાણી બાબતે રડતો હોય, પણ આ મિત્ર તો જીવનની દરેક બાબતે દુઃખી હોય અને પોતાની તકલીફોની જ વાત કર્યા કરે. આવા અભિનયના કારણે અમુક લોકોના મનમાં સાચી સહાનભૂતિ જાગે છે અને બાકીનાએ ખોટી સહાનુભૂતિ બતાવવા માટે સામો અભિનય કરવો પડે છે.

અમારા આ મિત્રની વિશેષતા એ છે કે એને મળીએ ત્યારે એમ લાગે કે આખી દુનિયામાં સૌથી દુઃખી એ જ છે. હકીકત એ છે કે બધા મિત્રોમાં સૌથી સુખી એ જ છે. સૌથી વધુ પૈસા અને સુવિધાઓ એની પાસે જ છે. એને જ્યારે કોઈ પ્રોબ્લેમ ઊભો થયો ત્યારે એની વાતો એ જોરશોરથી કરે અને બધા એને મદદરૂપ થવામાં લાગી જાય, પણ પ્રોબ્લેમ ઉકેલાઈ જાય ત્યારે એની જાણ ક્યારેય ન કરે. બોસે ઠપકો આપ્યો હોય તો એની વાત કરે, પણ પ્રમોશન મળ્યું હોય તો એની વાત ન કરે.

જાહેરમાં આપણે સૌ કોઈ અભિનય કરતા હોઈએ છીએ અને મહદ્ અંશે એ જરૂરી પણ છે. બધા જ માણસો મનમાં જે હોય એ જ બોલે અને એવું જ વર્તન કરે તો શું થાય એની કલ્પના કરવાનું મુશ્કેલ છે. મનમાં જે ન હોય એ બોલવું એને આમ તો દંભ કહેવાય, પણ આ દંભ સામાજિક જીવનનો એક હિસ્સો બની ગયો છે.

શા માટે આપણે આવો દંભ કરવો પડે છે એનો જવાબ શોધવાનું મુશ્કેલ છે. શક્ય છે કે આપણે જે સામાજિક મૂલ્યો સ્થાપિત કર્યા છે એને નિભાવવાની આપણી કોઈની ક્ષમતા નથી. તો પછી એ પ્રશ્ન થાય કે આવા મૂલ્યો શા માટે?

આપણી સામાજિક વ્યવસ્થામાં જરૂર કોઈક મોટી ગડબડ છે અને એને સુધારવી રહી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ એને તોડવાનો પ્રયાસ કરે છે. આપણને સૌને ખોટા મૂલ્યો વહાલા છે. એ મૂલ્યોને અનુસરવાનું પણ આપણને પસંદ નથી અને એનો અનાદર કરવાનું પણ સ્વીકાર્ય નથી. બસ, જાહેરમાં થતાં અભિનયના એપિસોડ્સ ચાલવા દો. એમાં જ મજા છે.

બાકી કોઈના અવસાન બાદ સ્મશાનમાં ગયા હોઈએ, ત્યાં બેઠા બેઠા કંટાળો આવતો હોય અને પાણીપુરી ખાવાનું મન થાય તો આપણે મૃત્યુ પામનારના સગાંને સાચું નથી કહી શકવાના તમારા કાકાનો મૃતદેહ બળી રહ્યો છે ત્યાં સુધીમાં હું જરા પાણીપુરી ખાઈને આવું. આપણે તો ટ્રેજડી કિંગ બનીને એમ જ કહેવું પડે કે એક અર્જન્ટ ફોન આવ્યો છે, મારે જવું પડશે. પંદરેક મિનિટમાં આવું છું.

આપણા સમાજમાં ગમે એવા ખોટાં કામ કરવા હોય તો એની છૂટ છે, ફક્ત અભિનય કરતાં આવડવું જોઇએ. નરેન્દ્ર મોદીના દંભની ટીકા કરવાનું ટાળો, એમની અભિનયશક્તિની પ્રસંશા કરો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.