બુફે જમણ માણવાની કળા
સૌથી પહેલા પત્નીના હાથનું જમણ જમવા વિશે બે જૂની જોક્સ.
1.) પતિઃ તું આ રોજ રોજ તુરિયાનું શાક શા માટે બનાવે છે. હું આજે નહિ ખાઈ શકું.
પત્નીઃ કમાલ છે, સોમવારે તુરિયાનું શાક તમે ચૂપચાપ ખાઈ લીધું. મંગળવારેય કોઈ ફરિયાદ ન કરી. બુધવારે તો બે વાર થાળીમાં લીધું. ગુરુવારે પણ નીચી મૂંડી રાખીને તુરિયાનું શાક ખાઈ ગયા તો આજે હવે શેનો વાંધો પડે છે?
2.) પતિઃ રોજ સાંજે તું એક જ શાક બનાવે છે. એ ન ભાવે તો મને તકલીફ થઈ જાય છે. કોઈ ઓપ્શન્સ તો હોવા જોઇએ ને?
પત્નીઃ છેને, તમારી પાસે બે ઓપ્શન્સ છે.
પતિઃ અરે વાહ કયા બે ઓપ્શન્સ છે?
પત્નીઃ પહેલો ઓપ્શન. જે શાક બનાવ્યું છે એ ખાઈ લો. બીજો ઓપ્શન છે ઊભા થઈને હાલતા થાવ. બહાર જમી લો.
ઉપરોક્ત બંને જોક્સ પરથી આપણે સમજી શકીએ છીએ કે ઘરમાં પત્નીના હાથે જમવાનું હોય ત્યારે આપણી પાસે કોઈ ઓપ્શન કે કોઈ ફેન્સી ચોઈસ નથી હોતી, પરંતુ ઈશ્વરના દરબારમાં કોઈની સાથે સાવ અન્યાય નથી થતો. વર્ષમાં એક-બે વાર લગ્નની મોટી સિઝન આવે છે અને એ નિમિત્તે આપણને લગ્નનું જમણ જમવાનો મોકો મળતો હોય છે.
પહેલાના સમયમાં ટેબલ ખુરશી પર બેસીને જમવાની પ્રથા હતી, જેમાં યજમાનો ક્યારેક આગ્રહ કરીને મીઠાઈ વધુ ખવડાવતા, પરંતુ એમાં એવી ખાસ મજા નહોતી આવતી. હવે મોટા ભાગના બુફે જમણ હોય છે. એટલે કે સેલ્ફ સર્વિસ. વિવિધ કાઉન્ટરો પરથી જે વાનગી પસંદ પડે એ પોતે જ લઈને ખાઈ લેવાની.
બુફે જમણના સામાજિક, આર્થિક કે ઐતિહાસિક પરીપેક્ષ્યમાં ઊંડા ઊતરવાની જરૂર નથી અને એના હેતુ વિશે જાણકારી મેળવવાની માથાકૂટ કરવાની પણ જરૂર નથી. બસ, એટલું વિચારી શકાય કે મહેમાનોની સગવડતા માટે તથા ખોરાકનો બગાડ ન થાય એ માટે કદાચ બુફે જમણની પ્રથા શરૂ થઈ હશે. ઘણા લોકો એવું માનતા હોય છે કે નોર્મલ જમણ એટલે ટેબલ ખુરશી પર બેસીને જમવાનું અને બુફે એટલે પોતાની મેળે ખાવાનું લઈને ઊભા ઊભા જમવાનું. ના. વાત એટલી સરળ નથી. બુફે ડિનરની પોતાની કેટલીક એટિકેટ અને રીતરસમો હોય છે. એના લાભ છે તો એના ગેરલાભ પણ છે. એમાં સગવડ છે તો એમાં અગવડ પણ છે. આપણું કામ છે બુફે જમણના દરેક પાસાને યોગ્ય રીતે સમજીને ખવાય એટલું વધુ ખાવું. તો પ્રસ્તુત છે બુફે ડિનર માણવાની એક બિનસત્તાવાર માર્ગદર્શિકા.
સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખવાનું કે તમે કોઈના લગ્ન એટેન્ડ કરવા જાવ ત્યારે તમારું પેટ બહુ હેવી ન હોવું જોઈએ. એનો અર્થ એ નથી કે તમે સવારથી કંઈ ખાવ જ નહિ અથવા આગલે દિવસે ઉપવાસ કરો, પરંતુ બુફે ડિનરના ચાર કલાક પહેલા ખાવાપીવાનું બંધ કરી દો તો સારું પડે. જો તમે ખરેખર બુફે ડિનર માણવા ગયા હોવ તો એ વાતને સતત યાદ રાખવી. તમારી સાથે જો પરિવારજનો હોય તો એમનું ધ્યાન રાખવાની કે બીજી કોઈ જ જવાબદારી માથે લેવી નહિ. બને ત્યાં સુધી પરિવારજનો સાથે વધુ વાતચીત પણ ન કરવી. કોણ જાણે અચાનક કયું કામ તમારા માથા પર આવી પડે.
તમે લગ્નમાં જાવ એટલે ઓળખીતા પાળખીતા ત્યાં મળવાના જ છે. મોટા ભાગના સગાંવ્હલાઓને આવા પ્રસંગે ટાઈમ પાસનો પ્રોબ્લેમ હોય છે અને તેઓ ફાલતુ વાતચીત કરવા માટે બકરાં શોધતા હોય છે. તમારે આવા લોકોની જાળમાં બિલકુલ નહિ ફસાવાનું. તેઓ જરા વાતચીત શરૂ કરે કે તરત તમારે કહેવાનું એક મિનિટ હું જરા આવ્યો. આમ કહીને ત્યાંથી સરકી જવાનું. જરાય શરમ નહિ રાખવાની. તમે બુફે ડિનર માણવા આવ્યા છો, કોઈ મજાક નથી. ટેક ઈટ સિરિયસલી.
લગ્ન સ્થળે પહોંચીને તમે ખુરશી પર ગોઠવાશો ત્યારે વેલકમ ડ્રિન્ક આપવાનું શરૂ થશે, જેમાં શરબત અથવા જ્યુસ હશે. અમુક જગ્યાએ સ્ટાર્ટર્સ પણ આપવામાં આવતું હોય છે. તમારે એને એવોઇડ કરવાનું. આ સ્ટાર્ટર્સમાં મોટા ભાગે ચીઝની આઈટમો હોય છે, જે ખાવાથી ભૂખ ઓછી થઈ જાય છે. જો બહુ મન થાય તો જ્યુસના એક-બે ઘૂંટ પીવા.
તમે થોડા ઠરીઠામ થશો એટલે બુફે ડિનરના કાઉન્ટરો પર સળવળાટ શરૂ થશે. ગરમ-ગરમ વાનગીઓ ગોઠવવાનું કામ શરૂ થશે. કેટરિંગવાળાના છોકરા છોકરીઓ આમતેમ દોડાદોડ કરતાં દેખાશે. બસ આ જ સમયે તમારે પોતાની જગ્યા પરથી ઊભા થવાનું. તમારે ચૂપચાપ ઊભા થઈને બુફેના કાઉન્ટરોની દિશામાં પ્રયાણ કરવાનું.
લગ્ન પ્રસંગોમાં હાજરી આપનારા લોકોમાં એક દંભ સાર્વત્રિક છે. બધા મહેમાનો જમવા માટે આવ્યા હોય છે, છતાં જમવાની બાબતે તેઓ શરમ અને સંકોચ અનુભવતા હોય છે. આથી બુફે ડિનર તૈયાર થઈ ગયું હોવા છતાં કોઈ પહેલ કરીને જમવાનું શરૂ નથી કરતું. તમારે હિંમતવાન બનવાનું છે એટલે તમારે પહેલ કરવાની. તમે વહેલી શરૂઆત કરો એના અનેક ફાયદા છે. એક તો દરેક વાનગી તાજી, ગરમ અને પૂરતી માત્રામાં મળી રહે. બીજું, તમે વધુ સમય જમતા રહી શકો. ત્રીજું, લાઇન કે ગિર્દી ઓછી નડે.
તમે જમવાનું શરૂ કરો, પ્લેટમાં એક પણ આઈટમ લો એ પહેલા દરેક કાઉન્ટરનો એક ઉડતો સર્વે કરવાનું ખૂબ જ આવશ્યક છે. ખાસ તો છેલ્લા ક્લાઇમેક્સનો વિચાર સૌથી પહેલા કરી લેવો. ક્લાઈમેકસ એટલે કે ડેઝર્ટ્સમાં કઈ કઈ આઈટમો છે એ ચેક કરી લો. આમાં મનભાવે એવી મીઠાઈઓ હોય, આઈસક્રીમ હોય, ફ્રૂટ્સ હોય અને બીજું પણ કંઈક ફેન્સી હોઈ શકે. ડેઝર્ટ્સમાં તમે કઈ વાનગી કેટલી ખાશો એ પહેલેથી નક્કી કરી લો, જેથી એના માટે પેટમાં જગ્યા રાખવાની ખબર પડે. દા.ત. તમે વીસ ટકા જગ્યા ડેઝર્ટ્સ માટે રાખવાનું નક્કી કરો. આમ તો આ ફાઈનેન્સિયલ પ્લાનિંગ જેવું જ કામ છે.
હવે તમે જેના માટે આવ્યા છો એ કામ શરૂ કરો. પ્લેટમાં એ લોકો એક જ ચમચી આપતા હોય છે, પરંતુ તમારે બે ચમચી રાખવાની. કામ લાગે. સૌથી પહેલા સૂપને ન્યાય આપવો. જો એ ભાવે એવું હોય તો. ત્યાર પછી સ્ટાર્ટર્સની વાનગીઓનો અભ્યાસ કરવો. મુંબઈ ચાટના કાઉન્ટર પર સેવપૂરી કે રગડા પેટીને એવોઈડ કરવા. એના બદલે એકાદ પ્લેટ પાણી પૂરી ખાઈ શકાય. એ અપેટાઈઝરનું કામ કરે. સ્ટાર્ટરમાં તો ભાવે એ જ ખાવાનું હોય, છતાં હેવી હોય એ ઓછું ખાવું. ઈટાલિન, મેક્સિકન વગેરે જેવી એક્ઝોટિક વાનગીઓના મોહમાં પડવું નહિ. એક તો એ ભાવે કે નહિ એ નક્કી હોય અને બીજું એમાં મોટે ભાગે બ્રેડ, બટર અને ચીઝ વધુ હોય. એકંદરે સ્ટાર્ટર્સ જ તમારું મુખ્ય જમણ છે એમ માની લેવાનું. વિવિધ ફરસાણ, બાર્બેક્યુ, સાઉથ ઈન્ડિયન એ બધુ એકસાથે તમે બહાર ક્યારેય ખાઈ ન શકો, પરંતુ બુફે ડિનરમાં તમને એ ચાન્સ મળતો હોય છે.
સ્ટાર્ટર્સ ખાતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. કોઈપણ વાનગી ટેસ્ટ કરવા માટે પ્લેટમાં લીધા પછી ન ભાવે તો એ સઘળી યુઝ્ડ ડિશના ડબ્બામાં પધરાવી શકાય. કોઈ તમને જોવા નથી બેઠું અને જૂએ તો પણ શું. કાઉન્ટર સંભાળતા કેટરિંગવાળાના છોકરા છોકરીએ ભલે ગમે એવા સજ્જ થઈને ઊભા હોય, એમનાથી જરાય શરમાવાનું નહિ. એ લોકો તમને સર્વ કરવા માટે ત્યાં ઊભા છે. જો કોઈ વાનગી ત્રીજી કે ચોથી વાર લેતા તમને સંકોચ થાય તો એ માણસોને વ્યવસ્થાને લગતી કોઈ હળવી ફરિયાદ કરવી અથવા એમને કોઈ કામ સોંપી દેવું. બેટા, ત્યાંથી એક નાનો બાઉલ લાવી દે ને.
સ્ટાર્ટર્સની વાનગીઓથી તમારે તમારું સાંઈઠ ટકા પેટ ભરી દેવું. એકદમ મસ્ત તબિયતથી સ્ટાર્ટર્સ માણ્યા પછી મેઈન ફૂડના કાઉન્ટર પર જવું. મેઈન ફૂડ તમારે વીસ ટકા જ ખાવાનું છે. આથી ત્યાં પરાઠા, કુલચા વગેરે એવોઈડ કરવું. એકદમ મનગમતા કોઈ શાકની સાથે રોટીનો એક નાનો ટુકડો ખાઈ શકાય. બાકી તો બિરયાની અથવા રાઈસની બીજી કોઈ આઈટમ ખાઈ લેવી, જેથી જમણ જમ્યાનો સંતોષ થાય. આ રીતે તમારું પેટ એંશી ટકા ભરાઈ ગયું. હવે ઊપડો ડેઝર્ટ્સના કાઉન્ટર પર.
ત્યાં સૌથી પહેલા ફ્રુટ્સ આરોગો. ત્યાર પછી મનભાવતી મીઠાઈઓ પર મારો ચલાવો અને છેલ્લે આઈસક્રીમ. આઈસક્રીમ ખવાઈ જાય એ પછી ફરી ફ્રુટ્સ ખાવ, ફરી મીઠાઈઓ પર હાથ મારો અને પછી આઈસક્રીમ. તમારા પેટમાં બીજા ચાલીસ ટકા ઠલવાઈ જાય ત્યાં સુધી આવા રાઉન્ડ્સ ચલાવતા રહો. તમને થશે કે એંશી ટકા તો મેઈન ફૂડમાં પૂરા થઈ ગયા હતા તો બીજા ચાલીસ ટકા કેમ. ભલા માણસ, તમે બુફે જમણ માણવા આવ્યા છો. થોડી અતિશયોક્તિ તો કરવી જ પડે ને. પેટ ભરાયા પછી બીજું વીસ ટકા વધુ ન જમીએ તો બુફે જમણ માણ્યું કઈ રીતે કહેવાય.
હવે છેલ્લી વાત. લગ્નનું જમણ જમ્યા પછી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની જે મજા માણી હતી એનું કોઈ જ હેંગઓવર ન રાખવું. એટલે કે કે કઈ વાનગી કેવી હતી અને તમે કેટલી ખાધી ને મેં કેટલી ખાધી એની ચર્ચા બિલકુલ ન કરવી. એમ કરવાથી સ્વાદિષ્ટ વાનગીઓ પ્રત્યે માયા બંધાઈ જાય છે, જે પછીના સમયમાં આપણને પીડા આપે છે. વાનગીઓના સ્વાદ અને એની યાદને લગ્નસ્થળે જ મૂકી આવવું. કારણ કે પછી તો આપણે દરરોજ પાછું પત્નીના હાથનું જ, ઓપ્શન વગરનું સાદુ જમણ જમવાનું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર