ભ્રષ્ટાચાર સામેનો આ જંગ નકલી છે

19 Dec, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: media.licdn.com

આઠ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના મુખ્ય આશય સાથે પાંચસો અને હજાર રૂપિયાની નોટો રદ કરી અને દેશભરમાં એક અનોખો માહોલ સર્જાઇ ગયો. ત્યારથી આજના દિવસ સુધી દેશમાં ભક્ત ભ્રષ્ટાચારની જ વાતો ચાલી રહી છે. શાસક પક્ષ કહે છે કે સરકારે ભ્રષ્ટાચાર સામે મોટો જંગ છેડ્યો છે અને એમાં દરેક દેશવાસીઓએ સાથ આપવો જોઇએ. વિરોધ પક્ષો સરકારના ઇરાદા પર શંકા કરે છે અને નિષ્ણાતો નોટબંધીના અમલની ટીકા કરે છે તેમ જ એના ગેરફાયદા વર્ણવે છે. સરકાર વળતો પ્રહાર કરતા કહે છે કે વિરોધ પક્ષો અમને ભ્રષ્ટાચાર સામે લડવા નથી દેતા. આક્ષેપો અને પ્રત્યાક્ષેપોમાં ભ્રષ્ટાચાર કેન્દ્રમાં છે.

ભ્રષ્ટાચાર અચાકન કંઇ દેશનો મુખ્ય પ્રશ્ન નથી બની ગયો. 2011માં અન્ના હઝારેની આગેવાની હેઠળ દેશભરમાં ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ શરૂ થઇ હતી. અરવિંદ કેજરીવાલ, કુમાર વિશ્વાસ, કિરણ બેદી, પ્રશાંત ભુષણ, યોગેન્દ્ર યાદવ વગેરે જેવા અનેક નેતાઓ આ ઝુંબેશમાં સક્રિય બન્યા હતા. ગરીબથી માંડીને ધનવાન સુધીના દરેક વર્ગને આ ભ્રષ્ટાચારવિરોધી ચળવળે પ્રભાવિત કર્યા હતા. એટલે સુધી કે, વિદેશમાં વસતાં કેટલાય ભારતીયો પણ આ લડતમાં જોડાવા સ્વદેશ આવી ગયા હતા. ભ્રષ્ટાચાર સામેની એ લડત કંઇક અંશે સફળ થઇ એમ કહી શકાય, કારણ કે જેની સામે આ આક્ષેપો હતા એ કોંગ્રેસ તથા યુપીએ સરકારનું પતન થયું અને 2014ની લોકસભાની ચૂંટણીઓમાં એ પક્ષોની હાર થઇ.

ત્યાર પછી તો ગંગામાં ઘણા પાણી વહી ગયા છતાં ભ્રષ્ટાચારની ગંગા એવીને એવી જ મેલી રહી. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી ત્યાર પછી પણ ભ્રષ્ટાચારની ઘટનાઓ નિયમિતપણે બનતી જ રહી છે. વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ, પંકજા મુંડે વગેરે જેવા નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ થયા, પરંતુ બીજેપી દ્વારા એને નકારી કાઢવામાં આવ્યા. ત્યાર પછી પણ સરકાર પર ભ્રષ્ટાચારના અનેક આરોપ થયા, છતાં જાણે કંઇ બન્યું જ ન હોય એમ સરકાર ચાલતી રહી છે.

પછી અચાનક એક દિવસ વડા પ્રધાને પાંચસો તથા હજાર રૂપિયાની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લઇને ભ્રષ્ટાચાર સામે પોતે મોટો જંગ છેડ્યો હોવાનું એલાન કર્યું. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આવી નોટબંધીથી મોટા મોટા ભ્રષ્ટ અને દુષ્ટ લોકો બરબાદ થઇ જશે, એમનું કાળું નાણું ખતમ થઇ જશે. આ રીતે પ્રારંભમાં લોકો ખુશ જણાયા સરકારને સાથ આપવા લાઇનોમાં ઊભા રહ્યા. પરંતુ છેલ્લા દોઢ મહિના દરમિયાન સાવ ઊલટી જ ઘટનાઓ બની રહી છે. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો બેન્કો તથા એટીએમની લાઇનમાં કલાકો સુધી ઊભા રહે છે અને ધનાઢ્ય લોકો પાસે કરોડો રૂપિયાની નવી ચલણી નોટોની થપ્પીઓ પહોંચી ગઇ હોવાના કિસ્સા બહાર આવતા રહે છે. આટલું ઓછું હોય એમ રિજ્જુ જેવા બીજેપીના નેતાઓ સામે ભ્રષ્ટાચારના મોટા આરોપ લાગ્યા છે. બીજેપીએ મોટા પાયે જૂની ચલણી નોટો વટાવી લીધી હોવાના આરોપ થયા છે. જમીનો અને બાઇકો ખરીદી હોવાના અહેવાલ આવે છે. વાત ઘણી વિકૃત બની ગઇ છે છતાં દેખાવ એવો થઇ રહ્યો છે કે ભ્રષ્ટાચાર સામે કોઇ મોટો જંગ ચાલી રહ્યો છે. ખરેખર, દેશમાં કોઇ એબ્સર્ડ નાટક ભજવાઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પ્રજા પોતાની મુશીબતોમાં એવી ફસાઇ છે કે રાજકીય પક્ષોને એણે ગંભીંરતથી લેવાનું જાણે બંધ કરી દીધું હોય એમ લાગે છે. કહેવાતી આર્ય નારી જેમ દારૂડિયા પતિને નિયતી તરીકે સ્વીકારીને પડ્યું પાનું નિભાવી લે એમ પ્રજાએ નોટબંધીને કારણે ઊભી થયેલી તકલીફને સ્વીકારી લીધી છે. થાક અને કંટાળો એટલા બધા છે કે કોઇ નોટબંધી વિશે પૂછે તો વિરક્તભાવે કહી દે છે કે જે થયું એ, કંઇક સારા માટે કર્યું હશે સરકારે.

અત્યારે ભ્રષ્ટાચાર સામે જે કહેવાથી ઝુંબેશ ચાલી રહી છે એની સરખામણી 2011ની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ સાથે થઇ શકે એમ નથી. બન્ને વચ્ચે બહુ  મોટો ફરક છે. એ સમયે બે જ પક્ષો હતા. એક તરફ ભ્રષ્ટ શાસકો હતા અને બીજી તરફ જાહેર જીવનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા તેમ જ નેક ઇરાદા ધરાવતા અગ્રણી નાગરિકો હતા. કિરણ બેદી, મીરાં સન્યાલ, કુમાર વિશ્વાસ, અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભુષણ, યોગેન્દ્ર યાદવ, વગેરે હજુ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. આંદોલનમાં પારદર્શકતા હતી. અન્ના હઝારેનું સ્ટેચર ઇમર્જન્સી સમયના જયપ્રકાશ નારાયણ જેટલું ઊંચું હતું. આંદોલનના છેલ્લા તબક્કામાં કિરણ બેદી તથા વી. કે. સિંહ બીજેપીની તરફેણ કરી રહ્યા હોય એવા સંકેત મળ્યા હતા, છતાં એકંદરે આદોલનનો ઇરાદો શુભ અને સ્વચ્છ હોવાની પ્રતીતિ થતી હતી.

આજે સ્થિતિ કેવી છે? ભ્રષ્ટાચાર સામે મોટી લડત ચાલી રહી હોવાના પોકળ દાવા થઇ રહ્યા છે, પરંતુ લડત ચલાવનાર પક્ષની કોઇ વિશ્વસનીયતા નથી. જ્યારે સરકારના પ્રધાનો જ ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવાયેલા હોય ત્યારે સરકાર ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કઇ રીતે કરી શકે?

ખરેખર તો ભ્રષ્ટાચાર સામેની લડતનું એક મોટું તૂત ચાલી રહ્યું છે દેશમાં. હકીકત એ છે કે ભ્રષ્ટાચાર કોઇ કાળે દૂર થવાનો નથી. અમુક પગલાં ભરવાથી ભ્રષ્ટાચાર સાવ નાબૂદ થઇ શકે એવી માન્યતા ધરાવતા લોકો નાદાન છે અને ભ્રષ્ટાચારને ખરા અર્થમાં સમજ્યા જ નથી. સદગત ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ વિશ્વભરમાં બનતી ઘટના છે. આ સત્યનો પૂરાવો આપણને અવારનવાર મળતો રહે છે. ગરીબમાં ગરીબ રાષ્ટ્રથી માંડીને સૌથી વધુ વિકસીત દેશમાં પણ ભ્રષ્ટાચાર થતો રહે છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે અને લગભગ સદાકાળ છે.

શા માટે ભ્રષ્ટાચાર આવું મોટું દુષણ હોવા છતાં એને નાબૂદ કરવાનું લગભગ અસંભવ છે? ભ્રષ્ટાચારના મૂળમાં શું છે?

પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી.

ભ્રષ્ટાચાર વિશે આનાથી વધુ અસરકારક સમજ બીજે ક્યાંય જાણવા મળતી નથી. અંગત જીવનમાં કે જાહેર જીવનમાં માણસ નીતિમત્તાવાળો વહેવાર કરવા સમાજ સાથે બંધાયેલો હોય છે અને શક્ય હોય ત્યાં સુધી એ પોતાની ફરજ નિભાવે છે. સમસ્યા ત્યારે થાય છે, જ્યારે એના હાથમાં સત્તા આવે છે અથવા એ જેની સાથે વહેવાર કરે છે એની પાસે સત્તા આવે છે. હાથમાં સત્તા આવતા જ સંબંધો તેમ જ વહેવારના સમીકરણો બદલાઇ જાય છે. સત્તા હાથમાં આવ્યા પછી સત્તાધારી વ્યક્તિ એનો દૂરોપયોગ  કરવા લલચાય છે. એટલે કે એના વિચાર અને આચાર ભ્રષ્ટ થાય છે. પછી એના વહેવારમાં નીતિ નથી રહેતી.

ભ્રષ્ટ આચાર અનેક પ્રકારના હોઇ શકે, જાતિય શોષણ કરવું, નોકરીમાં કામચોરી કરવી, હપ્તા માંગવા, ખંડણી માંગવી, ખોટી રીતે ટેન્ડરો પાસ કરવા વગેરે જેવી અનેક પ્રવૃત્તિને ભ્રષ્ટાચાર ગણી શકાય.

આપણે અહીં મુખ્યત્ત્વે જાહેર જીવનના ભ્રષ્ટાચારની ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ તો રાજકીય નેતાઓ તથા સરકારી અધિકારીઓ દ્વારા થતાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્દ્રમાં છે. 1998માં યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયાના ક્લિટગાર્ડ રોબર્ટે આ વિશે અભ્યાસ કરીને એક બહુ સરળ સમીકરણ રજૂ કર્યું હતું. એમણે કહ્યું કે ભ્રષ્ટાચાર કરતાં પકડાઇ જવાની તેમ જ એ માટે કારવાઇ થવાની શક્યતા અને એના કારણે મળનારી સજા કરતાં જો ભ્રષ્ટાચાર દ્વારા થનારો લાભ વધુ મોટો હોય તો ભ્રષ્ટાચારની ઘટના બનશે જ. વાહ. આપણા દેશના સંદર્ભમાં આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજાઇ જાય છે. આપણે ત્યાં ભ્રષ્ટાચાર કરતાં પકડાઇ જવાની શક્યતા ઓછી હોય છે, પકડાયા પછી એ માટેની કારવાઇ થાય એવી શક્યતા ઓછી હોય છે અને કારવાઇ થાય તો પણ જે સજા મળે એની સામે ભ્રષ્ટાચાર દ્વારા થનારો લાભ ઘણો મોટો હોય છે.

ક્લિટગાર્ડે બીજું પણ એક સમીકરણ આપીને સમજાવ્યું છે કે સત્તાની મોનોપોલી તથા ભ્રષ્ટ પ્રવૃત્તિમાં જે પ્રમાણમાં એકાઉન્ટિબિલિટી અને પારદર્શકતા હોય એના આધારે ભ્રષ્ટાચારનું પ્રમાણ નક્કી થાય છે. એટલે કે જો કોઇ કહેવાવાળું અને પૂછવાવાળું ન હોય ત્યાં બેફામ ભ્રષ્ટાચાર થશે.

આ રીતે જો ભ્રષ્ટાચારને સમજવાની કોશિષ કરીએ તો લાગશે કે ભ્રષ્ટાચાર એ કોઇ નિશ્ચિત વર્ગ કે ખાસ ક્ષેત્રમાં જ થાય છે એવું નથી. રાજકારણીઓ પણ ભ્રષ્ટ હોઇ શકે અને શિક્ષકો પણ ભ્રષ્ટ હોઇ શકે. સરકારી કચેરીમાં જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો જ ભ્રષ્ટાચાર કોઇ એનજીઓમાં પણ થઇ શકે, જાહેર હોસ્પિટલમાં પણ થઇ શકે. ભ્રષ્ટાચાર કરનાર કોઇ પોલીસ અધિકારી પણ હોઇ શકે અને ઇન્કમ ટેક્સનો અધિકારી પણ હોઇ શકે. એટલે સુધી કે એન્ટી કરપ્શન વિભાગનો અધિકારી પણ ભ્રષ્ટાચાર કરી શકે.

ભ્રષ્ટાચાર એ માનસિકતા છે. એ કોઇ દંડાત્મક પગલાં કે ઉપદેશથી નાબૂદ ન થઇ શકે. એ માટે વ્યક્તિ કે સમાજે સ્વૈચ્છીક રીતે નૈતિક વલણ અપનાવવું પડે. આ નૈતિકતા એટલી સબળી જોઇએ કે હાથમાં સત્તા આવે તો પણ મન ભ્રષ્ટ ન થાય.

આજના સમયમાં આવી સશક્ત નૈતિકતાની અપેક્ષા રાખવી નક્કામી છે. હા, ભ્રષ્ટાચાર સામેનો રોષ અવારનવાર આપણે અનુભવીશું, પરંતુ આ દુષણ ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થવાનું નથી. ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કોઇ એક વર્ગ કે પક્ષની સામે ચાલે તો એની કોઇ વિશ્વસનીયતા ન રહે.  ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ ચલાવનાર વર્ગ કે પક્ષ પર જ જો ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો હોય તો એવી ઝુંબેશની કોઇ વિશ્વસનીયતા ન રહે. ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવનાર વ્યક્તિ કે વર્ગ કોઇ પણ પ્રકારની શંકાથી પર હોવા જોઇએ. તો જ એ ઝુંબેશની વિશ્વસનીયતા રહે. આથી જ એવું માની શકાય કે ભ્રષ્ટાચાર જેટલું જ મોટું દુષણ છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની કોઇ નકલી ઝુંબેશ, કદાચ એથી પણ મોટું દુષણ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.