કયા વ્યવસાયને સેવા ગણી શકાય?

07 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત સૈનિકોનું વન રેન્ક વન પેન્શન માટેનું આંદોલન ચાલી રહ્યું હતું, જેમની માગણી શનિવારે સરકારે સંતોષી લીધી છે. પણ આ નિમિત્તે મને સચીન તેન્દુલકર યાદ આવી ગયો. કારણ એ કે કોચીમાં એ એક ભવ્ય વિલા ખરીદવાનો છે. અલબત્ત, આ વિલા ખરીદવા માટે સચીને મારી પાસે લોન નથી માગી કે નથી એ વિશે એણે મને ઈન્ફોર્મ કર્યું. મને તો છાપાંમાં છપાયેલા અહેવાલમાંથી આ જાણકારી મળી છે. જાણકારી જાણીને મારા મનમાં ભયંકર ઈર્ષ્યા થઈ. સચીનને જ્યારે જ્યારે કોઈ માન સન્માન કે પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટના કોન્ટ્રેક્ટ્સ મળે છે ત્યારે મને દુઃખ થાય છે.

સચીન જ શા માટે ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ આ બધા ક્રિકેટર્સ ઐયાશીમાં આળોટે છે એટલે એ બધાની મને ઈર્ષ્યા થાય છે. મને ઈર્ષ્યા થાય છે એવું તો મારા ક્રિકેટઘેલા મિત્રો મને ગુસ્સામાં કહે છે. હકીકતમાં તો મને આ ક્રિકેટર્સ પર ગુસ્સો આવે છે. મને ખબર છે કે મારો ગુસ્સો અસ્થાને છે અને ગુસ્સો કરું એમાં એમને ઝાઝો ફરક પણ પડવાનો નથી! પણ, ખરેખર તો મને સરકાર પર ગુસ્સો આવવો જોઈએ.

આપણા દેશમાં કયા વ્યવસાયને કેટલું મહત્ત્વ અપાય છે અને શા માટે એ મહત્ત્વ અપાય છે એ વિશે ખાસ ચર્ચા નથી થતી. સૈનિકોના આંદોલનના મુદ્દા પરથી ફક્ત એટલું જ વિચારવાનું કે લશ્કરી જવાને પોતાનો જાન જોખમમાં મૂકીને જે વ્યવસાય અપનાવ્યો એને સેવા કહેવાય કે પોતાને મનગમતી રમત રમીને કરોડો રૂપિયા કમાવાની પ્રવૃત્તિને સેવા કહેવાય?

હવે આટલી ગોળગોળ વાતો કર્યા પછી સાવ સીધી વાત કરું તો ક્રિકેટની રમતને સેવા ગણવામાં આવે છે એની સામે મને સખત વાંધો છે. માણસ રમત રમે એને સેવા કઈ રીતે કહેવાય?  જ્યારે પણ કોઈ ક્રિકેટર નિવૃત્ત થાય ત્યારે એના દરેક રીતે ગુણગના ગાવામાં આવે છે અને અચૂકપણે એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે એણે ક્રિકેટ રમીને દેશની બહું મોટી સેવા કરી છે. તંબૂરો.

શિક્ષક ભલે કોચિંગ ક્લાસમાં જઈને એક્સ્ટ્રા પૈસા કમાતો હોય, પણ એ વ્યવસાયને હું સેવા ગણું છું. ડોક્ટર કે નર્સ ભલે થોડીઘણી બેદરકારી દાખવે અને ક્યારેક વધુ પૈસા પણ કમાઈ લે. છતાં એમનો વ્યવસાય ઉમદા છે એટલે એને સેવા ગણી શકાય. ઉદ્યોગપતિઓ ભલે પોતાની તિજોરી ભરતા રહે. પણ ઉદ્યોગોનો વિકાસ કરીને, લોકોને રોજગારી પૂરી પાડે છે. એને પણ સેવા કહી શકાય. પણ ક્રિકેટ રમનારા ખેલાડીઓ દેશની સેવા કરે છે એવું કઈ રીતે કહી શકાય? એમ તો ટેનિસ, બેડમિંગ્ટન કે ફૂટબોલ રમનાર ખેલાડી પણ કોઈ રીતે દેશની સેવા નથી કરતો કે કરતી. આપણા દેશમાં રમતવીરોને જરા વધુ પડતા માથે ચડાવવામાં આવે છે. હા, યુવાનોના વ્યક્તિત્વ વિકાસમાં વ્યાયમ અને એથ્લેટિક્સનું મહત્ત્વ છે, પરંતુ કરોડોની કમાણી કરતા ક્રિકેટરોને તમે રમતવીર ગણો અને એમને ખેલરત્ન, પદ્મભુષણ વગેરે જેવા ખિતાબ આપો એ ખોટું છે. આમાં પણ મારા જિગરી દુશ્મન સચીન તેન્દુલકરને તો ભારતરત્ન આપી દેવામાં આવ્યો. એણે ક્રિકેટ રમીને દેશની એટલી બધી સેવા કરી છે કે એને સંસદસભ્ય બનાવી દેવામાં આવ્યો છે. જોકે સંસદમાં હાજર રહેવાનો એની પાસે સમય નથી એ વાત અલગ છે.

ક્રિકેટની મેચ જોવાનું મને પણ ગમે છે. ફિક્સિંગ થયું હોય છતાં મેચ રસાકસીના તબક્કામાં હોય તો હું પણ ઉત્તેજના અનુભવું છું અને રમતને માણું છું, પણ એનો અર્થ એ નથી કે ક્રિકેટર્સ મારા ભગવાન બની જાય.

હમણા શ્રીલંકા સામેની એક મેચમાં ઈશાંત શર્મા નામના એક લઘરવઘર અસંસ્કારી ક્રિકેટરે મેદાન પર એવું અભદ્ર વર્તન કર્યું કે એ જોઈને મનમાં એવો પ્રશ્ન જાગે કે આ ભાઈને બીસીસીઆઈએ કેટલા લાડ કરાવ્યા હશે કે એ આટલો બગડી ગયો? વિરાટ કોહલી પણ મેદાન પર ડ્રામેબાજી કરવા માટે કુખ્યાત છે.

આની સામે ગાવસકર, તેન્દુલકર, દ્રવિડ વગેરે જેવા ખેલાડીઓ પ્રમાણમાં ઠરેલ છે, પણ એનાથી કંઈ એમના માટે મારા મનમાં કોઈ વિશેષ માન નથી જાગતું. આ બધા ખેલાડીઓ વચ્ચે એકમાત્ર સામ્ય એ છે કે એ બધાએ પોતાની મનગમતી પ્રવૃત્તિમાં જિંદગીના મહત્ત્વના વર્ષો વીતાવ્યા. એટલે કે મજા જ મજા કરી. આમ છતાં આપણા દેશની ભોળી પ્રજાના મનમાં એવું ઠસાવવામાં આવે છે કે એમણે દેશની સેવા કરી. તંબૂરો.

ક્રિકેટર્સમાં આપસી સ્પર્ધા હોવાનું ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ જ્યારે એમના વ્યવસાયની વાત આવે ત્યારે બધા જ એકસરખું ગીત ગાવા માંડે છે. કોઈ મામૂલી ક્રિકેટર નિવૃત્ત થાય ત્યારે પણ અન્ય સિનિયર ક્રિકેટર્સ એને એવી અંજલિ આપે છે કે જાણે પાકિસ્તાન સાથેના ત્રણેય યુદ્ધોમાં એણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હોય. આપણા મોટા ભાગના ક્રિકેટર્સને તો સ્વૈચ્છીક રીતે નિવૃત્તિ લેવાનું ગમતું જ નથી હોતું. મોટા ભાગના કેસમાં નિવૃત્તિ માટે એમને રીતસર ધક્કા મારવા પડે છે. ગાવસકર, વિશ્વનાથ, કપિલ દેવ, સચીન તેન્દુલકર વગેરે જેવા દરેક મોટા ખેલાડીઓએ કરિયરના અંતિમ તબક્કામાં બધી જ લાજશરમ મૂકી દીધી હતી. વી.વી.એસ. લક્ષ્મણ નામના એક ચીટકુ બેટ્સમેનને પણ નિવૃત્ત થવાનું પસંદ નહોતું અને જ્યારે એને ડ્રોપ કરવામાં આવ્યો ત્યારે એણે પસંદગીકારો સામે નારાજગી વ્યક્ત કરી. પછી એ નિવૃત્ત થયો એટલે એની ટીકા કરનારા બધા જ એની પ્રસંશા કરવા માંડ્યા. ઓસ્ટ્રેલિયા સામે એ એક સારી ઈનિંગ્સ રમ્યો હતો એને બધા જ ખેલાડીઓ વારંવાર યાદ કરવા લાગ્યા. પણ એ કેટલી વાર નિષ્ફળ ગયો હતો  એ વાતને કોઈએ યાદ ન કરી.

ક્રિકેટર્સ માટે તો ટેસ્ટ અને વન ડે મેચોની નિવૃત્તિ પછી પણ કામકાજ ચાલુ રહી શકે છે. ટ્વેન્ટી ટ્વેન્ટીમાં તો જાણે ઉંમરનો કોઈ બાધ જ નથી, ફક્ત રંગીન કપડાં પહેરીને ફટકાબાજી કરવાનું મહત્ત્વ હોય છે. આઈપીએલને લીધે અનેક વૃદ્ધ ક્રિકેટરોને જીવતદાન મળ્યા. સૌરવ ગાંગુલીને તો આઈપીએલની ટીમમાંથી નિવૃત્ત કરવા માટે પણ ધક્કા મારવા પડ્યા હતા. એ જ રીતે  સચીન તેન્દુલકરને મુંબઈ ઈન્ડિયન્સમાંથી હટાવવામાં આવ્યો હતો.

મેદાનમાં કોઈ પણ પ્રકારની રમત ન રમી શકતા ક્રિકેટર્સ હવે કોમેન્ટરી બોક્સમાં ગોઠવાય જાય છે અને પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે. કપિલ દેવ આટલા વર્ષો પછી પણ સારું અંગ્રેજી કે હિન્દી બોલતા નથી શીખ્યો. સચીન તેન્દુલકર કમેન્ટેટર તરીકે ફ્લોપ છે.

ક્રિકેટર્સ માટેના મારા આ ગુસ્સાનું કારણ ફક્ત એ છે કે અન્ય ઉમદા વ્યસાયોની સરખામણીમાં એને વધુ પડતું મહત્ત્વ મળે છે. બાળકોના જીવનનું ઘડતર કરતાં શિક્ષકો અને દેશની રક્ષા કરતાં સૈનિકોએ પેન્શન માટે આંદોલનો કરવા પડે છે ત્યારે દેશને કોઈ પણ રીતે મદદરૂપ ન થતાં ખેલાડીઓને શાન શોહરત અને ઐયાશી મળે છે. સાનિયા મિરઝા વિમ્લ્ડનનું ડબલ્સનું ટાઈટલ જીતે એમાં દેશને શો ફાયદો થાય એ વાત હું હજુ નથી સમજી શક્યો. એણે દેશને ગૌરવ કઈ રીતે અપાવ્યું અને દેશની સેવા કઈ રીતે કરી કહેવાય એ વાત હું હજુ સુધી નથી સમજી શક્યો. એની પાસે પ્રેરણા લઈને બીજી પચાસ છોકરીઓ ટેનિસ રમવા માટે પ્રેરાય અને એમાંની પાંચ દસ ટોપ રેન્કની ટેનિસ ખેલાડી બને તો પણ શું? એનાથી દેશને શો ફાયદો થાય? વિદેશમાં રહેતા કોઈ ભારતીયે એવું ક્યારેય નથી કહ્યું કે સચીન તેન્દુલકર અને સાનિયા મિરઝાના કારણે અમને અહીં કોઈ વિશેષ સુવિધા મળે છે અથવા અમને માનપાન મળ્યા છે.

વાત વ્યવસાય- વ્યવસાય વચ્ચેના ભેદભાવની છે. માર્કેટ ફોર્સિસની વિરુદ્ધમાં જવાનું વહેવારુ નથી. ભલે ક્રિકેટરો અઢળક કમાણી કરે, પણ કમ સે કમ એમને વધુ પડતા આદરથી જોવાનું બંધ થવું જોઈએ. એમના વ્યવસાયને સેવા ગણવાનું બંધ થવું જોઈએ. એમને સરકારી એવોર્ડ તો અપાય જ નહીં. એમને કોઈ પ્રકારની વિશેષ સુવિધા કે છૂટછાટ પણ ન મળવી જોઈએ. આ માગણી સાથે હું તો જંતરમંતર પર  એક આંદોલન કરવાનું વિચારી રહ્યો છું. તમારે જોડાવું હોય તો બોલો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.