ફેક એન્કાઉન્ટર અને કસ્ટડી ડેથઃ વાતમાં વજૂદ છે
આપણી ન્યાય પ્રણાલિમાં એક એવો મૂળભૂત સિદ્ધાન્ત સ્વીકારવામાં આવ્યો છે કે સો ગુનેગાર છૂટી જાય તો ચાલે, પણ એક નિર્દોષને સજા ન મળવી જોઇએ. આ ભાવના ઉત્તમ છે, પરંતુ વહેવારમાં એવું બનતું આવ્યું છે અધમમાં અધમ ગુના કરનારા લોકો પૂરતા પૂરાવાના અભાવે નિર્દોષ છૂટતા રહે છે. આથી ખરા અર્થમાં ગુનેગારો કે નિર્દોષ લોકો સાથે ન્યાય થતો નથી. આ વિસંગતિની પાછળના કારણો અનેક છે.
ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે કોઇ રીઢા અને વગદાર ગુનેગારની સામે એકદમ સજ્જડ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હોય, એનો ગુનો પણ સાવ દેખીતો હોય, છતાં એની સામે જુબાની આપવા કોઇ આવે જ નહી. આ રીતે એની સામેનો ગુનો પૂરવાર નથી થઇ શકતો અને એ બાઇજ્જત નિર્દોષ છૂટી જાય છે. દરેક શહેરમાં, દરેક રાજ્યમાં આવા માથાંભારે તત્ત્વો જોવા મળે છે.
આ ઉપરાંત, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો ખોફ પણ ઘણી વાર પ્રવર્તતો હોય છે. માફિયાના ડરથી સામાન્ય માણસો જ નહીં, પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડરતા હોય છે. આ રીતે માફિયા ગેંગનો પ્રભાવ વધતો રહે છે.
ગુનેગારો અને રાજકારણીઓ વચ્ચેની સાંઠગાંઠ પણ ગુનેગારોને છાવરવામાં કારણભૂત બનતી હોય છે. કોઇ માથાંભારે અને પ્રામાણીક પોલીસ અધિકારી આવી મોટા ગુનેગારોની પાછળ પડી જાય તો થોડા જ સમયમાં એની બદલી થઇ જાય. પોલીસ અધિકારી મક્કમ રહીને ગુનેગારો સામેની કારવાઇ ચાલુ રાખે તોય છેવટે એ માથાંભારે ગુનેગારોના ગુના સાબિત કરી શકતો નથી.
ગુનેગારો સામે વધુ કડક રીતે કામ લેવા મિસા, ટાડા, પોટા વગેરે જેવા કેટલાક નવા કાનૂન ઘડવામાં આવ્યા છે, પરંતુ એ કાયદા મોટા ભાગે આરોપીને વધુ સરળતાથી પકડવા માટે કે એને વધુ સમય કસ્ટડીમાં રાખવા માટે કે એને જામીન ન મળે એ માટે ઘડવામાં આવ્યા છે. એનાથી પોલીસને શંકાસ્પદ લોકોને પકડવામાં અને કદાચ એમની સામે ઝડપથી ચાર્જશીટ તૈયાર કરવામાં સરળતા પડે છે, પરંતુ મૂળ સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહે છે. ગુના કરનારના ગુના સરળતાથી અને જોઇએ એટલી ઝડપથી પૂરવાર થતા નથી. ઘણી વાર તો ખુલ્લેઆમ આચરવામાં આવેલા ગુનામાં પણ અનિષ્ટ તત્વો નિર્દોષ છૂટી જતાં હોય છે. આવી ઘટનાઓ બહુ જ સામાન્ય બની ગઇ છે. આવા મામલા જ્યારે વધુ પ્રસિદ્ધિ પામે ત્યારે લોકોમાં રોષની લાગણી પેદા થાય છે. પ્રજામાં પ્રવર્તતા આ રોષની લાગણીને વાચા આપતી પહેલી ફિલ્મ પ્રકાશ ઝાએ બનાવી હતી. 1979થી 1980 દરમિયાન ભાગલપુરની જેલમાં રીઢા ગુનેગાર મનાતા કાચા કેદીઓની આંખમાં એસિડ નાંખીને એમને આંધળા બનાવી દેવામાં આવ્યા એ સત્યઘટના પરથી પ્રકાશ ઝાએ 'ગંગાજલ' ફિલ્મ બનાવી અને લોકોએ એને પસંદ કરી હતી. ફિલ્મમાં રીઢા ગુનેગારો સાથે ક્રૂરતાથી કામ લેવું જોઇએ એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી 'વેનસડે' ફિલ્મ બની, જે ખૂબ વખણાઇ અને એ ફીલ્મને કેટલાય એવોર્ડ્સ પણ મળ્યા. વેનસડેમાં ત્રાસવાદના ગુના હેઠળ પકડાયેલા આરોપીઓને ન્યાયકીય પ્રક્રીયા પહેલા જ ઠાર કરી દેવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. ગંગાજલ અને વેનસડે એ બન્ને ફિલ્મોની થિમ એક જ હતીઃ રીઢા ગુનેગારોને સજા આપવામાં થતી ઢીલ ચલાવી લેવાય નહીં. ફેંસલો તત્કાળ થવો જોઇએ.
રીઢા ગુનેગારો પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાથી અનેક વાર પ્રજાનો રોષ વધી જતો હોય છે અને આવા રોષના દબાણમાં આવીને અથવા ન્યાયકીય પ્રક્રીયાની બિનઅસરકારતાથી કંટાળીને પોલીસ ક્યારેક કાયદો પોતાના હાથમાં લઇ લે છે અને સર્જાય છે ફેક એન્કાઉન્ટર અથવા કસ્ટડી ડેથ. ન્યાયકીય પ્રક્રીયાના વિલંબનથી ત્રાસીને પોલીસ જ્યારે પોતે ફેંસલો કરી નાંખે છે ત્યારે બે પ્રકારની પ્રતિક્રીયા પેદા થાય છે. એક તો રોષ અનુભવતી પ્રજા તથા આવી રીતને સાચી માનનારા લોકો તરફથી એ ફેંસલાની પ્રસંશા થાય છે અને એને સમાજના હીતનું કૃત્ય ગણવામાં આવે છે. બીજી તરફ માનવતાવાદી મત ધરાવતા લોકો પોલીસનાં આવા પગલાંનો વિરોધ કરે છે અને એવો સૈદ્ધાન્તિક આગ્રહ વ્યક્ત કરે છે કે પોલીસે કોઇ પણ સંજોગોમાં કાયદો પોતાના હાથમાં લેવો ન જોઇએ અને ગુનેગારને એની નિર્દોષતા સાબિત કરવાનો હક્ક મળવો જોઇએ.
આમ તો બન્ને પક્ષો પોતપોતાની રીતે સાચા છે. પોલીસ કાયદો પોતાના હાથમાં લઇને રીઢા ગુનેગારોને ખતમ કરી શકે તો એ પોતાની વિશેષ સત્તાનો દૂરોપયોગ પણ કરી શકે અને અન્ય નિર્દોષ લોકોને પણ રંજાડી શકે. બીજી તરફ રીઢા ગુનેગારો વારંવાર ગુના કરીને છટકી જતાં હોય તો એમની સાથે કામ પાર પાડવામાં સંયમ શા માટે જાળવવો જોઇએ એવી દલીલમાં પણ વજુદ છે. નિર્દયતાથી સાવ નિર્દોષ લોકોની હત્યા કરનારા ત્રાસવાદીઓને સામાન્ય નાગરિક જેવા અધિકાર ન મળવા જોઇએ એવી દલીલ સાવ નાંખી દેવા જેવી નથી.
જ્યારે જ્યારે ફેક એન્કાઉન્ટર કે કસ્ટડી ડેથના કિસ્સા બને છે ત્યારે આ પ્રકારનો વિવાદ જરૂર ઊભો થાય છે. રાજકોટમાં બે રીઢા ગુનેગારો પેંડા અને લુણાગરિયાના ના કહેવાતા કસ્ટડી ડેથને કારણે ફરી આ વિશેની ચર્ચા શરૂ થઇ છે. આ સમસ્યાનું મૂળ ક્યાં છે? અને એનો ઇલાજ શો છે?
એક મોટી સમસ્યા એ છે કે રીઢા ગુનેગારો તથા ત્રાસવાદીઓ સામે કામ ચલાવવામાં તથા એમના કેસના ફેંસલામાં અસાધારણ વિલંબ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ઘણા કિસ્સામાં સ્પેશ્યલ કોર્ટ તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે છે, છતાં એનાય અસરકારક પરીણામ જોવા નથી મળતા. 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો તેર વર્ષે આવ્યો. મુંબઇ પરના હુમલાના ગુનેગાર અજમલ કસાબને ચાર વર્ષે ફાંસી મળી.
ન્યાયકીય પ્રક્રીયામાં થતાં વિલંબ કરતાં પણ વધુ મોટી સમસ્યા ન્યાયતંત્રના અભિગમની હોય એવું લાગે છે. આરોપી સામેનો ગુનો પૂરવાર કરવા માટે ભારતમાં 1872માં ઘડાયેલા ઇન્ડિયન એવિડન્સ એક્ટનો આધાર લેવામાં આવે છે. આરોપી સામેનો ગુનો પૂરવાર કરવા માટેની પૂરી પ્રક્રીયાનું માર્ગદર્શન આ કાયદાના આધારે લેવાનું હોય છે. આ કાયદમાં મુખ્યત્વે બે બાબતો મહત્ત્વની હોય છે. એક તો કોર્ટ કયા પ્રકારના પૂરાવાને માન્ય રાખે અને કયા પૂરાવાને માન્ય ન રાખે એનો ફેંસલો ન્યાયમૂર્તિએ કરવાનો હોય છે.
પૂરાવા કોર્ટમાં રજૂ થયા પછી એ કેટલા આધારભૂત છે એનું મૂલ્યાંકન ન્યાયમૂર્તિએ કરવાનું હોય છે. આ માટે પૂરાવા સંબંધીત હકીકતોને પૂરવાર કરવાની હોય છે. હકીકતને બે રીતે પૂરવાર કરી શકાય, એક મૌખિક રીતે અને બીજી દસ્તાવેજી આધાર સાથે. સ્વાભાવિકપણે દસ્તાવેજી પૂરાવાને વધુ આધારભૂત ગણવામાં આવે છે.
ફેંસલો કરતા પહેલા ન્યામૂર્તિ પાસે બે સાધનો ઉપલબ્ધ હોય છે. એક, જે બાબતો મૌખિક કે દસ્તાવેજી રીતે નક્કર રીતે (કન્ક્લુઝિવ એવિડન્સ) પૂરવાર થઇ ચુકી હોય એને પૂરવાર થયેલી હકીકત તરીકે સ્વીકારી લેવાની હોય છે. એમાં ન્યાયમૂર્તિ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ નથી કરી શકતા. બીજું, જે બાબતો હકીકત તરીકે પૂરવાર નથી થઇ શકી એમાં ન્યાયમૂર્તિએ પોતાની રીતે પૂરાવાનું મૂલ્યાંકન કરીને એ નક્કી કરવાનું હોય છે કે હકીકત પૂરવાર થઇ છે કે નહીં. છેવટે ગુનો પૂરવાર થયો છે કે નહીં એનો ફેંસલો કરવાનો હોય છે.
આ સમગ્ર પ્રક્રીયામાં ગુનો પૂરવાર કરવાની જવાબદારી પ્રોસિક્યુશનના માથે હોય છે એટલે કે બર્ડન ઓફ પ્રૂફ પ્રોસિક્યુશન પર હોય છે. આમ છતાં સંજોગો તથા ભૂતકાળની ઘટનાઓ કે પૂરાવાના આધારે ન્યાયમૂર્તિ પોતાની રીતે પૂરાવાનું મૂલ્યાંકન કરીને ફેંસલો શકે છે.
ન્યામૂર્તિઓ પોતાની વિવિકબુદ્ધિ વાપરીને જાહેર હીતની અનેક બાબતોમાં સબ્જેક્ટિવ રીતે ફેંસલો કરતા હોય છે અને આવા જ્યુડિશિયલ એક્ટિવિઝમની સૈદ્ધાન્તિક રીતે ટીકા થતી હોય છે, પરંતુ સરકારી પગલાંની વિરુદ્ધના ન્યાયમૂર્તિના આવા ફેંસલા પ્રજામાં પ્રિય બનતા હોય છે.
રીઢા ગુનેગારો તથા ત્રાસવાદીઓ સામેની કાનૂની પ્રક્રીયા વખતે ન્યાયમૂર્તિઓ આવા જ્યુડિશિયલ એક્ટિવિઝમ વાપરીને કાયદાપોથીમાં થોડી છૂટછાટ લે તો આ સમસ્યા ઘણી હળવી બની શકે. રીઢા ગુનેગારો તથા ત્રાસવાદીઓ વિશેનો ફેંસલો કરતી વખતે જો ન્યાયમૂર્તિઓ પ્રવર્તમાના કાનૂની પ્રક્રીયાના બંધનમાંથી મુક્ત થઇને મૂલ્યાંકન તથા ફેંસલા કરે એ જરૂરી છે. આ સંદર્ભનો એક ઊડીને આંખે વળગે એવો કિસ્સો મુંબઇમાં ત્રાસવાદી હુમલો કરીને અનેક નિર્દોષ નાગરિકોને રહેંસી નાંખનાર અજમલ કસાબનો છે. 2008માં કસાબે છત્રપતિ શિવાજી ટર્મિનસ પર બેફામ ગોળીબાર કર્યો એનું સીસીટીવી કેમેરાનું ફૂટેજ ઉપલબ્ધ હતું અને સમગ્ર દુનિયાએ એ જોયું. આમ છતાં કસાબને ગુનેગાર ઠેરવવા માટે અદાલતને ચાર વર્ષ લાગ્યા. હકીકતમાં કસાબને ગુનેગાર ઠેરવવા માટે બે દિવસથી વધુ સમયની જરૂર નહોતી.
જો આપણે ઇચ્છતા હોઇએ કે રીઢા ગુનેગારો તથા ત્રાસવાદીઓ સાથે ડીલ કરવામાં પોલીસ કાયદો પોતાના હાથમાં ન લે તો આવા તત્વોને અંકુશમાં રાખવાની જવાબદારી બીજા કોઇએ લેવી પડે. અદાલતો આમાં પહેલ કરી શકે. કાયદાની દરેક આંટીઘૂંટી અને છટકબારીઓનો લાભ ગુનેગારો મેળવે એ પહેલા અદાલતે પૂરાવાનું મૂલ્યાંકન વાસ્તવિક ભૂમિકાના આધારે કરવાનું શરૂ કરવું જોઇએ. બર્ડન ઓફ પ્રૂફ પ્રોસિક્યુશનના માથાં પરથી ઓછો થવો જોઇએ. રીઢા ગુનેગારો અને ત્રાસવાદીઓ સાથે માનવતા ભલે દાખવીએ, પણ એમને સામાન્ય નાગરિકને મળે એવી જેવી છૂટછાટો શંકાના લાભ તો ન જ આપી શકાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર