દાનેશ્વરી કર્ણ હાઝિર હો

14 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

થોડા સમય પહેલા ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાને ચેન્નાઈના પૂરપીડિતો માટે એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી કે તરત એની ટીકા શરૂ થઈ ગઈ. કોઈ માણસ આવું સારું કામ કરે તો એને અપજશ કેવી રીતે મળી શકે? શાહરૂખ ખાનના કેસમાં આવું બનવાનું કારણ એ હતું કે એની નવી ફિલ્મ ‘દિલવાલે’ રિલીઝ થઈ રહી છે એટલે લોકોએ સાચું કે ખોટું ધારી લીધું કે પોતાની ફિલ્મની પબ્લિસિટી કરવા માટે શાહરૂખે આ દાન કર્યું.

વેલ, આમાં બે વાત સાચી છે. એક તો એ કે ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય એ પહેલા ભયંકર માર્કેટિંગ કરતા થઈ ગયા છે એ એક હકીકત છે. બીજું, પબ્લિસિટી મેળવવા માટે લોકો દાન પણ કરતા હોય છે. શાહરૂખના કેસમાં આપણે ખાતરીથી ન કહી શકીએ કે એણે પબ્લિસિટિ માટે જ દાન કર્યું હતું, શક્ય છે એના હ્રદયમાં કરુણા છલકાઇ ગઇ હોય. આમ છતાં એક હકીકત એ છે કે કોઈ પણ માણસને જ્યારે પ્રસિદ્ધિની ભૂખ લાગે અને એની પાસે એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય તો એને દાનધર્મ કરવાનો વિચાર આવે ખરો.

આપણા જેવા ગરીબ દેશમાં દાનનો મહિમા મોટો છે. આપણી પરંપરા પણ ત્યાગ ભાવનાને મહત્ત્વ આપે છે અને એમાં દાનધર્મની ગાથાઓ તો ગામેગામ પ્રચલિત છે. એટલે સુધી કે ડાકુ અને લૂંટારુઓની દાનધર્મની વાતો પણ પ્રચલિત થઈ ગઈ છે. ભૂપત બહારવટિયાએ કેટલા લોકોને લૂંટ્યા એના કરતાં એણે કેટલા લોકોને મદદ કરી એની વાયકાઓ વધુ સાંભળવા મળે છે.

જોકે હવે ભૂપત બહારવટિયા જેવા ડાકુઓ પેદા થતાં નથી. હવે તો  સાવ સીધાસાદા ડાકુઓ જોવા મળે છે, જેઓ આડી, અવળી અને ઊભી રીતે લોકોને લૂંટતા ફરે છે. ભૂપત પોતાની બ્રાન્ડ ઈમેજ સુધારવા માટે  દાનધર્મ કરતો હતો કે નહીં એની ખબર નથી, પરંતુ આજકાલના અનેક લૂંટારુઓ તમને નામ અને પ્રસિદ્ધિ કમાવા માટે દાનધર્મ કરતા જોવા મળશે. આવા લોકોને ખબર છે આપણી પાસે ભલે ગમે એટલા પૈસા હોય, લોકોના મનમાં આપણી કોઈ ઈજ્જત નથી. આથી ઈજ્જત કમાવા માટે તેઓ મન મનાવીને પૈસા ઢીલા કરવા તૈયાર થઈ જાય છે, દાનધર્મ કરવા તૈયાર થઈ જાય છે.

દાનધર્મ કરવામાં આમ તો કંઈ જ ખોટું નથી, પણ જ્યારે એમાં ‘ક્વિડ પ્રો ક્વો’ એટલે કે એક હાથે દો અને બીજા હાથે લોની રીતરસમ ભળે ત્યારે થોડો પ્રોબ્લેમ થાય. માણસનો મૂળભૂત સ્વભાવ સ્વાર્થી છે. એને બીજા કોઈનું ભલુ કરવામાં રસ નથી હોતો. આથી દાનધર્મ કરવો એ એક પ્રકારની અનનેચરલ વૃત્તિ છે. કોઈ શા માટે બીજા માટે ભોગ આપે ?   પોતાના નસીબના કે પોતાની મહેનતના પૈસા શા માટે બીજાને આપી દે?  આના જવાબમાં ફક્ત બે જ મુદ્દા સામે આવે. એક તો જેના હ્રદયની અંદર એક પ્રકારનો કરુણાભાવ વહે છે એ માણસ માટે માનવીય મૂલ્યોની કિંમત પૈસા કરતા વધુ હોય છે. આવા માણસો અન્યોના દુઃખ અને દર્દ પોતે અનુભવતા હોય છે. એમની વેદનાનો અહેસાસ પોતે કરી શકે છે અને આ લાગણીથી દોરવાઈને તેઓ બીજા મનુષ્ય માટે કંઈક કરવા તૈયાર થઈ જાય છે. સાચું કહું તો આવા માણસો બહુ જ રેર હોય છે. આમાં પાછા બે પ્રકાર હોય છે. એક એવા જેઓ દાનધર્મ તો કરે છે, પણ પ્રસિદ્ધિથી દૂર ભાગતા ફરે છે. કોઈ પણ જગ્યાએ મદદની જરૂર પડે તો એ તરત ખિસ્સામાં હાથ નાંખે છે, પણ પોતાનું નામ ક્યાંય ન આવે એની તકેદારી રાખે છે. આમાં બીજા પ્રકારના એ હોય છે, જેમને પ્રસિદ્ધિ મળે કે ન મળે એની કોઈ પડી નથી હોતી. બિલ ગેટ્સ કે વોરેન બફેટ એટલા મોટા પાયે સખાવત કરે છે કે એમની વાત છાપે ન ચડે એ શક્ય જ નથી. આવા લોકો દ્વારા થતાં સારા કામોથી અન્ય લોકોને પ્રેરણા પણ મળતી હોય છે. આમાં કરુણાભાવની સાથોસાથ સામાજિક કમિટમેન્ટની ભાવના મહત્ત્વની હોય છે. થોડા સમય પહેલા મેં અરવિંદ મફતલાલ વિશે વાંચ્યું હતું. એમણે પોતાના જીવનના છેલ્લા ચાલીસ વર્ષ અન્યોની સેવા કરવામાં વીતાવ્યા હતા. એમણે અનેક સખાવતો કરી હતી એટલું જ નહીં, જેના થકી ગરીબો અને રહિતો પગભર બની શકે એવી અનેક સંસ્થાઓ પણ શરૂ કરી હતી. આવી વિભૂતિઓ સમાજ માટે આશીર્વાદરૂપ હોય છે.

આની સામે ત્રીજો અને સાવ થર્ડ ક્લાસ પ્રકાર એવા દાનવીરોનો છે, જેઓ દાનધર્મ તો કરે છે, પણ એની સામે એમને પૂરતું વળતર જોઈએ છે. આ લોકોના મનમાં કરુણાભાવના જેવું કંઈ હોતું નથી કે નથી કોઈ સોશિયલ કમિટમેન્ટ. આવા લોકો દાનધર્મની સામે મોટી અપેક્ષાઓ રાખતા હોય છે. મોટા ભાગના કેસમાં એમને પ્રસિદ્ધિ જોઈતી હોય છે.

એ પણ હજુ ઠીક છે કે ચાલો તમે દાનધર્મ કર્યો એની સમાજ કદર કરે, પરંતુ વળતરની પાકી ગણતરી અને પ્રસિદ્ધિની ભૂખને કારણે અનેકવાર વાત બીભત્સ સ્તરે પહોંચી જતી હોય છે. રાહત દરે ચાલતી કેટલીય ભોજનશાળાઓમાં દાતાઓના ફોટોગ્રાફ્સ ટીંગાડેલા હોય છે. આમાં મોટા ભાગના ફોટામાં તો જીવિત દાતાઓના મૃત પૂર્વજોના ફોટા ટીંગાડેલા હોય છે. આવા ફોટોગ્રાફ્સની વચ્ચે માણસ ભોજન કેવી રીતે કરી શકે? છતાં કરે છે. મજબૂરી હોય છે. અનેક સંસ્થાઓ સમાજ સેવાના સારા કામો કરતી હોય છે, પરંતુ સંસ્થાના દાતાઓ આરબ શેખો જેવા વટ સાથે ફરતા હોય છે. કેટલીક સંસ્થાઓમાં તો ડોનેશનની રકમની સાથે પ્રસિદ્ધિ પામવાના લેવલ નક્કી થતા હોય છે. દા.ત. દાતાઓની મદદથી કોઈ હોસ્પિટલ બની રહી હોય અને એ માટે દાતાઓ પાસેથી પૈસા લેવાના હોય તો એમાં આ પ્રકારના ભાવતાલ નક્કી કરવામાં આવેઃ

એક વોર્ડઃ દશ લાખ રૂપિયા

એક બેડઃ બે લાખ રૂપિયા

લેબોરેટરીઃ પાંચ લાખ રૂપિયા

ઓપરેશન થિયેટરઃ વીસ લાખ રૂપિયા

રિસેપ્શન કાઉન્ટરઃ એક લાખ રૂપિયા.

આનો અર્થ એ કે જો તમે લેબોરેટરી માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપો તો લેબોરેટરીને તમારા પરિવારના જે સભ્યનું નામ ઈચ્છો એ મળે.

અનેક સંસ્થાઓમાં ડોનેશન્સ અને એના દ્વારા મળતા પ્રસિદ્ધિના લાભોની બોલી લાગતી હોય છે. આ પ્રકારના ડોનેશન્સમાં કરુણાની કોઈ ભાવના નથી હોતી. માર્કેટિંગવાળાની જેમ કેટલાક દાતાઓ તો પ્રસિદ્ધિ માટે વિશેષ માગણી પણ કરતા હોય છે. જેમ કે અમારા પિતાજીને શાલ ઓઢાડીને એમનું સન્માન કરો અથવા અમારી દીકરીને બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા જાહેર કરો.

દાનવીરોના આવા વિવિધ પ્રકારોના મિક્સઅપને કારણે થોડા કન્ફ્યુઝન પેદા થયા છે. પહેલી વાત તો, જે લોકોને અંદરની વાતોની જાણકારી નથી હોતી એ લોકો બધાને એકસરખા ગણે છે. બીજું, સારા કામ કરતી સંસ્થાઓમાં એક બીભત્સ કલ્ચર ઊભું થાય છે. ત્રીજું, જે હેતુ સાથે સંસ્થા કાર્યરત હોય છે એ હેતુ જ રફેદફે થઈ જતો હોય છે.

જોકે એક વાત છે, કે ખરેખર સાચા ઉદેશ્ય સાથે જે લોકો સારા કામો કરતા હોય છે, પૈસા ખર્ચ કરતા હોય છે એમને આવી બાહ્ય જંજાળની અસર નથી થતી હોતી, કારણ કે એમનું મોટિવેશન અંદરથી આવે છે. આથી જ એમને વળતર કે પ્રસિદ્ધિની ખેવના નથી હોતી. મનમાં કરુણાભાવ ન હોય તો પણ સમાજ પાસેથી ફક્ત લીધા જ કરવાની વૃત્તિ હોવા કરતાં ક્યારેક સમાજને પાછું આપવાની ભાવનાની કદર તો કરવી પડે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.