ચિંતનમુક્ત સાહિત્યની ઝુંબેશમાં કોણ જોડાવા માગે છે?
બે દિવસ પહેલા હું મારા એક વકીલમિત્રને મળવા ગયો હતો. મેં પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે હું જે જાહેર હીતની અરજી કરવા માગુ છું એમાં મારો કોઇ સ્વાર્થ નથી અને એ ખરા અર્થમાં એક જાહેર હીતનો મામલો છે. મેં એ પણ કહ્યું હતું કે હું એક પણ પૈસો ખર્ચી શકું એમ નથી એટલે તારે મફતમાં આ જ કામ કરવાનું છે. મિત્રને મળીને તરત જ એનો સમય બગાડ્યા વિના મેં એને કહી દીધું કે સાત-આઠ ગુજરાતી લેખકો સામે પીઆઇએલ ઠોકવાની છે અને તેઓ હવે નવો એક પણ શબ્દ ન લખી શકે એ માટેનો સ્ટે ઓર્ડર કોર્ટ પાસેથી લેવાની મારી ઇચ્છા છે.
વકીલમિત્રે મારી વાત સાંભળીને પૂછ્યું કે શું લખે છે એ લેખકો અને શા માટે તેઓ સમાજ માટે જોખમી છે? મેં એને કહ્યું કે હવે એ બધામાં પડવાનો અર્થ નથી રહ્યો. હવે તો એક્શન જ લેવું પડે એમ છે. આખરે વકીલમિત્રે એ લેખકોના નામ પૂછ્યા. મેં કહ્યું કે આ બધા ગુજરાતી ભાષામાં ચિંતન વિશે લખતા રહે છે. જીવન શું છે એ વિશે અને સાત્વિક જીવન માણસે કઇ રીતે જીવવું એ વિશેની સલાહ લોકોને આપતા રહે છે. એમને કોઇ રોકવાવાળું જ નથી. આટલું કહીને મેં સાતઆઠ ગુજરાતી લેખકોના નામ આપ્યા. નામો સાંભળતા જ મારો વકીલ મિત્ર ખુરશી પરથી ઊભો થઇ ગયો. ખૂણામાં પડેલું કબાટ ખોલીને અંદર ગોઠવેલા પુસ્તકો બતાવતા બોલ્યો કે આ બધા પુસ્તકો તેં જે નામો કહ્યા એ લેખકોના જ છે. આ પુસ્તકો તારી પાસે ક્યાંથી આવ્યા એવા મારા પ્રશ્નના જવાબમાં એણે કહ્યું અમુક ભેટમાં મળ્યા છે, અમુક કોઇને ભેટમાં મળેલા અને પછી મારી પાસે આવી ગયેલા છે, અમુક ખરીદેલા છે. મેં પૂછ્યું કે આમાંના કેટલા પુસ્તકો તેં વાચ્યા છે? તો વકીલમિત્રે કહ્યું કે એકપણ નહીં. સમય મળે ત્યારે વાંચીશ. સવાલજવાબ દરમિયાન મારો મિત્ર સંબંધીત લેખકો માટેનો અહોભાવ છોડતો નહોતો. વાંચ્યા વિના કોઇ લેખક માટે અહોભાવ રાખવો એ આપણા ગુજરાતીઓની એક ખાસિયત છે. શોખ ખાતર પુસ્તકો ખરીદવા અને પછી એ વાંચવા નહીં એ ગુજરાતીઓની બીજી ખાસિયત છે. આવા લોકોને સમજાવવાનું પણ મુશ્કેલ હોય. મને ખાતરી થઇ ગઇ કે હવે આ ભાઇ મારું કામ નહીં કરે. હું હતાશ થઇ ગયો. મને લાગ્યું કે જીવન નિરર્થક છે.
કંટાળીને આત્મહત્યા કરવા માટે હું બાન્દ્રાના સી લિન્ક બ્રિજ પર ગયો. દરિયામાં નીચે કૂદવા જતો હતો ત્યાં જ એક ભિક્ષુક લહેકાથી બોલ્યો, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત... આમ ઇન્ટરવલમાં પિક્ચર છોડીને ન જવાય. મુંબઇમાં ગુજરાતી ભિક્ષુક મળવો દુર્લભ છે. એમાંય સાહિત્યરસિક ભિખારી મળે તો બે વાર આત્મહત્યા કરવાનું મન થાય. છતાં ઉત્સુકતાને વશ થઇને હું એની પાસે ગયો. મેં એને કહ્યું કે હું ચિંતનલેખનથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું, તને એમાં શો વાંધો છે? ભિક્ષુકે કહ્યું કે આવા નાના કારણસર આત્મહત્યા શા માટે કરો છો? મને સોપારી આપો, હું એ બધાને ઊઠાવી લઇશ. સાવ સસ્તામાં. મને રસ પડ્યો. મેં પૂછ્યું કે સસ્તામાં એટલે કેટલા સસ્તામાં? ભિક્ષુકે કહ્યું કે એ તો ઇન્ડિવિજ્યુઅલ કેસ પ્રમાણે ભાવ થાય. કોઇના પંચોતેર, સવા સો તો કોઇના દોઢસો, અઢીસો. હું ખુશ થઇ ગયો. હજાર પંદરસોમાં તો એક આખું ટોળું સાફ થઇ જાય એમ હતું. ભિક્ષુક સાથે બીજા દિવસે એ જ સ્થળે મળવાનું નક્કી કરીને હું ઘરે આવ્યો.
ઘરે આવીને મે ચિંતન વિશેનું ચિંતન શરૂ કર્યું. ગુજરાતી ભાષામાં શા માટે ચિંતન વિશે આટલું બધુ લખાય છે અને એનાથી મને શા માટે પીડા થઇ રહી છે એ વિશે મેં વિચારવાનું શરૂ કર્યું. ચિંતનને લગતા મૂળ વિષયો તો આઠ-દસ જ છે, છતાં એના વિશે લખાનારા અઢળક છે. આ ક્ષેત્રમાં જામી પડેલા રીઢા લેખકો સાતઆઠ છે, પરંતુ આ વિષય એટલો હાથવગો અને સરળ છે કે દરેક લેખકને એના પર હાથ અજમાવવાનું મન થાય છે. તમને ભાગ્યે જ કોઇ એવો ગુજરાતી લેખક મળશે, જેણે પોતાની કારકિર્દી દરમિયાન ચિંતનલેખ ન લખ્યો હોય. વિષયો ફકત આઠદસ અને લેખકો આટલા બધા. દરેક લેખક પાછો દરેક વિષય પર દસ દસ વાર લખી ચૂક્યો છે. જરા વિચારો, હજુ કેટલા લેખકો આ વિષયો પર કેટલું લખશે? આ સમસ્યા ગ્લોબલ વોર્મિંગ કરતાં પણ મોટી છે.
ચિંતનનો ખરો અર્થ તો એ થાય કે લેખકશ્રી જીવનને ખરા અર્થમાં સમજી શક્યા છે, કંઇક નવી રીતે સમજી શક્યા છે. બુદ્ધ, મહાવીર, સોક્રેટીસ, એરિસ્ટોટલ વગેરે જેવા મહાન ફિલોસોફરો જે સમજી શક્યા એનાથી કંઇક વધુ આ ગુજરાતી લેખકો સમજી શક્યા છે. જીવનને જોવાની તદ્દન નવી દૃષ્ટિ આ લોકો વાચકોને બતાવી રહ્યા છે. કોઇક એવી વાત કહી રહ્યા છે, જેનાથી વાચકના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવે.
પણ તંબૂરો.
ચિંતન વિશે લખતા એક પણ લેખકે ક્યારેય કોઇ નવી વાત લખી હોય એવું કદી જણાયું નથી. જો કોઇ ચિંતનલેખક એવો દાવો કરે કે આ વાત મેં નવી લખી છે તો જાહેરમાં આવે. આપણે એમને ખોટા પાડવાનો ખૂલ્લો પડકાર કરીએ છીએ. એટલું જ નહીં, એ વિષય પર એમનાથી વધુ જાણકારી આપવાની પણ ગેરન્ટી આપીએ છીએ.
ચિંતનલેખન એ ગુજરાતી લેખનક્ષેત્રનો એક સૌથી મોટો ફ્રોડ છે, જેનાથી કદી કોઇ વાચકને લાભ નથી થયો. થયું હશે તો ફક્ત નુકસાન જ થયું હશે. ખરેખર તો આ પ્રકારનું લખાણ બહુ જવાબદારીપૂર્વક લખાવું જોઇએ, પણ કોની પાસે એટલો ટાઇમ છે. થોડું અહીંથી, થોડું તહીંથી અને બાકીનું સપનામાં આવેલું મિક્સ કરીને વાચકોને પધરાવી દેવાનું. આવી નબળી પસંદગી માટે ક્યારેક વાચકો પર ગુસ્સો આવે, પણ પછીથી એવો વિચાર આવે. એમનો વાંક નથી, એમની એક મર્યાદા છે. શબ્દોની રમત અને ચબરાકિયા વાક્યોથી વાચકો પ્રભાવિત થઇ જતા હોય છે. ચબરાકિયા વાક્યોમાંની ચમત્કૃતિ ક્ષણિક આકર્ષણ ઊભું કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે એ વાક્ય કોઇ સત્ય બહાર લાવે છે. ચમત્કૃતિનું આકર્ષણ પૂરું થઇ ગયા પછી એ વાક્યનો અર્થ સમજવાની કોશિશ કરવી જોઇએ. શું ખરેખર એમાં કોઇ નવી કે મહત્ત્વપૂર્ણ વાત છે ખરી?
આ સંદર્ભમાં હું ફક્ત એક દાખલો આપવા માગું છું. દાયકાઓ પહેલા કવિ હરીન્દ્ર દવેએ એક વાક્ય લખ્યું હતુઃ 'લોકોનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.' આ વાક્ય લોકોને એટલું બધુ ગમી ગયું કે સેંકડો વાર એને ક્વોટ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો તો એવું વિચારતા હોય છે કે આ વાક્ય ક્વોટ કરીએ તો આપણે એક લાગણીશીલ અને સમજદાર વ્યક્તિ હોવાની છાપ ઊભી થશે. એક આખી પેઢી આ ક્વોટથી પ્રભાવિત થઇ અને સંબંધોની બાબતે ગિલ્ટ અનુભવતી રહી.
હવે જરા શાંતિથી વિચારો. શું ખરેખર લોકોનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો? શું ખરેખર આપણી અપેક્ષાઓ વધુ પડતી હોય છે? હકીકત એ છે કે તમે ઘરની બહાર નીકળો એટલે તમને એક પછી એક બધા ઘંટ જ મળતા હોય છે. લોકોએ તમને પ્રેમ આપવા માટે જન્મ નથી લીધો, તમારી સાથે સંબંધ રાખવાનો એમનો એક મુખ્ય હેતુ તમારો ઉપયોગ કરવાનો હોય છે. કોઇની સાથે થોડી આત્મીયતા સધાય એ પછી પણ સામી વ્યક્તિ તમને પ્રેમ આપતા પહેલા પાંચ મણની અપેક્ષાઓ રાખતી હોય છે. તમારે ખોટા ખયાલોમાં રાચવું હોય તો રાચી શકો છો, પરંતુ હકીકત એ છે કે દરેક સંબંધમાં પ્રેમ અને અપેક્ષાના પલ્લાંમાં જેટલું વજન નાંખો એના પ્રમાણમાં જ એ ઊંચાનીચા થાય છે. હું માનું છું કે તમારી અપેક્ષાઓ વધુ પડતી છે એવી ગુનાહીત લાગણી ક્યારેય ન અનુભવવી. લોકોનો પ્રેમ વધુ છે એવું તો ક્યારેય ન માનવું. લોકોનો પ્રેમ ઓછો જ હોય છે. તમારે તમારો રસ્તો કાઢવાનો હોય છે. નિરાશ ન થવું હોય તો વાસ્તવવાદી બનીને તમને જે જોઇતું હોય એ નક્કી કરવું અને એ માટે શો ભોગ આપવો પડે એમ છે એના વિશે વિચારવું. પછી એ ભોગ આપશો તો તમને જે જોઇએ છે આપોઆપ મળી જશે. પ્રેમ અને અપેક્ષાઓના વાહિયાત ખયાલોમાં રાચવાથી દુઃખ અને નિરાશા સિવાય બીજું કંઇ ન મળે.
મારી આ વાતમાં કંઇ જ નવું નથી, કોઇ જ મૌલિક વિચાર નથી. ફક્ત ચિંતનગ્રસ્ત અને ખામીગ્રસ્ત ખયાલોમાંથી મુક્ત થઇને સ્પષ્ટ રીતે વિચારવાની એક દિશા છે. ભાજપે જેમ કોંગ્રેસમુક્ત ભારતની ઝુંબેશ ચલાવી છે એમ મારે ચિંતનમુક્ત સાહિત્યની ઝુંબેશ ચલાવવી છે. જેને સાથે જોડાવું હોય એ જોડાઇ શકે છે. આવતીકાલે જોકે મારે સી લિન્ક પર પેલા ભિક્ષુકને મળવા જવાનું છે. જો એ મારું કામ કરી આપશે તો પછી બીજા કોઇએ તકલીફ નહીં લેવી પડે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર