વિફરેલા સાંઢને છંછેડાય, પબ્લિકને નહીં

23 Jan, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: newsgram.com

મદ્રાસી લોકો સામાન્ય સંજોગોમાં શાંતિપ્રિય હોય છે અને નાનીસૂની વાતોમાં વિફરતા નથી. બહુ દુઃખ લાગે તો મોટે મોટેથી રડે અથવા પોતાના પ્રિય નેતા માટે જાન ન્યોછાવર કરી દે એવા બિનઉપદ્રવી હોય છે, પરંતુ આ જલ્લીકટ્ટુ બાબતે એમને એવું તે શું લાગી આવ્યું કે આખા રાજ્યના મદ્રાસીઓ તોફાને ચડ્યા. પોંગલના દિવસે રમાતી આ રમત પરના પ્રતિબંધને સુપ્રિમ કોર્ટે બહાલી આપી એટલે મદ્રાસીઓ ઉશ્કેરાઇ ગયા. રાજ્યભરમાં થયેલો આ વિરોધ એટલો સ્વંસ્ફોટક છે કે શાસકો હલી ગયા. તામીલનાડુના મુખ્ય પ્રધાને તરત જ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને રદ કરતા ઓર્ડિન્સ માટેની તજવીજ શરૂ કરી અને કેન્દ્ર સરકાર પણ આ બાબતે લોકજુવાળની વિરુદ્ધ નહીં જાય એ લગભગ નક્કી છે.

જલ્લીકટ્ટુ તામીલનાડુનો એક પારંપરિક તહેવાર છે, જેમાં એક બળદને બંધ જગ્યાએથી ખુલ્લામાં છોડવામાં આવે છે અને યુવાનો એને વશમાં લેવાની કોશિશ કરે છે. આ રતમમાં ભાગ લેનાર જે માણસ બળદને વશમાં કરી લે એને વિજેતા જાહેર કરવામાં આવે છે. હવે આ રમતના વિવિધ સ્વરૂપો પ્રચલિત છે અને દરેકમાં રમતના નિયમો નક્કી કરવામાં આવ્યા હોય છે.

નિયમોમાં મુખ્ય નિયમ એ હોય છે કે માણસ બળદને એના શિંગડાથી કે અન્ય કોઇ રીતે પકડી ન શકે, એને ફક્ત ખૂંધથી જ પકડવાનો હોય છે. એટલું જ નહીં, એ ખૂંટ પકડીને લટકી રહેવાનું અને નક્કી કરેલી જગ્યા સુધી ઘસડાતા ઘસડાતા પહોંચવાનું હોય છે. આ ઉપરાંત શિંગડા પરના સિક્કા કબજે કરવાના હોય છે. રાજ્યના વિવિધ સ્થળે જલ્લીકટ્ટુ અલગ અલગ રીતે રમાય છે અને નિયમોમાં થોડોઘણો ફરક હોય છે. 

આ રમતમાં જે બળદોને છોડવામાં આવે છે એ ખાસ પ્રકારની નસલના હોય છે અને આ રમત માટે એમને ખાસ તાલીમ આપવામાં આવે છે. જે બળદો સારું પરફોર્મ કરે એને નવાં બચ્ચાં પેદા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઘોડાની રેસમાં જેમ સાયર હોય છે એમ આવા બળદો પણ સાયર બને છે.

સદીઓથી રમાતી આ રમતની સામે છેલ્લા ઘણા સમયથી એનિમલ એક્ટિવિસ્ટો અને માનવતાવાદીઓ વાંધો ઊઠાવી રહ્યા છે અને એમણે કોર્ટનો પણ આશરો લીધો છે. આ વિરોધીઓને એમ લાગે છે કે આવી રમતમાં બળદ પર એટલે કે એક પ્રાણી પર ક્રૂરતા આચરવામાં આવે છે. એને હેરાન કરવામાં આવે છે એટલે આવી રમત બંધ થવી જોઇએ. પ્રાણીઓ પોતે બોલી નથી શકતા એટલે એમને થતાં ત્રાસ સામે તેઓ વિરોધ વ્યક્ત નથી કરી શકતા એટલે માણસોએ એમની લાગણી સમજવી જોઇએ એવી દલિલ પ્રાણીપ્રેમીઓ કરતા હોય છે. માનવતાની દૃષ્ટિએ કોઇ પણ માણસ કે પ્રાણી સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોય તો એ યોગ્ય ન કહેવાય, પરંતુ જલ્લીકટ્ટુમાં વાત એટલી સરળ નથી. 

સૌથી પહેલી વાત તો એ કે જ્યાં ખોરાક માટે પ્રાણીઓને જાનથી મારી નાંખવામાં આવતા હોય ત્યાં એમની સાથેની ક્રૂરતાનો વિરોધ કેટલો વાજબી ગણાય? દરરોજ લાખ્ખો પ્રાણીઓની ભોજનના હેતુથી કતલ થતી હોય છે. એ સામે પહેલા વિરોધ કરાય કે આવી કહેવાતી ક્રૂરતા સામે?  બીજું, આ રમતમાં બળદ સાથે જેટલી ક્રૂરતા થાય છે એના કરતાં અનેકગણી વધુ ક્રૂરતા બીજી રમતોમાં થતી હોય છે. ઘોડાની રેસનો જ દાખલો લો. દોડવા માટે તૈયાર કરવામાં આવેલા રેસના ઘોડા નિષ્ક્રિય બની જાય એ પછી એમને રીતસર ઠાર કરવામાં આવે છે. અરે માણસોની બોક્સિંગ રમતનો જ દાખલો લો. એમાં હરીફો રીતસર એકબીજાના થોબડાં તોડી નાંખવા હિંસક રીતે હુમલા કરતા રહે છે. અને પ્રેક્ષકો આનંદની ચિચિયારી કરે છે. રમતમાં ભાગ લેનારા બોક્સરોના નાકમાંથી લોહી વહેતું હોય તો એના પર મલમપટ્ટી અને ડ્રેસિંગ કરવામાં આવે છે અને ફરી હિંસક હુમલા શરૂ થાય છે. જલ્લીકટ્ટુમાં ભાગ લેતા બળદ સાથે આવી ક્રૂરતા નથી આચરવામાં આવતી. એવી પણ શક્યતા છે કે દોડાદોડી કરવામાં એને આનંદ મળતો હોય. માણસના જીવનમાં ધ્યેય હોય છે, પ્રાણીના જીવનમાં કોઇ ધ્યેય નથી હોતું. પ્રાણીને જીવવાનો હક છે અને એની સાથે ક્રૂરતા ન થવી જોઇએ એ સાચું, પણ કોઇ પ્રાણીપ્રેમીએ રિસર્ચ કરીને એ પણ કહેવું જોઇએ કે પ્રાણી પોતાના જીવનમાં શું ચાહતું હોય છે? એનું નિર્વાણ શેમાં છે? પેટ ડોગને ઘરમાં પૂરી રાખવાને બદલે બહાર કાઢવામાં આવે તો એને આનંદ મળે છે. દૂર દૂર બોલ ફેંકીને એને પાછો લઇ આવવાનું કહીએ તો એ કામ કરવામાં એને આનંદ આવે છે. એ જ કામ તમે સો વાર એને કહો તો પણ એ ભારે હોંશથી એ કામ કરતો રહે છે. આ પ્રવૃત્તિને પણ કોઇ પ્રાણી સાથેની ક્રૂરતા કહી શકે. વાતનો સાર એ છે કે પ્રાણીની સૃષ્ટિને પૂરી રીતે સમજ્યા વિના એની લાગણીઓને સમજતા હોવાનો દાવો કરવામાં તર્ક એ નથી. એના માટે લાગણીશીલ બનીને મનુષ્યોની પથારી ફેરવવાનું તો બિલકુલ યોગ્ય નથી.

જલ્લીકટ્ટુની વાત કરીએ તો આ એક પ્રાચીન પરંપરા છે. દેખીતી રીતે તો એ માણસોને પોતાની બહાદૂરી પૂરવાર કરવાનો મોકો આપતી રમત લાગે છે, છતાં એની પાછળ બીજા કારણો પણ હોઇ શકે. મનોરંજનના આધુનિક ઉપકરણો ઉપલબ્ધ નહોતા ત્યારે આવી રમતો જ માનવજીવનમાં મનોરંજનનું સાધન બનતી અને એના દ્વારા જ  યુવાનો પોતાના તરવરાટનો અનુભવ કરતા. સમય જતાં રમતોના સ્વરૂપ બદલાયા, વીરતાના માપદંડો બદલાયા છતાં અમુક રમતો સાથેનો નાતો જળવાઇ રહ્યો. અનેક રમતો અને પરંપરા એવા છે, જેની ઉપયોગીતા અત્યારે નથી, પરંતુ એ પ્રતિકાત્મક સ્વરૂપે લોકોને અપીલ કરે છે અને એની સાથે બંધાયેલા રાખે છે.

કોઇ કહેશે કે આજના સમયમાં આવી રમત ચાલું રાખવાનો શો મતલબ છે. તો એવો પ્રશ્ન પણ થાય કે આવી રમત બંધ કરાવવાનો શો મતલબ છે? હકીકતમાં આવી સંવેદનશીલ બાબતોમાં સળી કરનાર વર્ગ એક અલગ જ પ્રકારનો હોય છે. આ વર્ગ પ્રાણી માટે દયા વ્યક્ત કરે ત્યારે એ જરૂરી નથી કે એમને પ્રાણીની દયા આવી રહી છે. તેઓ પર્યાવરણ માટે ચિંતા વ્યક્ત કરે ત્યારે એ જરૂરી નથી કે તેઓ પ્રકૃતિની જાળવણીને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. આ પ્રકારનો વિરોધ કરનારા મોટા ભાગના ફેક આઇડી ધરાવતા શૉમેન અને શૉવિમેન હોય છે. એમને સંબંધીત મુદ્દા કે સમસ્યાની ચિંતા કરતાં પોતાના અહંકારને પંપાળવાનું વધુ પસંદ હોય છે. આવા લોકો ભેગા થઇને ક્યારેક કોર્ટમાં જાહેર હીતની અરજી કરી નાંખે છે અને કોર્ટે પોતાની ફરજ બજાવવી પડે છે. હવે આવા પ્રશ્ને બાકીના લોકો બેદરકાર રહે છે એટલે કોર્ટ અમુક પરંપરાની વિરુદ્ધમાં ચુકાદો આપી દે છે. ત્યાર પછી ધીમે ધીમે એની સામે વિરોધ વ્યક્ત થાય છે અને વાત બહુ વધી જાય ત્યારે તામીલનાડુમાં થયું એવું ધિંગાણું થાય છે. 

જલ્લીકટ્ટુ બાબતે તમીલનાડુમાં જે વ્યાપક વિરોધ વ્યક્ત થયો એમાં આ રમત કરતાં તમીલ લોકોના આત્મગૌરવની વાત વધુ મહત્ત્વની રહી. કોર્ટ ચુકાદાનો વિરોધ કરનારામાં મોટા ભાગના યુવાનો અને ખાસ તો વિદ્યાર્થીઓ છે. આમાંના મોટા ભાગના યુવાનોએ આ રમતમાં ક્યારેય ભાગ નહીં લીધો હોય અને લેવાના પણ નથી. અનેક તો આ રમતને જોતાં પણ નહીં હોય, કારણ કે રાજ્યના મોટા ભાગના યુવાનો ભણીગણીને કરિયર ઘડવામાં વ્યસ્ત છે. છતાં વાત સ્થાનિક પરંપરાના આત્મગૌરવની આવે ત્યારે સૌ એમાં જોડાઇ જ જાય. અમારા એક મદ્રાસી મિત્ર સાથે ગઇકાલે જ ફોન પર  વાત થઇ. એ ભાઇ ઘણા ઉશ્કેરાયેલા હતા. મેં એમને કોર્ટના ચુકાદાનો આદર કરવાની સૂચવ્યું તો એમણે કહ્યું, 'તુમ્હારા સુપ્રીમ કોર્ટ ચિન્કારા ઔર બ્લેક ડક કા તરસ નહીં ખાતા હૈ ઔર હમારા બૈલ પર તરસ ખાતા હૈ. ઐસા કૈસા?'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.