ન્યાયતંત્ર પવિત્ર છે તો શું ન્યાય માંગનારા ગંદા છે?

22 Jan, 2018
07:01 AM

નિખિલ મહેતા

PC: newindianexpress.com

પહેલાનો જમાનો અલગ હતો. એ સમયે લગ્ન સંસ્થા તથા કુટુંબ કબીલાની ઇજ્જતને ખૂબ જ વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. લગ્નો બે વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ બે ખાનદાનો વચ્ચે થતાં. આવા લગ્ન બંને પરિવારો માટે મોટી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતાં. કુટુંબના મોભીઓની આબરૂનો સવાલ એટલો મોટો રહેતો કે લગ્ન કરનાર સ્ત્રી કે પુરુષે લગ્ન પહેલા અને પછી વડીલો જે કહે એ સ્વીકારી લેવાનું રહેતું. નો ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ.

લગ્ન પહેલાનો ફેંસલો બ્લાઈન્ડ ગેમ્બલ જેવો રહેતો અને જેના નસીબમાં જે જીવનસાથી મળે એને મરતે દમ તક નિભાવી લેવાની લોકો તૈયારી રાખતા. લગ્ન કરીને સાસરે ગયેલી દીકરીને એવી સલાહ આપવામાં આવતી કે હવે તારું જીવન અને મરણ બંને સાસરામાં જ. ત્યાં ગમે એવી તકલીફ પડે, તારા પર ગમે એવો ત્રાસ ગુજારવામાં આવે, તને ગમે એવી વેદના થાય તો એ તારા નસીબ. તારે એ સહન કરી જ લેવાનું. એ બાબતે કોઈ જ ફરિયાદ નહીં કરવાની અને બિસ્તરા પોટલાં બાંધીને પિયરમાં પાછાં આવી જવાની તો કલ્પના પણ નહીં કરવાની. એવો વિચાર આવે તો એમ કરતાં પહેલા ગામનો કૂવો પૂરી દેવાનો. એટલે કે મરી જવાનું, પણ તને પડતાં દુઃખ સામે અવાજ નહીં ઊઠાવવાનો. 

આ પ્રકારની પ્રથાની પાછળનું કારણ કુટુંબની આબરૂને સેક્રોસેન્ટ એટલે ડબલ પવિત્ર ગણવામાં આવતી. કુટુંબની આબરૂ ઓછી થાય એવું કંઈ જ કરવાનો કોઈને અધિકાર નથી એ માન્યતા સર્વસ્વીકૃત હતી. આ પ્રકારની સેક્રોસેન્ટ માન્યતાઓ અનેક બાબતોમાં પ્રવર્તે છે. આપણાં ન્યાયતંત્ર માટે પણ આવી ડબલ પવિત્ર માન્યતા પ્રવર્તે છે. તમે ન્યાયતંત્રની ટીકા કરી જ ન શકો. તમે ન્યાયમૂર્તિઓની ટીકા કરી જ ન શકો. એક રીતે આ પ્રથા સારી જ છે, કારણ કે જો લોકોને ન્યાયતંત્રમાંથી જ વિશ્વાસ ઊડી જાય તો પછી દેશમાં કાયદા કાનૂન જેવું કંઈ રહે જ નહીં. ન્યાયની કોઈ ભાવના જ ન ટકી શકે. આમ છતાં દરેક પવિત્ર ચીજ કે બાબત હંમેશાં માટે અને દરેક રીતે પવિત્ર નથી રહેતી. ચાંદમાં પણ ડાઘ હોય છે. આથી જો કોઈ વાતે બહુ મોટી શંકા પેદા થાય તો એનું નિરાકરણ લાવવું જોઈએ. અલબત્ત, શંકાનો પ્રથમદર્શી કેસ બને છે કે નહીં એ તપાસવાનું જરૂરી છે. સાસરામાં ત્રાસ ભોગવીને શારીરિક ઈજાઓ સાથે આવેલી અનેક દીકરીઓને પાછી કાઢી મૂકવામાં આવી હશે અને એમણે આત્મહત્યા કરી હશે, પરંતુ ક્યારેક તો કોઈ પિતા કે ભાઈએ તર્કથી વિચાર કર્યો હશે. વિચાર્યું હશે કે ખરેખર જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો એ બંધ શા માટે ન કરાવવું? આપણી બેનદીકરીને સહન કરવાની ખોટી સલાહ શા માટે આપવી જોઈએ? 

બસ, આવી જ પહેલ દરેક વાતમાં થવી જોઈએ. જેને પણ આપણે સેક્રોસેન્ટ માનતા હોઈએ, એના પર શંકા કરવાની જ મનાઈ ફરમાવવામાં આવી હોય એમાં જ્યારે ખરેખર કંઈક વધુ પડતું શંકાસ્પદ બને ત્યારે જૂની માન્યતાઓ વળગી ન રહેવાય. એની તહેકીકાત થવી જોઈએ.

આપણા ન્યાયતંત્રને આપણે અતિ પવિત્ર માનીએ છીએ અને ન્યાયમૂર્તિઓને તો આપણે મિ. લૉર્ડ કહીને સંબોધીએ છીએ. તેઓ ખોટું કરી જ ન શકે એવું માનવાનું આપણને ફરમાન કરવામાં આવ્યું છે, છતાં જ્યારે કંઈ બહુ મોટી શંકા જન્માવે એવી ઘટના બને ત્યારે શું કરવાનું? બધું ભીનું સંકેલીને ઢાંકપિછોડો કરવાની? 

થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનિયર અને સ્વચ્છ રેકૉર્ડ ધરાવતા ચાર ન્યાયમૂર્તિઓ એક બહુ મોટો મુદ્દો ઊઠાવીને ફરિયાદ કરી. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રમાં પ્રવર્તતી કેટલીક ખોટી રીતભાત સામે હતી એટલે કે સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે હતી. પ્રૉબ્લેમ એટલો મોટો હતો કે ચારેય ન્યાયમૂર્તિઓએ પોતાની વ્યથાભરી વાત કહેવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. ન્યાયતંત્ર સિવાયના કોઈ તંત્રમાં આવી ઘટના બની હોત તો તરત જ એના વિશે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોત અને તંત્રના વડાને ત્યાં સુધી રાજીનામું આપી દેવાનું જણાવવામાં આવ્યું હોત, પરંતુ આ ન્યાયતંત્રને લગતી વાત હતી એટલે વિવાદ બહુ મોટો થઈ ગયો. દેશભરમાં ફરી એકવાર સરકાર વિરોધી અને સરકાર તરફી પરિબળ સામસામે આવી ગયા.

સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના વિશે કેટલીક વાતો સ્પષ્ટ રીતે અને નિષ્પક્ષતાથી સમજી લેવાની જરૂર છે. તો જ આગળ શું કરવું જોઈએ એ વિશે આપણે કોઈ અભિપ્રાય ઘડી શકીએ. 

પહેલી વાત એ છે કે આ ઘટના અભૂતપૂર્વ છે. અગાઉ ન્યાયમૂર્તિઓ પર આરોપો થયા છે, પરંતુ ચાર ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિ પર કોઈ આક્ષેપ કર્યા હોય એવું પહેલી વાર બન્યું છે. આથી આ ઘટનાને અગાઉના માપદંડથી ન સમજી શકાય. આ માટે અગાઉના ધારાધોરણને ત્યજી દેવાની તૈયારી રાખવી પડે.

બીજી વાત, ચાર ન્યાયમૂર્તિઓએ કોઈ કોર્ટ ચુકાદા સામે વિરોધ નથી નોંધાવ્યો. મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિમાં પ્રવર્તતી એક વિસંગતિ અને એનાથી ઉદ્ભવતી શંકાની વાત કરી છે. એ પણ કોઈ એકલદોકલ કેસની વાત નથી, છેલ્લા ઘણા સમયથી પ્રવર્તતી એક વિશેષ કાર્યપદ્ધતિ તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. 

ત્રીજી વાત છે આ ન્યાયમૂર્તિઓએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી એને લગતી છે. ન્યાયતંત્રના અમુક સિનિયર અને અન્ય કેટલાક રાજકારણીઓ એવો આક્ષેપ કરે છે કે ન્યાયમૂર્તિઓએ આ મામલો ન્યાયતંત્રની અંદર રહીને પડદા પાછળ જ પતાવી દેવાની જરૂર હતી. તેઓ આવી પ્રેસ કૉન્ફરન્સ યોજી જ ન શકે. હવે હકીકત એ છે કે આ મામલો સુલઝાવવા માટે આ ચાર ન્યાયમૂર્તિઓએ અગાઉ અનેક પ્રયાસ કર્યા હતા. જે દિવસે પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી એ સવારે પણ તેઓ મુખ્ય ન્યાયમૂર્તિને મળ્યા હતા અને પોતાની જૂની ફરિયાદનું નિરાકરણ લાવવાની એમને વિનંતિ કરી હતી. આમ છતાં મુખ્ય ન્યાયમૂર્તિએ એમની વાત ન સાંભળી. ચાર વરિષ્ઠ ન્યાયયમૂર્તિઓએ સ્પષ્ટ કહ્યું કે અમે દરેક પ્રકારના પ્રયાસ કર્યા અને આખરી વિકલ્પ તરીકે પ્રેસ કૉન્ફરન્સ સંબોધવાનું નક્કી કર્યું. આથી પ્રેસ કૉન્ફરન્સ યોજવા પાછળનું લોજિક અને કારણ એકદમ વેલીડ છે.

ચોથી વાત ફરિયાદના નક્કર મુદ્દાને લગતી છે. વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં આવતા કેસ માટે જે બેન્ચ નક્કી કરવામાં આવે છે એમાં ભારોભાર વિસંગતિ છે. મોટા ભાગના કેસમાં સિનિયર ન્યાયમૂર્તિઓને સાઈડલાઈન કરીને જુનિયર ન્યાયમૂર્તિઓની બેન્ચ બનાવવામાં આવે છે. હવે આ આક્ષેપનો એક સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે અમુક કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ પક્ષપાતી વલણ દાખવે છે, પોતાના સ્થાપિત હિતને લાભ થાય એ મુજબ વર્તે છે અને એ રીતે ન્યાયની યોગ્ય પ્રક્રિયાને મોટું નુકસાન પહોંચાડે છે. એક રીતે મુખ્ય ન્યાયમૂર્તિ સામે સીધો આરોપ છે.

છેલ્લી વાત, જેમણે મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ પર આ આરોપ કર્યો છે એ ચારેય ન્યાયમૂર્તિઓની નિષ્ઠા પર કોઈ શક થઈ શકે એમ નથી. એમણે કહ્યું કે ભવિષ્યની પેઢીને એમ ન લાગે કે અમે અમારું જમીર વેચી દીધું હતું એ કારણસર અમે જાહેરમાં આવ્યા છીએ. જો તમે આ ચાર ન્યાયમૂર્તિઓની દાનત ખોરી છે, એમનો કોઈ બદઈરાદો છે એવું સાબિત ન કરી શકો તો તમારે એમની ફરિયાદને ધ્યાનમાં લેવી જ પડે.

ઉપર જણાવેલ દરેક વાતને ધ્યાનમાં રાખીએ તો ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ ઊઠાવેલો મુદ્દો અને પ્રશ્ન અતિ ગંભીર છે. ન્યાયતંત્રની પવિત્રતાનું બહાનું આપીને આ મામલે ભીનું સંકેલવાનું બહુ જ જોખમી ગણાય. કેન્દ્ર સરકારે એવો પ્રતિસાદ આપ્યો કે આ મામલો ન્યાયમૂર્તિઓએ અંદરોઅંદર જ નિપટાવી લેવો જોઈએ. અન્ય સરકાર તરફી પંડિતોએ પણ આવો અભિપ્રાય આપ્યો. અરે ભાઈ, જે કંઈ ચાલી રહ્યું છે એના કારણે ન્યાયતંત્રને જે નુકસાન પહોંચી રહ્યું છે એનો વિચાર તમે કેમ પહેલા નથી કરતા? જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે નિયમો અને આદર્શને પાછળ રાખવા પડે. આમ છતાં ચાર ન્યાયમૂર્તિઓ મુખ્ય ન્યાયમૂર્તિઓને મળીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સમસ્યા એ છે કે મામલો ઘણો વિસ્ફોટક બની ચૂક્યો છે. ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ઑલરેડી જોખમમાં મૂકાઈ ચૂકી છે. હવે ડેમેજ કન્ટ્રોલ તો કરવાનું જ છે, સાથોસાથ જે સમસ્યા બહાર આવી છે એનો ઉકેલ લાવવાનો છે. અને એક વાત નક્કી છે કે આ ઉકેલ ન્યાયમૂર્તિઓ અંદરોઅંદર સમાધાન કરીને નહીં લાવી શકે. આ સમસ્યાનો ઉકેલ શોધવા જઈએ તો ફક્ત બે જ વિકલ્પ સામે છે. 

એક, વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ અતિ ગંભીર પ્રકારની સમસ્યા પર પ્રકાશ ફેંક્યો છે અને એમાં મુખ્ય ન્યાયમૂર્તિ પર સીધો આરોપ છે. આથી સૌથી પહેલા તો આ ચારેય ન્યાયમૂર્તિઓને એમના આ પગલાં માટે દોષિત ઠેરવી શકાય એમ છે કે નહીં એ તપાસવું જોઈએ. એમની સામે પૂરેપૂરી તપાસ થવી જોઈએ. જો એમના મનમાં કોઈ પૂર્વયોજીત એજન્ડા હોય, જો આમાં એમનો કોઈ સ્વાર્થ હોય, જો એમણે ઈર્ષ્યાને લીધે આવું પગલું ભર્યું હોય તો એ વાત બહાર લાવવી જોઈએ. મોટા ભાગે તો આવા કેસમાં બદઈરાદો ત્યારે પુરવાર થાય, જ્યારે એમને મળનારો કોઈ લાભ અટકી જવાનો જવાનો હોય અથવા અત્યારે મળી રહેલો લાભ બંધ થઈ જવાનો હોય. ચારમાંના એક ન્યાયમૂર્તિ ગોગોઈ તો ટૂંક સમયમાં મુખ્ય ન્યાયમૂર્તિ બનવાના છે. આથી અંદરોઅંદરની ઈર્ષ્યાનો પણ કોઈ ઇરાદો દેખાતો નથી. આમ છતાં એમણે આવું મોટું પગલું ભર્યું છે ત્યારે એમની સામે તપાસ થવી જ જોઈએ.

બીજો વિકલ્પ. જો ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સામે કોઈ આક્ષેપ પુરવાર ન થઈ શકે તો પછી એમની વાત પર પૂરું ધ્યાન આપવામાં આવવું જોઈએ. એમની ફરિયાદ વિશે ઊંડી તપાસ થવી જોઈએ. એમના કહેવા પ્રમાણે મુખ્ય ન્યાયમૂર્તિએ ખોટું કર્યું છે તો મુખ્ય ન્યાયમૂર્તિ સામે પણ તપાસ થવી જોઈએ, આ આક્ષેપોના સંદર્ભમાં. એમની કાર્યપદ્ધતિની તપાસ થવી જોઈએ. જો એમણે ખરેખર કંઈ ખોટું કર્યું હોય તો એવી વ્યક્તિને એ હોદ્દા પર રહેવાનો અધિકાર નથી. અલબત્ત, ઈમ્પીચમેન્ટ કરીને એમને તગેડી મૂકવાનું કામ એટલું સરળ નથી, છતાં ભવિષ્યમાં કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ પક્ષપાતી વલણ દાખવીને દેશની સર્વોચ્ચ ન્યાય પ્રક્રિયાને ટલ્લે ન ચડાવે એની ખાસ તકેદારી રાખવી પડે.

આવી મોટી સમસ્યા પેદા થઈ હોય ત્યારે ન્યાયતંત્ર એક પવિત્ર ગાય છે ફક્ત એ માન્યતાના આધારે બધું ભીનું સંકેલવું એ ન્યાયતંત્રની સાથે જ મોટો અન્યાય થયો ગણાશે. ગૂમડા પર ફક્ત એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવીને એને દબાવી દેવાથી રોગ નહીં મટે. એ માટે એની સર્જરી કરવી પડે અને એન્ટીસેપ્ટીક ગોળીઓનો કોર્સ કરવો પડે. અને બાબતે કોઈ શરમ કે સંકોચ ન હોવા જોઈએ.

ન્યાયતંત્રની પ્રક્રિયામાં જો કોઈએ ગુનો કર્યો હોય તો એને સજા મળવી જ જોઈએ, પછી ભલે એ ગમે એવો મિ. લૉર્ડ હોય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.