લોન માફ કરાવવાની કળા

12 Jun, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: khabarchhe.com

દેશભરમાં ખેડૂતો આંદોલને ચડ્યા છે અને એમની મુખ્ય માગણી એ છે કે અમારા માથાં પર જે દેવું છે એ માફ કરી દો. ઉત્તર પ્રદેશના યોગીજીએ આ શુભ કાર્ય કરી નાંખ્યું એટલે અન્ય રાજ્યોના ખેડૂતો ઉશ્કેરાયા છે. વાત માથાં પરની લોન માફ કરાવવાની છે. પણ પ્રશ્ન એ થાય કે લોન માફ કરાવવા માટે શું આંદોલનનો માર્ગ જરૂરી છે? હકીકતમાં લોન માફ કરાવવાની તો અનેક તરકીબો ઉપલબ્ધ છે અને આપણા દેશમાં તો લોન માફ કરાવવી એ જન્મસિદ્ધ અધિકાર ગણાય છે. લોનમાફી આપણી  સંસ્કૃતિનો જ એક ભાગ છે. અલબત્ત, લોનમાફીની અભિવ્યક્તિ અલગ અલગ સ્થળે અલગ રીત થતી હોય છે.

માણસને લોનમાફીના સંસ્કાર ઘરમાંથી જ મળતાં હોય છે. મમ્મી છોકરાને સો રૂપિયાની નોટ આપીને સાબુ લેવા મોકલે. સાબુ લીધા પછી એંસી રૂપિયા ઘરમાં પાછા આપવાના હોય એટલે કે એ છોકરાં પરનું મમ્મીનું દેવું કહેવાય ટેક્નિકલી. હવે છોકરાની દાનત બગડે, સાંજે ફ્રેન્ડ્સની સાથે રખડવા જવું હોય અને એ માટે બાકીના એંસી રૂપિયા મમ્મીને પાછા આપવાનું મન ન થાય તો છોકરો શું કરે? માથાં પરનું એંસી રૂપિયાનું દેવું માફ થઇ જાય એવું કંઇ કરવું પડે. સીધી રીતે તો કહેવાય નહીં કે મમ્મી, બાકીના એંસી રૂપિયા તારે પાછા લેવાના છે, પણ શું એ તું ભૂલી જવા તૈયાર છે? ગાલ પર લાફો પડે. એના બદલે કોઇક એવી તરકીબ અજમાવવી પડે કે દેવું માફ થઇ જાય. અને આવા કપરા સંજોગોમાં છોકરાની બુદ્ધિ ખીલે. એના મનમાં એક આઇડિયા આવે અને ઘરે આવીને રડમસ અવાજે મમ્મીને કહે કે એંસી રૂપિયા ક્યાંક પડી ગયા. મમ્મી ખૂબ ગુસ્સે થાય. બૂમબરાડા થાય. છોકરાને પૈસા શોધવા માટે પાછો મોકલે. ખૂબ ધમપછાડા થાય, પણ છેવટે છોકરાના માથાં પરનું દેવું માફ થઇ જાય. સાંજે એંસી રૂપિયા વાપરવાનો જલસો પડી જાય. ઘરમાં મમ્મીઓ પણ દેવું માફ કરાવવાની કળા જાણતી હોય છે. પતિ અચાનક પૂછે કે ગયા મહીને મેં તને અલગથી સાચવવા માટે આપેલા વીસ હજાર ક્યાં મૂક્યા છે? આવા સમયે પત્ની હિંમતથી કહી દેતી હોય છે કે એ તો મેં તમને પાછા આપી દીધા હતા. કેમ, ભૂલી ગયા? એ દિવસે ઓફિસેથી આવીને તમે ઉતાવળમાં મારી પાસે પૈસા માગી લીધા હતા? કોઇ પણ બાબતમાં પત્નીઓ સામેનો પતિદેવોનો રેઝિસ્ટન્સ પાવર બહુ ઓછો હોય છે. આ રીતે મમ્મી પણ એક ઝાટકે વીસ હજારની લોન માફ કરાવી દેતી હોય છે.

માણસની મૂળભૂત પ્રકૃતિ એવી હોય છે કે કોઇની પાસેથી લીધેલા પૈસા પાછા આપવાનું એને મન નથી થતું. ઉધાર લીધેલા પૈસાને અન્ય લોકો લોન અથવા દેવું ગણે છે, પરંતુ જેણે પૈસા લીધા હોય એ તો એને પોતાની અંગત મૂડી જ ગણે છે. આથી જ એ પૈસા પાછા આપવાની ઝંઝટમાં પડવાનું એને મન નથી થતું. કમનસીબે, રીતરસમો અને કાયદાકાનૂન એવાં છે કે લીધેલી રકમ આપણે પાછી આપવાની હોય છે અને એના પરનું વ્યાજ પણ ચૂકવવાનું હોય છે. આના લીધે અમુક લોકો સીધી રીતે માથાં પરનું દેવું ચૂકવી દે છે, પરંતુ એક મોટો વર્ગ એવો હોય છે, જે ઉધાર લીધેલા પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે. આના લીધે તકરાર થાય છે, ઝઘડા થાય છે કોર્ટ કેસ ચાલે છે અને અમુક કિસ્સામાં મારામારી થાય છે, એકંદરે ઉધાર લેનાર માણસ વટથી જીવે છે અને હંમેશાં લાભમાં રહે છે, જ્યારે ઉધાર આપનાર હંમેશાં ટેન્શનમાં જીવે છે અને એકંદરે ખોટમાં રહે છે.

લોનમાફીના સંસ્કાર સાથે ઉછેરેલો માણસ ઘરમાંથી બહાર નીકળે એટલે મિત્રો, પરિચિતો તથા સગાંવહાલા પાસેથી લોન લેવાનું શરૂ કરે છે. આ બધામાં પણ પૈસા પાછા આપવાની દાનત હોતી નથી, પરંતુ ઘરમાં જે બહાના ચાલતા હતા એ અહીં નથી ચાલતા. અહીં એવું બહાનું ન આપી શકાય કે મારા પૈસા રસ્તામાં પડી ગયા કે ખોવાઇ ગયા. અહીં કંઇક નવું, કંઇક વધુ ક્રિયેટિવ અજમાવવું પડે છે. ઉધાર લીધેલા પૈસા પાછા ન આપવા માટે દરેક માણસ પોતપોતાની કલ્પનાશક્તિ પ્રમાણે અલગ અલગ તરકીબો અજમાવીને અવનવા બહાના આગળ ધરતી હોય છે. કેટલાક લોકો સામી વ્યક્તિને દયા આવી જાય એવી વાર્તાઓ ઘડી કાઢતા હોય છે. તમારા પૈસા આપવાનો જ હતો, એમાં બાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હું તો હેરાન થઇ ગયો. તમે માનશો નહીં, હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે વાઇફનું મંગળસૂત્ર વેચી નાંખ્યું. દેણદાર બિચારો આંખ ભીની કરીને પાછો જતો રહે. માથાં પરનું દેવું લગભગ માફ જ થઇ ગયું સમજો. 

કેટલાક લોકો મગજના એટલા સ્ટ્રોંગ હોય છે કે એકની એક વાત પચાસવાર, સો વાર રિપીટ કર્યા જ કરે. દેણદાર ઉઘરાણી માટે આવે એટલે આ ભાઇ કહી દે કે આવતા સોમવારે ચોક્કસ આપી દઈશ. સોમવારે લેણદાર આવે તો કહી દે કે જરા પ્રોબ્લેમ થઇ ગયો. નેક્સ્ટ મંથ પાકું. બીજા મહિને પેલો આવે તો કહી દે કે ગુરુવારે લઇ જજો. આ રીતે તારીખ પે તારીખ આપ્યા જ કરે. એને જરાય કંટાળો કે શરમ ન આવે. સામો માણસ થાકી જાય, ત્રાસી જાય અને પૈસા માગવાનું માંડી વાળે. જોકે બધા લેણદારો એટલી આસાનીથી પૈસા નથી છોડતા. કેટલાક ગુસ્સે પણ થઇ જતાં હોય છે. શાણો દેણદાર આવા સમયે સામો ચડી બેસે છે અને જરા મક્કમ અવાજમાં કહે છે કે તમારા પૈસા હું દૂધે ધોઇને પાછા આપી દઇશ. મારી પરિસ્થિતિ ખરાબ છે એનો અર્થ એ નહીં કે તમે મને જેમતેમ કહી દો. વાત બહુ આગળ વધી જાય એટલે કેટલાક લોકોને ચેક ફાડીને આપવાની ટેવ હોય છે, પરંતુ ચેક ચાર મહિના પછીની તારીખનો આપે. લેણદાર થોડો ખુશ થાય અને વિચારે કે ચાલો ચાર મહીના પછી તો પૈસા હાથમાં આવશે, પરંતુ ના. ચેક નાખવાની તારીખ નજીક આવે એટલે દેણદારનો ફોન આવે. સાહેબ, જરા તકલીફ ચાલી રહી છે. પેલો ચેક હમણાં નાંખતા નહીં. હું તમને કહું ત્યારે ચેક નાંખજો. એટલે પાછા હતા ત્યાંને ત્યાં. આખરે કંટાળીને ચેક ફાડી નાંખે અને પૈસા માગવાનું જ બંધ કરી દે. આ રીતે પણ લોન માફ થઇ જતી હોય છે.

કેટલાક વળી ધાકધમકીની આડકતરી રીતો અજમાવે. લેણદાર પૈસા માગે એટલે દેણદાર કોઇ ગુંડા કે માથાભારે તત્ત્વનું નામ આપીને કહે કે તમારા પૈસા મેં એને આપ્યા છે. આમ તો એ ટાઇમસર પૈસા પાછા આપી દે છે, પણ આ વખતે એ કોઇ ખૂનના કેસમાં ફસાયો છે એટલે ફોનનો જવાબ નથી આપતો. મેં એને તમારું નામ આપ્યું છે અને કહ્યું છે કે તમને પૈસાની બહુ જરૂર છે, પણ એ વાતે વાતે ભડકી જાય છે. વિના કારણ કોઇ ખોટા ચક્કરમાં પડવાના ડરથી લેણદાર ચૂપચાપ ત્યાંથી જતો રહે અને લાંબા સમય સુધી પાછો દેખાતો નથી. આ રીતે લોનમાફીનો માર્ગ મોકળો થઇ જાય.

કેટલાક દેણદારો ખૂબ જ બહાદૂર હોય છે અને સમાજ આવા લોકોને નિર્લજ્જ કહે છે. આવા લોકો એક વાર ઉધાર લીધા પછી પૈસા ચૂકવાની ચોખ્ખી ના પાડી દે છે. કોઇ જ ખોટા ખુલાસા નહીં, કોઇ જ બહાના કે કારણો નહીં. દેણદાર પૈસા માગવા આવે એટલે સ્પષ્ટપણે અને શાંતિથી કહી દે, પૈસા નથી. લેણદાર જેટલી માગણી વધુ કરે એટલો વધુ સ્પષ્ટ પેલો દેણદાર થતો જાય. પૈસા છે જ નહીં પછી ક્યાંથી આપું? અને નજીકના ભવિષ્યમાં પૈસા આવવાના પણ નથી. સોરી. પૈસા આવે ત્યારે આપી દઇશ, પણ અત્યારે બિલકુલ નથી. પૈસા આપવાની ના પાડવાથી લેણદાર શું શું અને કેટલું ખરાબ કરી શકે એની ગણતરી આવા દેણદારે કરી લીધી હોય અને એ ભોગવવાની તૈયારી પણ કરી લીધી હોય. એટલે તો આવી હિંમત આવે. જે થાય એ કરી લો. આને કહેવાય હકથી લોન માફ કરાવવાની તરકીબ.

ઉપર જણાવેલી તરકીબો રૂઢિગત છે અને એ વ્યાપકપણે પ્રચલિત છે. દરેક ગામમાં, દરેક શહેરમાં અનેક લોકો આવી તરકીબો અજમાવતા રહેતા હોય છે, પરંતુ આધુનિક જમાનામાં લોન માફ કરાવવાની નવી નવી તરકીબો વિકસી છે. આવી એક ખૂબ અસરકારક તરકીબ છે કોર્પોરેટ તરકીબ. આમાં લોનની રકમ હંમેશાં કરોડો રૂપિયામાં હોય છે. અહીં કોઇ મોટા પ્રોજ્ક્ટની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને પછી બેન્ક પાસે લોન માગવામાં આવે છે. એક-બે સરકારી અધિકારીઓ અથવા રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવતી વગદાર વ્યક્તિઓને પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવામાં આવે છે. આ રીતે સેંકડો કે હજારો કરોડની લોન લેવામાં આવે છે. ક્યારેક તો લોનની રકમ એટલી મોટી હોય છે કે એક નહીં, અનેક બેન્કો પાસેથી લોન લેવામાં આવે છે.

આટલી મોટી લોન લીધા પછી એ રકમ અને એના પરનું વ્યાજ ચૂકવવાનો વિચાર પણ કોઇ કરે તો એ પાગલ થઇ જાય. આ રીતે લોન જ્યારે મળે ત્યારે જ એનું ભાવિ નિશ્ચિત થઇ જાય. અહીં અર્થશાસ્ત્રનો એક અફર નિયમ લાગુ પડે છે કે લોનની રકમ જેટલી મોટી એટલી એની પુનઃચૂકવણી થવાની શક્યતા ઓછી. મોટી રકમની લોનનું સૌથી મોટું જમા પાસું એ હોય છે કે લોન લેનાર કંપની કે એની સાથે સંકળાયેલા તમામ માણસો એકદમ સલામત થઇ જાય છે. લોન પાછી આપવા માટે ક્યારેય કોઇ દબાણ થતું નથી. જો કોઇ બેન્ક દ્વારા કે મીડિયા દ્વારા બાકી લોનને લગતો વિવાદ ઊભો  કરવામાં આવે તો તરત જ મોટા મોટા કનેક્શનો કંપનીને તથા એની સાથે સંકળાયેલા માણસોને બચાવવાના કામે લાગી જાય. વિવાદ વિવાદની જગ્યાએ રહે અને લોન માફી માટેના ચક્રો ગતિમાન થઇ જાય. લોન માફી દેશહીતમાં છે એવી દલીલો થાય, કંપનીને બચાવવાનું જરૂરી છે એ વાત સરકારના ગળે ઊતારવામાં આવે અને છેવટે લોન માફ થઇ જાય.

આ રીતે લોન લીધા પછી એની ચૂકવણીની કોઇએ ચિંતા ન કરવી જોઇએ. કોઇ પણ લોન માફીને પાત્ર છે. તમને લોન માફ કરાવતા આવડવું જોઇએ. બાકી લોન લઇને પછી એ પાછી ચૂકવી જ દેવાની હોય તો લોન લેવાનો અર્થ જ શો છે? સાચો વિકાસ તો લોન માફી પછી જ થાય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.