ઉત્તેજક વસ્ત્રો તો સ્ત્રીનું શસ્ત્ર છે

05 Sep, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: media.tumblr.com

કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ થોડા સમય ભારત આવતી વિદેશી મહિલાઓને એવી સલાહ આપી કે તમારે ટૂંકા સ્કર્ટ્સ ન પહેરવા. બસ, પછી તો શું જોઇતું હતું, આખો દેશ એમના પર તૂટી પડ્યો. ટીકાકારો કહેવા લાગ્યા કે લોકોએ કયા કપડાં પહેરવા એ પણ હવે સરકાર અને પ્રધાનો નક્કી કરશે. સોશિયમીડિયામાં રાડારાડ થઇ ગઇ. સંઘ પરિવાર અને બીજેપીમાં મહેશ શર્મા જેવા કેટલાક નમૂના છે, જે અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરતા રહે છે અને લોકોને મનોરંજન પીરસતા રહે છે. આવા બીજા નમૂનાઓમાં સાક્ષી મહારાજ, સાધ્વી નિરંજન, ગિરિરાજ સિં વગેરેનો સમાવેશ થાય છે. હકીકતમાં આ નેતાઓ દેશ, દુનિયા અને સંસ્કૃતિ વિશે ખાસ માન્યતા ધરાવે છે અને હંમેશાં ખોટા સમયે, ખોટા સંદર્ભમાં એ વિશે બોલતા રહે છે. આના લીધે સૌથી પહેલા તો એમણે ચોખવટો કરવી પડે છે કે મેં આમ નહોતું કહ્યું અને આમ કહ્યું હતું. મહેશ શર્માએ પણ એવી ચોખવટ કરી કે મેં તો એમ કહ્યું હતું કે ધાર્મિક સ્થળો પર વિદેશીઓએ આવા કપડાં ન પહેરવા જોઇએ અને મેં ફક્ત એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

હકીકતમાં સ્ત્રીના ટૂંકા અને ઉત્તેજક વસ્ત્રો વિશે એક લાંબી ચર્ચા થઇ શકે એમ છે. વધુ પડતા પરમિસિવ અને ઉદારમતવાદી મૂલ્યોમાં માનતા લોકો ભલે એક ઝાટકે કહી દેશે કે સ્ત્રીને પોતાની મરજી પ્રમાણે કપડાં પહેરવાનો અધિકાર છે. એ વિશે એમને બીજા કોઇએ સલાહ આપવાની જરૂર નથી. સાચી વાત. યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધાઓને પોતાની ઇચ્છા મુજબ કપડાં પહેરવાનો અધિકાર હોવો જ જોઇએ. એ બાબતે કોઇ પ્રતિબંધ ન હોઇ શકે, પરંતુ સ્ત્રીનાં વસ્ત્રો એક બહુ જ રસપ્રદ વિષય છે અને આમાંય સ્ત્રીના ઉત્તેજક વસ્ત્રો એક અલગ વિષય છે.

આપણામાં એક કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં. વસ્ત્રોથી માણસની પહેલી ઇમ્પ્રેશન નક્કી થતી હોય છે એનો ઇનકાર થઇ શકે એમ નથી. સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ સારી ડ્રેસ સેન્સ હોય છે એટલે કે કપડાં પસંદ કરવાની એમની સૂઝબૂઝ ઘણી વધુ સારી હોય છે. પુરુષો પહેલા તો પોતાના વસ્ત્રો બાબતે ખાસ સભાન પણ નહોતા, પરંતુ ડિઝાઇનર્સ ડ્રેસિંગનો જમાનો આવ્યો ત્યારથી પુરુષો પણ જરા ફેશનને રવાડે ચડ્યા છે. વસ્ત્ર પરિધાનની કળા કોઇ છોકરીને શીખવવી નથી પડતી, એના માટે એ કૂદરતી હોય છે. નાની હોય ત્યારે પોતાની બાર્બીના કપડાં તૈયાર કરતી છોકરી મોટી થઇને પોતાની આગવી સ્ટાઇલ અપનાવી જ લેતી હોય છે. આ બધુ એકદમ સ્વાભાવિક લાગે છે, પરંતુ એક વાત જરા રહસ્યમય રહી છે. સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો શા માટે પહેરે છે એની પાછળનું કારણ જાણવાનું મુશ્કેલ છે.

એક કારણ એ હોય છે કે જો ટૂંકા વસ્ત્રો પહેરવાની ફેશન હોય તો કોઇ પણ યુવતી કરન્ટ ફેશનને અનુરૂપ કપડાં પહેરવાનું પસંદ કરવાની અને એથી એ ટૂંકા વસ્ત્રો પહેરવાનું પસંદ કરશે. કોઇ યુવતીને આઉટ ડેટેડ ફેશનમાં રહેવાનું નથી ગમતું. બીજું અને સૌથી વજૂદવાળું કારણ સગવડ અને કમ્ફર્ટ હોઇ શકે. ગરમીના સમયમાં ભારેખમ કપડાં કરતાં અલ્પ વસ્ત્રો વધુ કમ્ફર્ટેબલ લાગે એ સમજી શકાય. કામ કરતી વખતે બરમુડા અને ટીશર્ટ વધુ માફક આવે અને રાત્રે સૂતી વખતે ચૂડીદાર કરતાં નાઇટી વધુ ફાવે એ પણ સમજી શકાય.

એક કારણ કદાચ એ પણ છે કે ટૂંકા વસ્ત્રો એક પ્રકારની બળવાખોરી વ્યક્ત કરે છે. યુવાનવયમાં, ખાસ તો તરુણાવસ્થામાં છોકરાઓ જેમ ફાસ્ટ બાઇક ચલાવીને કે અન્ય કોઇ સાહસ અજમાવીને પોતાને રિબેલ જાહેર કરે એમ છોકરીઓ કદાચ ટૂંકા કપડાં પહેરીને રીતરિવાજ તોડવાનો, પરંપરાથી દૂર ભાગવાનો આનંદ લેતી હશે. અને એ રીતે પોતાને રિબેલ જાહેર કરતી હશે.

ઘણીવાર એવું બનતું હોય છે કે જે વસ્ત્રો સામે લોકોએ વાંધા લીધા હોય એ વસ્ત્રો પહેરવાની યુવતીઓ જિદ કરતી હોય છે. કોઇ ખોટી રીતે એને ટોકટોક કરે, એને દબાવે કે એના પર પોતાની જોહુકમી ચલાવે એ એને પસંદ નથી હોતું. આથી એનીવી એટિટ્યુડ બની જાય છે કે મારી મરજીની માલિક હું છું. મારે જે કરવું હશે એ કરીશ, જે પહેરવું હશે એ પહેરીશ. હૂ આર યુ ટુ એડવાઇઝ મી?

આ બધુ તો ઠીક છે, પણ સ્ત્રીઓના ટૂંકા કે ઉત્તેજક વસ્ત્રો સાથે જોકે એક મહત્ત્વની વાત સંકળાયેલી છે. અલ્પ વસ્ત્રોમાં જાતિયતા છે, શૃંગારરસ છે, સેક્સ અપીલ છે. આથી સ્ત્રીના અલ્પ વસ્ત્રોને ફક્ત કમ્ફર્ટ કે બળવાખોરીના સંદર્ભમાં ન સમજી શકાય. નોર્મલ સંજોગોમાં આપણે સારાં કે ખરાબ વસ્ત્રો પહેરીએ તો એ પ્રમાણે સામી વ્યક્તિ પર એની ઇમ્પ્રેશન પડે છે એમ સ્ત્રી જ્યારે ટૂંકા વસ્ત્રો પહેરે ત્યારે પુરુષો પર એની એક વિશેષ ઇમ્પ્રેશન પડતી હોય છે. ટાઇટ જીન્સ અને ચુસ્ત, સ્લીવલેસ ટીશર્ટ પહેરેલી યુવતી જ્યારે નોકરી માટેના ઇન્ટરવ્યૂ માટે જાય ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર પુરુષ એક ચોક્કસ મનોદશામાંથી પસાર થાય છે. આવા દરેક કિસ્સામાં સ્ત્રી પોતાના ઉત્તેજક વસ્ત્રોના પ્રભાવથી કદાચ સભાન નહીં રહેતી હોય, પરંતુ મોટા ભાગના કિસ્સામાં સ્ત્રી પોતાના ઉત્તેજક વસ્ત્રોના પુરુષો પર પડનારા પ્રભાવથી વાકેફ હોય છે. અલબત્ત, આ બાબતે કોઇ વાંધો ન જ લઇ શકાય, પરંતુ મુદ્દો નોંધવાલાયક તો છે.

આથી આ મામલો સામાજિક કરતાં સ્ત્રી પુરુષ વચ્ચેના સંઘર્ષનો વધુ છે. લોકો સ્વીકારે કે ન સ્વીકારે, પુરુષો સ્ત્રીઓ પર સતત લટ્ટુ થતા હોય છે. ખાસ તો પરણેલા પુરુષો પત્ની સિવાયની લગભગ તમામ સ્ત્રીઓ પર લટ્ટુ થતા હોય છે એ દુનિયાએ સ્વીકારેલી હકીકત છે. આથી જ બોસ- લેડી સેક્રેટરી, રિસેપ્શનિસ્ટ- કસ્ટમર, પતિ- પડોસણ, ડોક્ટર- નર્સ વગેરેની વેજ- નોવેજ જોક્સ દુનિયાભરમાં ખૂબ ઝડપથી પ્રસારીત થતી હોય છે અને સૌ કોઇ એને ખરા દિલથી માણે છે. આ પ્રકારની મોટા ભાગની જોક્સમાં પુરુષ લટ્ટુ તરીકે અને સ્ત્રી એક સ્માર્ટ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. બસ, આ જ થિયરી સ્ત્રીપુરુષ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જરા વધુ ગંભીર રીતે લાગુ પડતી હોય છે.

સ્ત્રી અલ્પ કે ટૂંકા વસ્ત્રો શા માટે પહેરે છે એ પ્રશ્ન એને પૂછી શકાતો નથી. જો કોઇ પૂછે તો એને સ્ત્રી સ્વાતંત્ર્યના નામનો સણસણતો તમાચો પડે છે. આથી આ બાબતે જે કંઇ સમજવાનું છે એ પુરુષે મનમાં જ સમજવાનું છે. એક વાત તો નક્કી છે કે કોઇ સ્ત્રી બીજી સ્ત્રીના લાભાર્થે અલ્પ અને ઉત્તેજીત વસ્ત્રો પહેરતી નથી. કે નથી એ પોતાના પરિવારજનોને પ્રભાવિત કરવા એ પહેરતી. તો પછી રહ્યા કોણ, ફક્ત પુરુષો જ ને? પરંતુ સ્ત્રીઓ આ વાત જાહેરમાં ક્યારેય નહીં સ્વીકારે. હા, સ્ત્રીઓ ઘણીવાર અંદરોઅંદર એવી વાતો કરતી હોય છે કે ઇફ યુ હેવ ઇટ, ફ્લાઉન્ટ ઇટ. એટલે કે જો કૂદરતે તમને અમુક અંગો સુડોળ અને સપ્રમાણ આપ્યા હોય તો એ વધુ નિખરી ઊઠે એવા વસ્ત્રો પહેરવા જોઇએ. એમાં કોઇ પ્રોબ્લેમ નથી. જો કોઇને પ્રોબ્લેમ થશે તો એ પુરુષોને થશે, પણ એ એમનો પ્રોબ્લેમ છે. આપણે શું?

આ બાબતે પુરુષ બિચારો લાચાર છે. તંગ વસ્ત્રો પહેરી સ્ત્રી પર ચોંટેલી નજર ઊખાડવાનું એના માટે કૂદરતી રીતે મુશ્કેલ હોય છે. પત્ની બાજુમાં હોય તો પણ ભૂલો કરી બેસે છે અને પછી ઠપકા ખાય છે. અને આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી ક્યારેય પુરુષ પર અંકુશ જમાવવાનો ચાન્સ નથી છોડતી. આ માટે અલ્પ અને ઉત્તેજીત વસ્ત્રો એ સ્ત્રીનું એક બહુ અસરકારક શસ્ત્ર છે.

 

શારીરિક આકર્ષણ તથા પોતાની ઉત્તેજક હાજરીથી પ્રભાવિત કરવાના સ્ત્રીઓના પ્રયાસોના અનુભવો પુરુષોને ડગલે ને પગલે થતા હોય છે. કોઇ કામની વાત હોય કે અમસ્તી દોસ્તી, શારીરિક આકર્ષણની બાબતે પોતાનો હાથ ઉપર રાખવાની લાલચ સ્ત્રી ક્યારેય છોડી શકતી નથી. એક સમય હતો, જ્યારે સ્ત્રીમાં સાદગીનો ગુણ બહુ આકર્ષક ગણાતો હતો, પરંતુ હવે જમાનો બદલાયો છે. હવે તો તીર સીધુ નિશાન પર જ તાકવામાં આવે છે. બધી જ સ્ત્રીઓ સ્માર્ટ બની ગઇ છે. લેખિકા કે લેડી જર્નાલિસ્ટ જેવા વ્યવસાયની સ્ત્રી સાથે પણ ઔપચારિક મુલાકાત ગોઠવાય તો એ ટ્રાન્સપરન્ટ ટીશર્ટ અને સ્લીવલેસના શૃંગાર સાથે હાજર નહીં થાય એની કોઇ ગેરન્ટી નથી હોતી. ચહેરાના હાવભાવ તથા વાતચીતનો ઢંગ પાછો એટલો ગંભીર હોય કે પુરુષ મનોમન જ ટળવળતો રહે. આ છે સ્ત્રીઓની ટિઝિંગ ગેમ. આને અલ્પ વસ્ત્રોનું પોલિટિક્સ પણ કહી શકાય. બિચારા મહેશ શર્મા વળી કઇ સંસ્કૃતિની વાત કરે છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.