અભી નહીં તો કભી નહીં

26 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

કોઈ પણ સરકારનું છ મહિને, એક વર્ષ કે બે વર્ષે મૂલ્યાંકન કરવાની એક ખોટી પ્રથા છે. સરકારની નીતિઓ, નિર્ણયો કે એની ફળશ્રુતિ સ્પષ્ટ રીતે દેખાવાનું શરૂ થાય ત્યારે એનું મૂલ્યાંકન થવું જોઈએ. નરેન્દ્ર મોદી સરકારનું મૂલ્યાંકન કરવાનો સાચો સમય અત્યારે છે. અત્યારે દેશની જે હાલત છે અને સરકાર તથા વડા પ્રધાન જે ત્રિભેટે ઊભા છે એ જોતાં લાગે છે કે નરેન્દ્ર મોદીએ પોતાની કાર્યપદ્ધતિમાં અને નીતિઓમાં જબરજસ્ત પરિવર્તન લાવવાની જરૂર છે. જો આ કામ તેઓ અત્યારે નહીં કરે તો પછી ક્યારેય નહીં કરે.

સૌથી પહેલા તો હું એક સ્પષ્ટતા કરી દઉં કે અત્યારે દેશમાં બનેલી દાદરી અને ફરીદાબાદની ઘટનાઓ બહુ જ ચિંતાજનક છે. સાહિત્યકારો અકાદમીના એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે એની પણ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ. છતાં હું માનું છું કે આ દેશમાં હવે ફરીથી ઈમર્જન્સી આવે એવી કોઈ શક્યતા નથી અને દેશના નાગરિકોને ફરીથી કોઈ દમનભરી નીતિથી કચડી નાંખવામાં આવે એવી કોઈ શક્યતા નથી. આજના સમયમાં એવી કોઈની તાકાત નથી. આજનો દેશ અલગ છે, હવેની દુનિયા અલગ છે. આથી જ નરેન્દ્ર મોદી સરકારનું પતન થાય તો દેશનો ઉદ્ધાર થઈ જશે એવું હું નથી માનતો. છતાં નરેન્દ્ર મોદી જે રીતે દેશ ચલાવી રહ્યા છે, એમાં એમની નિષ્ફળતા છતી થઈ રહી છે. એક રાષ્ટ્રીય કક્ષાના નેતાની નિર્બળતા છતી થાય છે. નરેન્દ્ર મોદી સત્તા પર છે ત્યાં સુધી સુશાસન કરે એવી આપણી ઈચ્છા છે.

દેશમાં મોંઘવારી વધી છે, અસહિષ્ણુતાની ઘટના વધી છે, અર્થતંત્ર નબળું પડ્યું છે અને વિદેશ નીતિમાં નિષ્ફળતા મળી છે. આ માટે કેન્દ્ર સરકાર સિવાય બીજું કોઈ જ દોષી નથી. નરેન્દ્ર મોદીનો પ્રોબ્લેમ એ છે કે, એમણે હજુ સુધી કેન્દ્રમાં કોઈ કામગીરી શરૂ જ નથી કરી. કહેવાતું ગુજરાત મોડેલ શું ચીજ છે એની કોઈને ખબર નથી અને દેશમાં એનું કઈ રીતે અનુકરણ થયું એનો પણ કોઈ અત્તોપત્તો નથી. અત્યારે દેશમાં જે રીતે બધું ચાલી રહ્યું છે એ નાવિક વિના ચાલી રહેલી દિશાવિહિન હોડી જેવું છે.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા નરેન્દ્ર મોદી હીરો હતા અને કોંગ્રેસ વિલન હતી. એમાં બીજેપી તથા નરેન્દ્ર મોદીનુ માર્કેટિંગનું ફેક્ટર ભળ્યું એટલે બીજેપીને ભવ્ય વિજય મળ્યો. ત્યાર પછી પણ થોડો સમય એ ચાલતું રહ્યું, પણ એક વાત ક્યારેય ભૂલવા જેવી નથી કે સારું માર્કેટિંગ કરવાથી પ્રોડક્ટને એક વાર વેચી શકાય ખરી, પણ એનાથી વિશ્વસનિય બ્રાન્ડ ન બને. નરેન્દ્ર મોદી આ વાત સમજવામાં જ થાપ ખાઈ ગયા છે. સત્તા પર આવ્યા પછી એમણે કશું જ નથી કર્યું. કંઈ કરતાં કંઈ જ નહીં!

માન્યું કે શરૂઆતમાં આરએસએસના દબાણને કારણે એમણે કેબિનેટમાં તથા અન્ય કેટલાક સ્થાનો પર સંઘ પરિવારના માણસોને લેવા પડ્યાં, પરંતુ એમણે પોતાની બુદ્ધિ વાપરીને અરુણ જેટલી જેવા હોશિયાર માણસને સાથે રાખવાની સમજદારી પણ દર્શાવી. જોકે આ સમજદારી એમણે અન્ય ક્ષેત્રોમાં ન દેખાડી. વિવિધ ક્ષેત્રોના અનેક પ્રોફેશનલ્સ એવા છે, જેમને સરકાર તરફથી આમંત્રણ મળ્યું હોત તો તેઓ દેશની સેવા માટે આગળ આવ્યા હોત, પણ આવું બન્યું નહીં.

આનું પરિણામ એ આવ્યું કે સરકારની નીતિઓ ઘડવાની બાબતમાં એક પ્રકારની કંગાળિયત જોવા મળી. અને વિરોધપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસની યોજનાઓને ભાંડતા લોકોએ કોંગ્રેસની જ યોજનાઓને નવા સ્વરૂપે રજૂ કરવાની નોબત આવી. મોદી સરકારનું કોઈ એક પગલું એવું નથી, જેનાથી કોઈ બાબતમાં નક્કર વિકાસ થયો હોવાનું જણાય.

નરેન્દ્ર મોદી ભલે આરએસએસના ભૂતપૂર્વ પ્રચારક રહ્યા હોય, પણ વડા પ્રધાન બન્યા પછી એમણે એમનું વિઝન બદલવું જોઈતું હતું. કમ સે કમ એવો દેખાવ તો એમણે કરવાનો જ હતો. પોતાને એક અલગ પ્લેટફોર્મ પર અનુભવ્યા પછી એમની સામે એક મોટી સમસ્યા આવી. ખોટા માર્ગે ગયેલા પોતાના સાથીઓની! એક તરફ સાક્ષી મહારાજ, ગિરિરાજ સિંહ વગેરે જેવા અંતિમવાદીઓ અને બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોમાં ભેરવાયેલા સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે, શિવરાજ સિંહ વગેરે…

પ્રારંભના એકાદ બે કેસમાં આ બાબતે કોઈ નિર્ણય ન લેવાનું વલણ ઠીક હતું, એને એક વ્યુહ પણ ગણી શકાય. પરંતુ પછી તો વડા પ્રધાનને આ કોઠે પડી ગયું. પ્રશ્ન ગમે એટલો મોટો હોય, છતાં મૌન ધારણ કરી લેવાની એમને આદત પડી ગઈ. જોકે એમની આ સ્ટ્રેટજી પણ નિષ્ફળ ગઈ છે.

નરેન્દ્ર મોદી માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે એમનો વ્યક્તિગત કરિશ્મા હવે ઝાંખો પડી રહ્યો છે. એમની જે વાતોથી પહેલા લોકો પ્રભાવિત થતાં હતા એ વાતો પર હવે લોકો બગાસા ખાય છે. એમનો ‘મન કી બાત’નો રેડીયો કાર્યક્રમ હવે કંટાળાજનક બની ગયો છે અને ટૂંક સમયમાં એ કોમેડી કાર્યક્રમ બની જવાનો છે!

નરેન્દ્ર મોદીની નિષ્ક્રિયતા અને અનિર્ણયાત્મકતા હવે કોઈ વ્યુહ નથી રહ્યો. એ એમની નબળાઈ બની ગઈ છે. દશેરાના દિવસે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ‘શિવસેના બાપ છે અને બાપ સામે બેટાએ ઝૂકવું જ પડે.’ એ જ રીતે થોડા જ સમયમાં ભાજપના નેતાઓ પણ નરેન્દ્ર મોદીને પડકારવા માંડશે.

નરેન્દ્ર મોદીએ જો આવતી ચૂંટણીઓ જીતવી હોય, જો એક નેતા તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખવું હોય તો એમણે જબરજસ્ત મક્કમતા દાખવવાની જરૂર છે. એમણે એક વડા પ્રધાનને છાજે એવું વર્તન કરવું જોઈએ અને રાજ્યોની ચૂંટણીઓમાં કોઈ સામાન્ય પ્રચારક રસ લે એટલો રસ લેવાનું બંધ કરીને દેશની સમસ્યાઓ પર એમનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને એ માટેનો સમય અત્યારે જ છે. અભી નહીં તો કભી નહીં.

મક્કમ બનતા પહેલા કેટલીક વાસ્તવિકતાને એમણે સારી રીતે સમજી લેવી જોઈએ. એક તો વિદેશી ઓડિયન્સની વાહ વાહથી ફૂલાવાનું બંધ કરવું જોઈએ. વિદેશમાં રહેતા મોટાભાગના ભારતીયોનું તો એવું છે કે, ઈન્ડિયાથી આવેલા થેપલાં અને ખાખરા પણ એમને એટલા જ વહાલા હોય છે જેટલા નરેન્દ્ર મોદી એમને વહાલા લાગે છે. એમને મન મઠિયાં અને મોદી એક જ છે! માટે એમની તાળીઓથી વધુ પડતા ખુશ થવાનો કોઈ મતલબ નથી. બીજું, એમના થકી કંઈ તમે દેશની સમસ્યાઓ ઉકેલી નથી શકવાના. દરેક વિદેશ પ્રવાસ પછી તકલીફ પડે છે એનું કારણ આ જ છે.

એક મહત્ત્વની વાત નરેન્દ્ર મોદીએ સમજી લેવી જોઈએ કે નક્કર કામ કરવા માગતા માણસ પાસે બીજાની ટીકા કરવાનો સમય કે ફુરસદ ક્યારેય નથી હોતા, માટે એમણે વિના કારણ કોંગ્રેસની ભૂલો અને એની નીતિઓની ટીકા કરવાનું સદંતર બંધ કરવું જોઈએ. જો આ બાબતમાં હવે તેઓ લાંબુ ખેંચશે તો એનાથી કોંગ્રેસ માટે સહાનુભૂતિ પેદા થશે.

સત્તાના મદમાં ગાંડાતૂર બનેલા ભાજપના નેતાઓએ એ યાદ રાખવું જોઈએ કે, હજુ પણ ભાજપમાં નરેન્દ્ર મોદી જેટલું સ્ટેચર ધરાવતો બીજો કોઈ નેતા નથી. આ પક્ષ વન મેન શૉ જેવો છે! તો બીજી તરફ પોતાના કદનો લાભ લઈને હજુ પણ નરેન્દ્ર મોદી મક્કમ બનીને પક્ષ તથા સંઘ પરિવાર પર પોતાની પકડ મજબૂત બનાવી શકે છે. એક-બે પ્રધાનો કે મોટા નેતાઓ સામે નક્કર પગલાં લેવાથી કોઈ બળવો નથી થવાનો. એનાથી કોંગ્રેસને પણ કોઈ લાભ નથી થવાનો. પણ નરેન્દ્ર મોદી કંઈક છે અને તેઓ વિકાસની દિશામાં કંઈક નક્કર પગલા ભરી રહ્યા છે એવી છાપ જરૂર ઊભી થઈ શકે. અરે બીજું કંઈ નહીં તોય, ગજેન્દ્ર સિંહ જેવા બે-ચાર નબળા બકરાનો શિકાર તો આરામથી થઈ શકે. મક્કમતા દાખવવાના આવા પ્રતીકાત્મક પગલાં પણ ઈમેજ સુધારી શકે. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે રાજ્યોના મુખ્યમંત્રીઓ રીતસર એમની કઠપૂતળીની જેમ નાચતા! એકહથ્થુશાહી ઈચ્છનીય નથી, પણ મક્કમતા એ રાષ્ટ્રીય નેતાની મુખ્ય ઓળખ હોય છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણકારો બદલવાની પણ જરૂર છે. પહેલાં જે ભાષણો પર લોકો ખુશ થઈ જતા એ ભાષણો હવે  લોકોને બોદાં લાગે છે. પહેલા શબ્દોની રમત સુખદ ચમત્કૃતિ પેદા કરતી, પણ હવે એવા શબ્દો હાસ્યાસ્પદ બનીને કાનને વાગે છે. હવે એમને સચ્ચાઈના ટકોરા મારે એવા ભાષણોની જરૂર છે. અથવા તો થોડો સમય એમણે કારણ વિનાના ભાષણો આપવાનું જ બંધ કરી દેવું જોઈએ.

ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીના પતનમાં એક વાત કોમન હતી. બંનેને એમના સલાહકારોએ ડૂબાડ્યા! નરેન્દ્ર મોદીએ પણ વહેલામાં વહેલી તકે હાલના સલાહકારોને તગેડી મૂકવાની જરૂર છે. વધુ નુકસાન થાય એ પહેલા! વળી, કયા સલાહકારોને રાખવા અને નવા કયા સલાહકારને લેવા એ માટે પાછા કોઈ સલાહકાર નીમવાની પણ જરૂર નથી. એ નિર્ણય તો પોતે જ લેવો પડે!

ઈતિહાસ સાક્ષી છે કે, નબળા નેતા ક્યારેય કશું નક્કર કામ કરી શક્યા નથી અને એમને પ્રજા માફ નથી કરતી. નરેન્દ્ર મોદીના ચાહકો અને ભક્તો પણ કદાચ મોદી મક્કમ બને એની રાહ જોતા હશે. નરેન્દ્ર મોદી માટે મક્કમ બનવાનો, મક્કમતા દેખાડવાનો સમય અત્યારે જ છે. અભી નહીં તો કભી નહીં.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.