જરૂરી કામ કરવા કે મનગમતાં?

20 Jun, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

આમીર ખાનની યાદગાર ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની થિયરીથી લોકો બહુ જ પ્રભાવિત થઇ ગયા હતા. તમને જે પસંદ હોય એ જ કામ કરો, તમને એમાં સફળતા જરૂર મળશે. ફિલ્મમાં વ્યવસાય અને કરિઅર પસંદ કરવાની વાત હતી, પરંતુ જીવનની અન્ય બાબતોમાં પણ આ વાત આપણને એટલી જ પ્રભાવિત કરે છે. શું ખરેખર આપણને પસંદ હોય એ જ કામો અને પ્રવૃત્તિઓ કરવી જોઇએ?

માનસશાસ્ત્રની ભાષામાં આને ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે કે આંતરિક પ્રેરકબળ કહે છે. આંતરિક પરિબળ એવું પ્રેરકબળ છે જેના દ્વારા તમને મનગમતા કામો કે પ્રવૃત્તિ કરવાનું મન થાય. તમને એમાં કોઇ બોજ ન લાગે કે કંટાળો ન આવે. બાળકને હોમવર્ક કરવા માટે કહેવું પડે અને એ ક્યારેક પરાણે કરાવવું પડે, પરંતુ એ રમકડાં સાથે તો પોતાની મેળે જ રમવા માંડતુ હોય છે. રમકડાંથી રમવા માટે એને આંતરિક પ્રેરકબળ મળી રહે છે.

એ ખરું કે અમુક કામો કરવામાં આપણને અંદરથી આનંદ મળે છે. એ માટે કોઇ ઇનામની આપણને અપેક્ષા નથી હોતી. આપણે જ્યારે સોસાયટીના કમ્પાઉન્ડમાં વોલીબોલ રમીએ છીએ ત્યારે એ માટે કોઇ ઇનામની અપેક્ષા નથી હોતી. ટ્રેન કે બસમાં બેસીને છાપાંની ક્રોસવર્ડ પઝલ સોલ્વ કરીએ ત્યારે એ પ્રવૃત્તિમાં આનંદ મળે છે. આવા કામ કરવા માટે આપણને કોઇ બાહ્ય પ્રેરકબળની જરૂર નથી પડતી. કોઇની સલાહ કે સૂચનોની જરૂર પણ નથી પડતી.

હવે પ્રશ્ન એ છે કે જો આંતરિક પ્રેરકબળ જો આવી સારી વાત હોય તો પછી માણસે બીજું કંઇ કરવું જ શા માટે જોઇએ. જે ગમે એ કરો. ન ગમે એ ન કરો. પણ શું આ રીતે દુનિયા ચાલે ખરી? વ્યવસાય કે કરિઅર પસંદ કરવાની વાત કરીએ તો મોટા ભાગના યુવાનોને ફિલ્મ સ્ટાર્સ કે મોડલ બનવું હોય છે. અને ખરેખર એમાં તેઓ કલાકોના કલાકો વીતાવતા પણ હોય છે. એ માટેનું પ્રેરકબળ પણ એમને ઢગલાબંધ મળી રહેતું હોય છે. પણ શું એ વહેવારુ છે? શું એ પ્રેક્ટિકલ છે?

સમસ્યા એ છે કે ફક્ત આંતરિક પ્રેરકબળથી દુનિયા ચાલતી નથી. વહેવારિક જીવનને આગળ ધપાવવા માટે એક્સ્ટ્રિન્સ્ટિક મોટિવેશન એટલે કે બાહ્ય પ્રેરકબળોનો સહારો લેવો પડે છે. જો બાળકને ફક્ત મનગમતી પ્રવૃત્તિ કરવાની છૂટ આપી દેવામાં આવે તો એ ક્યારેય સ્કૂલે જવાનું નામ ન લે અને સ્કૂલે જાય તો કંઇ ભણે જ નહીં. એ જ રીતે વ્યસાયમાં પણ જો કર્મચારીઓને સારા કામ માટે પ્રમોશન મળવાનું ગાજર ન બતાવવામાં આવે અથવા ટાર્ગેટ પૂરું ન કરી શકતા કર્મચારીઓને નોકરી જવાનો ડર ન બતાવવામાં આવે તો ઉત્પાદનની પ્રક્રિયા સાવ પડી ભાંગે.

લોકોને મોટિવેટ કરવા માટે, કાર્યરત બનાવવા માટે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટની પદ્ધતિનો સદીઓથી અમલ થતો રહ્યો છે. જો તમે સારું કામ કરો તો તમને ઇનામ મળે અને ખોટું કામ કરો તો સજા મળે. આ છે મોટિવેશનનો મૂળભૂત સિદ્ધાંત. મોટિવેશનના બે પ્રકાર એટલે ઇન્ટ્રિન્સિક અને એક્સ્ટ્રિન્સિક મોટિવેશન. બંને પ્રકારના મોટિવેશનના કેટલાક ગેરલાભ છે. મૂળ વાત એ છે કે ફક્ત આંતરિક પ્રેરકબળ જ શ્રેષ્ઠ છે એ માન્યતા ભૂલભરેલી છે.

બાહ્ય પ્રેરકબળ એવું મોટિવેશન છે, જેના કારણે તમે કંઇક નક્કર મેળવવા અથવા કોઇક સજાથી મુક્તિ મેળવવા માટે કામ કરો છો. સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થી ખૂબ મહેનત કરીને ભણતો રહે છે એની પાછળનું કારણ બાહ્ય પ્રેરકબળ છે. એને સારા માર્ક્સ લેવા છે, સારા માર્ક્સ મેળવીને સારી કરિઅર બનાવવાનો પ્લાન છે. કોઇ રમત કે ટુર્નામેન્ટની ટ્રોફી અથવા એ સાથેના ઇનામની રકમ મેળવવા માટે ખેલાડીઓ રમતમાં જીવ લગાડી દે છે અને જોશપૂર્વક રમત રમે છે. નોકરિયાત વધારાનું બોનસ મેળવવા માટે કામનું ટાર્ગેટ ઓછા સમયમાં અચિવ કરવાના પ્રયાસો કરે છે. આ બધા જ કિસ્સામાં ઇનામ નક્કર સ્વરૂપમાં છે અને એ નજરની સામે છે. જો આવા બાહ્ય પ્રેરકબળો ન હોય તો માણસ માટે નિશ્ચિત સમયમાં અમુક કામો પતાવવાનું મુશ્કેલ બની જાય.

આ રીતે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના મોટિવેશન જરૂરી છે. માનસશાસ્ત્રીઓએ આ વિશે કેટલાક સંશોધનો કર્યા છે, જેના આધારે અમુક રસપ્રદ તારણો નીકળ્યા છે. જેમ કે તમને જે વાતનું આંતરિક મોટિવેશન હોય એ માટે જો તમને બાહ્ય મોટિવેશન આપવામાં આવે તો છેવટે તમારું આંતરિક મોટિવેશન નબળું પડી શકે છે. આને માનસશાસ્ત્રની ભાષામાં ઓવરજસ્ટિફિકેશન કહે છે. બાળકને જે રમકડું રમવામાં અંદરથી આનંદ મળતો હોય એને જો એ રમકડું રમવા માટે ઇનામ આપવામાં આવે તો પછી એ રમકડું રમવા માટેનો એનો અંદરનો આનંદ ઓછો થઇ જાય છે. આ વાત બીજી ઘણી બાબતોમાં લાગુ પડી શકે છે. ખાસ તો કળા, સાહિત્ય વગેરેમાં વ્યક્તિ જ્યાં સુધી નિજાનંદ માટે પ્રવૃત્ત રહેતી હોય ત્યાં સુધી એનો આનંદ અવિરત હોય છે અને સર્જનક્રિયા બેફામ રહે છે, પરંતુ એને એ માટેના પુરસ્કાર કે વળતર મળવાના શરૂ થાય એ પછી સર્જકનું આંતરિક મોટિવેશન નબળું પડી જાય છે. આ હકીકત ઘણા કલ્પનાશીલ લોકોએ અનુભવી હશે.

બીજી તરફ બાહ્ય મોટિવેશન ક્યારેક માણસને એવી પ્રવૃત્તિ કે કામોમાં રસ લેતો કરી દે છે, જેમાં એને પહેલા ખૂબ જ અણગમો હતો. શરૂઆતમાં ભલે ઇનામ સામે દેખાતું હોય એટલે એ પ્રવૃત્તિ કરે, પરંતુ સમય જતાં એ કામ કે પ્રવૃત્તિમાં એને આનંદ મળવા લાગે છે અને એના માટે એક નવી દિશા ખૂલી જાય છે. આ રીતે બાહ્ય મોટિવેશન માણસને પોતાની આંતરિક રુચિ તથા આવડત વિશે જાણકારી મેળવવાનો પણ મોકો આપે છે.

જોકે આધુનિક સમયમાં બાહ્ય મોટિવેશનનું મહત્ત્વ એટલું બધુ વધી ગયું છે કે ચારે તરફ ગળાકાપ સ્પર્ધા અને દોડધામનું વાતાવરણ સર્જાઇ ગયું છે. બધાની નજર સામે કોઇને કોઇ ટાર્ગેટ છે, જે અચિવ કરવા માટે લોકો રાત દિવસ એક કરે છે. પારિવારિક કે વ્યક્તિગત જીવનના અન્ય પાસાંનો ભોગ અપાય છે. ક્યારેક એમ લાગે કે કરિઅર, વ્યવસાય અને બિઝનેસ સિવાય બીજા કોઇ વાતનું જીવનમાં મહત્ત્વ નથી રહ્યું.

આવા સંજોગોમાં આંતરિક મોટિવેશનનું મહત્ત્વ વધી જાય છે. મનને શાંતિ મળે એવા કામ કે પ્રવૃત્તિ ફક્ત આંતરિક મોટિવેશન દ્વારા જ થઇ શકે છે. અન્ય લોકોને મદદરૂપ થવાની કે સમાજ માટે કંઇ કરવાની ભાવના ફક્ત આંતરિક મોટિવેશન હોય તો જ આવી શકે, કારણ કે એમાં કોઇ ઇનામ નથી મળવાનું. એમાં કોઇ ટાર્ગેટ સિદ્ધ નથી કરવાનો હોતો. રસ્તા પર સૂતા બેઘર લોકોને જમવાનું કે કપડાં આપવાનું કામ ઘણા લોકો ચૂપચાપ કરતા રહે છે, કારણ કે એ પ્રવૃત્તિમાં એમને આનંદ મળે છે અને એ આનંદ આંતરિક મોટિવેશનને લીધે આવે છે. વહેવારિક જીવન માટે બાહ્ય મોટિવેશન જરૂરી છે, પરંતુ મનની શાંતિ માટે આંતરિક મોટિવેશ આવશ્યક છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.