નેમ ડ્રોપિંગની ચાલાકીથી ચેતો
માણસની ઉંમર વધે એમ એનામાં સમજણ આવવા માંડે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે એ સમજણનો જીવનમાં ઉપયોગ કરવાને બદલે, એનો લાભ બીજાને આપવાનો નિર્ણય કરે છે. આ રીતે માણસ બીજા માણસોને સલાહ આપવાનું શરૂ કરે છે. આમ તો બીજાની સલાહ કોઈ સાંભળતું નથી, પરંતુ કેટલાક વિવેકી લોકો એ સાંભળી હોવાનો અભિનય કરે છે, એટલે સલાહ આપનાર માણસને એમ લાગવા માંડે છે કે લોકોને સલાહ આપવાનું મારે ચાલુ રાખવું જોઈએ. ઈશ્વરે આ માટે જ મને જન્મ આપ્યો છે.
લોકો તમારી વાત સાંભળે કે માને ત્યારે તમને એક અનોખો આનંદ મળતો હોય છે. તમને એમ લાગે કે આ દુનિયામાં તમારું કંઈક મહત્ત્વ છે. તમારો અહમ સંતોષાય છે. ખરેખર તો આ એક નશો છે. પછી તો ફક્ત સલાહ જ નહીં, તમારી કોઈ પણ વાત લોકો સાંભળે એમાં મજા આવવા લાગે છે. મિત્ર મંડળીમાં એવી વાત થાય કે લાલ બાગની લારીના વડા પાઉં બહુ સારા આવે છે અને તમને ખબર હોય કે દાદર સ્ટેશન પાસેના વડા એનાથી પણ વધુ ટેસ્ટી હોય છે. તો તમે મક્કમતાથી ચર્ચામાં ઝૂકાવશો અને કહેશો કે દાદરના વડા પાઉં તો આખા મુંબઈમાં બેસ્ટ છે. હવે લાલ બાગવાળો બચાવ કરશે અને કહેશે કે લાલ બાગના વડા પાઉં તો છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રખ્યાત છે. અને જો તમારામાં ચાલાકી હશે તો તમે કહેશો કે અરે પણ દાદરના વડા પાઉં તો એટલા ફેમસ થઈ ગયા છે કે એ ખાવા તો સલમાન ખાન અને રોહિત શર્મા પણ આવતા હોય છે. એમણે પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. બસ. ચારે તરફ સોપો પડી જશે. લોકો તમારી તરફ આદરથી જોવા માંડશે. કહેવું પડે બાકી. આની પાસે સોલિડ ઈન્ફોર્મેશન છે.
માણસના જીવનમાં આવી એક ઘટના બને ત્યારે એને એ વાત સમજાઈ જાય છે કે તમારામાં, તમારી વાતમાં કોઈને રસ નથી હોતો, પરંતુ જો તમે બીજા કોઈ મોટા નામનો વાસ્તો દઈને વાત કરો તો લોકો ઈમ્પ્રેસ થઈ જાય છે. આવું જ્ઞાન પામી ચૂકેલા સેંકડો અને હજારો લોકોને તમે મળ્યા હશો. આવા લોકો વાત વાતમાં કોઈ મોટી વ્યક્તિનું નામ લઈને સૌને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરતા હોય છે. વાત વાતમાં કોઈ મોટી વ્યક્તિનું નામ લઈને લોકોને પ્રભાવિત કરવાની આ કળાને નેમ ડ્રોપિંગ કહે છે.
તમે જ્યારે કોઈ વાતમાં મોટી વ્યક્તિનું ક્વોટ ટાંકો ત્યારે એ જરૂરી નથી કે એ વ્યક્તિ એવું બોલી હોય. તમારે તો ફક્ત એનું નામ લેવાનું છે. કોઈ ચેક કરવા નથી જતું. અમે સ્કૂલમાં હતા ત્યારે સુરેન્દ્ર નગરમાં મિત્રો સાથે મોડી રાત સુધી ગપાટા મારવાનો ક્રમ હતો. એ સમયે ટીવી નહોતું. દેશવિદેશના સમાચારો માટે ફક્ત અખબારો અને રેડિયો જ ઉપલબ્ધ હતા એટલે ગપ્પાં અને અફવાનું બજાર હંમેશાં ગરમ રહેતું. અમારી મંડળીમાં એક છોકરો થોડું અંગ્રેજી જાણતો હતો અને બીબીસી ન્યૂઝ સાંભળતો. અમારી કોઈ પણ વાત બરોબર ચગે ત્યારે એ વટથી ઘોષણા કરતો કે બીબીસીમાં તો આવા સમાચાર આવ્યા છે. અમે બધા ચૂપ થઈ જતાં અને એની સામે માનથી જોવા લાગતા. બીબીસીનું નામ લઈને એ ભાઈ બહુ મોજ લેતા હતા. એ સમયે અમારી મંડળીમાં એક બકાભાઈ હતા. ખરેખરા બકાભાઈ, વ્હોટ્સએપવાળા નહીં. એક દિવસ કોઈ મહત્ત્વની વાતે પેલા ભાઈએ બીબીસીનું નામ લીધું કે તરત બકાભાઈ બોલ્યા કે બીબીસીમાં કોઈ સમાચાર સાચા આવતા જ નથી. બધા બકાભાઈ તરફ જોવા લાગ્યા. બકાભાઈએ આગળ ચલાવતા કહ્યું કે બે અંગ્રેજી છાપાંમાં મોટા અહેવાલ છપાયા છે કે, બીબીસીના સમાચાર સાવ ખોટા હોય છે. હવે સૌ બકાભાઈથી ઈમ્પ્રેસ થઈ ગયા, કારણ કે એમની વાતમાં બે અંગ્રેજી છાપાંનું વજન હતું. લોહા લોહે કો કાટે. પેલા ભાઈ તો ગેંગેંફેંફેં થઈ ગયા. અને પછી જ્યારે પણ મળતા ત્યારે કહેતા કે મારો રેડિયો બગડી ગયો છે.
નેમ ડ્રોપિંગનું દૂષણ ચારે તરફ ફેલાયેલું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લેખો, કૉલમો તથા અન્ય લખાણોમાં એનો વ્યાપ વધ્યો છે. તમે કોઈ પણ લેખ કે કોલમ વાંચો તો એની અંદર ભારોભાર ક્વોટ્સ વાંચવા મળશે. કેટલાક લેખમાં તો અડધો અડધ ક્વોટ્સ હોય છે. મજાની વાત એ છે કે ગુજરાતીમાં છપાતાં મોટા ભાગના લેખો કે કૉલમોમાં વિદેશી મહાનુભાવોના જ ક્વોટ્સ હોય છે. લેખકો પણ શાણા હોય છે. તેઓ જ્યોર્જ બનાર્ડ શૉ કે ઓસ્કાર વાઈલ્ડ જેવા જાણીતા નામો ડ્રોપ નથી કરતા એટલે કે એમના ક્વોટ્સ નથી ફેંકતા, કારણ કે એ તો ચેક થઈ શકે. મોટે ભાગે તમને સાવ અજાણ્યા લાગે એવા લેખકો કે ફિલોસોફરોના ક્વોટ્સથી આંજવાનો પ્રયાસ થતો હોય છે. અને આપણા જેવા સામાન્ય વાચકો પણ એવી માનસિકતા રાખીએ છીએ કે લેખકનું નામ જેટલું અજાણ્યું અને અઘરું એટલી એની મહત્તા વધુ.
વિદેશી લેખકો કે ફિલોસોફરોનાં નામ ફેંકી ફેંકીને કેટલાક લેખકો આખો લેખ ઢસડી નાંખતા હોય છે. કેટલાક તો આખી કરિયર ઢસડી કાઢે છે. આ રીતે લેખ લખવાનું બહુ જ સહેલું છે. મૂળ લેખક કે ફિલોસોફર ભલે ગમે તે કહેવા માગતો હોય, પણ લેખક મહાશય પોતાની રીતે પાણી નાંખી નાંખીને વાતને એવી ગૂંચવી નાંખે કે છેવટે તમે થાકી જાઓ. તમે એમ વિચારો કે આવા મોટા વિદેશી ફિલોસોફરે કહ્યું છે તો કંઈક બહુ ઊંડા અને ગહન વિચાર મંથન પછી જ કહ્યું હશે ને.
ક્યારેક મને એવો વિચાર આવે છે કે અમુક લેખકો શા માટે આટલા બધા વિદેશી લેખકો તથા ફિલોસોફરોને ટાંકતા હશે. પછી તરત જ મારા દિલમાં સહાનુભૂતિનું મોજું ફરી વળે છે. મને થાય કે કોઈ જ ઓરિજિનલ વાત કહેવાની ન હોય ત્યારે માણસ કરે તો શું કરે?
એક શક્યતા એવી પણ હોય છે કે લેખક મહાશયે જે લેખક કે ફિલોસોફરનું નામ ફેંક્યું હોય એવું કોઈ અસ્તિત્વમાં જ ન હોય. વિદેશી નામો તો અનેક મળી રહે. ફક્ત અંગ્રેજી નામો જ નહીં, ફ્રેન્ચ, જર્મન, પોલીશ, રશિયન, ચીની... કોઈ પણ નામ હોઈ શકે. કોઈ કશું ચેક કરતું નથી. આવા ફેક આઈડી ધરાવતા લેખક કે ફિલોસોફરે શું કહ્યું છે એ વિશે તો જેટલી ફેકંફેંક કરવી હોય એટલી કરી શકાય. ટૂંકમાં, મનમાં જે વિચારો ચાલતા હોય એ કોઈ વિદેશી લેખક કે ફિલોસોફરના નામે ચડાવીને એનું વિશ્લેષણ કરવાનું, એની મહત્તા વર્ણવવાની અને છેલ્લે ગોળ ગોળ નિષ્કર્ષ કાઢવાનો. લેખના અંતે કંઈ ન સમજી શકેલા વાચકો બિચારા એમ વિચારશે કે વાહ, આપણને પણ ન સમજાય એવો અઘરો લેખ.
ખરેખર તો મોટા વિદેશી નામોની ફેકંફેક કરતા લેખકને તમે પડકારીને મૂંઝવણમાં મૂકવાનો એક પ્રયોગ કરી શકો. ધારો કે કોઈ લેખકે સિમોન સ્વોત્સ્કી નામના કોઈ અજાણ્યા ફિલોસોફરને ક્વોટ કરીને લખ્યું હોય કે ‘મૃત્યુ એ જીવનયાત્રાની અંતિમ મંઝિલ છે.’ તો તમે એ લેખકને લખો કે સિમોન સ્વોત્સ્કી તો મારા પ્રિય લેખક છે. એમના બધા જ પુસ્તકો મેં વાંચ્યા છે. સ્વોત્સ્કીએ તો હંમેશાં એવું લખ્યું છે કે ‘મૃત્યુ એ જીવનયાત્રાનું પ્રથમ ચરણ છે.’ લેખક મહાશય તમને તો જવાબ નહીં આપે, પણ ત્યાર બાદ સ્વોત્સ્કીને ક્વોટ કરવાનું બંધ કરી દેશે.
કોઈ સારા લેખક કે ફિલોસોફરને ક્વોટ કરવા સામે મને કોઈ મૂળભૂત વાંધો નથી, પરંતુ મહાન માણસો દ્વારા ભૂતકાળમાં જે કંઈ લખાયું એ સમય અલગ હતો. એને સંદર્ભ અલગ હતો. માન્યું કે સાહિત્યિક લખાણોનું મૂલ્ય કાયમી હોય છે, છતાં ભૂતકાળમાં લખાયેલી વાતને વર્તમાન સંદર્ભ સાથે ક્વોટ કરવા માટે એક ઊંડી સમજણ જોઈએ. અને જો લેખક મહાશયમાં આવી સમજણ હોય તો તેઓ મૌલિક જ લખી શકે.
વાતનો સાર એ છે કે ક્યારેય કોઈ વિદેશી લેખકો કે ફિલોસોફરોના નામથી અંજાઈ ન જવું. એમણે જે કહ્યું એ આજના સમયમાં પણ સુસંગત છે એવું પણ માની ન લેવું. અને હવે તો વ્હોટ્સએપ અને ફેસબુક પર જેએસકે સાથે સારા સારા ઓરિજિનલ ક્વોટ્સ સાવ મફતમાં મળે છે. નેમ ડ્રોપિંગથી ઈમ્પ્રેસ કરવાનો અને ઈમ્પ્રેસ થવાનો સમય હવે રહ્યો નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર