ન્યુઝ ચેનલોનો ટાઈમપાસનો પ્રોબ્લેમ

31 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

જેમ હિન્દી ફિલ્મના દર્શકો વિશે એક એવી ખોટી છાપ છે કે એમને મસાલાવાળી ફિલ્મો જ ગમે છે એમ ટીવીમાં સમાચાર જોતાં દર્શકો વિશે પણ એક એવી ગેરસમજણ પ્રવર્તે છે કે એમને સનસનાટીભર્યા સમાચારો જ જોવાનું ગમે છે. ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલન દરમિયાન વિવિધ ભાગોમાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીના અહેવાલો ન્યુઝ ચેનલોએ અને એમાંય ખાસ તો ગુજરાતી ભાષાની ન્યુઝ ચેનલોએ જે રીતે દર્શાવ્યા એમાં આવી બધી જ ગેરસમજણો દૂર થઈ ગઈ. હિંસાની ઘટનાના દૃશ્યો વારંવાર દર્શાવીને ન્યુઝ ચેનલો કદાચ લોકોને ખુશ કરવા માગતી હતી, પરંતુ લોકો નારાજ થયા. સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આવી ન્યુઝ ચેનલો તરફ નારાજગી વ્યક્ત કરી અને ઘણાએ એવી માગણી કરી કે આવા સમયે બેજવાબદાર ન્યુઝ ચેનલો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

લોકશાહીમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ઈચ્છનીય નથી, પરંતુ દેશભરની અને ખાસ તો પ્રાદેશિક ન્યુઝ ચેનલો જે રીતે સમાચારો, અહેવાલો, ચર્ચા વગેરે દર્શાવે છે એમાં વાંધાજનક ઘણું છે. ક્યાંક આત્મસંયમની જરૂર છે. કેટલીક આચારસંચિતા પાળવાની જરૂર છે. વ્યાવસાયિક અભિગમમાં પણ થોડી જવાબદારી દાખવવાની જરૂર છે. અખબારમાં છપાયેલા સમાચાર કરતાં ઓડિયો વિઝ્યુઅલ સાથે વ્યક્ત થયેલા સમાચાર વધુ અસરકારક પૂરવાર થતા હોય છે. આથી જ ક્યારેક સમાચાર કે અહેવાલ પણ ન્યુઝ ચેનલોએ એવી રીતે દર્શાવવા જોઈએ કે એનાથી કોઈ પ્રકારની ઉશ્કેરણી ન થાય.

જોકે ન્યુઝ ચેનલોને આવી ફિકર કરવાનું પરવડતું નથી. એક ન્યુઝ ચેનલને એમ લાગે છે કે આ સમાચાર એની હરીફ ચેનલ વધુ સનસનાટીભરી રીતે રજૂ કરી દેશે એટલે એના પહેલા અમે તરખાટ મચાવી દઈએ. હવે આ તરખાટ મચાવવાની લાયમાં સચ્ચાઈને તડકે મૂકી દેવામાં આવે છે. જો ચેનલ પાસે ઘટનાનું લેટેસ્ટ ફૂટેજ ન હોય તો જૂનું ફૂટેજ રિપિટ કરવામાં આવે છે. ક્યારેક બે વર્ષ પહેલાની આવી જ કોઈક ઘટનાનું ફૂટેજ શરૂ કરી દેવામાં આવે છે. ન્યુઝ એન્કર ઘટના સ્થળે પહોંચેલા પોતાના રિપોર્ટરને વારંવાર પૂછતો કે પૂછતી રહે છે કે, ‘ત્યાં માહોલ કેટલો બગડેલો છે?’ પેલો રિપોર્ટર કહે કે, ‘હમણાં તો શાંતિ છે’ તો ન્યુઝ એન્કર ફરી સવાલ કરે છે કે, ‘આ શાંતિ ક્યાં સુધી ટકી રહેશે?’ રિપોર્ટર કહે કે, ‘અત્યારે તો લોકોનો ગુસ્સો ઠંડો પડી ગયો છે.’ તો પણ ન્યુઝ એન્કર ઉશ્કેરણી કરતા પ્રશ્નો પૂછ્યે જ રાખે છે. રિપોર્ટર જો ડાહ્યો હોય તો કાનમાંના ઇયર ફોન કાઢીને કહી દે છે કે, ‘ઓડિયોનો કોઈક પ્રોબ્લેમ છે. આઈ કાન્ટ હિયર યુ.’

જોકે રિપોર્ટરો ડાહ્યા હોય એવું ઓછું બને છે. મોટા ભાગના રિપોર્ટરો તો ટોળાંની માનસિકતા ધરાવતા હોય છે. એમના ચહેરા પર પણ ક્યારેક પથ્થરમારો કરી રહેલા તોફાની તત્ત્વો જેવો જ ઉશ્કેરાટ દેખાતો હોય છે. ઘટનાનો સમતોલ અહેવાલ આપી શકે એવા રિપોર્ટરો પ્રાદેશિક ભાષાની ન્યુઝ ચેનલોમાં તો ઠીક, નેશનલ ચેનલોમાં પણ ઓછા દેખાય છે. કેટલીક ન્યુઝ ચેનલો તો સ્પષ્ટ રાજકીય ઝુકાવ ધરાવતી હોય છે એટલે એમના દરેક સમાચાર અને અહેવાલો એમની નીતિના રંગે રંગાયેલા જ હોવાના.

જોકે ન્યુઝ ચેનલોની ખરી સમસ્યા બીજી છે. રાજકીય ઝોક ધરાવવાનો એમનો ઈરાદો ન પણ હોય, સનસનાટી ફેલાવવાનો એમનો આશય ન પણ હોય છતાં એમની મજબૂરી એવી છે કે, એમણે કેટલાક ખોટાં કામો કરવા જ પડે છે. ન્યુઝ ચેનલોની મજબૂરી છે એ છે કે, એમણે ચોવીસે કલાક, કમ સે કમ સવારના આઠથી બાર સુધી એટલે કે સોળ કલાક સુધી સમાચારો અને એને લગતા કાર્યક્રમો ચલાવવાના હોય. ઈલેક્ટ્રોનિક મીડિયાનો એક સુવર્ણ યુગ ત્યારે હતો જ્યારે ટેલિવિઝન ફક્ત સાંજના સમયે જ જોવા મળતું હતું. હવે સમસ્યા એ છે કે ટીવી ચોવીસ કલાક ચાલુ રહે છે અને અસંખ્ય ન્યુઝ ચેનલોના રાફડા ફાટ્યા છે.

એક ન્યુઝ ચેનલ ચોવીસ કલાક તમને કેટલા સમાચાર કે સમાચારને લગતા કાર્યક્રમો આપે? દર્શકો પર ન્યુઝ ચેનલો દ્વારા થતાં અત્યાચાર પાછળનું મૂળ કારણ આ જ છે. નવરો બેઠો નખ્ખોદ વાળે એ કહેવત ન્યુઝ ચેનલોને બરોબર લાગુ પડે છે. અખબાર દિવસમાં એક વાર પ્રકાશિત થાય છે. છેલ્લા બારથી સોળ કલાક દરમિયાન બનેલી ઘટનાઓના સમાચારને એમાં આવરી લેવાય છે, પરંતુ ન્યુઝ ચેનલો તો ચોવીસે કલાક ચાલુ રહે છે. દર અડધો અડધો કલાકે કે દર કલાકે એ તમને કેવા પ્રકારના સમાચાર આપી શકે? આમાં પાછું હરીફ ચેનલોની સ્પર્ધામાં ટકી રહેવાનું. સમસ્યાનું મૂળ આ છે. ન્યુઝ ચેનલોને ખરેખર તો ટાઈમપાસનો પ્રોબ્લેમ છે. ચોવીસ કલાક કેવી રીતે કાઢવા.

મોટા ભાગની ન્યુઝ ચેનલો દર કલાકે મુખ્ય સમાચારોનો કાર્યક્રમ રાખે છે, પણ એક કલાકમાં દેશમાં કે દુનિયામાં કેટલી ઘટનાઓ બને? આથી મોટે ભાગે તો એના એ જ સમાચારો દર કલાકે સંભળાવવાના હોય છે. ક્યારેક એમાં એકાદ સમાચારનો ઉમેરો થાય. કંટાળો દૂર કરવા માટે કેટલીક ચેનલો જૂની બોટલમાં નવાં દારૂની જેમ સમાચારના કાર્યક્રમને અલગ સ્વરૂપ આપે છે. હિન્દી ન્યુઝ ચેનલોમાં દસ મિનિટમાં વીસ કે વીસ મિનિટમાં ચાલીસ સમાચાર જેવા શીર્ષક સાથે સમાચાર આપવામાં આવે છે. સમાચારના કાર્યક્રમ ઉપરાંત સ્પેશ્યલ રિપોર્ટ, ચર્ચા, ઈન્ટરવ્યુ વગેરે જેવા કાર્યક્રમો ભરીને માંડ માંડ સમય પસાર કરવાની કોશિશ થતી રહે છે. જોકે આવા કાર્યક્રમો માટે તૈયારીઓ કરવી પડે છે, આયોજન કરવું પડે છે અને એમાં વધુ ખર્ચા છે, જે ચેનલને માફક નથી આવતું. કેટલીય ચેલનો રાશી ભવિષ્ય અને રસોઈના કાર્યક્રમોનો પણ આશરો લે છે. આથી જ મોટા ભાગની ચેનલો પર એકના એક કાર્યક્રમોનું પુનરાવર્તન થતું જ રહે છે.

ન્યુઝ ચેનલોની આવી બોરિંગ જિંદગીમાં અચાનક કોઈ મોટી ઘટના બને તો ચેનલનો મજા પડી જાય એ સ્વાભાવિક છે. કારણ કે ઘટના બને ત્યારે ચેનલનું કામ એકદમ સરળ બની જાય છે. ન્યુઝ રિપોર્ટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય અને એક ન્યુઝ એન્કર સ્ટુડિયોમાં બેસી રહે. બસ, પછી મન ફાવે એમ વાર્તાલાપ ચાલુ થઈ જાય. કોઈ વધારાનો ખર્ચ નહીં. કોઈ હોમવર્ક નહીં કરવાનું, કોઈ તૈયારીઓ નહીં કરવાનું. જે મનમાં આવે એ બોલ્યે રાખો અને દર્શાવ્યે રાખો.

દર્શકોને ત્રાસ આપવાની ન્યુઝ ચેનલોની પણ એક મર્યાદા હોય છે એટલે એમાં તેઓ એડ્વર્ટાઈઝરોને ભાગીદાર બનાવે છે. અખબારમાં તો મર્યાદિત જગ્યા હોય છે એટલે એમાં જાહેરખબર આપવાના ભાવ ઊંચા હોય છે, પરંતુ ન્યુઝ ચેનલો પાસે તો કલાકોના કલાકો ફ્રી જ પડ્યા હોય છે એટલે તેઓ પાણીના ભાવે જાહેરખબરો વેચે છે. એક વાર એડ આપવાની સામે કદાચ તેઓ દશ વાર એ રિપિટ કરવાની ઓફર કરતા હશે.

ન્યુઝ ચેનલોની આ મર્યાદાઓ તથા નબળાઈઓને કારણે આજે પણ એ પ્રિન્ટ  મીડિયા જેટલી વિશ્વસનીયતા પેદા કરી શકી નથી. જોકે વિશ્વસનીયતા ન ધરાવતી વ્યક્તિની કોઈને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ઓછી થતી નથી. આવું જ ન્યુઝ ચેનલોનું છે. સમાજમાં વિખવાદ ફેલાય કે અશાંતિ સર્જાય ત્યારે ન્યુઝ ચેનલો જો જવાબદારીપૂર્વક ન વર્તે તો બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. આથી જ ન્યુઝ ચેનલો દ્વારા સ્વૈચ્છીક રીતે કોઈક આચાર સંહિતા ઘડાય એ જરૂરી છે. નહીંતર આ ન્યુઝ ચેનલોનો ટાઈમપાસનો આ પ્રોબ્લેમ સામાન્ય લોકોનો ટાઈમ અને ક્યારેક તો એમની લાઈફ પણ બગાડી નાંખશે.

 

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.