ભક્તિ અને વફાદારીઃ કેટલી ખપે? કેટલું ટકે?

13 Feb, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: intoday.in

આજકાલ વિશ્વભરમાં એક અનોખો માહોલ સર્જાયો છે. ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી રાજકીય ભક્તિનો જાણે એક નવો સંપ્રદાય શરૂ થયો હોય એવું લાગે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે અનોખી હવા જમાવી છે. તેજાબી ચૂંટણીપ્રચારને પગલે પ્રમુખ બનીને હવે મક્કમ નિર્ણયો લઇને તેઓ નવો ચાહક વર્ગ ઊભો કરી રહ્યા છે. સૌ પ્રથમવાર અમેરિકામાં ભક્તગણ ઊભો થયો છે. આવા વાતાવરણમાં વળી જયલિલતાના વફાદાર ભક્ત ઓ. પન્નીરસેલ્વમ ચર્ચામાં છે. અત્યાર સુધી લોકો ફક્ત ભગવાનની ભક્તિમાં મશગૂલ હતા. હવે રાજકીય નેતાઓની ભક્તિનો જમાનો આવ્યો છે.

અલબત્ત, ભગવાનની અસલી ભક્તિ અને રાજકીય ભક્તિ સિવાયની ભક્તિ પણ ઠેકઠેકાણે થતી જ હોય છે. કેટલાક લોકો ફિલ્મ સ્ટારના એવા જબરા ચાહક બની જાય છે કે એની ભક્તિ કરવા માંડે છે. કંપનીઓમાં અમુક કર્મચારીઓ પોતાના બોસ પ્રત્યે ભક્તિ જેવી વફાદારી દર્શાવતા હોય છે. અન્ય કર્મચારીઓ આવા ભક્તોને બોસના ચમચા કહેતા હોય છે, પરંતુ એ ભક્તો તો જાણે કોઇ નિસ્વાર્થ સેવા કરતા હોય એમ બોસની વફાદારી કરતા રહે છે. અમુક પરિવારમાં કોઇ વડીલ વધુ પડતો આદર ધરાવતા હોય ત્યારે પરિવારના અન્ય સભ્યો એમના પ્રત્યે ભગવાન જેવો ભક્તિભાવ દાખવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ટીચર્સ કે પ્રોફેસરોથી પ્રભાવિત થઇને એમની ભક્તિમાં લાગી પડે છે. વફાદારી અને ભક્તિ એ બંનેમાં થોડો ફરક છે, છતાં બંનેમાં સામ્ય એ છે કે એ શરૂ થઇ જાય એટલે પૂરેપૂરું સમર્પણ માગી લે છે. કઇ બલા છે આ ભક્તિ અને વફાદારી? શા માટે લોકો એને અપનાવે છે?

ખરેખર તો ઉપરથી એકસમાન દેખાતી વફાદારી કે ભક્તિના વિવિધ પ્રકારો માર્કેટમાં ઉપલ્બધ છે. દરેક પ્રકાર એની વિશેષતા ધરાવે છે. જોકે આ દરેકમાં સ્વાર્થનો એક કોમન અંડર કરન્ટ વહેતો જ રહે છે. કાયદેસર રીતે જોઇએ તો સ્વાર્થ વિના માણસ ભગવાનને પણ ભજતો નથી એવું વિખ્યાત ભક્તો કહી ગયા છે. ભક્તિનો પહેલો પ્રકાર એટલે અહોભાવ કે લઘુતાગ્રંથિમાંથી પેદા થતી ભક્તિ. ભક્તિનો આ ભાવ ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ કે અન્ય સેલિબ્રિટીઝના ચાહકોમાં વિશેષ જોવા મળે છે. આજકાલ મોટા રાજકીય નેતાઓના સમર્થકોમાં પણ આ ભાવ વિકસ્યો છે.

ભક્તિનો આ ભાવ મૂળ તો માણસની લઘુતાગ્રંથિમાંથી ઉદભવે છે. તમને કોઇ શોખ હોય, કોઇ પ્રવૃત્તિ ગમતી હોય, પરંતુ તમે એ ન કરી શકતા હોવ અને જો તમારી આસપાસની અન્ય કોઇ વ્યક્તિ એ શ્રેષ્ઠ રીતે કરે તો એના માટે ઇર્ષ્યાભાવ જાગે, પરંતુ જો આ કામ કોઇ અજાણી વ્યક્તિ કરે તો એના માટે અહોભાવ જાગે. આ અહોભાવ ધીમે ધીમે વધતો જાય છે અને પછી ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. પછી તો પોતાનું સમગ્ર અસ્તિત્વ અને પોતાનો અહંકાર પણ એ મહાન વ્યક્તિની સાથે સંકળાઇ જાય છે. એની સફળતા એ તમારી સફળતા બની જાય અને એની નિષ્ફળતા એ તમારી નિષ્ફળતા બની જાય છે. દક્ષિણ ભારતમાં તો પોતાના માનેલા ભગવાનને કોઇ તકલીફ પડે તો લોકો રડવા માંડે છે. અન્ય સ્થળે મનપસંદ ક્રિકેટરો ઝીરોમાં આઉટ થઇ જાય તો લોકો ટીવી ફોડી નાંખે છે, અમ્પાયરોને દોષ આપે છે. આ ભક્તિની શરૂઆત સ્વાર્થથી થઇ હોય છે, પરંતુ એના કારણે જે ઘેલછા ઊભી થાય છે એમાં ઘણીવાર સ્વાર્થની ભાવના ભૂલાઇ જાય છે.

ભક્તિ કે વફાદારી માટેનો બીજો પ્રકાર પોતાની માન્યતાઓ કે વિચારસરણી સાથે બંધ બેસતા જૂથવાદનો. માણસ વિચારતો થાય ત્યારથી સમાજ વિશે, દુનિયા વિશે કોઇને કોઇ માન્યતા ધરાવતો થાય છે. ધીમે ધીમે અમુક માન્યતાઓ એને ગમવા લાગે છે. એના કારણો અને તારણો એને તાર્કિક લાગે છે અને એનાથી એ વધુ પ્રભાવિત થતો રહે છે. ડાબેરી કે જમણેરી રાજકીય વિચારધારા ધરાવતા લોકો આવી જ રીતે પોતાની માન્યતા મજબૂત બનાવતા જાય છે. ધીમે ધીમે એ માન્યતાઓ મનમાં એટલી જડ બની જાય છે કે એના સિવાયનું બધુ નિરર્થક અને ખોટું લાગવા માંડે છે. પોતાની માન્યતાઓ, પોતાના વિચારોને સાર્થક માનતી સંસ્થાઓ અને રાજકીય પક્ષો સાથે માણસ એકરૂપતા અનુભવે છે અને એનો અભિન્ન હિસ્સો બની જાય છે. દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ આ વિચારધારા જ છે એવું માનનારા લોકો પછીથી રાજકીય ઝનૂન વિકસાવે છે અને એ વિચારધારાના પ્રતિક સમા ટોચના નેતાઓ માટે મનમાં મોટો આદરભાવ, ભક્તિભાવ વિકસે છે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના ચાહકો આ પ્રકારના વૈચારિક ભક્તો છે. આ મહાનુભાવો સાથે સંકળાયેલી વિચારધારા પણ એ ભક્તિભાવનો એક હિસ્સો બને છે. આથી નરેન્દ્ર મોદીના ભાષણમાં જોરદાર તાળીઓ પાડનાર વર્ગ નીતિન ગડકરીના ભાષણ પર પણ થોડી તાળીઓ તો વગાડી જ દે. કારણ કે બંનેના વિચારો એક જ સંપ્રદાયના હોય છે. જોકે આવી વફાદારી અને ભક્તિ ધરાવનારાના મનમાં પણ મૂળ તો સ્વાર્થ જ હોય છે. એમના વિચારોને કોઇ પણ રીતે સમર્થન મળે ત્યારે એમનો અહંમ સંતોષાય છે.

ઉપર જણાવેલા બંને પ્રકારમાં સ્વાર્થ પરોક્ષ રીતે વણાયેલો છે, જ્યારે બાકીની મોટા ભાગની વફાદારીમાં સ્વાર્થ એકદમ દેખીતો હોય છે. દરેક કંપનીમાં કેટલાક એવા માણસો હોય છે, જેઓ હંમેશાં કંપની પ્રત્યેની વફાદારીની વાતો કરતા રહે છે. અન્ય કર્મચારીઓની હાજરીમાં તેઓ હંમેશાં કંપની માટે મરી ફીટવાની વાતો કરતા રહે છે. હકીકતમાં આવા કર્મચારીઓને ચાન્સ મળે ત્યારે ટાંકણીનું બોક્સ છૂપી રીતે ઘરે લઇ જતાં અચકાતા નથી. વધુ સ્માર્ટ વફાદારો અન્ય લોકોની હાજરીમાં ટાંકણીનું બોક્સ ઓફિસના કબાટમાં પાછું મૂકી દે છે, પરંતુ છૂપી રીતે કંપનીના પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ તથા અન્ય સ્ટેશનરી નિયમિતપણે ઘરે ઊપાડી જતાં છે. ટૂંકમાં સ્વાર્થ વિના વફાદારી એમને જામતી નથી.

દોસ્તીમાં તથા સગાં સાથેના સંબંધોમાં પણ વફાદારી ફક્ત સ્વાર્થ માટેની હોય છે. પૈસાદાર સગાં કે દોસ્તો સાથેના વહેવારમાં ઘણી વાર દેખાડવાની વફાદારી ઘૂસી જતી હોય છે. કોઇ સ્થાનિક જ્ઞાતિના અગ્રણીને આવા કામચલાઉ વફદારો જ સંસ્થાના પ્રમુખપદે બેસાડી દેતા હોય છે. એમની પાસેના પૈસા ખૂટી જાય ત્યારે વફાદારી પણ પૂરી થઇ જાય છે. પગારની તારીખની આસપાસ બાળકોનો પપ્પા પ્રત્યેનો ભક્તિભાવ કેવો ખીલી ઊઠતો હોય છે?

થોડા વર્ષો પહેલા એક અખબારમાં હું સિનિયર પોઝિશન પર કામ કરતો હતો ત્યારે એક મજાની ઘટના બની હતી. મારા હાથ નીચે એક બહુ જ ડરપોક અને સીધોસાદો સબ એડિટર કામ કરતો હતો. એટલો ડરપોક કે આપણે એને કહીએ એ પહેલા જ અડધુ કામ પતાવી દે અને સાહેબ સાહેબ કરતો રહે. વિના કારણ એટલી બધી વફાદારી બતાવે કે આપણને ગૂંગળામણ થઇ જાય. એક વાર મારે મારા ઉપરીઓ સાથે પ્રોબ્લેમ થયો અને મારી પોઝિશન થોડી ઢીલી પડી. એ સમયે પેલા ભાઇને મેં એક રૂટિન કામ રૂટિન રીતે ચીંધ્યું તો ભાઇના તેવર અચાનક બદલાઇ ગયા. મારા ટેબલ પર જોરથી મુક્કો પછાડીને એમણે ઊંચા કહ્યું કે આ કામ દર વખતે મારે જ શા માટે કરવાનું? હું તમારો હુકમ નહીં સ્વીકારું. હું તમારો ગુલામ નથી. કસમથી, એ સમયે મને જીવનનો બહુ મોટો આઘાત લાગ્યો. મને તો અંદરથી ડર પણ લાગ્યો કે આને કંઇ થઇ તો નથી ગયું ને? એવું કંઇ બનશે તો વિના કારણ વધારાની મુસીબત માથે આવી પડશે. જોકે પછી મને સમજાયું કે મારી નબળી પડેલી પોઝિશનનો અણસાર એ ભાઇને આવી ગયો હતો અને ઉપરીઓએ એને થોડી છૂટ આપી હતી. એને પગલે ભાઇ વફાદારમાંથી અચાનક બળવાખોર બની ગયા. દરેક માણસની અંદર એક પન્નીરસેલ્વ છૂપાયેલો છે, જે સમય આવ્યે વફાદારીનો રોલ છોડીને બળવાખોર બની જાય છે.

પેલા ભાઇએ મારી સાથે જે કર્યું હતું એ જ અત્યારે ઓ. પન્નીરસેલ્વમ શશિકલા એન્ડ કંપની સાથે કરી રહ્યા છે. મૂળ વાત એ છે કે માણસના શરીરમાં લોહી, માંસ, ચામડી, કિડની બધુ છે, પણ વફાદારી નામનું કોઇ તત્ત્વ નથી. એક મનુષ્ય બીજા મનુષ્યની વફાદારી કરી જ ન શકે. જો કરે તો એ સ્વાર્થ પૂરતી હોય અને સ્વાર્થ પૂરો થાય એટલે વફાદારીની પણ પૂર્ણાહૂતી જ થાય. આથી જ જ્યારે આપણા પ્રત્યે કોઇ વફાદારી, વધુ પડતી ભક્તિ દેખાડે ત્યારે એના પર પૂરેપૂરી શંકા કરવી અને શંકાનું સમાધાન મનમાં ન થાય ત્યાં  સુધી એ માણસને અવિશ્વાસના ખીલ્લા પર અદ્ધર લટકાવી રાખવો. ભૂલેચૂકે જો કોઇની ભક્તિ કે વફાદારી તમને વહાલી લાગવા માંડે તો સમજો તમે ગયા કામથી. પછી તો મોટો આઘાત આવે એની ફક્ત રાહ જ જોવાની રહે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.