પેરીસ હુમલોઃ ક્યાંક કંઈક ખૂટે છે
પેરીસમાં મુંબઈ જેવો જ ત્રાસવાદી હુમલો થયો અને એમાં સવાસોથી વધુ લોકોના મૃત્યુ થયા. આખું વિશ્વ હચમચી ગયું. બધાના મોઢા પર એક જ વાત હતી કે ત્રાસવાદીઓએ આવા નિર્દોષ લોકોને મારવાની શી જરૂર હતી? એક તરફ ત્રાસવાદીઓ પ્રત્યેનો ધિક્કાર વ્યક્ત થયો અને બીજી તરફ જીવ ગુમાવનાર નિર્દોષ લોકો માટેની કરુણા.
લગભગ સાત વર્ષ પહેલા મુંબઈમાં પણ આ જ રીતે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓએ આડેધડ ગોળીબાર કરીને દોઢસોથી વધુ લોકોને મારી નાંખ્યા હતા. ત્યારે પણ લોકોમાં આવો જ રોષ હતો. મુંબઈ અને પેરીસની ઘટનાઓ વચ્ચે ફરક એ છે કે મુંબઈના હુમલા પછી ત્રાસવાદીઓ સામે બદલો લેવા માટે ભારતની સરકારે સક્રિય અને આક્રમક રીતે કોઈ પગલાં ન લીધા. એકમાત્ર જીવિત ત્રાસવાદી અજમલ કસાબ પકાડાઈ ગયો અને એના પર કામ ચલાવીને વર્ષો પછી એને ફાંસી આપવામાં આવી. બીજી તરફ ફ્રાન્સના પ્રમુખે ઘટના પછી તરત જ જાહેર કરી દીધું કે અમે બદલો લઈશું. અને બીજા દિવસથી ફ્રાન્સના ફાઈટર વિમાનોએ સીરિયા પર એર સ્ટ્રાઈક્સ શરૂ કરી દીધી. એક તરફ હુમલાખોરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ થઈ અને બીજી તરફ બદલાની કાર્યવાહી શરૂ થઈ.
પેરીસની ઘટના પછી ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષના બદનામ નેતા આઝમ ખાને એવું નિવેદન આપ્યું કે આ તો એક્શનનું રિએક્શન છે એટલે કે પશ્ચિમના દેશોએ ઈરાક તથા સીરિયામાં જે હુમલા કર્યા છે એની પ્રતિક્રિયારૂપે આ ઘટના બની છે. બધા જ લોકો આઝમ ખાન પર તૂટી પડ્યા.
આઝમ ખાન આમ તો એક ગંદા રાજકારણી છે અને કરોડોની સંપત્તિના માલિક છે. એમની ભેંસો ખોવાઈ ગઈ ત્યારે રાજ્યનું આખું પોલીસ તંત્ર એમની ભેંસોને શોધવામાં વ્યસ્ત થઈ ગયું હતું. આઝમ ખાન મુસ્લિમોની લાગણી ઉશ્કેરીને એમના મત લેવા મથતા રહેતા એક ટિપિકલ નેતા છે. એમની આ ખાસિયતને લીધે મુલાયમ સિંહ આઝમ ખાનને પાળી રહ્યા છે. આઝમ ખાને તો મુસ્લિમોને ખુશ કરવાના ઈરાદાથી જ આવું નિવેદન કર્યું હતું, છતાં એમની વાતમાં એક મહત્ત્વનો મુદ્દો તો છૂપાયેલો જ છે.
વિવાદાસ્પદ નિવેદન પછી આઝમ ખાન એનડીટીવી પર આવ્યા અને બરખા દત્ત સાથે વાતચીત કરી. એમણે કહ્યું કે પેરીસ પર થયેલા હુમલાને અમે વખોડી કાઢીએ છીએ, પરંતુ પશ્ચિમી દેશો દ્વારા આરબ દેશોમાં થતાં હુમલામાં જે નિર્દોષ નાગરિકો માર્યા જાય છે એ પણ એટલા જ વખોડવા લાયક છે. અલબત્ત, આઝમ ખાનનું ટાઈમિંગ ખોટું હતું, છતાં એમણે રજૂ કરેલા મુદ્દા પર લાંબો વિચાર કરવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ.
ઉદારમતવાદ અને લોકશાહી મૂલ્યો માટે પશ્ચિમ જગતની જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી છે. વસાહતીઓને અપનાવવાથી માંડીને શરણાર્થીઓને સ્વીકારવા જેવી બાબતોમાં પશ્ચિમના દેશો પૂરેપૂરી માનવતા દર્શાવે છે. સીરિયાના શરણાર્થીઓને પણ પશ્ચિમના અનેક દેશોએ સ્વીકાર્યા છે. ભારતીયો સહિતના લાખો એશિયન્સ પશ્ચિમમાં જઈને સમૃદ્ધ બન્યાં છે અને ત્યાં સ્થાયી થયા છે.
આમ છતાં સલામતીનો પ્રશ્ન આવે ત્યારે પશ્ચિમના દેશો એક પ્રકારની ક્રૂર મક્કમતા વ્યક્ત કરે છે. સલામતીનું જોખમ ઊભું થાય ત્યારે પશ્ચિમના દેશો આગળ-પાછળ લાંબુ વિચાર્યા વિના આક્રમણના મોડમાં આવી જાય છે. એવરીથિંગ ઈઝ ફેર ઈન વોર. ત્યાંની પ્રજા પણ આવું જ વલણ ધરાવે છે અને સરકાર પણ એ જ આક્રમકતાનું પ્રતિનિધિત્વ કરે છે. રોનાલ્ડ રેગન પ્રમુખ બન્યા ત્યારથી અમેરિકામાં આ આક્રમકતા વિશેષ જોવા મળે છે અને ત્યાર પછીના પ્રમુખોએ પણ એ જ રૂઆબ ચાલુ રાખ્યો છે.
હવે આમાં બે પ્રકારની સમસ્યા છે. પહેલું તો સલામતીનો ડર ક્યારેક સાચો હોય તો ક્યારેક ભ્રામક અથવા ઉપજાવી કાઢેલો હોઈ શકે. ક્યારેક સલામતીના નામે કોઈ બીજા હિતો સાધવાનું હોઈ શકે. ઈરાક પરના અમેરિકાના હુમાલા આનું જ્વલંત ઉદાહણ છે. ઈરાકના ભૂતપૂર્વ પ્રમુખ સદ્દામ હુસેન રાસાયણિક શસ્ત્રો ધરાવતા હતા અને એમનો ઉપયોગ કરતા હતા એટલે વિશ્વ માટે એ બહુ જ જોખમી બની ગયા હતા એવો એક ડર અમેરિકાએ અનુભવ્યો. આ ડરના આધારે ઈરાક પર આક્રમણ કરવામાં આવ્યું અને સદ્દામ હુસેન ખતમ થાય ત્યાં સુધી એ દેશ પર હુમલા ચાલતા રહ્યા. સદ્દામ હુસેનના પતન પછી પશ્ચિમના દેશોને ભાન થયું કે રાસાયણિક શસ્ત્રોનું એવું જોખમ તો હતું જ નહીં. હવે તો સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે કે ઈરાક પરના હુમલા વાજબી નહોતા. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે તો આ માટે ઓલમોસ્ટ સોરી કહી દીધું. કરુણા એ વાતની છે કે, આજની ખતરનાક ત્રાસવાદી સંસ્થા ISના મૂળિયાં ઈરાક પરના અમેરિકી આક્રમણના સમયમાં નંખાયા હતા.
આ સમસ્યા સાથે સંકળાયેલો બીજો મુદ્દો એ છે કે, સદ્દામ હુસેનને ખતમ કરવાના કહેવાતા મર્યાદિત મિશન માટે અમેરિકા તથા સાથી દેશોના લશ્કરોએ જે કાર્યવાહી કરી એ યુદ્ધના ધોરણે કરી હતી. ઈરાક પર રીતસરના હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા. અમેરિકી આક્રમણને પગલે ઈરાકમાં આંતરયુદ્ધ ફાટી નીકળ્યું અને એક અંદાજ પ્રમાણે આ યુદ્ધને કારણે પાંચ લાખ લોકોએ પોતાના જાન ખોયા.
પેરીસ હુમલાને પગલે ફ્રાન્સના સૈન્યે પણ સીરિયાના અમુક વિસ્તારો પર હુમલા કર્યા છે. આ હુમલા કંઈ તીર કામઠાંથી નથી કરવામાં આવ્યા કે, ISના ત્રાસવાદીઓની છાતીમાં જ તીર ભોંકાય. બોમ્બમારો જે વિસ્તારમાં કરવામાં આવે ત્યાં બધુ ખેદાન મેદાન થઈ જાય. આસપાસમાં સ્કૂલ કે હોસ્પિટલ હોય તો ત્યાં પણ લાશોના ઢગલા થઈ જાય. ખરા ત્રાસવાદીઓને તો કદાચ સંભવિત હુમલાનો અણસાર આવી ગયો હોય એટલે એ લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોય. પણ, ભોગ બને નિર્દોષ લોકો, જેને ત્રાસવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
અલબત્ત, પેરીસમાં જે લોકો માર્યા ગયા એ પણ સાવ નિર્દોષ નાગરિકો જ હતા અને એમને પણ ત્રાસવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી. એમને ન્યાય મળવો જ જોઈએ, પરંતુ એક નિર્દોષ માણસની હત્યાનો ન્યાય બીજા નિર્દોષ માણસની હત્યા ન હોઈ શકે. પેરીસ પોલીસે બહુ જ ઓછા સમયમાં છાપાં મારીને હુમલાના માસ્ટરમાઈન્ડ સહિતના ત્રાસવાદીઓને ઠાર કર્યા. વેલ એન્ડ ગુડ. પણ હવે ISને ખતમ કરવાના મિશનમાં ફરી ઈરાક જેવી ભૂલો ન થાય તો સારું.
ત્રાસવાદ એક એવું દૂષણ છે કે એની સામેની કાર્યવાહીને યુદ્ધ જ ગણવી જોઈએ એવો એક મત છે. આમ ત્રાસવાદ સામે લડવામાં કોઈ પણ પ્રકારની મર્યાદા નડવી ન જોઈએ એવું ઘણા લોકો માને છે, પરંતુ ત્રાસવાદ એક અલગ પ્રકારની સમસ્યા છે. એક ત્રાસવાદીને મારવાથી બીજા બે ત્રાસવાદી પેદા થતાં હોવાનું ઘણી વાર બને છે, કારણ કે ત્રાસવાદ એક માનસશાસ્ત્રીય સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ સ્યુસાઈડ બોમ્બર એટલે કે આત્મઘાતી બની જાય એ હદે મોટિવેટ થઈ શકતી હોય તો સમજવાનું કે વાતના મૂળ ઊંડા છે. ત્રાસવાદની સમસ્યાને સમજવાની અને એનો ઉકેલ શોધવાની જવાબદારી જે તે સરકારોની છે.
ત્રાસવાદીઓના હાથે કે સૈન્યોના હાથે નિર્દોષ માણસોના મૃત્યુ થાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. ત્રાસવાદની સમસ્યાના ઉકેલ માટે સત્તાધારી લોકોએ લશ્કરી કાર્યવાહી સિવાયનું બીજું ઘણું કરવાની જરૂર છે. એવું કદાપિ ન બનવું જોઈએ કે ઈલાજ જ રોગનું કારણ બની જાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર