દેશભક્તિ જેવું કંઈ હોતું જ નથી
મૈં ભારત બરસ કા હરદમ અમિત સમ્માન કરતા હૂં
યહાં કી ચાંદની મિટ્ટી કા હી ગુણગાન કરતા હૂં
મુઝે ચિંતા નહીં હૈ સ્વર્ગ જાકર મોક્ષ પાને કી,
તિરંગા હો કફન મેરા, બસ યહી અરમાન કરતા હૂં.
વાહ વાહ. આ અને આવી અનેક શાયરી વાંચીને કે સાંભળીને આપણને દેશભક્તિનું જોશ ચડી જાય છે, પણ પછી તરત બધુ અર્થહીન લાગવા માંડે છે. પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિને કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે આપણી અંદર દેશભક્તિ જગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. લાઉડ સ્પીકર પર મોટા અવાજે દેશભક્તિના ગીતો વગાડવામાં આવે છે અને આઝાદીના સંગ્રામમાં શહીદ થયેલા વીરોને યાદ કરવામાં આવે છે. છતાં દેશભક્તિની એવી કોઈ જોશીલી લાગણી મનમાં પેદા થતી નથી.
જો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ પણ મનમાં દેશભક્તિ પેદા ન થતી હોય તો સામાન્ય દિવસોમાં ક્યાંથી એવી લાગણી જન્મે? આનું કારણ એ છે કે દેશને આઝાદી મળી એ પછી દેશભક્તિની કન્સેપ્ટ જ બદલાઈ ગઈ છે. અથવા એમ કહી શકાય કે દેશભક્તિ જેવું કંઈ હવે રહ્યું જ નથી.
આઝાદી પહેલા આપણી સામે એક લક્ષ્ય હતું. દેશને આઝાદ કરવાનું અને એ માટે કામ કરીને અથવા ત્યાગ આપીને દેશવાસીઓ પોતાની દેશભક્તિ વ્યક્ત કરી શકતા હતા. પણ હવે કોઈ કેવી રીતે પોતાની દેશભક્તિ વ્યક્ત કરે? ભારત માતાની કોઈ નિશ્ચિત તસવીર નથી હોતી કે એની સામે નમન કરીને કે એની આરતી ઊતારીને આપણે દેશભક્તિ વ્યક્ત કરી શકીએ. મન પડે ત્યારે ભારત માતાની જય બોલાવવાથી કંઈ દેશભક્તિ વ્યક્ત ન થાય. સિનેમા હોલમાં ફિલ્મ પૂરી થયા પછી રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે શિસ્તબદ્ધ રીતે ઊભા રહીએ એને પણ દેશભક્તિ ન કહેવાય. આપણી ક્રિકેટ ટીમ જીતે ત્યારે તાળીઓ પાડવાથી કે દાઉદ ઇબ્રાહિને જાહેરમાં ગાળો આપવાથી પણ કંઈ દેશભક્તિ વ્યક્ત નથી થતી. ખરેખર તો દેશભક્તિ જેવું કંઈ છે જ નહીં. આઝાદ ભારતમાં દેશભક્તિ શબ્દ જ અપ્રસ્તુત બની ગયો છે.
આજે દેશભક્તિ કોણ કરે છે? અને દેશભક્તિમાં ખરેખર કરવાનું શું છે? મોટે ભાગે તો દેશભક્તિના નામે જે ભાવનાનો ઉલ્લેખ કરવામાં આવે છે એમાં ફક્ત દેશ માટે ગૌરવ અનુભવવાની કે અભિમાન લેવાની વાત હોય છે. મારા દેશની આટલી આટલી ખૂબીઓ છે, મારા દેશવાસીઓના આ સંસ્કાર છે, મારા દેશની આટલી શક્તિ છે, મારા દેશની આવી આન, બાન અને શાન છે. આને દેશભક્તિ ન કહી શકાય. ખરેખરી દેશભક્તિ તો ત્યારે કરવાની હોય, જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ. બાકી તો શેની દેશભક્તિ અને શેની વાત?
દેશભક્તિને કઈ રીતે પારખવી એની કોઈ યંત્રણા ઉપલબ્ધ નથી. એનો કોઈ માપદંડ નથી કે નથી એનું પરીક્ષણ થઈ શકતું. તમે કઈ વાતને દેશભક્તિ કહેશો? નિયમિતપણે કરવેરા ભરવા એને? આફતના સમયે લોકોને મદદરૂપ થવું એને? પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો એને? દાનધર્મ કરવું એને? આમાંથી કોઈ ભાવનાને દેશભક્તિ ન કહી શકાય. આમાં બહુ બહુ તો સારા નાગરિક બનવાની કે સારા માણસ બનવાની વાત છે.
હા, સૈન્યમાં સેવા આપતા જવાનો આપણા દેશની સરહદનું રક્ષણ કરે છે તેઓ દેશભક્તિ કરે છે એવું કદાચ કહી શકાય, પરંતુ શાંતિના સમયમાં એમની ફરજ ફક્ત એક વ્યવસાયી ફરજ બની જાય છે. મૂળ વાત એ છે કે સૈનિકો જે ફરજ બજાવે છે એને કદાચ તમે દેશભક્તિ કહી શકો, બાકી આપણે સૌએ તો વધુમાં વધુ દેશ માટે અનુભવવાનું હોય, ગૌરવ લેવાનું હોય, દેશભક્તિ કરવાની ન હોય. કારણ સિમ્પલ છે. દેશભક્તિ કરવાની કોઈ રીત કે પ્રક્રિયા જ ઉપલબ્ધ નથી. દેશભક્તિ જેવું કંઈ હોતું જ નથી.
હવે જો દેશભક્તિ કરવાનું સંભવ ન હોય તો પછી કોઈ વ્યક્તિ દેશભક્તિ નથી કરતી એવું તમે કઈ રીતે કહી શકો? કોઈ વ્યક્તિ દેશભક્ત નથી એવું તમે કઈ રીતે કહી શકો? સાચી વાત તો એ છે કે ઈશ્વરની જેમ દેશભક્તિને પણ શ્રદ્ધાનો વિષય બનાવી દેવામાં આવ્યો છે. જેમ ઈશ્વરના નામે એના એજન્ટો ચરી ખાય છે એમ દેશભક્તિના નામે પણ એના બની બેઠેલા એજન્ટોએ ચરી ખાવાનું શરૂ કરી દીધું છે. જો એમને લાગે કે કોઈ વ્યક્તિમાં દેશભક્તિ નથી તો નથી. એમાં શંકા નહીં કરવાની, કારણ કે એ શ્રદ્ધાનો (એમની) વિષય છે. દેશભક્તિને નક્કર સ્વરૂપે વ્યક્ત કરવાનું અશક્ય હોવાથી એના એજન્ટોએ દેશભક્તિથી વિરુદ્ધના વિચારને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. હવે તેઓ એ નક્કી કરે છે કે કોનામાં દેશભક્તિનો અભાવ છે એટલે કે કોણ દેશદ્રોહી છે. અને આવા દેશદ્રોહી લોકોને તેઓ પાકિસ્તાન મોકલી આપવાની હાકલ કરે છે.
જેમ દેશભક્તિ કરવાનું શક્ય નથી એમ દેશદ્રોહ કરવાનું પણ શક્ય નથી. દેશમાં રહેતી કોઈ વ્યક્તિ માટે દેશદ્રોહ કરવાનું શક્ય નથી. અને કોઈ શા માટે દેશદ્રોહ કરે? જો તમે કાયદાનો ભંગ કરો છો તો તમે ગુનેગાર છો, દેશદ્રોહી નથી. બ્રિટશરોના રાજમાં રાજદ્રોહ જેવો ગુનો હતો. તમે સરકારની સામે થાવ તો તમે રાજદ્રોહ કર્યો ગણાય એટલે કે તમારી સામે દેશદ્રોહનો આરોપ લાગી શકે, પરંતુ આજના સમયમાં તમે કાયદેસર રીતે સરકારની સામે લડી શકો છો. સરકારની ટીકા કરવી એ દેશદ્રોહ નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી હાલની સરકારે જૂના બ્રિટિશ કાયદાને લાગુ કરીને સરકારની વિરુદ્ધ થનારા લોકો સામે દેશદ્રોહનો આરોપ લગાવીને એમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમાં સરકારનું ધાર્યું ન થયું.
આપણા દેશની સલામતીને લગતી ખાનગી માહિતી દુશ્મન દેશને વેચી મારતા માણસો ક્યારેક ક્યારેક પકડાતા હોય છે. આવા લોકોને તમે દેશદ્રોહી કહી શકો, પરંતુ એમની સંખ્યા એટલી નાની હોય છે કે સમગ્ર દેશના સંદર્ભમાં એ વાત બિનમહત્ત્વની બની જાય છે. સામાન્ય પ્રજાને એની સાથે કોઈ સંબંધ નથી હોતો.
વાતનું મૂળ બીજે ક્યાંક છે. જેમ કોમી રમખાણોમાં અંગત વેરઝેરના હિસાબ કિતાબ પણ થઈ જતા હોય છે એમ દેશભક્તિની વાતોમાં પણ મૂળભૂતતાવાદીઓ પોતાના સંકુચિત સ્થાપિત હિતોને વટાવી ખાવાની કોશિશ કરતા હોય છે. જમણેરી વિચારસરણી ધરાવતા કેટલાક અંતિમવાદીઓને એક નિશ્ચિત કોમમાં જ દેશભક્તિનો અભાવ જણાય છે અને એમને પાકિસ્તાન મોકલવાની જ માગણી કરવામાં છે. મુખ્ય સમસ્યા એ છે કે આવા લોકોની પોતાની દેશભક્તિના કોઈ ઠેકાણા નથી હોતા. નથી તેઓ સારા માણસ બની શકતા કે નથી તેઓ સારા નાગરિક બની શકતા. દેશ માટે ખરેખર કોઈ ભોગ આપવાનો સમય આવે તો આવા લોકો શું કરે એ એક પ્રશ્ન છે.
ભારતીય જનતા પક્ષની એનડીએ સરકાર સંસદમાં કેટલાક ખરડા પસાર કરાવવા માટે માથાકૂટ કરી રહી છે, પરંતુ એની સાથોસાથ સરકારે એક નવો ખરડો પણ તૈયાર કરવાની જરૂર છે. દેશભક્તિ શબ્દના દૂરોપયોગ પર પ્રતિબંધ લાવતો ખરડો. આ ખરડા દ્વારા દેશભક્તિ શબ્દપ્રયોગ પર જ પ્રતિબંધ લાગી જવો જોઈએ. એમાં એવી જોગવાઈ હોવી જોઈએ કે કોઈ પણ નાગરિકને દેશભક્તિની વાતો કરવાનો અને અન્ય નાગરિકની દેશભક્તિ વિશે બોલવાનો અધિકાર નથી.
હાલ પૂરતું તો દેશભક્તિ વિશે કંઈ વિચારીએ નહીં કે બોલીએ નહીં એ જ સાચી દેશભક્તિ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર