રાષ્ટ્રપતિપદ લઈ જાવ, મોજ કરો
દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે એ લગભગ નક્કી થઇ ગયું છે, ફક્ત ઔપચારિકતા બાકી છે. મજાની વાત એ છે કે જે પદની બહુ મોટી ગરિમા હોવાની વાત થાય છે અને જે પદ વહેવારમાં સત્તાહીન છે એના ઉમેદવાર નક્કી કરવા માટે બહુ મોટી બબાલ થઇ ગઇ. આ પદની ગરિમા જળવાઇ રહે એ માટે સર્વાનુમત હોય તો આપણને સારું લાગે અને એ માટે એનડીએ સરકારે હિલચાલ જરૂર કરી, પરંતુ વાત આગળ વધે એ પહેલા જ એમણે રામનાથ કોવિંદનું નામ જાહેર કરી દીધું. એના પગલે વિરોધ પક્ષોએ મીરાં કુમારનું નામ જાહેર કર્યું. બંને વચ્ચે એક જ વાત કોમન. બંને દલિત છે.
એ હકીકત છે કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ પોતાની રીતે એક મોટી પ્રતિભા છે, છતાં તેઓ દલિત હોવાને કારણે એમની આ પદ માટે પસંદગી કરવામાં આવી એ વાતે કોઇ શંકા નથી. છેલ્લા કેટલાક સમયથી દલિતો સાથેના અન્યાયની જે ઘટનાઓ બની છે એ જોતાં એનડીએ આવું પ્રતીકાત્મક પગલું ભરીને દલિતોને ખુશ કરવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે અને દેશની રાજકીય પરંપરા જોતાં એમાં ખાસ કંઇ ખોટું પણ નથી. કોંગ્રેસ પણ આવા જ ધારાધોરણોને અપનાવીને મુસ્લિમ તથા દલિતને આ પદે બેસાડી ચૂકી છે. રાષ્ટ્રપતિની આ વખતની વરણી વધુ વિવાદસ્પદ એ માટે બની કે એમાં ખુલ્લેઆમ રાજકારણ ખેલાયું. એનડીએ માટે રામનાથ કોવિંદનું મહત્ત્વ એક વ્યક્તિગત પ્રતિભા હોવાને કારણે નથી અને તેઓ દલિત છે એ માટે પણ નથી. કોવિંદ આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવે છે એ એમની સૌથી મોટી લાયકાત છે એનડીએ માટે. બીજી તરફ વિરોધ પક્ષોને પણ કોવિંદની આ જ વિશેષતા મોટી ગેરલાયકાત લાગે છે. એનડીએની જાહેરાત પછી અન્ય પક્ષો માટે એક દ્વિધા ઊભી થઇ. આરએસએસને કારણે કોવિંદને સમર્થન આપવાનું મુશ્કેલ હતું અને એમનો વિરોધ કરે તો દલિતવિરોધી હોવાની છાપ પડે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો વિરોધ પક્ષો કોઇ દલિત ઉમેદવારને ઊભા રાખશે તો જ અમે એમને સમર્થન આપીશું. નહીંતર કોવિંદ અમને ચાલશે. આથી જ છેવટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સાથે મળીની મીરાં કુમારનું નામ આગળ કર્યું. આખા એપિસોડમાં એક જ વાત સૌથી વધુ મોટો વિવાદ બનીને બહાર આવી. દલિત પોલિટિક્સ. વોટબેન્ક પોલિટિક્સ.
વોટબેન્ક શબ્દપ્રયોગ સૌથી પહેલા સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસને 1955માં 'ધ સોશિયલ સિસ્ટમ ઓફ એ મૈસૂર વિલેજ' શીર્ષક હેઠળના અભ્યાસમાં કર્યો હતો. એમણે એ શબ્દ પેટર્ન પોતાના ક્લાયન્ટ પર જે રાજકીય વગ ઊભી કરે એ માટે વાપર્યો હતો. ત્યાર પછી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના એન્થ્રોપોલોજી વિભાગના પ્રોફેસ એફ. જી. બેઇલીએ 1959મા પ્રકાશિત પોતાના પુસ્તક 'પોલિટિક્સ એન્ડ સોશિયલ ચેન્જ'માં એ શબ્દ એક જાતિના વડાની ચૂંટણીલક્ષી વગના સંદર્ભમાં વાપર્યો હતો. મોટા ભાગની વોટબેંક્સ જાતિના આધારે અને કોમના આધારે બનતી હોય છે.
આપણા દેશમાં આમ તો અનેક નાનાં જૂથો પોતાની વિશિષ્ટ વોટબેન્ક ધરાવે છે અને વિવિધ સ્તરે એમને ખુશ રાખવાના પ્રયાસ પણ થતાં હોય છે, આમ છતાં દેશની બે સૌથી મોટી વોટબેન્ક એટલે લઘુમતી અને દલિતો. કોંગ્રેસ પર આ પ્રકારનું વોટબેન્ક પોલિટિક્સ કરવાનો સૌથી મોટો આરોપ છે અને એમાં થોડું તથ્ય પણ છે. મજાની વાત છે એ છે કે દલિતોને ખુશ કરવાનો પ્રયાસ સૌ કોઇ કરે છે અને એની સામે કોઇને વાંધો નથી હોતો, પરંતુ મુસ્લિમોની આળપંપાળ કરવાના મુદ્દાને હિન્દુવાદીઓએ જરા વધુ પડતો ચગાવી દીધો છે. એ વાતે કોઇ શંકા નથી કે ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસે મુસ્લિમોને ખુશ કરવા માટેના પ્રયાસો કર્યા છે અને એ બહુ ખરાબ રીતે બહાર આવ્યું છે. આમ છતાં ટ્રેજેડી એ છે કે કોંગ્રેસે ખરેખર મુસ્લિમોનું ભલું થાય એવું કંઇ કર્યું નથી. આથી મુસ્લિમોની આળપંપાળ થઇ હોવાની વાત પણ થોડી પોકળ છે. મુસ્લિમોની આળપંપાળ કરવાની વાત મૂળ તો લાલકૃષ્ણ અડવાણીએ વધુ ચગાવી હતી. તેમણે ઇફ્તાર પાર્ટીઓ, હજ સબસિડી અને કોમન સિવિલ કોડ જેવા મુદ્દે કોંગ્રેસને બરોબરની ભીંસમાં લીધી હતી અને બહુમતી કોમને લગભગ એ વાતે કન્વિન્સ કરી દીધી કે કોંગ્રેસ હિન્દુઓના ભોગે મુસ્લિમોની આળપંપાળ કરી રહી છે. બીજી તરફ દલિતોને મળતાં આરક્ષણ સામે પણ સમાજના એક મોટા વર્ગને ફરિયાદ હતી, પરંતુ એની બધા રાજકીય પક્ષો અવગણના જ કરે છે, કારણ કે દલિતોને કોઇ રાજકીય પક્ષ નારાજ કરવા નથી માગતો.
દલિતો હોય, મુસ્લિમો હોય કે અન્ય કોઇ જૂથ. સૌને પોતપોતાના હીતોનું રક્ષણ કરવું હોય છે. સૌ પોતાની સલામતી ઇચ્છતા હોય છે. આ માટે તેઓ એકત્રિત બનીને સરકાર સમક્ષ માગણી કરે એમાં કંઇ ખોટું નથી. બીજી તરફ રાજકારણીઓ પણ આવા પ્રેશરનો સામનો સતત કરતાં હોય છે. એમના માટે પણ એક દ્વિધા હોય છે, એમની પણ એક મર્યાદા હોય છે. લોકશાહીમાં ચૂંટણી જીતવા માટે ખોટા વચનો આપવા સહિતના અનેક જુગાડ એમણે કરવા પડતા હોય છે. સાચા અને સારા કામો કરીને મતદાતાઓના દિલ જીતવાની વાત કોઇ વાર્તા જેટલી કાલ્પનિક છે એટલે રાજકારણીઓએ ચૂંટણીઓ જીતવા માટે ગતકડાં જ કરવા પડતાં હોય છે. છેલ્લા કેટલાક દાયકાઓથી રાજકારણીઓની સૌથી પ્રિય ઇલેક્શન સ્ટ્રેટેજી વોટબેન્ક પોલિટિક્સની રહી છે. આથી જ સરકાર અવારનવાર કોઇ એક જૂથ ખુશ થાય એવાં પગલાં લેતી હોય છે. આજકાલ ખેડૂતોની વોટબેન્ક જોરમાં છે એટલે વિવિધ રાજ્ય સરાકરો ખેડૂતોનાં દેવા માફ કરી રહી છે. અને એ જ લાઇન પર રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદની પસંદગી થઇ.
એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય કે કિતને પ્રતિશત ભારતીય શ્રી રામનાથ કોવિંદ કો રાષ્ટ્રપતિ બનાને સે ખુશ હોંગે? રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ બંધારણીય વડા છે એટલે એ પદ પર એક દલિતને બેસાડવાથી આમ તો દલિતોએ ખુશ થવું જોઇએ, ગૌરવ અનુભવવું જોઇએ, પરંતુ એક મુસ્લિમને કે એક દલિતને આ પદ બેસાડવાની ઘટના અગાઉ બની ચૂકી છે અને એનાથી દલિતો કે મુસ્લિમોની કોઇ ફરિયાદનો હલ નથી આવ્યો. કારણ ફક્ત એ જ કે આપણે ત્યાં દલિતોની કે લઘુમતીને ખુશ કરવાના જે પ્રયાસ કરવામાં આવે છે એ ફક્ત પ્રતીકાત્મક હોય છે, એમાં ટોકનિઝમ હોય છે. સમસ્યા ઉકેલવા માટેના કોઇ જેન્યુઇન પ્રયાસ નથી થતાં કે નથી હોતી એ માટેની સાચી ફિકર. તો પછી શા માટે આવા ટોકનિઝમથી ખુશ થવું જોઇએ?
આ સમસ્યા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી. અમેરિકા અને બ્રિટનમાં પણ નાનાં જૂથો સરકાર પર દબાણ લાવવા માટે પોતાની માગણીઓ તૈયાર કરતાં હોય છે અને પછી ચૂંટણી સમયે એ માટે રાજકીય પક્ષો પર દબાણ કરતાં હોય છે. તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીઓમાં આ વોટબેન્ક પોલિટિક્સનો મામલો બહુ રસપ્રદ રીતે બહાર આવ્યો. બ્રિટનમાંના હિન્દુ, શીખ અને મુસ્લિમ જૂથોએ પોતપોતાની માગણીઓની યાદી તૈયાર કરી હતી. બ્રિટનમાંના ભારતીયોની એક બહુ જ વગદાર વોટ બેન્ક છે અને એને ખુશ રાખવાનો ત્યાંના દરેક રાજકીય પક્ષ પ્રયત્ન કરે છે. આને લીધે જ તમને લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ હારતોરા પહેરેલા, નમસ્તેની મુદ્રામાં, મંદિરના દર્શને જતાં કે સાધુસંતોની સાથે મુલાકાત કરતાં જોવા મળે છે. આ જ કારણ છે કે બંને પક્ષો ભારતીય મૂળના નાગરિકોને પોતાના પક્ષના ઉમેદવાર બનાવે છે. અમેરિકામાં પણ બિન રહેવાસી ભારતીયોની અવગણના કરવાનું ત્યાંના રાજકીય પક્ષો માટે મુશ્કેલ હોય છે, પરંતુ ત્યાં પ્રમુખપદ્ધતિ હોવાથી આવા જૂથોની વગ એટલી સ્ટ્રોંગ નથી રહેતી.
વાતનો સાર એ છે કે લોકશાહીમાં વોટ બેન્કનો પ્રશ્ન બહુ પેચીદો છે. પોતાના હીતોની રક્ષા કરવા કે પોતાની સલામતી માટે નાનાં જૂથોએ એકત્રીત થઇને પોતાની તાકાત ધારણ કરવી પડતી હોય છે અને એને અસરકારક રીતે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરવા પડતી હોય છે, બીજી તરફ રાજકીય પક્ષોની પણ આવા જૂથોની માંગણી પર ધ્યાન આપવાની ફરજ છે, પરંતુ આમાં એક જ વાત મહત્ત્વની છે કે અન્ય જૂથોના ભોગે કોઇ એક જૂથને વિશેષ લાભ ન મળવા જોઇએ, ભલે ચૂંટણી જીતવામાં એ જૂથ ગમે એટલું ઉપોયગી નીવડે એમ હોય.
ભારતમાં સમસ્યા આ જ છે. જ્યારે પણ કોઇ એક જૂથ નારાજ થઇ જાય ત્યારે એને ખુશ કરવા માટે અન્યોના ભોગે ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દા. ત. RBIના ગવર્નર ઉર્જિત પટેલની ચેતવણી છતાં રાજ્ય સરકારોએ ખેડૂતોના દેવાં માફ કરી દીધા. અર્થતંત્ર પર એની શી અસર થશે એનો વિચાર ન કર્યો. બીજી સમસ્યા એ છે કે કોઇ જૂથને ખુશ કરવાનો પ્રયાસ થાય ત્યારે એની ખરી સમસ્યા હાથ ધરવામાં નથી આવતી, એને પ્રતીકાત્મક રીતે ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દા. ત. શાહબાનો કેસમાં રાજીવ ગાંધીએ એવું ધારી લીધું હતું કે મુસ્લિમો એમના પગલાંથી ખુશ થશે. આવી જ રીતે ચૂંટણીની આગલી સંધ્યાએ સોનિયાએ ગાંધી ઇમામ બુખારી સાથે મુલાકાત કરી ત્યારે એમણે ધારી લીધું હતુ કે મુસ્લિમો એમના પગલાંથી ખુશ થશે. હકીકતમાં આવી પ્રતીકાત્મક ચેષ્ટાઓથી કોઇ કોમનું કે જાતિનું કંઇ જ ભલું નથી થતું.
આથી જ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવે ત્યારે એ વિચારવાનું છે કે આવા પ્રતીકાત્મક પગલાંથી દલિતોને ખુશ કરવાનો પ્રયાસ નિરર્થક છે. જો ખરેખર મનમાં સાચી ભાવના હોય તો રોહીત વેમુલા જેવી ઘટના ફરીથી ન બને, ઊનાકાંડ ફરીથી ન સર્જાય અને ગૌહત્યાના મુદ્દે ગરીબ મુસ્લિમો તથા દલિતોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે એ માટે કંઇક કરો. એ સમસ્યાઓ રાષ્ટ્રપતિપદની વરણી કરતાં વધુ મહત્ત્વની છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર