રેફરન્ડમઃ લોકપાલ નહીં તો લોકમત સહી
બ્રિટનની પ્રજાએ રેફરન્ડમ દ્વારા નક્કી કર્યું કે એમને યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલા નથી રહેવું. પ્રજાના આ નિર્ણયના આધારે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરોને રાજીનામું પણ આપી દીધું. મજાની વાત એ છે કે યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલા રહેવું કે ન રહેવું એ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ બન્યો છે, છતાં બ્રિટિશ પાર્લામેન્ટની ચૂંટણીમાં આ પ્રશ્ને કોઇ પક્ષે સ્પષ્ટ વલણ નહોતું લીધું. હકીકતમાં એ ચૂંટણીનો મુદ્દો જ નહોતો બન્યો. આથી જ આ બાબતે રેફરન્ડમ લેવાનું નક્કી થયું.
બ્રિટનમાં યોજાયેલા રેફરન્ડમને લીધે ભારતમાં ફરીથી આ વિશેની ચર્ચા શરૂ થઇ છે. અલબત્ત, ભારતના બંધારણમાં આવા રેફરન્ડમ યોજવા માટેની કોઇ જોગવાઇ નથી, છતાં આપણા દેશમાં જે રીતે લોકશાહી ચાલી રહી છે એ જોતાં રેફરન્ડમ વિશે ફરી એક વાર વિચાર કરવાનું જરૂરી બન્યું છે. તાજેતરમાં ભારતમાં બે મુદ્દે રેફરન્ડમ યોજવાની માગણી થઇ છે. એક તો કાશ્મીર વિશે અને બીજું દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવા વિશે. બંને મુદ્દે વાત શરૂ થઇને તરત જ સમેટાઇ ગઇ છે, પરંતુ કેટલાક મૂળભૂત પ્રશ્નો આ બાબતે આપણને જરૂર વિચાર કરતા મૂકે છે.
રેફરન્ડમ અથવા પ્લેબિસાઇટ એ આમ તો એક પ્રકારનો લોકમત જ છે એટલે લોકશાહીમાં એ વાતની કોઇ નવાઇ ન હોવી જોઇએ. આથી જ રેફરન્ડમને ડાયરેક્ટ લોકશાહી કહેવાય છે. આપણે સંસદીય લોકશાહી અપનાવી છે એટલે પ્રજા લોકપ્રતિનિધિઓને ચૂંટે છે અને પછી લોકપ્રતિનિધિઓની બનેલી સરકાર દેશનો વહીવટ ચલાવે છે. આમ છતાં રેફરન્ડમનું મહત્ત્વ અનોખું છે. એમાં કોઇ ખાસ મુદ્દા પર પ્રજાનો મત જાણવાનો પ્રયાસ થાય છે.
મોટા ભાગના કિસ્સામાં બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે રેફરન્ડમ યોજાય છે. બ્રિટનમાં થયેલો રેફરન્ડમ આ પ્રકારનો હતો. ક્યારેક રેફરન્ડમમાં પ્રજાને બે કરતાં વધુ વિકલ્પો આપવામાં આવે છે, પરંતુ એમાં સમસ્યા એ પેદા થાય છે કે જો કોઇ વિકલ્પને સ્પષ્ટ બહુમતી ન મળે એટલે કે પચાસ ટકાથી વધુ મત ન મળે તો એનો સ્વીકાર કરવાનું મુશ્કેલ બને છે. 1977માં ઓસ્ટ્રેલિયાએ પોતાનું રાષ્ટ્રગીત પસંદ કરવા માટે રેફરન્ડમ યોજ્યો હતો, જેમાં પ્રજાને ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. એમ તો ન્યુઝેલેન્ડે યોજેલા એક રેફરન્ડમમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા હતા.
રેફરન્ડમની બાબતમાં સ્વીત્ઝરલેન્ડ સૌથી આગળ છે. આ દેશમાં ડગલને પગલે રેફરન્ડમ યોજાતા હોય છે અને ત્યાંની પ્રજાને પણ એ હવે ફાવી ગયું છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. સિક્કીમ ભારતનું એક રાજ્ય નહોતું ત્યારે 1975માં ત્યાં લોકમત યોજાયો હતો. આ એક પ્રકારનો રેફરન્ડમ જ હતો. સિક્કીમની રાજાશાહી હટાવવા માટે 97.55 ટકા લોકોએ મત આપ્યો હતો, જેના પરિણામે સિક્કીમ ભારતમાં ભળી ગયું. ત્યાર પછી 1967માં ગોવામાં આવો ઓપિનિયન પોલ યોજાયો હતો, જે એક રીતે રેફરન્ડમ જ હતો. ગોવાની પ્રજાને યુનિયન ટેરીટરીમાં જોડાયેલા રહેવું કે મહારાષ્ટ્રમાં ભળી જવા એ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવી હતી.
લોકશાહીમાં રેફરન્ડમનું મહત્ત્વ કેટલું હોવું જોઇએ એ વિશે ઘણી ચર્ચાઓ થઇ છે. રેફરન્ડમની તરફેણ કરનારા કહે છે કે લોકમત એ લોકશાહીનું હાર્દ છે, માટે અતિ મહત્ત્વની બાબતોમાં સીધી રીતે જ પ્રજાનો મત જાણીને એ વિશે નિર્ણય લેવાનું જરૂરી છે.
બીજી તરફ અનેક લોકોએ રેફરન્ડમની ટીકા પણ કરી છે. ટીકા કરનારા એવી દલીલ કરતા હોય છે કે રેફરન્ડમમાં લોકો પોતાના મનના તરંગો પ્રમાણે મત આપે છે અને એ રીતે સમસ્યાનું મહત્ત્વ ઓછું થઇ જાય છે. આ ઉપરાંત, રેફરન્ડમમાં રાજકીય પ્રચાર દ્વારા પ્રજાને ભરમાવવાનો પ્રયાસ પણ થઇ શકે છે. ક્યારેક સરકારીતંત્રનો દૂરોપયોગ પણ થઇ શકે. હિટલર અને મુસોલિનીએ પોતાનું ધાર્યું કરવા માટે અવારનવાર આવા લોકમત યોજ્યા હતા. ટીકા કરનારા પંડિતો કહે છે મહત્ત્વના મુદ્દા પર સંસદ દ્વારા ચર્ચા થાય અને પછી નિર્ણય લેવામાં આવે એ જ યોગ્ય છે, પ્રજાના મતદાનના આધારે આવા નિર્ણયો ન લઇ શકાય. બીજી એક દલીલ એ પણ છે કે આ રીતે દરેક પ્રશ્ને રેફરન્ડમ યોજાતા રહે તો સરકાર કામ જ ન કરી શકે.
રેફરન્ડમ કોઇ પણ સંજોગોમાં ન જ યોજી શકાય એવી દલીલ આપણા ગળે ઊતરતી નથી અને ભારતીય લોકશાહીમાં આપણને જે અનુભવો થયા છે એના પરથી આ વાત વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. ભારતમાં લોકશાહી તો છે, પરંતુ લોકપ્રતિનિધિઓની ચૂંટણી કઇ રીતે થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. ચૂંટણી પછી સરકારનું વલણ મોટે ભાગે બદલાઇ જતું હોય છે. ચૂંટણી વખતે પ્રજા સમક્ષ જે વાતો કરી હોય, એ વચનો આપ્યા હોય એ હંમેશાં ભૂલાઇ જતા હોય છે. આમ વહેવારની દૃષ્ટિએ લોકપ્રતિનિધિઓ પ્રજાના મતને સાવ ભૂલી જ જતા હોય છે. આવા સંજોગોમાં અતિ મહત્ત્વના મુદ્દે પ્રજાનો મત જાણવાની ફરીવાર કોશિશ કરાય તો એમાં ખોટું શું છે ?
લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી પોતાની ફરજ ભૂલી જતા હોય છે એવી ફરિયાદ આપણે ત્યાં અવારનવાર થાય છે અને ક્યારેક તો પ્રતિનિધિને પાછા બોલાવી લેવા માટેની પણ કોઇક યંત્રણા ઘડાવી જોઇએ એવી માગણી થતી હોય છે. આવા સંજોગોમાં અતિમહત્ત્વની બાબતોમાં સરકાર પોતાની મનમાની ન કરે એ માટેની કોઇક વ્યવસ્થા હોવી જોઇએ. રેફરન્ડમ આવો એક વિકલ્પ પૂરો પાડે છે.
વર્તમાન સરકારની વાત કરીએ તો એવા અનેક પ્રસંગો બન્યા છે, જ્યારે પ્રજાએ આઘાત સાથે એવી લાગણી અનુભવી છે કે સરકાર આવું પગલું કઇ રીતે ભરી શકે? જ્યારે લોકમતનો એક જ સૂર સંભળાવા લાગે ત્યારે સમજવાનું કે સરકાર પ્રજામતથી તદ્દન વિરુદ્ધમાં જઇને કોઇ નિર્ણય લઇ રહી છે. ગજેન્દ્ર સિંહ ચૌહાણને પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના વડા બનાવવામાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે આખો દેશ આ નિમણૂંકની વિરુદ્ધમાં છે, પરંતુ એ માટે કંઇ રેફરન્ડમ ન યોજી શકાય.
આમ છતાં કેટલાક મુદ્દે એમ લાગે કે આ મુદ્દે રેફરન્ડમ યોજાવો જોઇએ છે. પઠાણકોટની ઘટનાને પગલે પાકિસ્તાનની તપાસ ટુકડીને ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે દેશભરમાં વિરોધની લાગણી પેદા થઇ હતી. સરકાર આવું પગલું શા માટે ભરી રહી છે એ વાત સરકાર તરફી મીડિયાને પણ સમજાતી નહોતી અને મુખ્ય તકલીફ તો એ હતી કે ભાજપ તથા નરેન્દ્ર મોદીએ ચૂંટણી સમયે અપનાવેલા વલણથી આ તદ્દન ઊલટુ હતું.
પાકિસ્તાની તપાસ ટુકડીને પઠાણકોટની મુલાકાત માટે આમંત્રણ આપવું જોઇએ કે નહીં એ વિશે જો દેશમાં રેફરન્ડમ યોજાયો હોત તો એનું શું પરિણામ આવ્યું હોત? કદાચ સિત્તેરથી એંશી ટકા લોકોએ એની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો હતો. પરંતુ આપણી સંસદીય લોકશાહીમાં બધુ ચાલી જાય છે. સરકારની બહુમતી અને એના અહંકારી વલણને લીધે પ્રજાની લાગણીની સદંતર અવગણના થઇ. હવે તો આ સરકારને મનમાની કરવાનું કોઠે પડી ગયું છે. પ્રજાને આપેલા વચનોની કોણ ફિકર કરે? પાંચ વર્ષે પૂરા થાય ત્યારે જોયું જશે.
આ કારણોસર ભારતમાં રેફરન્ડમનું મહત્ત્વ વધી જાય છે. અલબત્ત, આ માટે બંધારણમાં સુધારા કરવા પડે સરકાર તો એ માટે રાજી ન થાય એ સમજી શકાય એવી વાત છે. આમ છતાં જો કોઇને સુબુદ્ધિ સૂઝે તો અતિ મહત્ત્વના મુદ્દા પર સમયાંતરે રેફરન્ડમ યોજવાનું વિચારવું જોઇએ. એ ખરું કે રેફરન્ડમ દ્વારા કંઇ દેશનો વહીવટ ન ચાલી શકે, પરંતુ કાયદેસર રીતે લોકમત જાણવામાં કશું ખોટું નથી. રેફરન્ડના પરિણામને આધારે નિર્ણય લેવાનું સરકાર માટે ફરજિયાત ન બનાવીએ તોય ચાલે, પરંતુ પ્રજાને સમયાંતરે પોતાનો મૂડ, પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઇએ. સરકારને પાંચ વર્ષ માટે ચૂંટીને એને કંઇ દરેક વાતે મનમાની કરવાની છૂટ ન આપી દેવાય. વચ્ચે લોકપાલની વાતો થઇ હતી. એ તો શક્ય ન બન્યું એના બદલે લોકમતને તો અપનાવીએ. રેફન્ડમની પ્રથાની આપણને જેટલી જરૂર છે એટલી કદાચ બીજા કોઇ દેશને નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર