એવોર્ડ વાપસીઃ નાટક અભી ચાલુ હૈ મેરે દોસ્ત
એવોર્ડ્સ પાછા આપવાની ઝુંબેશમાં સાહિત્યકારોની સાથે હવે ફિલ્મમેકર્સ જોડાયા છે. હવે પરિસ્થિતિ ખરેખર કોમિક બની રહી છે. સમસ્યા ખરેખર કઈ છે એ કોઈને ખબર નથી અથવા તો કોઈ એ સારી રીતે સમજાવી નથી શકતું. એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે, દેશનાં બૌદ્ધિકો એક જબરજસ્ત ગાડરિયા પ્રવાહમાં તણાઈ રહ્યા છે.
સામાન્ય માણસો જ્યારે કંઈક સાગમટે કરે ત્યારે બૌદ્ધિકો પોતાને અલગ ગણાવીને એવી ટીકા કરતા હોય છે કે, ‘આ તો ગાડરિયો પ્રવાહ છે.’ આજકાલ જે બની રહ્યું છે એ બૌદ્ધિકોના ગાડરિયા પ્રવાહ સિવાય બીજું કંઈ જ નથી. સર્જકો આંખ બંધ કરીને એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે. એમને એમ લાગે છે કે જો આપણે એવોર્ડ પાછો નહીં આપીએ તો આપણી વેલ્યુ ડાઉન થઈ જશે. એવોર્ડ્સ પાછા આપવા વિશે કોઈ ચર્ચા નથી કરતું, સરકાર સાથે સંવાદ નથી કરતું, કોઈ નિશ્ચિત માગણી નથી કરતું કે કોઈ એક મુદ્દો કે પ્રશ્ન આગળ નથી કરતું. બસ, એવોર્ડ પાછા આપવાની ફેશન ચાલી છે. આ ગાડરિયા પ્રવાહ સિવાય બીજું કંઈ નથી.
લેખકો, ફિલ્મમેકર્સ તથા અન્ય સર્જકો વિશે એમ કહેવાય છે કે, એ લોકો બહુ સંવેદનશીલ હોય છે. વાત સાચી છે, પરંતુ સમસ્યા એ છે કે આ લોકો ફક્ત પોતાની બાબતમાં જ સંવેદનશીલ હોય છે. બહુ બહુ તો પોતાના પરિવાર કે મિત્રવર્તુળ પૂરતી આ સંવેદના સીમિત હોય છે. સર્જકો જ્યારે કોઈ સળગતી સમસ્યાને કેન્દ્રમાં રાખીને સર્જન કરે ત્યારે એ જરૂરી નથી હોતું કે તેઓ ખરેખર એ સંવેદના અનુભવી રહ્યા છે. એવી શક્યતા વધુ હોય છે કે એ સમસ્યા સર્જક માટે ફક્ત સર્જન માટેનો વિષય હોય.
મૂળભૂત રીતે મોટા ભાગના સર્જકો ધૂની, અહંકારી, ઇર્ષ્યાળુ અને સ્વકેન્દ્રી હોય છે. આથી જ જ્યારે તેઓ કોઈ સંવેદનશીલ વિષય હાથમાં લે ત્યારે એ વિષય માટેની નિષ્ઠા કરતાં પોતે શું અલગ કરી શકે છે અથવા પોતે એને કેવી માવજત આપી શકે છે એના પર જ વધુ પડતું ધ્યાન આપતા હોય છે. આટલે સુધી કંઈ ખોટું નથી. ચાલે. પણ જ્યારે આવા સર્જકો પોતે સમાજ અને દુનિયા માટે કમિટેડ હોવાનો દાવો કરે ત્યારે એમના ઈરાદા પર શંકા જાય.
કમિટેડ સર્જક તો કેવો હોય? સર્જક કોઈ એક અન્યાય માટે સંવેદનશીલ ન હોઈ શકે. જો અન્યાયથી એની સંવેદનાઓ હલબલી જતી હોય તો દુનિયાના દરેક અન્યાય એને ડિસ્ટર્બ કરી મૂકતા હોય એ જરૂરી છે. એના વ્યક્તિત્વમાં, એની જીવનશૈલીમાં અને એના દરેક આચારવિચારમાં એ કમિટમેન્ટનું પ્રતિબિંબ પડતું હોય છે. રોજ સાંજે વ્હીસ્કી પીતાં પીતાં દોસ્તારો સાથે હરીફો તથા સમકાલીનોની કૂથલી કરનાર માણસ કમિટેડ સર્જક ન હોઈ શકે. પોતાના જૂથની અંદર જ રચ્યોપચ્યો રહેતો સંકુચિત માણસ કમિટેડ સર્જક ન હોઈ શકે. જોખમી વિષયોથી દૂર રહીને સગવડિયા ટીકાસ્ત્રો ફેંક્યા કરતો માણસ કમિટેડ સર્જક ન હોઈ શકે. કમિટેડ સર્જકનું તો ધ્યેય નિશ્ચિત હોય, શું કરવાનું છે એની પૂરી સભાનતા હોય અને મળેલો એવોર્ડ પાછો આપવાનો હોય તો એ ક્યારનો આપી દીધો હોય. ગાડરિયો પ્રવાહ શરૂ થાય એની રાહ ન જોવાની હોય.
આથી જ આજકાલ જે સર્જકો પોતાના એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે એમના પ્રત્યે આપણને માન નથી થતું. એવોર્ડ પાછા આપવા માટેનું કારણ કોઈ સ્પષ્ટ રીતે સમજાવી નથી શકતું. દરેક અલગ અલગ કારણ આપે છે. સાહિત્યકાર કેકી દારૂવાલાએ એમ કહ્યું કે, અકાદમી એવોર્ડ મેળવનાર સાહિત્યકારોની હત્યા થઈ એ માટે અકાદમીએ કંઈ ન કર્યું એટલે મેં એવોર્ડ પાછો આપ્યો. કોઈ દાભોલકરની હત્યાનું કારણ આપે છે, પણ એમની હત્યા તો કોંગ્રેસના શાસન દરમિયાન થઈ હતી. દાદરીની ઘટના પણ ઉત્તરપ્રદેશમાં બની છે. આ બધુ કંઈ મોદી સરકારના બચાવ માટે નથી કહેવાનું, પણ મુદ્દો એ છે કે એવોર્ડ વાપસીનો તર્ક ગળે નથી ઊતરતો. મને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ લાગે છે કે, કોઈ સાહિત્યકારે કે ફિલ્મમેકરે પશ્ચિમ બંગાળ સરકારની દમનનીતિ સામે વિરોધ નથી નોંધાવ્યો. આ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ સામાન્ય નાગરિકો અને ખાસ તો સર્જકો સાથે જે જુલમ કર્યો છે એની અવગણના થઈ શકે એમ નથી. શિવસેના કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો પણ સીધો ઉલ્લેખ કરવાનું આ કહેવાતા કમિટેડ સર્જકો ટાળે છે. નરેન્દ્ર મોદીની સરકાર અનેક રીતે નિષ્ફળ છે એ હકીકતનો ઈનકાર થઈ શકે એમ નથી, પરંતુ એમના શાસનમાં દમન અને જુલમ વધી ગયા હોવાની વાત ગળે ઊતરે એવી નથી. તમે યાર, દરેક વાતમાં સાવ હાંક્યે રાખો એ સારું ન કહેવાય.
એવોર્ડ્સ પાછા આપનારા રાજકીય હેતુથી પ્રેરાઈને આ કામ કરી રહ્યા છે એવો આક્ષેપ ભારતીય જનતા પક્ષના નેતાઓ કરે છે, પણ આમાં તો આ સર્જકોનું બહુમાન કરવા જેવું છે. રાજકીય હેતુ માટે પણ કોઈક જાહેર કમિટમેન્ટ જોઈએ, કોઈ વિચારસરણી હોવી જોઈએ. હાલના એવોર્ડ્સ વાપસીવાળામાં તો મને એવું કોઈ કમિટમેન્ટ પણ નથી દેખાતું.
એવોર્ડ પાછો આપવા માટે દરેકનું કારણ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગનાનો એક જનરલ હેતુ વધારાની પ્રસિદ્ધિ મેળવવાનો અને એ રીતે બીજી વાર એવોર્ડ લેવાની લાલચ હોવાનું સ્પષ્ટ દેખાય છે. એવોર્ડ પાછો આપ્યા પછી એ લોકો ટીવીની ન્યુઝ ચેનલ પર આવે ત્યારે એમના ચહેરા પરની ચમક તમે જોઈ શકો છો. પોતે કેવા સંવેદનશીલ છે અને દેશભરમાં પ્રવર્તતા અસહિષ્ણુ વાતાવરણથી પોતાને થતી પીડા વ્યક્ત કરવામાં એમને કેવી મજા આવે છે એ તમે એમના ગમગીન ચહેરા પરથી પારખી શકો છો. આ વિશે ચર્ચા કરીને પોતાની બડાશ હાંકવામાં તેઓ કેવું ગૌરવ અનુભવતા હોય છે એ તમે એમના હાવભાવ પરથી જોઈ શકો છો.
વાતમાં કંઈ માલ નથી. એવોર્ડ્સ પાછા આપવામાં પોતાનો વ્યક્તિગત ઝંડો ફરકાવવા સિવાય બીજી કોઈ કવાયત નથી. એમની કોઈ વાત કે કોઈ મુદ્દો તર્કબદ્ધ નથી. એવોર્ડ પાછો આપવો એ એક અંતિમાવાદી પગલું છે. એમને ખબર છે કે અમે એવોર્ડ પાછો આપીએ તો સરકાર આમાં કશું નહીં કરી શકે. મોટા ભાગના સર્જકોએ એવોર્ડ પાછો આપતા પહેલા સરકાર સમક્ષ કોઈ રજૂઆત નથી કરી, ચર્ચા નથી કરી કે કોઈ માગણી નથી કરી. સામા પક્ષ (આ કેસમાં સરકાર)ને બચાવનો કે ભૂલ સુધારવાનો મોકો આપ્યા વિના આવું એકપક્ષીય પગલું ભરવું એને તો અંચાઈ કહેવાય. આ તો દીપિકા પાદુકોણથી નારાજ થઈને એની કટ્ટી કરવી અને રૂમમાં ચિટકાવેલા એના ફોટા ફાડી નાંખવા જેવી વાત છે.
સર્જકોની સૌથી મોટી ફરજ તો સંવાદ સાધવાની છે. ખરેખર સમસ્યા શી છે એની ચર્ચા કરો, મુદ્દાની છણાવટ કરો, પ્રોબ્લેમ એરિયા ક્યાં છે એ શોધો અને સૌથી મહત્ત્નું તો એ છે કે તમે કોઈક ઈલાજ બતાવો. એવોર્ડ પાછા આપનાર મોટા ભાગના સર્જકો સમસ્યાને અસ્પષ્ટ રીતે જ રજૂ કરીને છૂટી ગયા છે. કોઈએ આનો ઈલાજ નથી સૂચવ્યો. ઈલાજ બતાવ્યા પછી અને સરકાર દ્વારા એની અવગણના થાય એ પછી તમે એવોર્ડ પાછો આપો તો વાત સમજી શકાય.
એવોર્ડ્સ પાછા આપનાર સર્જકોને એક જ વિનંતિ કે તમે જો ખરેખર દેશમાં પ્રવર્તમાન સ્થિતિ સામે વિરોધ નોંધાવી રહ્યા હોવ તો એવોર્ડ્સ પાછા આપ્યા પછી પણ કંઈ કરો. તમે જે માનો છો એમાં સામાન્ય લોકો શામેલ થાય એવી પ્રવૃત્તિઓ કરો. સભાઓ યોજો, સેમિનારો યોજો, રેલીઓ કાઢો, અને સૌથી વધુ મહત્ત્વનું તો, તમે સર્જકો છો. એવું લખો, એવું સર્જન કરો કે આખો દેશ હલબલી જાય. ક્રાન્તિ થઈ જાય.
પણ એવોર્ડ્સ વાપસી સર્જકો આવું કંઈ નહીં કરે. પહેલું તો એ કે એમણે જે જુલમ અને દમનની વાતો કરી છે એવું કંઈ છે જ નહીં. અને બીજું, એવું કંઈ ખરેખર બનશે ત્યારે આ લોકો પોતાને મળેલા એવોર્ડ્સ બતાવીને પોતાની ચામડી બચાવવાની કોશિશ કરશે. અત્યારે તો ફક્ત એવોર્ડ્સ પાછા આપીને શાબાશી મેળવવાનું નાટક ચાલે છે. નાટકનો અંત કદાચ ત્યારે આવશે, જ્યારે કોઈ સર્જકને પોતાની ભૂલ સમજાશે અને પાછો આપેલો એવોર્ડ્ ફરથી સ્વીકારી લેવાની તૈયારી બતાવશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર