ભારતીય જનતા પક્ષની ચડતી અને પડતી
ઊઠમણું ધાર્યું હતું એના કરતાં વહેલું થઈ જશે એવું લાગે છે. હું કોઈ નેતાની કે પક્ષની વાત નથી કરતો, એક વિચારપદ્ધતિની વાત કરી રહ્યો છું. અત્યારનું ભારતીય જનતા પક્ષ અને એનડીએનું કોએલિશન આમ તો અટલ બિહારી વાજપેયીનો વારસો જ ગણાય, છતાં વાજપેયીની સરકાર, વાજપેયીના ભાજપ અને હાલના ભાજપ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. બંને વચ્ચેની લિન્ક ફક્ત નામ પૂરતી છે. અત્યારના ભાજપની ઓળખ અને એની નિષ્ફળતા અનોખી તેમજ આગવી છે.
નરેન્દ્ર મોદીના કારણે ભારતીય જનતા પક્ષને ચૂંટણીઓમાં અભૂતપૂર્વ સફળતા મળી એ ખરું, પણ જે સિદ્ધાંતો અને વિચારસરણી માટે આ પક્ષ જાણીતો હતો એને ચૂંટણીના પરિણામો સાથે કોઈ લેવાદેવા નહોતી. અથવા તો એમ કહી શકાય કે પક્ષના મૂળ વિચારોને બાજુ પર રાખવાના કારણે જ પક્ષને ચૂંટણીઓમાં સફળતા મળી હતી. અને હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે પક્ષના નેતાઓ પાસે મૌલિક કે ઊધાર લીધેલી કોઈ જ વિચારસરણી ન હોવાને કારણે બધુ વેરવિખેર થઈ ગયું છે.
ખરેખર તો નરેન્દ્ર મોદીને સાવ અનોખા સંજોગોમાં સફળતા મળી. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે એમણે એક જબરજસ્ત ઈમેજ ઊભી કરી, ભ્રષ્ટ ન હોવાની અને વિકાસને લગતા કામો કરતા હોવાની. આવા સંજોગોમાં કેન્દ્રની યુપીએ સરકાર ભ્રષ્ટાચારના કૌભાંડોને કારણે બદનામ થઈ ગઈ. સેંકડો અને હજારો કરોડ રૂપિયાના કૌભાંડો બહાર આવવાને કારણે દેશવાસીઓ ડઘાઈ ગયા. એવા સંજોગોમાં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ શરૂ કરી. દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી જુવાળ ફાટી નીકળ્યો. આ જુવાળમાં કોંગ્રેસની ઈમેજ રાખ થઈ ગઈ અને એના પર ભારતીય જનતા પક્ષની ભાખરી શેકાઈ ગઈ. નરેન્દ્ર મોદી એક એવા સદનસીબ હતા, જે આ સંજોગોનો પૂરેપૂરો લાભ લઈ શક્યા.
એ સમયે અંતિમવાદી જમણેરી વિચારસરણીના વિરોધીઓએ પણ એવું વિચારી લીધું કે ચાલો, જે થયું એ સારા માટે થયું. હવે નવો સૂરજ ઊગશે. ભારતીય જનતા પક્ષને લોકસભાની ચૂંટણીઓમાં જે અભૂતપૂર્વ સફળતા મળી એવી આશા તો પક્ષના કોઈ નેતાએ નહોતી રાખી. આથી તો ચૂંટણી ઢંઢેરામાં ડાહી ડાહી વાતો કરી. રામ મંદિર બાંધવાનો પ્લાન બાજુ પર રાખ્યો. વિકાસ અને ફક્ત વિકાસની ધજા લહેરાવી. આ રીતે ઉદય થયો એક નવા ભારતીય જનતા પક્ષનો, જેના નેતા નરેન્દ્ર મોદી એક ડાયનેમિક અને ધૂંઆધાર વ્યક્તિ હોવાની છાપ ઉપસી. ચારે તરફ લોકો અચ્છે દિનની આશા રાખીને આકાશ તરફ જોવા લાગ્યા.
અને ધીરે ધીરે આકાશમાં કાણાં પડતાં ગયા. અપેક્ષા ભંગના એક પછી એક પ્રકરણો ખુલ્લા થતાં ગયા. નરેન્દ્ર મોદી પોતે જાણે કોઈ અલગ દુનિયાના માણસ હોય એ રીતે વર્તવા માંડ્યા. એમને ઘમંડ ચડ્યું અથવા તો કંઈ સૂઝ્યું નહીં. એક પછી એક ભૂલોનો દોર શરૂ થઈ ગયો.
નરેન્દ્ર મોદી અને ભાજપની નવી લહેરમાં લોકસભાની ચૂંટણીઓ પછી યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ એનડીએનો જયજયકાર થયો ત્યારે બધુ રિયલમાં બની રહ્યું હતું, છતાં સરરિયાલિસ્ટીક લાગતું હતું. ક્યાંય કોઈ વાતનો મેળ ખાતો નહોતો, છતાં ચારે તરફ ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો. જોકે મજબૂત પાયા વિનાની ઈમારત હંમેશાં જોખમી હોય છે અને આ ઈમારતની હાલત પણ હવે એવી જ થઈ રહી છે.
ખરેખર તો નવી સરકાર બની ત્યારથી જ પાયાની કચાસનો અંદાજ આવી ગયો હતો. વડા પ્રધાને જે પ્રકારનું પ્રધાન મંડળ રચ્યું એમાં કોઈ કલ્પનાશીલતા નહોતી. અરુણ જેટલીને ત્રણ ત્રણ ખાતાં સોંપીને વડા પ્રધાને પોતાની નબળાઈ છતી કરી દીધી. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની જેવી વ્યક્તિને માનવ સંસાધન ખાતું આપીને પણ એક જોખમ લીધું.
જોકે ભારતીય જનતા પક્ષની સૌથી મોટી નબળાઈ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન છતી થઈ. નરેન્દ્ર મોદીનું મોજું હતું, છતાં પક્ષના મોવડી મંડળે દિલ્હીના સ્થાનિક નેતાઓની અવગણના કરીને કિરણ બેદીને અચાનક ભાજપમાં શામેલ કર્યા અને પક્ષના મુખ્ય પ્રધાનના ઉમેદવાર તરીકે એમને આગળ કર્યા. આ નિર્ણય ભાજપની શૈલી, શિસ્ત અને ભાવનાથી તદ્દન વિરુદ્ધનો હતો. એમાં ડર અને અવિશ્વાસની ભવાઈ હતી. એનું પરીણામ પક્ષે ભોગવવું પડ્યું.
ત્યાર પછી નરેન્દ્ર મોદી પોતે શું કરવા માગે છે એ નક્કી જ ન કરી શક્યા એવું લાગે છે. કોઈ પણ સમસ્યા કે મુદ્દાના ઉકેલ માટે એમણે કોઈ જ નક્કર પગલાં નથી લીધા. ફકત 'મેક ઈન ઈન્ડિયા', 'સ્વચ્છતા અભિયાન', 'ગેસ સબસિડી' પાછી આપવાની અપીલ વગેરે જેવાં ગતકડાં કરીને ગાડી હાંક્યે રાખવાની પલાયનવાદી નીતિ અપનાવી છે. વિદેશ પ્રવાસો કરીને ઓબામા અને પુતિન સાથે સંબંધો વધારવાથી ઈમેજ સુધારવાના પણ વડા પ્રધાને પ્રયાસો કર્યા, પરંતુ દેશની સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી આવા તમાશા નિરર્થક બની જતાં હોય છે.
નરેન્દ્ર મોદી જાણતા હતા કે બહોળો અને વ્યાપક સપોર્ટ મેળવવા માટે એમણે પોતાના પક્ષની અંદરના અંતિમાવાદીઓને કન્ટ્રોલમાં રાખવા પડશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પીઠબળ ધરાવતા તત્ત્વો સામે કડક હાથે કામ લેવું પડશે. જો એ લોકોને છૂટો દોર મળશે તો પક્ષ અને સરકારની ઈમેજ ધૂળમાં મળશે. આમ છતાં શાહમૃગની જેમ નરેન્દ્ર મોદીએ આવા તત્ત્વોના બફાટ સામે ચૂપ રહેવાનું પસંદ કર્યું. ગિરિરાજ સિંહ, સાક્ષી મહારાજ, મહેશ શર્મા વગેરે જેવા નેતાઓ મન ફાવે એમ બોલતા રહ્યા અને વડા પ્રધાને એ વિશે ચૂપકીદી સેવીને દેશવાસીઓને નિરાશ કરી નાંખ્યા.
ખરેખર તો આરએસએસ સાથેના સંબંધ બાબતમાં પણ નરેન્દ્ર મોદી કોઈ વલણ નિશ્ચિત નથી કરી શક્યા. મોટે ભાગે તો એની સાથે ઘર્ષણમાં ઊતરવાનું ટાળ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વની સૌથી મોટી કસોટી તો સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણ સામેના ભ્રષ્ટાચાર મામલે થઈ. આક્ષેપોને કારણે આખો દેશ હેબતાઈ ગયો હતો અને વડા પ્રધાન કોઈક પગલાં ભરશે એવી આશા સર્વત્ર હતી, છતાં નરેન્દ્ર મોદીએ ચૂપકીદી સેવી, પક્ષના પ્રવક્તાઓ જાહેરમાં લૂલા બચાવ કરતા રહ્યા અને આખરે રાજનાથ સિંહે પક્ષની લેટેસ્ટ નીતિ જાહેર કરતાં કહી દીધું કે અમારા પક્ષના કોઈ નેતાએ કશું જ ખોટું કર્યું નથી એટલે રાજીનામાં આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને બસ, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષની આબરુનો ધ્વજ અડધી કાઠીએ ત્યારે જ આવી ગયો હતો.
ત્યાર પછી એવોર્ડ વાપસીનું નાટક ચાલ્યું. અલબત્ત, એમાં નરેન્દ્ર મોદીનો કોઈ સીધો વાંક નહોતો, પરંતુ એમના વિરોધીઓ માટે હવે મેદાન મોકળું થઈ ગયું હતું. હવે સૌ કોઈ માટે આક્રમણ કરવાનો સમય પાકી ગયો હતો. ચૂંટણીઓમાં પક્ષને મળેલા વિજયને કારણે અમિત શાહની સરખામણી ચાણક્ય સાથે થવા માંડી હતી, પરંતુ ખરી કસોટી હતી ત્યાં અમિત શાહનો કોઈ વ્યૂહ સફળ ન થયો, કારણ કે એમની પાસે કે પક્ષ પાસે કોઈ વ્યૂહ જ નહોતો.
બિહારની ચૂંટણીના પરીણામોએ પડતાને પાટુ મારી અને ભારતીય જનતા પક્ષને અધમૂઓ કરી નાંખ્યો. કોઈ જ વ્યૂહ કે કોઈ લાંબા વિચાર વિના બિહારની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દેવામાં આવ્યો. નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને દાવે લગાડવામાં આવી અને સખત પછડાટ ખાધી. નરેન્દ્ર મોદીએ પોતાના ગઢ જેવા ગુજરાત બાબતે પણ ઉદાસીનતા દેખાડી. આખો પાટીદાર સમાજ પક્ષથી વિમુખ થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ ત્યાં સુધી ઊંઘતા જ રહ્યા.
બહારના પડકારો ઝીલવામાં તો તકલીફ પડી જ છે, પક્ષની અંદરના પડકારો સામે પણ કોઈ વ્યૂહ કે કોઇ નીતિ જેવું પક્ષે અપનાવ્યું નથી. બિહારમાં શત્રુઘ્ન સિંહા ખુલ્લેઆમ પક્ષની વિરુદ્ધમાં બોલતા રહ્યા છતાં એમની સામે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. કીર્તિ આઝાદે હદ કરી કરી નાંખી એ પછી માંડ માંડ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ પક્ષ સાવ જ નબળા અને દિશાહીન મોવડી મંડળના હાથમાં હોય એવું લાગી રહ્યું છે. વડા પ્રધાનને એમ લાગે છે કે વિદેશ પ્રવાસોમાં ચક્કરોમાં ક્યાંક ઘર આંગણાની સમસ્યાનો ઉકેલ મળી જશે. પણ એવું બનવાનું નથી.
હવે એમ લાગે છે કે ભારતીય જનતા પક્ષનો ઉદય રાજધાની એક્સપ્રેસની ઝડપે થયો હતો, પણ એનો અસ્ત બુલેટ ટ્રેનની ઝડપે થશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર