નિંદાખોરી એક ભયંકર રોગ છે, માઇન્ડ ઇટ
માણસો દરરોજ કેટલા બધા નિર્ણયો લેતા હોય છે. કયા આધાર પર લેતા હોય છે માણસો આવા નિર્ણયો? જેમાં દેખીતાં ફાયદા કે ગેરફાયદા હોય એની વાત અલગ છે, પરંતુ જેમાં ચિત્ર એટલું સ્પષ્ટ ન હોય, જે બાબતે મનમાં થોડી અવઢવ હોય અથવા જેના વિશેની પૂરી જાણકારીનો અભાવ હોય એ વિશેના નિર્ણયો માણસો કઈ રીતે લેતા હોય છે? આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં માણસો અન્ય લોકોએ કરેલી ભલામણ, ટીકા કે નિંદા અને અથવા તો સાવ જ ઊડતી વાતોના આધારે મહત્વના નિર્ણયો લઈ લેતા હોય છે. આમ તો આ સામાન્ય વાત લાગે, પરંતુ ક્યારેક કોઈના જીવનની અતિ મહત્ત્વની બાબતો વિશેના નિર્ણયો સાવ જ સાહજિક રીતે લેવાઈ જતા હોય છે. કોઈ છોકરીના સગપણની વાત ચાલતી હોય એનો જ દાખલો લો. વાત આગળ વધે એ પહેલા છોકરાનો રિપોર્ટ કઢાવવાનો આપણે ત્યાં એક રિવાજ છે. હવે આ રિપોર્ટ કઢાવવો એટલે ઓળખીતાં પાળખીતાંને એ છોકરા વિશેનો અભિપ્રાય પૂછવો. છોકરા વિશેની પોઝિટિવ વાતો મળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો કોઈ નેગેટિવ અભિપ્રાય આવ્યો તો વાત ત્યાંને ત્યાં જ ખતમ થઈ જાય. કોઈ કહે કે છોકરો છે હોશિયાર, પણ જરા આઉટલાઇન છે. હવે આ આઉટલાઇન એટલે કદાચ એ ડ્રિન્ક્સ લેતો હોય, સિગરેટ પીતો હોય, શેરબજારનું કરતો હોય અથવા તો છોકરીઓ સાથે હરતોફરતો હોય એવું પણ બની શકે. કહેવાતી આડી લાઇન કદાચ એટલી જોખમી ન પણ હોય, છતાં પરિવારજનો એમ વિચારે કે આપણી દીકરીની જિંદગીનો સવાલ છે. બીજું, રિપોર્ટ આપનારા નિખાલસતા અભિપ્રાય આપી રહ્યા છે કે પોતાની કોઈ અંગત નારાજગીને કારણે પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય આપી રહ્યા છે એ વાત પણ કોઈ ચેક નથી કરતું. ફંડા એક જ કે ચાન્સ શા માટે લેવાનો?
આપણા મોઢે અન્ય કોઈ વિશે બોલાયેલી સાચી કે ખોટી ઘણીવાર બહુ નિર્ણાયક પુરવાર થતી હોય છે. આમ છતાં મોટા ભાગના માણસો અન્ય વિશે અભિપ્રાય આપતાં પહેલા લાંબો વિચાર નથી કરતા હોતા. કોઈના વિશે સારું બોલવું એ તો દુર્લભ બની ગયું છે, મોટા ભાગના લોકોને અન્યની ગેરહાજરીમાં એમની બુરાઈ કરવાની, નિંદા કરવાની કુટેવ હોય છે. નિંદા કરવામાં લોકોને એટલી મજા આવતી હોય છે કે નિંદાને એક પ્રકારનો રસ ગણવામાં આવે છેઃ નિંદારસ.
લોકો અન્યની નિંદા શા માટે કરતા હશે સમજવાનું બહુ અઘરું નથી. નિંદા કરવા પાછળનું મુખ્ય કારણ ઈર્ષ્યા અને સ્પર્ધાનો ભાવ જ હોય છે. આ ઉપરાંત પોતાની ખામીઓ અને ઉણપોને થોડા સમય માટે ભૂલીને અન્યની નબળાઇની વાતો કરીને એમના પર હસી લેવામાં એક પ્રકારનો આત્મછલના મિશ્રિત આનંદ મળતો હોય છે. કીટી પાર્ટીમાં ગેરહાજર વ્યક્તિઓ વિશે જે વાતચીત કે નિંદા થાય છે એ તો મોટે ભાગે ગોસિપ પ્રકારની હોય છે. ગોસિપનો અંત છેવટે હસીમજાકમાં આવે છે, પરંતુ ખરેખર નિંદા જોખમી અને નુકસાનકર્તા હોય છે. આવી નિંદામાં ગેરહાજર વ્યક્તિની ઇમેજને પદ્ધતિસર ખરાબ કરવામાં આવતી હોય છે, એની નબળાઇને વધુ ખરાબ રીતે રજૂ કરવામાં આવે છે, જેના પરિણામે એ વ્યક્તિ વિશે અન્ય લોકોમાં ખોટા પૂર્વાગ્રહો બંધાય છે અને એની સાથે વિના કારણ વહેવાર થાય છે. આ રીતે અસલી નિંદામાં એક પ્રકારનો ધિક્કાર હોય છે, બદઇરાદો હોય છે. ઈર્ષ્યાનું આ સૌથી વિકૃત સ્વરૂપ છે.
થોડીઘણી ઈર્ષ્યા અને એમાંથી ઊપજતી નિંદાની વૃત્તિ આપણા સૌમાં હોય છે, પરંતુ અમુક લોકો વધુ પડતા નિંદાખોર હોય છે અને સમસ્યા આ લોકોની જ હોય છે. આવા લોકો હકીકતમાં અર્ધસત્યને ખોટી રીતે રજૂ કરીને, સાવ જૂઠું બોલીને પણ નિંદા કરતા રહે છે. વિઘ્નસંતોષી પ્રકારના આ લોકો સતત અન્યનું ખરાબ ઇચ્છતા હોય છે અને એમાં જ એમને આનંદ મળતો હોય છે.
કેટલાક લોકો પોતાની મહત્તા બતાવવા માટે અન્યની નિંદા કરતા હોય છે. અરે મેં એને નોકરી પર રાખ્યો, એને લાઇન પર ચડાવ્યો અને એણે મારી સાથે જ દગાબાજી કરી. ઘણો ખરાબ માણસ. સંભાળજો. અથવા તો કોઈ એવી વાતો કરશે કે મેં એના માટે કેટકેટલું કર્યું છે, પણ એ માણસ જ અહેસાન ફરામોશ નીકળ્યો. એ કોઈનો ન થાય, એના બાપનોય નહીં. સંભાળજો. આ પ્રકારના સ્વાનુભવના દાખલા આપીને કોઈને ઇમેજ ખલાસ કરી નાંખવાવાળાની વાતની સચ્ચાઈ ચેક કરવા કોઈ નથી જતું. કોઈ એને સામો પ્રશ્ન નથી પૂછતું કે એવું એણે કેમ કર્યું? શું તમે પણ એની સાથે કોઈ ખરાબ વર્તાવ કર્યો હતો? અથવા તો ખરેખર તમે કહો છો એવું કંઈ બન્યું હતું ખરું કે?
કેટલાક લોકો આસપાસ જમા થયેલા લોકોને હસાવવા માટે, એમનું મનોરંજન કરવા માટે કોઈની નિંદા કરવા લાગે છે. શરૂઆત કોઈના સ્વભાવ કે ટેવ વિશે મજાક કરવાથી થાય અને વાતમાંથી વાતમાં પછી એના આખા ખાનદાનની કૂથલી શરૂ થઈ જાય.
નિંદા કરનારાની રીતરસમો પણ ભાતભાતની હોય છે. કોઈ એકદમ સીધા આક્ષેપ કરવામાં માનતા હોય છે તો કોઈ વળી ગેરહાજર વ્યક્તિ વિશે જનરલ વાતો કરીને પછી આડકતરી રીતે એની નિંદા શરૂ કરી દે. જેમ કે ખોટું બોલવા વિશે અથવા બોલીને પછી ફરી જવા વિશેની જનરલ વાતો શરૂ થાય અને એમાં પછી અચાનક કોઈ ગેરહાજર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે અને એને આ ચોકઠાંમાં બેસાડી દેવામાં આવે. એ રીતે એવી ઇશારત કરવામાં આવે કે એના પર ક્યારેય વિશ્વાસ ન મૂકવો. આ જ રીતે આજે જમાનો બદલાઈ ગયો છે, લોકોને સ્વાર્થી બની ગયા છે એવી સાવ જનરલ વાતો શરૂ થાય અને પછી અચાનક ગેરહાજર વ્યક્તિને સ્વાર્થી તરીકે રજૂ કરતી વાતો શરૂ થાય. અધકચરાં દાખલા આપવામાં આવે અને આ રીતે એની નિંદાનો દોર શરૂ થાય. કોઈ વળી ગેરહાજર વ્યક્તિની બેચાર સારી વાતો કરે અને પછી મહત્ત્વની બાબતમાં એની એવી બદબોઈ કરે કે લોકોના મનમાં ધિક્કાર છૂટે. જેમ કે માણસ ઘણો દિલદાર અને કાબેલ, પણ એનું કૅરેક્ટર સાવ ઢીલું. હું તો એને મારા ઘરે ક્યારેય નથી બોલાવતો.
નિંદાની સેશનો ચાલતી હોય ત્યારે એક પ્રકારના મૌખિક એમઓયુ થયા હોય છે કે કોણે કોના વિશે કઈ વાત કહી એ જાહેર નહીં કરવાનું, પરંતુ દર વખતે એ શરતો પળાતી નથી. નારદ જેવા અમુક લોકો તરત જ ગેરહાજર વ્યક્તિને મળે ત્યારે એને કહી દે કે ફલાણાભાઇ તમારા વિશે આવું કહેતા હતા. અથવા તો બીજી કોઈ રીતે એમને ખબર પડી જાય કે મારી ગેરહાજરીમાં કોઈ શું બોલ્યું હતું. આપણી ગેરહાજરીમાં કોઈ આવી નિંદા કરે ત્યારે આપણને દુઃખ જરૂર થતું હોય છે, પરંતુ મોટે ભાગે આપણે એને હળવાશથી લેતા હોઈએ છીએ. આપણે એમ વિચારીએ કે ક્યા ફરક પડતા હૈ? ક્યારેક આપણે ખુમારીમાં એવું પણ કહી દેતા હોઈએ છીએ કે મારી પીઠ પાછળ લોકોને જે બોલવું હોય એ બોલે. આઇ ડોન્ટ કેર.
આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ આપણી નિંદા કરે તો એની ફિકર આપણે ન કરીએ એ અભિગમ એક રીતે બરોબર છે, કારણ કે લોકોના મોઢે આપણે તાળા મારવા નથી જઈ શકવાના, પરંતુ આ વિશે થોડા સતર્ક રહેવાની જરૂર છે. આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ ખરાબ બોલે ત્યારે આપણી છાપ નિશ્ચિતપણે બગડતી હોય છે, આપણી ઇમેજને ઘસારો પહોંચતો હોય છે. ટ્રેજડી એ છે કે કોઈએ કરેલી નિંદાના કારણે જે વ્યક્તિના મનમાં આપણી છાપ બગડી હોય છે એ વ્યક્તિ આપણને સીધી રીતે કંઈ કહેતી નથી, બસ એ મનમાં જ કંઈક માની લે છે. આપણે વિના કારણનો ખુલાસો પણ નથી કરતા. પ્રૉબ્લેમ ત્યારે થાય જ્યારે એ વ્યક્તિએ આપણા સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનો હોય અને એમાં આપણી બગડેલી છાપ વચ્ચે આવે. એક વાત હંમેશાં યાદ રાખવી કે કોઈ પણ વ્યક્તિ વિશેની નકારાત્મક બાબતને લોકો હંમેશાં ગંભીરતાથી લેતા હોય છે. જો કોઈએ ખોટી નિંદા કરીને એક વ્યક્તિ પર એવી છાપ પાડી હોય કે તમે કામચોર છો તો એ વ્યક્તિએ જ્યારે તમારા વિશે નિર્ણય લેવાનો હોય ત્યારે એ તમારી કામચોર તરીકેની ખોટી ઇમેજને નિશ્ચિતપણે યાદ કરશે અને જરૂર જણાશે તો તમારા પર ચાન્સ લેવાનું ટાળશે. આ રીતે નિંદા તમને ખરેખર નુકસાન પહોંચાડી શકે છે. નિંદા અને કૂથલીના કારણે અન્ય લોકોના મનમાં તમારી જે ઇમેજ બગડે છે એ વિશે તેઓ ક્યારેય ચર્ચા નથી કરતાં કે નથી તેઓ ખુલાસા માંગતા. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તમારી ઇમેજને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે અને એ સમયે લોકોએ કરેલી તમારી નિંદા તમને ભારે પડે છે.
તો આનો ઇલાજ શો છે? સૌથી પહેલા તો આ બાબતે આપણે બહુ જ સતર્ક રહેવાની જરૂર છે. જો આપણે સજાગ રહેશું તો એટલો ખ્યાલ આવી જશે કે આપણી નજીકની અમુક ખાસ વ્યક્તિઓ આપણી સતત નિંદા કરતી હોય છે. અનેક લોકો આપણને કહી ચૂક્યા હોય છે અને અનેકવાર તેઓ પકડાઈ પણ ગયા હોય છે. મોટે ભાગે આપણે આવી વ્યક્તિઓને અવગણતા હોઈએ છીએ અને એમની સાથેનો સંબંધ ઓછો કરી નાંખતા હોઈએ છીએ. આટલું પૂરતું નથી. આ વાતને બહુ જ ગંભીરતાથી લઈને આવી વ્યક્તિ સાથેનો સંબંધ સદંતર તોડી નાંખવાનું ખૂબ જરૂરી છે. આવી નિંદાખોર વ્યક્તિઓ સાથેનો સંબંધ તોડી નાંખવાનો સૌથી મોટો લાભ એ થાય કે એ જ્યારે આપણી ગેરહાજરીમાં આપણી નિંદા કરશે ત્યારે એની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. લોકો વિચારશે કે આ તો એમનો દુશ્મન છે, એની વાત ન મનાય. એ જ રીતે સંબંધ તૂટી જવાને કારણે એ નિંદાખોર વ્યક્તિને આપણી પર્સનલ બાબતો વિશેની જાણકારી મળતી બંધ થશે.
જો આપણે ઇચ્છતા હોઈએ કે કોઈ આપણી નિંદા ન કરે તો આપણે પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. ઘણા સમય પહેલા મેં આ દિશામાં પ્રયોગો કર્યા હતા. સૌથી પહેલા તો મેં એવું વિચાર્યું કે આપણી સામે કોઈ વ્યક્તિ અન્યની નિંદા કરે ત્યારે એને અટકાવી દેવાની. આથી કોઈ વ્યક્તિ જેવું અન્ય વ્યક્તિ વિશે ખરાબ બોલવાનું શરૂ કરે ત્યારે હું એની સામે ઊલટી વાત કરતો. ફલાણી વ્યક્તિ તો એકદમ સ્વાર્થી છે એવી નિંદા થાય ત્યારે હું કહેતો કે ના ના. મારું તો એક બહુ મોટું કામ એમણે હોંશથી કરી આપ્યું હતું. ગેરહાજર વ્યક્તિ કામચોર છે એવી નિંદા થાય ત્યારે હું એમ કહેતો કે અરે એને તો મેં બાર બાર કલાક કામ કરતો જોયો છે. જરાય આળસ નહીં. મેં એમ વિચાર્યું હતું કે આમ કહેવાથી નિંદા કરનાર વ્યક્તિ ઠંડી પડી જશે, પરંતુ પરિણામ સાવ જ ઊલટું આવ્યું. નિંદા કરનાર વ્યક્તિને જ્યારે તમે ખોટી પાડો ત્યારે એ બમણી ઉશ્કેરાઈ જતી હોય છે અને પછી વધુ જોશપૂર્વક પેલી વ્યક્તિની નિંદા કરવા લાગે છે.
આથી કોઈ આપણી સામે નિંદાખોરી શરૂ કરે ત્યારે ચૂપચાપ સાંભળી લેવામાં જ સાર છે. જોકે નિંદા એક ચેપી રોગ જેવી સમસ્યા છે. કોઈના વિશે વધુ પડતી નિંદા થઈ રહી હોય, એની હસીમજાક થઈ રહી હોય ત્યારે તમને પણ વિના કારણ વહેતી ગંગામાં હાથ ધોઈ નાંખવાની ઇચ્છા થઈ જાય છે. થોડા સમય પહેલા એક વ્યક્તિએ મારા ખાસ દોસ્તની એટલી બધી નિંદા કરી કે મારી ઇચ્છા નહોતી છતાં એ દોસ્તની એકબે નબળાઇ વિશે મારા મોઢામાંથી બેચાર શબ્દો નીકળી ગયા.
જેમ પૈસો પૈસાને ખેંચે છે એમ નકારાત્મકતા બીજી નકારાત્મકતાને ખેંચે છે એ નિયમ યાદ રાખવો. બને ત્યાં સુધી નિંદાખોર જ નહીં, કોઈ પણ પ્રકારની નકારાત્મક વિશેષતાઓ ધરાવતા લોકોથી દૂર રહેવું. ફેસબૂકમાં જેમ કોઈને બ્લૉક કરી દેવાની સુવિધા છે એમ રિયલ લાઇફમાં પણ નક્કામા અને નેગેટિવ માણસોને બ્લૉક કરી દેશો તો તમને કોઈ જ નુકસાન નથી. તમારી આસપાસના પચાસ માણસોને લાઇફમાં બ્લૉક કરી દેશો તોય તમને કોઈ ફરક નહીં પડે. ત્રાસ ઓછો થશે, રાહત વધશે. નવા સંબંધો પણ કેળવાશે. અને હા, નિર્દોષભાવે અથવા હસીમજાકમાં કોઈના વિશે ખરાબ અભિપ્રાય આપતા પહેલા, કોઈની નિંદા કરતા પહેલા સો વાર વિચાર કરજો. શક્ય છે કે તમે સાવ કૅઝ્યુઅલ રીતે કરેલી કોઈ વાત સામી વ્યક્તિ માટે જીવનમરણનો પ્રશ્ન બની જાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર