મેરી આસ્તિકી તુમ સે હૈ...
બહુ જ લોકપ્રિય બનેલી ફિલ્મ 'ઓહ માય ગોડ' લોકોને ગમી, એનું કારણ એ હતું કે સામાન્ય લોકો ઈશ્વર વિશે શું માને છે એનું ફિલ્મમાં સચોટ નિરુપણ હતું. ભક્તિભાવથી જાત્રાએ જઈ રહેલા લોકોની બસ ખાઈમાં ઊંધી વળી જાય અને યાત્રાળુઓ મોતને ભેટે છે. ઈશ્વર એમની રક્ષા કેમ નથી કરતો? આ અને આવા અનેક પ્રશ્નો મુખ્ય કલાકાર પરેશ રાવળ ફિલ્મના પહેલા ભાગમાં ઉઠાવે છે અને ઈશ્વર પર શ્રદ્ધા રાખનારાની મજાક ઉડાવે છે. ઓડિયન્સ આ દૃશ્યો બહુ જ માણે છે. આનો અર્થ એ થયો કે મોટા ભાગના લોકોને ઈશ્વર સામે આવી ફરિયાદ છે. અલબત્ત, ફિલ્મના બીજા ભાગમાં ઈશ્વરની હયાતી વિશેના પ્રશ્નનો જવાબ આપ્યા વિના વાતને આડે પાટે લઈ જવામાં આવે છે. ઈશ્વર છે કે નહીં એ ફિલોસોફિકલ મુદ્દાના બદલે ધર્મમાં પેસી ગયેલી બદી વિશે વાત આગળ ચાલે છે.
ફિલ્મ જેવું જ વાસ્તવ જીવનમાં બની રહ્યું છે. નાસ્તિકતા અને આસ્તિકતાની ચર્ચામાં બીજા મુદ્દા મહત્ત્વના બની ગયા છે અને ઈશ્વર કે કોઈપણ અલૌકિક શક્તિ હોવાની શક્યતાના રસપ્રદને મુદ્દાને બાજુ પર રાખીને ધર્મ તથા એની સાથે સંકળાયેલાં ક્રિયાકર્મો અને રીતરિવાજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ધર્મ પર આક્રમણ કરવાનું આસાન છે, કારણ કે મોટા ભાગના ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મને સાચા ભાવથી અનુસરતા નથી. ધર્મના નામે ચાલતા ગોરખધંધાની ટીકા કરવાનું આસાન હોવાને લીધે બદનામ થાય છે, આસ્તિકતા.
સાચું પૂછો તો કોઈ ધર્મની ટીકા કરવાનું પણ યોગ્ય નથી, કારણ કે મોટા ભાગના ધર્મોના મૂળમાં માનવતાવાદનાં મૂલ્યો છે. કોઈ ધર્મ માણસને ખરાબ કામો કરવાનું શીખવતો નથી. થોડા સમય પહેલાં 'મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના' એ વાક્યની બહુ મજાક થઈ હતી. પણ એ યોગ્ય નહોતું. કોઈપણ ધર્મ ખરેખર કોઈને અંદરોઅંદર લડવાનું નથી શીખવતો. ધર્મના ઠેકેદારોએ જ્યારે એનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે જ ધર્મના નામે ખોટાં કામો થયાં છે.
ધર્મમાં જે ઉપદેશો હોય છે એમાંના મોટા ભાગના તો સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટેના હોય છે. લોકો નિરુપદ્રવી જીવન શૈલી માટે જો સામાજિક આચારસંહિતાને ન અનુસરે તો એમને ડર બતાવીને શિસ્તમાં લાવવા માટે કદાચ ધર્મની આચારસંહિતા ઉપયોગમાં લેવાઈ હતી.
મારા એક મુસ્લિમ મિત્રે મને કહ્યું કે ઇસ્લામનો જન્મ થયો એ સમયે આરબ જગતમાં એવી સામાજિક અંધાધૂંધી ફેલાઈ હતી, એવો તો મૂલ્યોનો હ્રાસ થયો હતો કે એ બધું બંધ કરાવવા માટે લોકોને ડરાવવાનું જરૂરી હતું. આ હેતુથી જ ઇસ્લામ ધર્મની આચારસંહિતા ઘડાઈ હતી.
ધર્મનો હેતુ ઉમદા હોય છે, પરંતુ સમય જતાં એના આચરણમાં ઢીલાસ આવી જાય છે અને લેભાગુ ઠેકેદારો એનો લાભ લેવા માંડે છે. મૂળ હેતુ અને મૂળ ઉપદેશ વિસરાઈ જાય છે અને રહી જાય છે ફક્ત નિરર્થક રીતરિવાજો અને ક્રિયાકાંડો.
કોઈપણ ધર્મના મૂળ ઉપદેશ કે એની આચારસંહિતાનું મૂળ જાળવી રાખવામાં જે તે ધર્મના રખેવાળો અથવા ધર્મગુરુઓ અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બુદ્ધ ધર્મના પ્રસાર માટે મઠો ઊભા થયા અને પછી મઠોમાં જ ગંદકી ફેલાઈ કારણ કે મઠાધીશો પોતે જ ભ્રષ્ટ થઈ ગયા હતા. ધર્મગુરુની પોતાની જ આચારસંહિતા જ્યારે શંકાસ્પદ હોય ત્યારે એમને અનુસરનારાઓમાં ક્યાંથી સાચો બોધ આવે?
ધાર્મિક ક્રિયાકાંડોને આસ્તિકતાના પ્રતીક ન ગણી શકાય અને ધર્મગુરુઓને પણ આસ્તિકતાના ઠેકેદાર ન ગણવા જોઈએ. ધધૂપપૂ (ધર્મ ધૂરંધર પરમ પૂજ્યો)ઓને મારવાની લાકડીથી સુપર નેચરલ તત્ત્વ છે કે નહીં એ વિશેની જિજ્ઞાસા સેવતા કોઈ બુદ્ધિશાળી માણસને ઠપકારી ન શકાય. આસ્તિક હોવું એ અલગ જ વાત છે, અંગત વાત છે. પહેલા ખરેખરા નાસ્તિકોની વાત કરીએ, જેઓ ધાર્મિક ક્રિયાકાંડોનો તો વિરોધ કરે જ છે, પણ ઈશ્વરની હયાતીનો પણ સખત વિરોધ કરે છે. તેઓ દરેક વાતને તર્ક અને વિજ્ઞાનના આધારે સમજવા અને સમજાવવા માગે છે. આમાં કંઈ ખોટું નથી. 'ઓહ માય ગોડ' ફિલ્મને ફરી યાદ કરીએ તો, એમની દલીલ સાચી છે કે ઈશ્વર પોતાના ભક્તોની રક્ષા કેમ નથી કરતો?
નાસ્તિકોનો રેશનાલિસ્ટ અભિગમ પણ માન્ય છે. કોઈપણ વાતને તમે આધારભૂત પુરાવા વિના સ્વીકારી ન શકો. જો ઈશ્વર છે તો એ ક્યાં છે? કયા સ્વરૂપમાં છે? કોઈ જ પુરાવા મળ્યા નથી અને મળતા નથી. વૈજ્ઞાનિક પદ્ધતિ ઈશ્વરની હયાતી પુરવાર થઈ શકી નથી. માટે ઈશ્વરની હયાતી નથી.
આમ છતાં આ અભિગમમાં એક ખામી છે. આમાં એક બંધિયારપણું છે. જે પુરવાર થઈ શક્યું છે એને જ પરમસત્ય ન માની શકાય. અને જે પુરવાર નથી થયું એ બધું જ હંમેશાં માટે અસંભવ છે એવું પણ ન માની શકાય. મોટા ભાગની વૈજ્ઞાનિક શોધો થઈ ત્યાં સુધી એ અસંભવ જેવી જ લાગતી હતી. આ રીતે જોઈએ તો પૃથ્વી ગોળ છે એ પુરવાર નહોતું થયું ત્યાં સુધી પૃથ્વીને સપાટ માનનારા નાસ્તિકો હતા અને પોતાની માન્યતામાં મક્કમ હતા, કારણ કે વિજ્ઞાન એમની સાથે હતું. બીજી તરફ પૃથ્વી સપાટ ન પણ હોય એવું માનનારા આસ્તિકો હતા, કારણ કે એમણે એક અલગ શક્યતા જોઈ હતી. છેવટે આસ્તિકો સાચા પુરવાર થયા. પોઇન્ટ નોટ કિયા જાય.
નાસ્તિક આસ્તિકની ચર્ચામાં ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક આસ્તિકને એક જ બીબામાં ઢાળી દેવાનું યોગ્ય નથી. બધા જ આસ્તિકો આંધળા ભક્તો નથી હોતા. એમ તો બધા ભક્તો પણ આંધળા નથી હોતા. લાલો લાભ વગર લોટે ન જાયે એમ ભક્ત પણ કોઈ ચમત્કાર કે વરદાનની આશા વગર ઈશ્વરની પાસે ન જાય. માણસ સ્વાર્થી તો પહેલેથી છે પણ આજનો માણસ જરા શાણો પણ બની ગયો છે. કોઈ ફાયદો ન હોય તો એ ભગવાનને પણ ભાવ ન આપે.
દેશભરમાં જાતજાતના અનેક ધર્મગુરુઓ અને બાવાઓ ફાટી નીકળ્યા છે. કેટલાકને તો જોઇને જ એમ લાગે કે આનું ભવિષ્ય ઉજ્જવળ છે પણ એનો ઇતિહાસ ઘણો અંધારિયો હશે. આમ છતાં, આવા ધર્મગુરુઓને પણ યથાયોગ્ય અનુયાયીઓ મળી જ જાય છે. મજાની વાત એ છે કે કેટલાક અનુયાયીઓ તો આજીવન આવા ધર્મગુરુઓના ભક્ત બની જાય છે. ભલે આવા બાવા એમાં નિમિત્ત બન્યા હશે પણ એમના સંપર્કમાં આવ્યા પછી આ ભક્તોને કોઇક અલૌકિક શક્તિનો અનુભવ થયો હોવો જોઇએ. શક્ય છે કે ભક્તોની પોતાની જ આંતરિક શક્તિઓ અચાનક બહાર આવી હોય. કોમન સેન્સથી ન સમજી શકાય એવું કંઈક તો બને જ છે.
ભક્તોને ભોળા અને મૂર્ખ કહેવાનું અને એમની મજાક ઉડાવવાનું આસાન છે પણ હકીકત એ છે કે ભક્તો ભોળા નથી હોતા. દુખમાંથી ઊગરવા માટે માણસ ગમે એ તણખલું શોધે એ સમજી શકાય અને એ માટે એ ભગવાનને પ્રાર્થના કરે કે એને રિઝવવા માટે કોઈ બાધા રાખે એ સમજી શકાય પરંતુ આ દાખલો સમજવાની જરા કોશિશ કરો. તિરુપતિ મંદિરમાં છૂપી રીતે લાખ્ખો રૂપિયાનું સોનું ચડાવી દેતો કોઈ ભક્ત કેવી રીતે મૂર્ખ હોઈ શકે? એ કંઈ એક સો રૂપિયાના બસ્સો કરવાની લાલચ માટે નથી કરતો, ઈશ્વરે એનું કામ કરી આપ્યું એવી માન્યતા સાથે ઈશ્વરનો આભાર માનવા માટે તે આવો આર્થિક ભોગ આપવા તૈયાર થઈ ગયો. એ છૂપી રીતે સોનુ ચઢાવે છે એટલે એ કોઈ શો કરવા નથી માગતો એ પણ નક્કી અને એણે નથી એ કોઇને હિસાબ નથી આપવાનો એ પણ સ્પષ્ટ થઈ જાય છે. આ ફક્ત એની અંગત બાબત છે. એના અને એના ઈશ્વર વચ્ચેનું કમ્યુનિકેશન છે. વાતનું મૂળ એ છે કે ઈશ્વરે એનું કામ કરી આપ્યું એવું એ ખરેખર માને છે.
હવે આમાં નાસ્તિકવાદના અભિગમથી એવું તરત જ વિચારી શકાય કે એનું કામ ઈશ્વરે જ કરી આપ્યું એવું કઈ રીત સાબિત થાય છે? આ તો કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો ઘાટ પણ હોઈ શકે. આ દલીલ બિલકુલ સાચી છે. એ માણસ સાથે આવું એક વાર બની શકે, બે વાર બની શકે, અનેકવાર બની શકે પરંતુ બીજા હજારો અને લાખ્ખો લોકોની જિંદગીમાં પણ આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તો શું દર વખતે યોગાનુયોગ જ હોય? આની સામે પણ એવી દલીલ થઈ શકે કે જેમની પ્રાર્થના નથી ફળતી એમના કિસ્સા આપણા ધ્યાનમાં નથી આવતા.
દલીલ અને સામી દલીલ, તર્ક અને સામો તર્ક. આ વિષય મજેદાર છે. માણસને જીવનમાં અનેક એવા અનુભવ થતાં હોય છે, જેને એ તર્કથી નથી સમજી શકતો. સુખદ અને દુખદ અકસ્માતો માટેના કારણ પણ વૈજ્ઞાનિક ઢબે સમજી નથી શકાતા. આજના મોટા ભાગના આસ્તિકો આવી દ્વિધામાં અટકેલા છે. જીવનના અનુભવો અને સાંભળેલી વાતોને કારણે એના મનમાં એવો પ્રશ્ન રહે જ છે કે શું ઈશ્વર, કોઈ દિવ્યશક્તિ, કોઈ અલૌકિક શક્તિ જેવું હશે ખરું?
રાતના અંધકારમાં અગાસી પર સૂતા સૂતા તમે આકાશ તરફ તાકો તો લાખ્ખો અને કરોડો તારા ટમટમતા દેખાય. બ્રહ્માંડમાં અસંખ્ય ગેલેક્સીઓ છે, જેમાં અનેક ગ્રહો અને એમાંનો એક નાનો ગ્રહ એટલે પૃથ્વી. આ પૃથ્વી પર પણ એક માણસનું અસ્તિત્વ કેટલું નાનું?
બ્રહ્માંડની ક્યાં વાત કરવી, માણસ તો પોતાના શરીર અને મનની રચનાને પણ પૂરી રીતે સમજી નથી શક્યો. તો પછી નાસ્તિકતાનો અહંકાર શા કામનો? એનાથી શું હાંસલ થશે? નાસ્તિકતા આજના સમયનું એક મર્યાદિત સત્ય છે. ભવિષ્યની શક્યતાઓ તો અપરંપાર છે. શક્ય છે ભવિષ્યમાં ઈશ્વર અથવા એવા કોઈ તત્ત્વની હયાતી પુરવાર થઈ જાય. કોને ખબર? તર્ક અને શક્યતાની બારી ખુલ્લી રાખવી એ જ સાચો વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર