કોઈ પણ સુલતાન કે રાજાને મારો વોટ ન મળે
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને એણે ટીપુ સુલતાનની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુત્વવાદી સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં પરિષદના એક સભ્યનું તો મોત પણ થઈ ગયું છે. આ પ્રકારની મૂર્ખામી ફક્ત ભારતમાં જ જોવા મળે. જમણેરી જૂથોનું તો સમજ્યા જાણે. એ લોકો તો ટીપુ સુલતાન હોય કે ઔરંગઝેબ, એમની વિચારસરણી સાથે સુસંગત ન હોય એવી દરેક વ્યક્તિ અને દરેક ચીજનો તેઓ વિરોધ કરવાના. પણ આ કર્ણાટક સરકારને શી કુબુદ્ધિ સૂઝી છે?
ટીપુ સુલતાનની જન્મ જયંતિની ઉજવણી કરવી જોઈએ એ બેવકૂફી જ નહીં, બદમાશી પણ છે. કર્ણાટક સરકારમાં કોઈ એવી વ્યક્તિ નથી, જેના પૂર્વજોને ટીપુ સુલતાન સાથે લોહીનો સંબંધ હોય. આનો અર્થ એ થયો કે ટીપુ સુલતાનની મેરીટ પર એની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સત્યનાશ.
ટીપુ સુલતાનની જન્મ જયંતિની તરફેણ કરનારા કહે છે કે કર્ણાટકના વિકાસમાં ટીપુનો બહુ મોટો ફાળો હતો. ટીપુ એક સારો વહીવટકર્તા હતો અને લોકોના લાભ માટે તેણે અનેક શુભ કાર્યો કર્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ટીપુએ જમીન સુધારા કર્યા, જેને પરીણામે મૈસુરનો સિલ્ક ઉદ્યોગ વિકસ્યો. ટીપુના વખાણમાં સૌથી મોટી વાત એ જણાવવામાં આવે છે કે એ બ્રિટિશરો સામે બહાદૂરીપૂર્વક લડ્યો હતો. ટીપુના સૈન્યે રોકેટ્સનો વ્યુહાત્મક ઉપયોગ કરીને બ્રિટિશરોને બરોબર હંફાવ્યા હતા.
ટીપુ સુલતાન વિશેની આ બધી વાતોમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ તો ભગવાન જાણે, પણ કેટલીક હકીકતો નિર્વિવાદ છે. એક હકીકત એ છે કે ટીપુ મૈસુરનો બાદશાહ હતો. આજે કર્ણાટક રાજ્યની સરહદો છે એવી સરહદો ત્યારે નહોતી. આથી ટીપુને કર્ણાટક રાજ્ય સાથે જોડવાનું જ અયોગ્ય છે. બીજી વાત, ટીપુ ફક્ત બ્રિટિશરો સામે નહોતો લડ્યો, મરાઠા સહિતના અનેક દેશી રાજાઓ સામે પણ તે લડ્યો હતો.
ઈતિહાસકાર સી. હયવદન રાવે મૈસુરનો ઈતિહાસ લખ્યો છે. એમાં એમણે લખ્યું છે કે ટીપુ સુલતાન ધર્મઝનૂની હતો અને ધર્મના નામે એણે અનેક જુલમો કર્યા હતા. હિન્દુઓ પ્રત્યે ટીપુ સહિષ્ણુ હતો એવા દાવા પણ એમણે નકારી કાઢ્યા છે. ટીપુના હારેમમાં અનેક હિન્દુ સ્ત્રીઓને જબરજસ્તીથી રાખવામાં આવી હતી. તેણે જીતેલા રજવાડાની રાજકુમારીઓના અપહરણ કરીને એને ત્યાં પૂરવામાં આવી હતી. ટીપુમાં એક-બે સારા ગુણ કદાચ હશે, પણ એનાથી કંઈ એ આપણા લોકશાહી દેશનો હીરો ન બની શકે. સારા ગુણ તો હિટલર અને ઔરંગઝેબમાં પણ હતા.
અલબત્ત, ઈતિહાસકારો ઘણીવાર પક્ષકાર બનતા હોય છે એટલે એમની દરેક વાતને સાચી ન માની લેવાય, છતાં ટીપુ સુલતાન એકદમ સહિષ્ણુ અને દયાની મૂર્તિ હોય એવો દાવો સ્વીકારી શકાય એમ નથી. મૂળ વાત એ છે કે આવા વિવાદમાં પડવું જ શા માટે? આવી સ્થિતિમાં પાછા પેલા ગિરિશ કર્નાડ નામના નાટ્યકાર એમ કહે કે, જો ટીપુ સુલતાન હિન્દુ હોત તો બેંગ્લુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટને ટીપુનું નામ આપવામાં આવ્યું હોત, કારણ કે મહારાષ્ટ્રમાં શિવાજીનું જે યોગદાન હતું એવું જ યોગદાન કર્ણાટક માટે ટીપુનું રહ્યું છે. મને લાગે છે કે ઉશ્કેરણી માટેનો આ ગરમાગરમ મસાલો છે.
આ ગિરિશ કર્નાડ તો મને પહેલેથી નથી પસંદ આવ્યા. એમનો ચહેરો એવો જડ અને અનફ્લેક્સિબલ છે કે એના પર વિવિધ ભાવો આવી જ ન શકે. આ એક હાઈલી ઓવરરેટેડ એક્ટર અને ડિરેક્ટર છે. કરિયરના એક તબક્કે કેટલાક સારા નાટકોની સ્ક્રીપ્ટ હાથમાં આવી ગઈ અને એની ભજવણી કરી એટલે કમિટેડ નાટ્યકાર તરીકેની ખ્યાતિ મળી ગઈ. એવોર્ડ્સ પણ મળ્યા. પછી તો વિવાદોમાંથી પ્રસિદ્ધિ કમાવાની આ ભાઈને ટેવ પડી ગઈ. આવી બોગસ કરિયર એવી આગળ ચાલી કે હિન્દી ફિલ્મોમાં પણ એમને કામ મળી ગયું. મને બરોબર યાદ છે. ‘સ્વામી’ ફિલ્મમાં શબાના આઝમીના પતિનો રોલ એને મળ્યો હતો અને મારો જીવ બળી ગયો હતો ત્યારે.
એરપોર્ટને સ્થાનિક કોમ વોક્કાલિગાના એક 16મી સદીના મહાનુભાવ કેમ્પે ગોવડાનું નામ અપાઈ ચૂક્યુ છે, છતાં ગિરિશ કર્નાડે સ્યુડો સેક્યુલારિઝમનું નાટક કર્યું. જોકે એ માટે તો તરત એમણે માફી માગી લેવી પડી, પણ કર્ણાટકમાં કોમી અશાંતિ ફેલાવવામાં એમને સફળતા મળી. પોતાને મળેલી ધમકીની વાતો ગિરિશ કર્નાડે ટીવી પર આવીને બહુ હોંશ સાથે કરી. એમને એ જ જોઈતું હતું. એમને મજા પડી.
ગિરીશ કર્નાડે તો વ્યક્તિગત હોશિયારી મારવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે આવા નિવેદનો કર્યા, પરંતુ કર્ણાટક સરકારમાં કોઈ બુદ્ધિશાળી માણસ નથી એવું લાગે છે. ટીપુ સુલાતન જો બ્રિટિશરો સામે લડ્યો હતો, તો એ પોતે પણ ભારત માટે પરદેશી જ હતો. આપણે એને હીરો માનવાની કોઈ જરૂર નથી. ટીપુ સુલતાનને પાકિસ્તાન હીરો માને છે. પાકિસ્તાન નેવીમાં પીએનએસ ટીપુ સુલતાન નામના જહાજો શામેલ છે. કર્ણાટક સરકાર શું આ બાબતે પાકિસ્તાન સાથે સ્પર્ધા કરવા માગે છે?
ટીપુ સુલતાન તો બહારથી આવેલો એક પરદેશી શાસક હતો, પણ કોઈ હિન્દુ રાજાની જન્મ જયંતિ પણ શા માટે ઉજવાવી જોઈએ? રાજા મહારાજાઓનો સમય પૂરો થઈ ગયો અને એ લોકો જ્યારે રાજ કરતા હતા ત્યારે બહુ ખરાબ રીતે રાજ કરતા હતા. અનેક હિન્દુ રાજાઓના ગુણગાન ગાતી દંતકથાઓ પણ પ્રચલિત છે અને લોકોને એ સાંભળવાની મજા આવે છે.
રાજાઓ, સમ્રાટો અને બાદશાહો વિશે વાર્તાઓ લખાય, ફિલ્મો બને ત્યાં સુધી ઠીક છે. એની એક એન્ટરટેઈનમેન્ટ વેલ્યુ છે, પરંતુ આ લોકોને માથા પર ન ચડાવાય. રાજાશાહીમાં પ્રજા ક્યારેય સ્વતંત્ર નહોતી. ગમે એવો સારો રાજા હોય, એને સ્વચ્છંદી બનતા કોઈ રોકી શકતું નહીં. રાજાશાહીમાં પ્રજા હંમેશાં ડર સાથે જ જીવતી. જો રાજા જુલમી ન હોય તો એના સુબેદારો અને સેનાપતિઓ જુલમ કરતા.
રાજાશાહીના દૂષણો અનેક હતા. પ્રજાનું શોષણ તો એ સમયે થતું જ, પણ વર્ણ વ્યવસ્થાને પણ રાજાશાહીમાં પ્રોત્સાહન મળતું. સૈનિકના પુત્રે રાજાના સૈન્યમાં જ જોડાવું પડતું. એને કવિતા લખવાનો શોખ થાય તો દેહાંતદંડની સજા થાય. એ જ રીતે વેપારીઓ વેપાર જ કરતા રહેતા અને સરકારની તિજોરીમાં મહેસૂલ ભરતા રહેતા. રાજાશાહીમાં સ્ત્રીઓને કોઈ ન્યાય નહોતો મળતો. રાજાના દરબારમાં ફરિયાદો થતી, પણ કોઈ નિર્ભયા એમાં ફરિયાદ કરવા નહોતી જઈ શકતી.
સદીઓ પછી વિશ્વને રાજાશાહીમાંથી મુક્તિ મળી છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકશાહી છે અને એના કારણે એક પ્રકારની સમાનતા આવી છે, લોકોને સ્વતંત્રતા મળી છે. આથી ભૂતકાળમાં થઈ ગયેલા રાજાઓને ગ્લોરીફાય કરવાની કોઈ જ જરૂર નથી. પછી ભલે એ રાજા હિન્દુ હોય કે મુસ્લીમ.
જન્મ જયંતિ જ ઉજવવી હોય તો ભારતમાં એ માટે અનેક વિભૂતિઓના નામ ઉપલબ્ધ છે. સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, વિજ્ઞાન, ટેકનોલોજી અને રાજકારણમાં પણ સારું કામ કરનારા અનેક મહાનુભાવો ટીપુ સુલતાન કે અન્ય કોઈ રાજા કરતાં ઘણા વધુ મહાન છે. સાચા માણસની કદર કરવી એ સાચા મૂલ્યની કદર કરવા સમાન છે. ટીપુ સુલતાનની જન્ય જયંતિ ઉજવીને તમે કયા મૂલ્યને બિરદાવી રહ્યા છો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર