પેરીસ હુમલા અને ઊના અત્યાચારઃ વાંક પાડાનો છે
અગિયારમી જુલાઇએ ઊનામાં એક જુગુપ્સાપ્રેરક ઘટના બની. દાયકાઓથી પોતાનો વ્યવસાય કરી રહેલા કેટલાક દલિતોને કેટલાક બની બેઠેલા ગૌરક્ષકોએ ભર બજારમાં ઢોરની જેમ માર માર્યો અને એનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂક્યો. બુદ્ધિના બળદિયા જેવા આ ગૌરક્ષકોને ત્યારે ખબર નહોતી, જેને તેઓ શક્તિ પ્રદર્શન ગણાવીને ગૌરવ લેવા માગતા હતા એ ઘટના દેશ આખામાં ચકચાર જગાડશે અને એમના ઉપરીઓ જ મુશ્કેલીમાં મૂકશે એટલું જ નહીં, આખી સરકારને હલબલાવી નાંખશે.
ઊનાની આ ઘટનાને કઇ રીતે મૂલવી શકાય? બધા જ લોકો એને પોતપોતાની રીતે સમજી રહ્યા છે અને મોટા ભાગના એમાં વધુ ઊંડા ઊતર્યા વિના ઠોકમઠોક કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના નેતાઓએ આનો રાજકીય લાભ લેવાનું વિચાર્યું એ સમજી શકાય એમ છે. એમનું એ કામ છે. ગુનો જે હીન કક્ષાનો હતો એ જોતાં એમના દ્વારા વ્યક્ત થયેલા વિરોધ સામે વાંધો લઇ શકાય નહીં. જો વાંધો કોઇની સામે લઇ શકાય એમ હોય તો એ કહેવાતા બૌદ્ધિકો અને વિશ્લેષકોના એક વર્ગ સામે લઇ શકાય એમ છે. હંમેશાં લિબરલિઝમ, સેક્યુલરિઝમ અને ફ્રિડમ ઑફ એક્સપ્રેશન જેવા મૂલ્યોના લેબલ છાતી પર ચિટકાડવા હવાતિયા મારતા નકલી બૌદ્ધિકોને પોતાની એલાઇટનેસ દેખાડવાનો, પોતાને બૌદ્ધિક તરીકે પ્રસ્થાપિત કરવાનો વધુ એક મોકો મળી ગયો. ટીવી પરના રિયાલિટી શોના જોકર જેવા જજની જેમ આ નકલી બૌદ્ધિકોએ પોતાનો ચુકાદો આપી દીધો કે 'આ તો દલિત અત્યાચારનો વધુ એક કિસ્સો છે. સદીઓથી સવર્ણો દ્વારા દલિતો પર અત્યાચાર અને એમાં આ વધુ એક ઉમેરો થયો છે. દલિતો પરના અત્યાચાર બંધ થવા જોઇએ. એ માટે આંદોલનો થવા જોઇએ, અમારો એને પૂરો સપોર્ટ છે. જજમેન્ટ પૂરું.' પણ અમને એ મંજૂર નથી. ઓબ્જેક્શન મિ. લોર્ડ.
ઊનાની ઘટનાને સવર્ણ વિરુદ્ધ દલિત વચ્ચેના સંઘર્ષનું સ્વરૂપ આપવા સામે અમને બહુ મોટો વાંધો છે. માન્યું કે સદીઓથી દલિતોનું શોષણ થયું છે અને એમના પર અત્યાચારો પણ થયા છે, પરંતુ આઝાદી પછી સ્થિતિ ઘણી બદલાઇ છે. દલિતોના સામાજિક આર્થિક ઉદ્ધાર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે, અનેક કાયદા ઘડાયા છે. વર્ષ 1995ના એક સર્વેક્ષણ મુજબ સરકારી નોકરીઓમાં 17 ટકા દલિતોની ભરતી થયેલી હતી અને સિનિયર પોસ્ટ્સ પર 10 ટકા દલિતો હતા. છેલ્લા ચાળીસ વર્ષમાં આ રીતે નોકરીઓની ભરતીમાં દલિતોની સંખ્યામાં દશ ગણો વધારો થયો હતો. ઉત્તરપ્રદેશમાં તો દલિતોનું પ્રતિનિધિત્વ કરતી બહુજન સમાજ પાર્ટીની સરકાર પણ રાજ કરી ચૂકી છે. દલિતોને અત્યાચાર સામે કાનૂની રક્ષણ આપવા માટે એટ્રોસિટી એક્ટ પણ પણ અમલી બનાવવામાં આવ્યો છે.
આનો મતલબ જોકે એ નથી કે બધુ એકદમ ઠીકઠાક થઇ ગયું છે અને દલિતો એકદમ સુખી થઇ ગયા છે. મુદ્દો એ છે કે આઝાદી પછીના ભારતમાં ઘણું બદલાયું છે અને એમાં કહેવાતા સવર્ણો અથવા બિનદલિતોની માનસિકતા પણ બદલાઇ છે. શહેરોમાં અસ્પૃશ્યતા લગભગ સમાપ્ત થઇ ગઇ છે, પરંતુ જો કોઇ એવું બોલે તો તરત એમને એવી દલીલ કરીને ચૂપ કરી દેવામાં આવે કે ગ્રામીણ વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એની તમને ખબર જ નથી. ઓકે. તો આ સંદર્ભમાં એ પણ જાણી લઇએ કે સમગ્ર ભારતમાં પ્રવર્તતું એક મોટું સત્ય એ છે કે દલિતોનો એક વોટબેન્ક તરીકે ઉપયોગ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ દરેક રાજકીય પક્ષ દલિતોના મત માટે એમને પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરતા રહે છે. દરેક રાજકીય પક્ષ દલિતોની સુરક્ષા અને એમના સામાજિક આર્થિક ઉદ્ધારની વાતો કરે છે. તો એવો કયો વર્ગ છે, જે દલિતો પર અત્યાચાર કરી રહ્યો છે અને એમ કરવાની ક્ષમતા ધરાવે છે? જવાબ મેળવવાનું મુશ્કેલ છે.
આમ છતાં દલિતો પર થતા અત્યાચારના અહેવાલો અવાર-નવાર આવતા રહે છે એ પણ એક હકીકત છે. અફસોસની વાત એ છે કે આવા પ્રકારના અહેવાલો 'દલિત અત્યાચાર'ના લેબલ સાથે આવે છે. શું દલિતો સામે થતાં ગુનાઓનું પ્રમાણ એમની વસતી અથવા તો સંબંધીત વિસ્તારમાં થતા અન્ય ગુનાના પ્રમાણ કરતાં અનેકગણું વધુ હોય છે? શું હજુય સવર્ણોના ટોળે ટાળાં ભેગા મળીને છાશવારે દલિતો પર હિંસક હુમલા કરતા હોય છે? આવી કલ્પના કરવાનું કદાચ લેબલધારી બૌદ્ધિકોને ગમે, પણ એ વાસ્તવિકતાની નજીક નથી લાગતું.
એક હકીકત એ પણ છે કે આઝાદી પછી આર્થિક રીતે પછાત લોકોનો એક મોટો વર્ગ પણ પેદા થયો છે. દલિતો સંદર્ભની સ્ટાન્ડર્ડ દલીલનો આધાર લઇને ઇતિહાસ તપાસીએ તો એવું માનવું પડે કે દલિતોનું જ્યારે ખૂબ જ શોષણ થતું હતું ત્યારે કહેવાતા સવર્ણો સમૃદ્ધ હતા. હવે પરિસ્થિતિ શી છે? કહેવાતા સવર્ણોનો એક મોટો વર્ગ આર્થિક રીતે દરિદ્ર છે. આથી સાવ સાચી હકીકત એ છે કે જે કંઇ અન્યાય કે અત્યાચાર થાય છે એ આર્થિક રીતે પછાત લોકો સાથે થાય છે, પછી એ દલિત હોય કે સવર્ણ. આવો અન્યાય ગ્રામીણ વિસ્તારમાં જ નહીં, શહેરોમાં પણ થાય છે. ભણીગણીને કે રાજકીય- સામાજિક રીતે આગળ આવી ગયેલા દલિતો સાથે કોઇ અન્યાય થયો હોવાનું કદી સાંભળવા મળતું નથી.
આથી જ, આથી જ મારા ભાઇ, જ્યારે નાદાન લોકો આજના સમયમાં દલિત અને સવર્ણો વચ્ચેના વિકરાળ ભેદભાવની વાતો કરે ત્યારે દુઃખ અને ત્રાસ થાય છે. ગુજરાતમાં, ઉત્તરપ્રદેશમાં કે રાજસ્થાનમાં જ્યારે કોઇ દલિત પર અત્યાચાર થાય છે ત્યારે એક નિર્ધન દલિત પર અત્યાચાર થતો હોય છે. એના પર જુલમ કરનાર એક શ્રીમંત અને વગદાર માણસ છે. એ માણસ સવર્ણ પણ હોઇ શકે અને એ કોઇ બીજો દલિત પણ હોઇ શકે છે. એક અહેવાલ એવો છે કે ઊનામાં દલિતો પર અત્યાચાર કરનારામાં અનેક ઓબીસીના સભ્યો હતા.
અલબત્ત, જાતપાતના ભેદભાવ અને એ પ્રકારની માનસિકતા સાવ સમાપ્ત નથી થઇ, પરંતુ બધા જ દલિતો એક તરફ છે અને બધા જ સવર્ણો બીજી તરફ છે એ વાત ખોટી. કહેવાતા સવર્ણોનો એક બહોળો વર્ગ જાતપાતના ભેદભાવ કે કોમી વૈમનસ્યની ભાવનામાંથી બહાર નીકળી ચૂક્યો છે. એમાંનો એક મોટો વર્ગ તો પોતાની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવામાં પરેશાન રહે છે. એને હિન્દુ, મુસ્લિમ કે દલિત, સવર્ણ જેવી ઝંઝટમાં પડવામાં કોઇ રસ નથી.
હા, એ ખરું કે હિન્દુ સમાજનો એક મર્યાદિત વર્ગ હજુય કેટલીક જૂની વિચારસરણીને વળગી રહ્યો છે અને કોઇ કપોળકલ્પિત ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવાનો ઠેકો લઇ બેઠો છે. આ લોકો ગાયને પવિત્ર ગણે છે અને એનું માંસ ખાનારનો વિરોધ કરે છે. સંઘ પરિવાર સાથે સંકળાયેલા કેટલાક સંગઠનો આ માટે નામચીન છે. ગૌરક્ષક સમીતિ જેવી કેટલીક સંસ્થાઓ ગાયની રક્ષા કરવાના ઉદેશ્ય સાથે વર્ષોથી સક્રિય છે અને કેન્દ્રમાં બીજેપીનું શાસન આવ્યા પછી વધુ આક્રમક બની છે.
ઊનાની ઘટના માટે સંકુચિત માન્યતા ધરાવતા આ ગૌરક્ષકો જવાબદાર છે. કહેવાતા સવર્ણોના મોટા વર્ગને એની સાથે કોઇ લેવાદેવા નથી. પેરીસ કે ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા માટે જો અમદાવાદ અને નડિયાદના મુસ્લિમો પર ધિક્કાર વરસાવવાની તમારી માનસિકતા હોય તો તમે નિશ્ચિતપણે ઊનાની ઘટના માટે કહેવાતા સવર્ણોના સમગ્ર સમુદાયને ધિક્કારી શકો. ખરેખર તો આ ગૌરક્ષકોની જૂનવાણી માન્યતાઓ અને એમનામાં આવી ગયેલી આકસ્મિક હિંમત એ ઊનાની ઘટનાનો મુખ્ય મુદ્દો છે. ઊનાની ઘટનાને સાચા સંદર્ભમાં સમજવી હોય તો આમાં ઊંડા ઊતરવું જોઇએ.
સમસ્યાના મૂળમાં બીજેપી સહિતના સમગ્ર સંઘ પરિવારમાં પ્રવર્તતો એક પેરેડોક્સ છે. નરેન્દ્ર મોદી વિકાસના નામે માર્કેટિંગ કરીને વડાપ્રધાન બન્યા, પરંતુ તેઓ જેમના સપોર્ટથી આ સ્થાને પહોંચ્યા એ સંઘ તથા એના કાર્યકરો હિન્દુરાષ્ટ્રનું સપનું જુએ છે. સરકારની છબી ઉજળી રાખવા માટે નરેન્દ્ર મોદી જમણેરી વિચારધારા અને જૂનવાણી આદર્શોથી દૂર જવા માગે છે, પરંતુ સંઘ અને એની સાથે સંકળાયેલા સંગઠનો પોતાના મૂળ એજન્ડાનો અમલ કરાવવા માગે છે. આ વિરોધાભાસ અવારનવાર છતો થાય છે અને ઘણા વિકૃત રીતે એ બહાર આવે છે. સાક્ષી મહારાજ, મહેશ શર્મા, સાધ્વી નિરંજન, ગિરિરાજ સિંહ વગેરે જેવા કટ્ટરવાદી નેતાઓ બેફામ નિવેદનો કરતા રહે છે અને નરેન્દ્ર મોદી એ બાબતે મૌન સેવે છે.
પ્રારંભમાં તો નરેન્દ્ર મોદીની આ ચૂપકીદી એક વ્યૂહ જેવી લાગતી હતી. મહેતો મારેય નહીં અને ભણાવેય નહીં એવી નીતિથી ગાડું ચાલતું રહેતું હતું, પરંતુ હવે એ નીતિ બેકફાયર થઇ રહી છે. જે તોફાની તત્ત્વો સામે તત્કાળ પગલાં ભરવાની જરૂર હતી એમને મનમાની કરવા દેવામાં આવી એના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. આવા તત્ત્વોમાં હવે ગજબની હિંમત આવી ગઇ છે. એમણે માની લીધું છે કે અમે ગમે તે કરીએ, અમને કોઇ કહેવાવાળું નથી. બસ, આ જ કારણસર ઊનાના ગૌરક્ષકોમાં કાયદો હાથમાં લેવાની હિંમત આવી. હકીકતમાં ઊનામાં જે બન્યું એ દાદરીની ઘટનાનું એક્સ્ટેન્શન જ છે. યોગાનુયોગ આ જ સમય દરમિયાન ઉત્તરપ્રદેશ બીજેપીના ઉપપ્રમુખ દયાશંકરે બીએસપીના નેતા માયાવતી માટે અભદ્ર વિશેષણ વાપર્યું, જેની દેશભરમાં ટીકા થઇ અને નેતાને પક્ષમાંથી હાંકી કાઢવા પડ્યા. બીજેપીની ટ્રેજડી એ છે કે સંઘ પરિવારના મૂળ એજન્ડામાં પણ દલિતોને ટાર્ગેટ નથી, કારણ કે એ તો મોટી વોટબેન્ક છે. આ તો ગાયનો મામલો હતો અને એમાં આકસ્મિક રીતે દલિતો અડફેટે ચડી ગયા. ગૌરક્ષકોમાં લાંબુ વિચારવાની ક્ષમતા હોત તો તેઓ ગૌરક્ષક બન્યા જ ન હોત.
પોતાના પક્ષ તથા પરિવારના બેજવાબદાર તત્ત્વોને કાબુમાં રાખવાની નરેન્દ્ર મોદીની નિષ્ફળતાને ઊનાની ઘટના માટે સીધી રીતે જવાબદાર ગણી શકાય. ગિરિરાજ સિંહે જ્યારે પહેલીવાર બેફામ નિવેદન કર્યું ત્યારે જ જો એમની સામે પગલાં ભરવામાં આવ્યા હોત તો બીજા કોઇએ મનમાની કરવાની હિંમત ન કરી હોત. અને કદાચ ઊનાની ઘટના ન બની હોત.
ઊનાની ઘટનાનું પરિણામ સૌએ ભોગવવાનું છે, જેમાં સૌથી વધુ સહન કરશે એક દલિત, જેની કોઇ જાતિ નથી પણ જે આર્થિક રીતે પછાત છે. આર્થિક પછાત એ જ આજનો સૌથી મોટો દલિત છે. એ બિચારો બીજા દલિતને શું મારવાનો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર