વોટબેન્ક પોલિટિક્સ ભલે કરો, પણ ગણતરી તો સાચી માંડો

29 Jan, 2018
07:01 AM

નિખિલ મહેતા

PC: patrika.com

ગયા અઠવાડિયે બનેલી મોટી ઘટનાઓમાં આમ તો પ્રજાસત્તાક દિનની ઉજવણી અને દાવોસની હોવી જોઇતી હતી, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતે દેશમાં એવો ઊહાપોહ મચાવ્યો કે સમાચારમાં ફક્ત આ ફિલ્મ તથા એને લગતા વિવાદ છવાયેલા રહ્યા. જેનું નામ ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હતું એવી કરણી સેના અને એના નેતાઓ ચર્ચામાં આવી ગયા. મોટી તકલીફ તો એ રહી કે કરણી સેનાના સભ્યો દેશભરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હિંસાચાર કરતાં રહ્યા. એટલું જ નહીં, લોકશાહી પ્રણાલીથી સાવ જ વિરુદ્ધ જઈને ખુલ્લેઆમ તેઓ હિંસક માર્ગ અપનાવવાનાં પડકાર ફેંકતા રહ્યા. 

પદ્માવત પર સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવવી જોઇએ કે નહીં અથવા તો એ રીલિઝ થવી જોઇએ કે નહીં એ પ્રશ્ન અલગ છે, પરંતુ આ ફિલ્મના નામે દેશભરમાં જે બન્યું એ ચોંકાવનારું હતું. સૌથી પહેલા તો સેન્સર બોર્ડ ફિલ્મનું નામ બદલીને તથા બીજા કેટલાક કટ્સ સૂચવીને ફિલ્મ રીલિઝ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધું. આમ છતાં કરણી સેનાએ ફિલ્મ સામેનો વિરોધ ચાલુ રાખ્યો. મામલો કોર્ટમાં ગયો, કોર્ટે પણ ફિલ્મને રીલિઝ કરવાની મંજૂરી આપી. આમ છતાં કરણી સેનાએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું, જેને પગલે કેટલીક રાજ્ય સરકારોએ કોર્ટના આદેશની વિરુદ્ધમાં જઈને ફિલ્મ રીલિઝ ન કરવા દેવાનો નિર્ણય લીધો. આટલું ઓછું હોય એમ કરણી સેના દ્વારા દેશભરમાં આચરવામાં આવી રહેલી હિંસા સામે મોટા ભાગની રાજ્ય સરકારોએ ઢીલું મૂક્યું હોય એવી એક છાપ જનમાનસ પર ઊપસી.

પદ્માવત ફિલ્મના વિવાદ બાબતે ભલે લોકોમાં ભિન્ન મત પ્રવર્તતા હતા, પરંતુ એક બાબતે પ્રજામાં સર્વાનુમત પ્રવર્તતો હતો કે હિંસાનો જે બેફામ ખેલ થયો એ માટે રાજકારણીઓ જવાબદાર છે. દેશનો સાવ નાદાન નાગરિક પણ એ વાત સમજતો હતો કે આ વિવાદ તથા હિંસા પાછળનું કારણ વોટબેન્ક પોલિટિક્સ છે. મતદારોના એક જનસમુદાયને ખુશ કરવા માટે રાજકારણીઓ હિંસક ઘટના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.

વોટબેન્ક પોલિટિક્સ એ કોઈ પણ લોકશાહી દેશમાં થોડાં ઘણા અંશે રહેવાનું જ, કારણ કે લોકશાહી એ બહુમતી મેળવીને સત્તા પ્રાપ્ત કરવાની રમત છે. ભિન્ન ભિન્ન સમુદાયોમાં વહેંચાયેલી પ્રજાએ ચૂંટણી સમયે તો ઉમેદવારની લાયકાત તથા રાજકીય પક્ષની નીતિઓને ધ્યાનમાં રાખીને મત આપવાનો હોય છે, પરંતુ અનેક કિસ્સામાં આવી યોગ્યતાને વીસરી જવામાં આવે છે. કોઈ સમુદાય એક જાતિ તરીકે, કોમ તરીકે કે વર્ગ તરીકે પોતાને અલગ સમજે અને મત આપવા માટે પોતાની આગવી માગણીઓને પૂરી કરવાની પૂર્વશરત રાખે અને કોઈ રાજકીય પક્ષ આવી સોદાબાજી માટે તૈયાર થઈ જાય ત્યારે વોટબેન્ક પોલિટિક્સનું વર્તુળ પૂરું થયું ગણાય. દર વખતે કોઈ સમુદાય પૂર્વશરત મૂકતો નથી. મોટા ભાગનું આપોઆપ થતું હોય છે.

એ ખરું કે રાજકારણી ફક્ત મત માંગવા આવે ત્યારે જ તેઓ તમારી માગણીઓ પર ધ્યાન આપે છે એટલે ચૂંટણી સમયે તમારી વિશેષ માગણીઓ રજૂ કરવામાં કંઈ ખોટું નથી. દા. ત. મ્યુનિસિપાલિટીની ચૂંટણી પહેલા કોઈ એક વિસ્તારના લોકો એવી પૂર્વશરત રાખે કે આ રસ્તા પરના બધા જ ખાડા પહેલા પૂરાવી દો તો જ અમે તમને મત આપીશું તો આવી માગણીમાં કંઈ ખોટું નથી. આવી જ રીતે ઘણા સમયથી પેન્ડીંગ પડેલી માગણીઓની કોઈ સમુદાય દ્વારા ચૂંટણી સમયે રજૂઆત થાય એ સમજી શકાય. આખરે તો રાજકારણીઓનું કામ જ લોકોની સમસ્યા સમજીને એનો ઉકેલ લાવવાનું છે. વિદેશોમાં વસતા ભારતીય મૂળના નાગરિકો પણ એક અલગ જનસમુદાય તરીકે ત્યાંના રાજકારણીઓ સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરતાં હોય છે અને એ રીતે મતદાન પણ થતું હોય છે. આમ વોટબેન્ક પોલિટિક્સ એ કંઈ ફક્ત ભારતની વિશેષતા નથી.

સમસ્યા ત્યારે થાય જ્યારે વોટબેન્ક પોલિટિક્સના નામે કંઈ ખોટું કરવામાં આવે, કાયદાનો અનાદર કરવામાં આવે, એક સમુદાયના ભોગે બીજા સમુદાયને નુકસાન પહોંચાડવામાં આવે. આ પ્રકારનું વોટબેન્ક પોલિટિક્સ જરાય ઇચ્છનીય નથી. રાજકારણીઓ પણ આ વાત બરોબર સમજતા હોય છે, પરંતુ સત્તાની લાલસા એવી બાબત છે કે પછી સારા નરસાનું ભાન કોઈને રહેતું નથી. પછી નુકસાન ઘણું મોટું થઈ જાય છે. ભારતમાં આપણે વોટબેન્ક પોલિટિક્સનાં ખરાબમાં ખરાબ સ્વરૂપ જોયા છે.

એ કહેવાની ભાગ્યે જ જરૂર પડે કે વોટબેન્ક પોલિટિક્સ માટે કોન્ગ્રેસેની સરકારો સૌથી વધુ જવાબદાર રહી છે. સરકારી જમીનો પર ગેરકાયદે લોકો કબજો  જમાવી દે અને પછી સ્લમલોર્ડ્સ એટલે કે ઝુંપડપટ્ટીના દાદાએ લોકોના મસીહા બનીને સ્થાનિક રાજકારણીઓ સમક્ષ એમનો કેસ રજૂ કરે. સમગ્ર ઝુંપડપટ્ટીના રહેવાસીઓના મત મેળવવાની લાલચે રાજકારણીઓ ગેરકાયદે જમીન પચાવી પાડનાર લોકોને એ જમીન કાયદેસર એમના નામ પર કરી આપે. ભારતના દરેક શહેરમાં આવી સેંકડો ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ આવા વોટબેન્ક પોલિટિક્સના કારણે ફૂટી નીકળી છે.

આ પ્રકારના વોટબેન્ક પોલિટિક્સમાં ગેરકાયદે રહેવાસી, સ્લમલોર્ડ્સ અને રાજકારણીઓ સૌને ફાયદો છે. દેખીતી રીતે કોઈને નુકસાન નથી. બીજી તરફ જાતપાત કે કોમના આધારે કરવામાં આવતાં વોટબેન્ક પોલિટિક્સ જોખમી હોય છે. એમાં એક સમુદાયને લાભ આપવા માટે બીજા સમુદાયને અન્યાય કરવામાં છે. એટલું જ નહીં, અનેકવાર લોકશાહી મૂલ્યોનો સીધી રીતે અનાદર થતો હોય છે. આવા સમયે તકવાદી રાજકારણીઓ એવી ગણતરી માંડે છે કે આપણે કયા સમુદાયને ખુશ રાખીશું તો આપણને વધુ લાભ મળશે. અને એ અનુમાનના આધારે તેઓ મોટા રાજકીય નિર્ણયો પણ લઈ લેતાં હોય છે.

લઘુમતીમાં પ્રવર્તતી અસલામતીની લાગણી એ આપણા દેશના વોટબેન્ક પોલિટિક્સનું મુખ્ય પાસું છે. આમાં દરેક પ્રકારની લઘુમતીનો સમાવેશ થઈ જાય છે. એમની માગણી સંતોષો, એમને ખુશ રાખો તો એ સાગમટે તમને મત આપવા આવી જશે. આ ગણિત મૂળ તો કોંગ્રેસનું અને ઘણા સમયથી સુધી એ ગણતરી સાચી પડી, પરંતુ હિન્દી ફિલ્મોની ચવાઈ ગયેલી ફૉર્મ્યુલા જેમ અમુક સમય પછી બિનઅસરકારક બની જાય એમ આવી વોટબેન્કની ગણતરીઓ પણ સાવ ખોટી પડતી હોય છે. આમ છતાં રાજકારણીઓ નવી રીતે વિચારવા સજ્જ નથી હોતા એટલે જૂની ઢબે વોટબેન્કનું પોલિટિક્સ રમતાં રહે છે.

જો કોંગ્રેસીઓ આ વાત વર્ષો પહેલાં સમજી ગયા હોત તો આજે તેઓ સત્તાથી બહાર ન થઈ ગયા હોત. મુસ્લિમોની કહેવાતી આળપંપાળ કરવાની એમની વોટબેન્ક પોલિટિક્સની નીતિની અસરકારકતા ક્યારે બુઠ્ઠી થઈ ગઈ હતી એનો એમને ખ્યાલ જ ન રહ્યો. આ હકીકત સમજવા માટે છેક 1985માં બનેલો શાહ બાનો કેસ અને એની અસર સમજવાનું કાફી છે, શાહ બાનો 62 વર્ષના એક મુસ્લિમ મહિલા હતા, જેમના પતીએ એમને તલાક આપી દીધા હતા. શાહ બાનોએ ભરણપોષણ માટે કેસ કર્યો. સુપ્રીમ કોર્ટે એમને ભરણપોષણ ચૂકવવાનો પતિને આદેશ આપ્યો. આ ચુકાદો રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મગુરુઓને ઇસ્લામીક કાયદાથી વિરુદ્ધનો લાગ્યો. એમણે દેકારો મચાવ્યો. ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધીના સલાહકારોએ એમને ખોટી સલાહ આપી. બસ, આ જ તબક્કો મહત્વનો હતો. સલાહકારોએ એવો ડર બતાવ્યો કે જો મુસ્લિમ ધર્મગુરુની વાત આપણે નહીં સ્વીકારીએ તો સમગ્ર મુસ્લિમ સમુદાય ચૂંટણીમાં આપણો બહિષ્કાર કરશે. આ તર્કને સાચો માનવા પાછળ કોઈ કારણ કે સાબિતી નહોતા. રાજીવ ગાંધી ઝૂકી ગયા. એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદબાતલ કરી નાંખે એ પ્રકારનો કાયદો સંસદમાં ઘડ્યો. સરકારની ટીકા થઈ. મુસ્લિમ સમુદાયે પણ એની ટીકા કરી. આથી જ શાહ બાનો કેસ એ વોટબેન્ક પોલિટિક્સનો ક્લાસિક કિસ્સો ગણાય છે.

જ્યારે પણ કોઈ એક સમુદાય નારાજ થાય કે આંદોલન કરે ત્યારે એની સાથે કઈ રીતે ડીલ કરવું એ નક્કી કરવામાં જ રાજકારણીઓ ખરી કસોટી થતી હોય છે. અલબત્ત, રાજકારણીઓ પોતાના રાજકીય હિતને નજર સમક્ષ રાખવાના જ છે, પરંતુ શું એ વિશે તેઓ વધુ ઊંડાણથી ક્યારેય વિચાર કરતાં હોય છે ખરા? મોટા ભાગના કેસમાં આ બાબતે તેઓ નિષ્ફળ જતાં હોય છે. મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાના બહાને કોંગ્રેસે ફક્ત વોટબેન્ક પોલિટિક્સ કર્યું. એમનું ભલું થાય એવું નક્કર ખાસ ન કર્યું. આથી જ તો આજે મુસ્લિમો પણ એની વફાદાર વોટબેન્ક નથી રહી.

કોન્ગ્રેસની જેમ ભારતીય જનતા પક્ષનું વોટબેન્ક પોલીટિક્સ પણ સીધુને સટ છે. હિન્દુત્વની તરફેણમાં જે નિર્ણયો લેવા પડે એ લેવાના. બીજું બધુ ઘેર ગયું. પદ્માવત ફિલ્મની વાત પર પાછા ફરીએ તો ભાજપ શાસિત રાજ્યોમાં કરણી સેનાની હીંસા બાબતે જે ઢીલ મૂકવામાં આવી એની પાછળનું કારણ આ વોટબેન્ક પોલીટિક્સ જ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુત્ત્વ, રાજપૂત પ્રાઇડ આ બધુ એક જ લાઇનમાં આવે એટલે ભાજના શાસકો કરણી સેનાને નારાજ ન કરી શકે એવી આમાં સીધી ગણતરી હતી એમ સૌ કોઇ માને છે.

હવે અહીં પણ કોન્ગ્રેસ જેવી જ સમસ્યા ભાજપ સામે પણ છે. જેમ શાહ બાનો કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહેલા મુસ્લીમ ધર્મગુરુઓ દેશના સમગ્ર મુસ્લીમ સમુદાયનું પ્રતિનિધિત્વ નહોતા કરતાં એમ કરણી સેના પણ સમગ્ર રાજપૂત જાતિનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો કોઇ પૂરાવો નથી. શક્ય છે કે રાજપૂતોના એક મોટા વર્ગને આવા વિવાદમાં કોઇ રસ ન હોય. બધા હિન્દુઓ આ બાબતે કરણી સેનાની સાથે હોય એ પણ શક્ય નહોતું. બીજું, આવું વોટબેન્ક પોલીટિક્સ કરીને રાજ્ય સરકારોએ કોર્ટના આદેશનું અપમાન કર્યું એ સામાન્ય પ્રજાને પસંદ નથી આવ્યું. જે હીંસાચાર થયા એ માટે પણ લોકો અમુક અંશે રાજ્ય સરકારોને દોષિત માનવા લાગ્યા છે. તો આમાં વોટબેન્કની કઇ ગણતરી સાચી પડી રહી છે? રાજકારણીઓ જેને લાભદાયક માને છે એ ખરેખર નુકસાનકર્તા તો નથી ને? બાહોશ રાજકારણી વોટબેન્ક પોલીટિક્સ કરશે, પણ ગણતરી હંમેશાં સાચી માંડશે. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.