લેખકે પછી કેટલું લખલખ કરવાનું હોય?

30 Oct, 2017
12:01 AM

નિખિલ મહેતા

PC: al-fanarmedia.org

ગયા અઠવાડિયે આપણે લેખકોની ઉત્ક્રાન્તિ વિશે થોડી વાતો કરી હતી અને એમાં એવું તારણ કાઢ્યું હતું કે  લેખકનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે અને એની ખોટી છબી આપણા માનસ પર છવાયેલી છે. લેખકના બદલાયેલા સ્વરૂપો અને અવતારો વિશે પણ આપણે વાત કરી હતી. આજે લેખકના નવા અવતારો  અને એમની કેટલીક ખાસિયતો વિશે થોડી વધુ વાતો કરીએ.

લેખકનું મૂળ સ્વરૂપ એક વિચારક અને સમાજ સુધારકનું તેમ જ ક્રાન્તિકારીનું હતું. ત્યાર પછી એના સ્વરૂપો બદલાયા અને એમાંથી માહિતીદાતા, મનોરંજનકર્તા, સમીક્ષક વગેરે ઉત્પન્ન થયાં. લેખકના બીજા પણ કેટલાક છૂટાછવાયા પ્રકારો માર્કેટમાં આવ્યા છે. આજકાલ તો ફેસબુક અને ટ્વીટર પર પાંચ લીટી લખનારા પણ લેખક ગણાય છે અને કંકોત્રીમાં કવિતા મૂકનારા પણ લેખકમાં ખપી જાય છે. નો પ્રૉબ્લેમ. આપણે એમાં કરી પણ શું શકીએ?

હવે જો આપણે લેખકની મૂળ છબી, એની મુખ્ય કામગીરીની વાત કરીએ તો લેખકે બહુ ઓછું લખવાનું હોય છે. ભૂતકાળમાં જે મોટા ફિલોસોફરો થઈ ગયા એમાંના મોટા ભાગનાએ પ્રમાણમાં ઘણું ઓછું લખ્યું છે. વિસ્તૃત સમજૂતી આપવા માટે કદાચ એમણે ક્યારેક થોડું વધારે ખેંચ્યું હશે, પરંતુ એમના મધ્યવર્તી વિચાર કે એમની ફિલોસોફી પ્રમાણમાં સંક્ષિપ્ત રહેતી, કેટલાક ફિલોસોફરોએ જીવનના વિવિધ પાસાં વિશેના નવા વિચારો રજૂ કર્યા, પરંતુ જીવનની ફિલોસોફી વિશે અઢળક લખ્યું હોય અને એને બહોળી સ્વીકૃતિ મળી હોય એવું ભાગ્યે જ બન્યું છે. કહેવાનો મતલબ એ છે કે એક જીવનમાં નવા વિચારો બહુ મર્યાદિત પ્રમાણમાં આવતાં હોય છે. ગમે એવો જિનિયસ હોય, એના જીવનકાળ દરમિયાન એ જીવનના અમુક પાસાં પર જ નવા જ્ઞાનનો પ્રકાશ પાડી શકતો હોય છે. ત્યાર પછી એના અનુગામીઓ એની વાતને આગળ વધારે છે અથવા એને ખોટી પાડે છે અને એ દિશામાં નવો પ્રકાશ પાડે છે. એકંદરે વિવિધ ક્ષેત્રના બધા ફિલોસોફરો  લેખકો પોતપોતાનું મર્યાદિત યોગદાન આપતાં રહે છે.

ક્રાન્તિકારી અને સમાજ સુધારકો પણ આ રીતે પોતે નક્કી કરેલા ક્ષેત્રમાં લખાણો લખીને પોતાનું યોગદાન આપતાં હોય છે.

સૌથી અગત્યની વાત એ છે કે ઉપર જણાવેલા, ક્લાસિક ગુણધર્મો ધરાવતા લેખકો ક્યારેય પૈસા કે ધન કમાવા માટે લખતાં નહોતાં. ક્યારેક એમને રાજ્યાશ્રય મળી જતો તો ક્યારેક સમાજ બીજી કોઈ રીતે એમને સંભાળી લેતો. ક્યારેક આવા લેખકોએ લખવા માટે જાતને દરેક રીતે ઘસી નાખવી પડતી તો ક્યારેક એમને ભારે કઠીનાઈઓનો સામનો કરવો પડતો, લેખકની એ જ સાચી ઓળખ હતી.  હવેના લેખકોની કામગીરી  જ નહિ, લગભગ બધું જ બદલાઈ ગયું છે.

હવેના લેખકોના પ્રકારો બદલાઈ ગયા છે એટલું જ નહિ, લખવા પાછળનો એમનો આશય, એમનો હેતુ બદલાઈ ગયો છે. પેન અને કાગળ અથવા કમ્પ્યુટરનું કીબોર્ડ...લેખકના ઓજારો એ જ રહ્યા છે, પરંતુ કાગળ અથવા સ્ક્રીન પર જે શબ્દો પડે છે એ હવે બનાવટી થઈ ગયા છે. એ શબ્દોમાં કોઈ કમિટમેન્ટ નથી રહ્યું. સમાજ પ્રત્યેની કોઈ ફરજ કે જવાબદારીનો એમાં અભાવ છે.

એક ફિલોસોફર તરીકેની ભૂમિકામાં લેખક આજેય છે, પરંતુ એની ફિલોસોફીમાં કોઈ દમ નથી, કારણ કે એ પોતે ફિલોસોફર નથી છતાં ફિલોસોફી વિશે લખ્યા કરે છે. અન્ય લેખકોનું જે તે વાંચીને એનું ઓળઘોળ મિશ્રણ તૈયાર કરીને એ એક લેખ અથવા પ્રવચન ઘસડી નાખે છે. વધુ મોટી ટ્રેજડી એ છે કે આવા લેખકોએ નિયમિતપણે લખવાનું હોય છે. એનો અર્થ એ થયો કે મનમાં કોઈ નવો વિચાર ન સૂઝ્યો હોય તો પણ નવી ફિલોસોફી વાચકો પર ઠપકારી દેવાની. જરૂર કરતાં  ઘણું  વધુ લખતાં રહેવું મોટું દૂષણ છે. એવું નથી કે માણસને કોઈ સારા અને નવા વિચારો ન આવે. હકીકતમાં દરેક માણસ પોતાની રીતે એક ફિલોસોફર હોય છે. પોતાની આસપાસ બનતી ઘટનાઓ અને પોતાના સમગ્ર જીવન દરમિયાન કરેલા નિરીક્ષણ અને મંથનના પરિણામ સ્વરૂપ જીવનની સચ્ચાઈ  વિશે એ કોઈ નિશ્ચિત તારણો પર ધાવતો જ હોય છે, જે એની પોતાની ફિલોસોફી હોય છે. બધા લોકો પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા એટલે તેઓ લેખક નથી બની શકતા, પરંતુ એનો અર્થ એ નથી કે જેઓ પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત કરી શકે છે એ લેખકોએ મન ફાવે એટલું લખવું જોઈએ. ગમે એવો મહાન લેખક હોય, પોતાના જીવન દરમિયાન એ ગણીગાઠી ક્લાસિક રચનાઓનું સર્જન જ કરી શકતો હોય છે. પન્નાલાલ પટેલની ફક્ત બે જ કૃતિઓને આપણે યાદ કરીએ છીએ. મળેલા જીવ અને ભવની ભવાઈ.

જે લેખકો જીવનની સચ્ચાઈ વિશે કે ફિલોસોફી વિશે નથી લખતાં એમના કેસ અલગ છે. જે લેખકો ફક્ત માહિતીની હેરાફેરી કરવાના વ્યવસાયમાં છે એમના માટે થોડા મુશ્કેલ દિવસો આવ્યા છે, કારણ કે ઇન્ટરનેટમાં દુનિયાભરની માહિતી મફતમાં મળી રહે છે. ગૂગલ અને વિકિપિડિયા જેવા દુશ્મનો આવા લેખકોની સામે ઊભા થઈ ગયા છે. અલબત્ત, અંગ્રેજી ન જાણતા વાચકોમાં હજુય આવા લેખકોનું ગાડું ગબડતું રહે છે. લગભગ બે દાયકા પહેલાં, જ્યારે ઇન્ટરનેટનું ખાસ ચલણ નહોતું અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ પ્રાથમિક અવસ્થામાં હતું ત્યારે માહિતી લેખોની ડિમાન્ડ સારી એવી હતી અને એના પર નભતા લેખકો ધૂમ ધંધો કરતાં હતાં. લંડનમાં કોઈ સ્ત્રીને એકસાથે ચાર બાળકો અવતરે તો એના ફોટા સાથેનો એક લેખ આરામથી લખી શકાતો. એ જ રીતે ટાઇમ અને ન્યૂઝવીક અઠવાડિકોની કવર સ્ટોરીઓના ગુજરાતી ભાષાંતર હક્કથી થતાં. હવે જોકે આ પ્રકારના લેખકો,  માહિતીદાતાઓનું કામ જરા મુશ્કેલ બન્યું છે. હવે એમણે માહિતીના અજાણ્યા અને કોઈને ઝટ જડે નહીં એવા સ્ત્રોત શોધવા પડે છે. આમ છતાં ઘણા લેખકો પાસે લખવાનું એટલું બધું કામ હોય છે કે તેઓ આવી ચીવટ રાખતા નથી. એમના નસીબેય જોકે એવા સારા હોય છે કે વાચકોને કંઈ ખબર પડતી નથી. સાવ કચરા જેવા લખાણની તેઓ એવી પ્રતિક્રિયા આપે કે વાહ બાપુ, જોરદાર નવું લાયા. કરો વાત.

વાચકોનું મનોરંજન કરાવવા માટે લખતા લેખકોની પણ આ જ સમસ્યા છે. આવા લખાણ લખવા માટે એક ક્રાફ્ટ વિકસાવવી પડતી હોય છે. લખાણની શૈલી અથવા વિષયની નવીનતા બાબતે સભાન રહેવું પડે છે. આના કારણે આઉટપુટ પ્રમાણમાં ઓછું રહે, છતાં અહીં પણ એ જ સમસ્યા નડે. જથ્થાબંધના મોટા મોટા ઓર્ડરો. આથી આવા લખાણમાં પણ કોઈ દમ ન મળે. માહિતીદાતા કે મનોરંજનકર્તા લેખકના વર્ગમાં એક વાત ઊડીને આંખે વળગે એવી હોય છે અને એ છે અંગ્રેજીમાં લખતા લેખકોના પ્રોફેશનલીઝમની. ખાસ તો પશ્ચિમના દેશોના લેખકો પોતાના લખાણમાં ભારે ચીવટ રાખતા હોય છે, જેનું પરિણામ એમના કામમાં દેખાતું હોય છે. આ લેખકો પ્રમાણમાં ઓછું સર્જન કરે તોય એમને સારી એવી કમાણી થતી હોય છે. આપણી પ્રાદેશિક ભાષામાં લખતાં લેખકોની મુખ્ય સમસ્યા આ જ છે. કંઈ સૂઝતું ન હોય  લખવા જેવો કોઈ વિષય હાથ પર ન હોય, શું લખવું એ જ ક્લિયર ન હોવા છતાં લેખક લખ્યા જ કરે, લખ્યા જ કરે. આના લીધે લેખકોની હાલત ન્યૂઝ ચેનલો જેવી થાય છે.

ન્યૂઝ ચેનલોએ ચોવીસે કલાક પોતાની દુકાન ચાલુ રાખવાની હોય છે અને એટલાં પ્રમાણમાં ન્યૂઝ કે ન્યૂઝ કાર્યક્રમો હોતા નથી. પરિણામ એ આવે કે રિપિટિશન થયા કરે અને ગુણવત્તાની વાટ લાગી જાય. લેખકોની હાલત પણ આવી જ છે. હવે કોઈ કહેશે કે ગુણવત્તા ક્યાં ક્યારેય હતી કે એની વાટ લાગે? આનો જવાબ આપણી પાસે નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.