અબ્દુલ લતીફે બીજેપીનું તો ભલું જ કર્યું હતું
આપણા દેશમાં વિવાદોને આમંત્રણ નથી આપવું પડતું. દર થોડા થોડા સમયે વિવાદ આપણી સામે આવીને ઊભો રહે છે. સોશિયલ મિડીયાના આગમન પછી આ ફ્રિક્વન્સી વધી છે. આજકાલ શાહરૂખ ખાનની ફિલ્મ 'રઇસ' વિશે વિવાદ ચાલી રહ્યો છે. પહેલા તો ફિલ્મની હીરોઇન પાકિસ્તાની છે એ બાબતે વિવાદ હતો, પણ એમાં શાહરૂખ લાગતીવળગતી પાર્ટીઓ સાથે ખાનગીમાં પતાવટ કરી નાખી તો હવે બીજો વિવાદ ઊભો થયો. ફિલ્મ ગુજરાતના કુખ્યાત ડોન અબ્દુલ લતિફના જીવન પર આધારીત હોવાને લગતો આ વિવાદ પહેલા વિવાદ કરતા વધુ મોટો છે. એમાં વળી આ ફિલ્મની સાથે જ રિતિક રોશનની ફિલ્મ 'કાબિલ' રિલીઝ થઇ છે એટલે આખી વાતને વિકૃત સ્વરૂપ મળી ગયું. રિતિક હિન્દુ અને શાહરૂખ મુસલમાન એટલે બે ફિલ્મોની સ્પર્ધાને હિન્દુ મુસ્લીમનો મામલો બનાવી દેવામાં આવ્યો. વેરી બેડ એન્ડ વેરી સેડ. હિન્દુ મુસ્લીમવાળી વાત આપણે પછી કરીશું, પણ પહેલા એ જોઇએ કે કોઇ ગુનેગાર પર ફિલ્મ બનાવવી જોઇએ કે નહીં અને એ બને તો એ ફિલ્મ માણી શકાય કે નહીં?
ફિલ્મી દુનિયાનો નજીકનો ભૂતકાળ તપાસીએ તો આ વાતની કોઇ નવાઇ નથી. હકીકતમાં ટિકિટબારી પર બહુ જ સફળ નીવડેલી અનેક ફિલ્મો ગેંગસ્ટરોના જીવન પર આધારીત છે. હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમ પર એકથી વધુ ફિલ્મો બની છે. અરુણ ગવળી, વરદરાજન, માયા ડોળસ વગેરે પર પણ ફિલ્મો બની છે. યુ સી, બોલીવૂડવાળા આ બાબતે એકદમ સેક્યુલર છે. ગુનેગારનો ધર્મ ભલે ગમે એ હોય, પણ એના કારનામા એટલા ખતરનાક હોવા જોઇએ કે એના પરથી ફિલ્મ બની શકે. આમાં આપણે બોલિવુડનો જ વાંક શા માટે કાઢવો જોઇએ. હોલિવુડમાં પણ શું ગોડફાધર નથી બની?
વાત એમ છે કે ફિલ્મો હંમેશાં અસાધારણ વ્યક્તિ કે અસાધારણ પરાક્રમો પર જ બનતી હોય છે. કરોડો સામાન્ય માણસો થોડીઘણી ઉથલપાથલ સાથે આખું જીવન નાનાં સુખ-દુખમાં વીતાવી દેતા હોય છે. આવા સામાન્ય માણસો પર કોઇ ફિલ્મ ન બની શકે, પણ જો માણસમાં કોઇ અસાધારણ પ્રતિભા હોય અથવા તો એના જીવનમાં એવા કોઇ નાટ્યાત્મક બનાવો બને તો એનું જીવન બીજા માટે રસપ્રદ બની શકે. મોરાલિટીની, નૈતિકતાની વાત પછી આવે છે, સૌથી પહેલી જરૂરિયાત છે નાટ્યાત્મકતાની. જેના જીવનમાં ડ્રામા બને એના જીવન પર કોઇ વાર્તા લખી શકાય અથવા એના પરથી ફિલ્મ બની શકે.
વાર્તા અથવા ફિલ્મ મોટે ભાગે કોઇ સંદેશો આપતી હોય છે. એ સંદેશો ભલે ગમે એવો ફાલતુ હોય, પણ ફિલ્મના પ્રિમાઇસ માટે છેલ્લે નૈતિકતાનું બુચ લગાવવું જરૂરી છે. મોટા ભાગની મસાલા ફિલ્મોમાં અંતે પ્રામાણિકતા, દેશભક્તિ, લાગણીશીલતા, પરોપકાર વગેરે જેવા ગુણોની જય બોલાવવામાં આવતી હોય છે. ગુનેગારો કે માફિયા ડોન પર ફિલ્મ બને ત્યારે પણ છેલ્લે એમાં મારી મચડીને કોઇ સંદેશો ઘુસાડવામાં આવે જ છે. જેમ કે કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ, ભાઇ, તુમ જીસ રાહ પર ચલ રહે હો ઉસકા અંજામ બુરા હી હોતા હૈ, સત્યમેવ જયતે વગેરે...
હકીકતમાં દર્શકોને આવા સંદેશા કરતાં ફિલ્મમાં બનતી નાટ્યાત્મક ઘટનાઓનું થ્રિલ માણવામાં વધુ રસ હોય છે. સામાન્ય લોકોના જીવનમાં કોઇ નાટ્યાત્મક કે સાહસિક ઘટનાઓ બનતી નથી એટલે જેમના જીવનમાં આવી ઘટનાઓ બની હોય એ વિશે જાણવાની લોકોને હંમેશાં ઉત્સુકતા રહે છે. આપણે નાના હતા ત્યારે રાતના અંધારામાં કાકા કે મામા જે વાર્તાઓ કહેતા એમાં સાહસ અને રોમાંચ હતા. એમાં જે મજા હતી આજકાલ સગાં-વહાલાનાં પ્રવાસ કે લગ્નોના વિડીયો જોવામાં નથી આવતી. સૌ જાણે છે કે ગેંગસ્ટરો અને ગુંડાઓ સમાજના દુશ્મનો છે, છતાં એમના જીવનમાં બનેલી નાટ્યાત્મક ઘટનાઓને લોકો ફિલ્મોમાં બરોબર માણે છે. આનો અર્થ એ નથી કે તેઓ ગુંડા કે માફિયા ડોનને સપોર્ટ કરે છે. કોઇ વ્યક્તિના, ઇવન ગુનેગારના હિંમતભર્યા કારનામા ઘણી વાર લોકોને થ્રિલનો અનુભવ કરાવતા હોય છે. આવો અનુભવ ફક્ત ગુનેગારો વિશેની ફિલ્મોમાં જ થાય છે એવું નથી. પ્રામાણિક ઇનસ્પેક્ટર કે બહાદૂર લશ્કરી જવાનની વીરતાની વાર્તાઓ પણ લોકોને પંસદ આવે છે. કહેવાનો મતલબ એ છે કે જેના વિશે વાર્તા કે ફિલ્મ બની હોય એના જીવનમાં નાટ્યાત્મક અને અસાધારણ ઘટનાઓ બની હોવી જોઇએ, જે સામાન્ય લોકોના જીવનમાં નથી બનતી. 'વેનસડે' માં એક કોમનમેનની વાર્તા હતી, પણ એ કોમન અસાધારણ કારનામા કરે છે એટલે એમાંથી થ્રિલ પેદા થાય છે. આથી ગુનેગારો વિશે ફિલ્મ ન બનાવી જોઇએ એ દલીલમાં વજૂદ નથી. હા, એવા ગુનેગારને તમે ગ્લોરીફાય ન કરી શકો, એણે જે ખોટું કર્યું એને તમે સાર્થક ન ઠેરવી શકો. હવે આવી ભૂલ તો બોલિવુડનો કોઇ ફિલ્મમેકર કરે નહીં. આમેય પહલાજ નિહાલાની બાપા ઉપર બેઠા જ છે. ફિલ્મમાં છેવટે એકાદ સિનમાં કોઇ સુંદર મજાનો મેસેજ વણી લેવાનો હોય છે. ધેટ્સ ઓલ.
હવે આ અબ્દુલ લતિફનું જીવન કેવું હતું? શું એના જીવનમાં એવી કોઇ નાટ્યાત્મક ઘટનાઓ બની હતી, જે સામાન્ય લોકોને રસપ્રદ લાગે? મેં એ વિશે વાંચ્યું તો મને એમાં બહુ રસ પડ્યો. મોટા ભાગના માફિયા ડોનની જેમ અબ્દુલ લતિફનો જન્મ પણ એક ગરીબ પરિવારમાં થયો હતો. અમદાવાદના કાલુપુરમાં. પિતા તંબાકુનો ધંધો કરતા હતા અને લતિફને છ ભાઇબહેનો હતા. ભણવા ન મળ્યું અને કોઇ કામધંધો ન મળ્યો એટલે એ ગુનાખોરીના માર્ગે ચડ્યો. અલ્લારખાના નામના એક બૂટલેગર સાથે કામ શરૂ કર્યું અને એના જુગારના અડ્ડામાં પણ સક્રિય બન્યો. લતિફ પાસે ભેજું હતું એટલે એ જુગારમાં એક્કો બની ગયો. પછી તો ‘દિવાર’ ફિલ્મની જેમ અલ્લા રખ્ખાના હરીફ મન્ઝૂર અલીએ એને પોતાની ગેંગમાં ખેંચી લીધો. થોડા જ સમયાં લતિફને મન્ઝૂર અલી સાથે અણબનાવ થયો અને એ અલગ થઇ ગયો. એણે ગેરકાયદે દારૂ અને સ્મગલિંગના ધંધામાં ઝંપલાવ્યું.
એંશીના દાયકાના પ્રારંભમાં લતિફ મુંબઇના ગેંગસ્ટરોના સંપર્કમાં આવ્યો. વિરમગામના રમઝાન નામના શખસે એની ઓળખાણ પઠાણ ગેંગના અમિન ખાન, નવાબ ખાન, આલમ ખાન અને જાંગરેઝ ખાન સાથે કરાવી. પઠાણ ગેંગે દાઉદના મોટા ભાઇ સબીર ઇબ્રાહિમને મારી નાંખ્યો હતો અને એ ગેંગના સભ્યો દાઉદથી ભાગતા ફરતા હતા. લતિફે પઠાણ ગેંગના સભ્યોને ગુજરાતમાં આશરો આપ્યો. આ રીતે લતિફને દાઉદ સાથે અનાયસે જ દુશ્મની થઇ ગઇ. એક સમયે દાઉદને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો અને એને વડોદરાની કોર્ટમાં હાજર કરવાની જવાબદારી પોલીસની રહેતી. દાઉદે પોલીસને ખુશ રાખ્યા હતા એટલે અમદાવાદથી વડોદરા વચ્ચેની મુસાફરી દરમિયાન એ માર્ગમાં આવતી એક હોટલમાં ઊતારો કરીને મોજમજા કરી લેતો. એક વાર લતિફને દાઉદની આ હિલચાલ વિશેની માહિતી મળી ગઇ. લતીફે પોતાના સાગરિતો સાથે દાઉદ અને પોલીસના વાહનનો પીછો કર્યો. જમાલપુર પાસે ટ્રાફિકના કારણે બંને વાહનો થોભ્યા. તરત જ લતિફના હિટમેન લિયાકત માસ્ટરે બહાર નીકળીને દાઉદના વાહન પર ગોળીબાર શરૂ કર્યો, પણ દાઉદ બચી ગયો. આ રીતે દાઉદ ઇબ્રાહિમ લતિફના હાથે મરતા માંડ બચ્યો હતો.
જોકે દાઉદ સાથેની લતિફની દુશ્મની પછી નાટ્યાત્મક રીતે મિત્રતામાં પરિણમી હતી. ગુજરાતમાં પોતાનો સિક્કો જમાવ્યા પછી લતિફ મુસ્લીમ કોમમાં બહુ લોકપ્રિય બની ગયો. મુસ્લીમ બિરાદરોમાં એની ઇમેજ એક રોબીનહૂડ જેવી હતી. એ ગરીબ મુસ્લીમોને મદદ કરતો અને મુશ્કેલીના સમયમાં એ એમને બચાવશે એવી પણ છાપ એણે ઊભી કરી હતી. 1987મા એ અમદાવાદની જેલમાં હતો ત્યારે શહેરની મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ યોજાઇ. લતિફ જેલમાં જ રહીને પાંચ બેઠકો પરથી ચૂંટણી લડ્યો અને પાંચેયમાં એનો વિજય થયો. ગુજરાતમાં લતિફનો પ્રભાવ જોઇને દાઉદે પોતાનું બિઝનેસ માઇન્ડ કામે લગાડ્યું અને લતિફને પોતાનો મિત્ર બનાવ્યો. એક મૌલાનાએ બંનેને દોસ્તીની કસમ અપાવી. 1989મા લતિફ દુબઇ ગયો. પછી એણે દાઉદ સાથે મળીને સ્મગલિંગનો ધંધો વિસ્તાર્યો.
એક અસલી ડોનની પહેચાન એની ક્રૂરતા હોય છે. લતિફ પણ ક્રૂર હતો. લતિફની ક્રૂરતાનો એક કિસ્સો બહુ જાણીતો બન્યો છે. પોતાના દુશ્મનને આશ્રય આપ્યો હોવાની શંકાને લીધે લતિફ હંસરાજ ત્રિવેદી નામના એક બૂટલેગરને મારવા માગતો હતો અને એનો મોકો એને એક દિવસ મળી ગયો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા રાધિકા જીમખાનામાં હંસરાજ પોતાના ફ્રેન્ડ્સ સાથે પત્તા રમી રહ્યો હતો. લતિફને એની માહિતી મળી ગઇ. તરત જ એણે પોતાના શૂટર્સને ત્યાં મોકલ્યા. ત્યાં પ્રોબ્લેમ એ થયો કે શૂટરો હંસરાજને ઓળખતા નહોતા એટલે એમણે લતિફને ફોન કર્યો. લતિફે આદેશ આપ્યો કે ત્યાં જેટલા છે બધાને ઊડાવી દો. એકે-47 સેવનની ગોળીઓનો વરસાદ થયો અને ત્યાં હાજર નવેનવ માણસોની લાશ લોહીમાં લથબથ ઢળી પડી.
રાધિકા જીમખાનાની ઘટનાએ ચકચાર જગાવી અને એ કારણસર લતિફે ભાગી જવું પડ્યું. એ નાસતો ફરતો રહ્યો અને છેવટે એ દુબઇ ભાગી ગયો અને ત્યાંથી કરાચી પહોંચ્યો. કરાચીમાં દાઉદની સાથે રહીને એણે માફિયાગીરી ચાલુ રાખી. ત્યાર પછી બની 1993ના કુખ્યાત બોમ્બ બ્લાસ્ટ્સની ઘટના. આ હીચકારા ગુનામાં દાઉદની સાથોસાથ લતિફનું પણ પ્લાનિંગ હતું. મુંબઇમાં આરડીએક્સ સપ્લાય પહોંચડાવમાં લતિફ સક્રિય હતો. બોમ્બ બ્લાસ્ટ્સ થયા પછી લતિફ અને દાઉદે એકબીજાને અભિનંદન આપ્યા હોવાનું કહેવાય છે.
ત્યાર પછી લતિફ કરાચીમાં જ હતો, પરંતુ કોઇક કારણોસર એ દિલ્હી આવ્યો અને એની માહિતી ગુજરાત એટીએસને મળી ગઇ અને લતિફ પકડાઇ ગયો. એવું કહેવાય છે કે દાઉદે જ લતિફને પકડાવી દીધો હતો. ત્યાર પછી 29મી નવેમ્બર, 1997ના રોજ એક પોલીસ એન્કાઉન્ટરમાં એ માર્યો ગયો.
તો આ છે લતિફના જીવનની કથા. અલબત્ત, એમાં ઉત્સુકતા જળવાઇ રહે એવી નાટ્યાત્મક ઘટનાઓ છે અને ભારોભર થ્રિલ છે. એ વાતે કોઇ બેમત નથી કે 1993ના બોમ્બ બ્લાસ્ટ્સનો આરોપી લતિફ દેશનો ગુનેગાર હતો અને ગુજરાતનો તો ખાસ. આમ છતાં આ વાતને કોમી રંગ આપવાનો કોઇ મતલબ નથી. આમ તો ગુનેગારોને કોઇ ધર્મ નથી હોતો, પરંતુ લતિફ કદાચ પૂરી રીતે કોમી રંગે રંગાયેલો ડોન હતો. દાઉદ જેવો દાઉદ પણ બાબરી વિધ્વંશને પગલે થયેલી કોમી હિંસા પહેલા પૂરો સેક્યુલર હતો. એના મોટા ભાગના વિશ્વાસુ સાથીઓ હિન્દુ હતા,પરંતુ એક ઘટનાએ એને કોમવાદી બનાવી દીધો હતો. એની સામે લતિફની પૂરી ઓળખ એક મુસ્લીમ ડોન તરીકેની જ હતી.
મજાની વાત એ છે કે લતિફ ગુજરાતનો માફિયા ડોન બની શક્યો એમાં અનેક હિન્દુ રાજકારણીઓ તથા પોલીસ અધિકારીઓનું મોટું યોગદાન રહ્યું હતું. અને સાવ વાસ્તવિક રીતે વિચારીએ તો ગુજરાતમાં બીજેપીના ઉદય માટે પણ પરોક્ષ રીતે લતિફ જ કારણભૂત બન્યો હતો. એ સમયે લતિફની છાપ મુસ્લીમ ડોનની હતી એટલે કટ્ટર હિન્દુવાદીઓનો એ દુશ્મન નંબર વન હતો. એનું નામ દાઉદ સાથે પણ જોડાયેલું હતું. આથી લતિફનું નામ લઇને હિન્દુ મતો માંગવાનું આસાન બની ગયું હતું. 1993મા એલિસ બ્રિજની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હરેન પંડ્યા પોતાની ચૂંટણીસભામાં હંમેશાં મતદારોને કહેતા કે તમે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે લતિફને ભૂલતા નહીં. હરેન પંડ્યાનો 45,000 મતોથી વિજય થયો. 1993 પછી યોજાયેલી રાજ્યની દરેક ચૂંટણીઓમાં બીજેપી લતિફને નિશાન બનાવીને મત માગવાનું ચૂકતી નહોતી. અમુક નિરીક્ષકો તો એમ કહે છે કે ગુજરાતમાં લતીફે જ બીજેપીના વિજયનો પાયો નાંખ્યો હતો. જો લતિફ ન હોત તો ગુજરાતમાં બીજેપી કદાચ આટલી આસાનીથી પગપેસારો ન કરી શકી હોત.
તો વાત આમ હતી. હવે કોમી વેરઝેર અને ગુનાખોરીનો એક આખો જમાનો વીતી ગયો છે. તો પછી એક ફિલ્મ માટે આવી કડવાશ શા માટે? ટેક ઇઝ ઇઝી યાર, એન્ડ એન્જોય ધ ફિલ્મ ઇફ યુ કેન. બાકી ફિલ્મ તો ફિલ્મ છે. એમાં ડ્રામા રહેવાનો જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર