તમે સરકારના સમર્થનમાં છો કે વિરુદ્ધમાં?
છેલ્લા કેટલાક સમયથી દેશમાં માહોલ બદલાઇ ગયો છે. અભૂતપૂર્વ ઘટનાઓ બની રહી છે. જે ઘટનાઓ બને છે એના અભૂતપૂર્વ પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. રાજકીય દષ્ટિએ તો સમજ્યા, પરંતુ સામાજિક અને માનસિક રીતે પણ એક મોટું પરિવર્તન આકાર લઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા બેંગલોરમાં મહીલા પત્રકાર ગૌરી લંકેશની હત્યા થઇ ગઇ, જેને પગલે બે અનોખી ઘટનાઓ બની. સૌથી પહેલાં તો, બીજેપી તથા આરએસએસ વિરુદ્ધના એક વર્ગે કોઇ પણ જાતની તપાસ કે એના પરીણામની રાહ જોયા વિના એવું તારણ કાઢી લીધું કે આ હત્યા આરએસએસના સમર્થકોએ કરી છે. એટલું જ નહીં એમણે આ હત્યા સંદર્ભમાં ટીકા ટિપ્પણી શરૂ કરી દીધી.
એ ખરું કે ગૌરી લંકેશે સંઘની વિરુદ્ધમાં ઘણું લખ્યું હતું અને એમની છાપ પણ સંઘવિરોધી તરીકેની હતી, પરંતુ એનો અર્થ એ નહીં કે પોલીસ તપાસમાં કંઇ બહાર આવે એ પહેલા તમે કોઇ તમારી રીતે જજમેન્ટ આપી દો. ઇલેક્ટ્રોનિક મિડિયા અને સોશ્યલ મિડિયાની આ સૌથી મોટી ખરાબી છે. માનો કે ગૌરીની હત્યા કોઇ પર્સનલ કારણસર થઇ હોય તો? શું કોઇ કટ્ટર રાજકીય વિચારધારા ધરાવતી વ્યક્તિને અંગત અદાવતો ન હોઇ શકે? અલબત્ત, ગૌરીને કિસ્સામાં એવું બન્યું હશે એમ કહેવાનો ઇરાદો નથી, પરંતુ મુદ્દો એ છે કે આવી ઉતાવળ કરવાની જરૂર શી છે? હા, બહુ બહુ તો તમે એવું અનુમાન લગાવી શકો, એવી શક્યતા વ્યક્ત કરી શકો કે આ હત્યામાં એમના રાજકીય વિરોધીઓનો હાથ હોઇ શકે. ધેટ્સ ઓલ. પરંતુ હરામ બરોબર જો કોઇએ આવી શક્યતાની ભાષામાં વાત કરી હોય. મેં ફેસબૂક પર આ વિશે હજુ સુધી એક્કેય પોસ્ટ નથી મૂકી. એટલે કે હત્યા કોણે કરી, શા માટે કરી વગેરે બાબતે.
ગૌરી લંકેશની હત્યા બાબતે સંઘવિરોધીઓનો શોરબકોર શરૂ થયો કે તરત જ નિખિલ દધેચ નામના શખસે ટ્વીટર પર એક અસહ્ય કહી શકાય એવી ટિપ્પણી મૂકી. એણે લખ્યું કે એક કૂતરી મરી ગઇ એમાં આ લોકોએ શોરબકોર મચાવી દીધો. આ એકદમ હલકી કક્ષાની અને હીંસક માનસિકતા દર્શાવતી કમેન્ટ હતી. એમાં એક સ્ત્રી જ નહીં, એ માણસની હત્યાને આડકતરી રીતે સમર્થન આપવામાં આવ્યું હતું. અલબત્ત, આ માણસે પણ ગૌરી લંકેશના બેકગ્રાઉન્ડના આધારે એવું અનુમાન બાંધી લીધું હતું કે એના વિચારો અમુક અમુક પ્રકારના હોય તો એની હત્યા બાબતે કોઇએ બહુ શોક ન મનાવવો જોઇએ, છતાં એના વલણમાં એક બેશરમી હતી અને સૌથી અગત્યનું તો દેશના કાયદા કાનૂન પ્રત્યેની સ્પષ્ટ અવહેલના હતી. કોઇ પણ હત્યાને સાર્થક ઠેરવી ન શકાય એટલી મૂળભૂત સમજણ પણ આ માણસે ન દાખવી. બીજી તરફ, બીજેપીએ સત્તાવાર રીતે યોગ્ય જ વલણ અપનાવીને હત્યાને વખોડી કાઢી.
ગૌરી લંકેશની હત્યાની ઘટના અને એ સામેની પ્રતિક્રીયાઓ તો તાજી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દેશમાં આ પ્રકારની ઘટના બની રહી છે અને એ સામેની આવી પ્રતિક્રીયાઓ જોવા મળી રહી છે. ગૌરક્ષાના મામલે લિંચિંગ એટલે કે ટોળા દ્વારા થતી હીંસાની ઘટનાઓ બની ત્યારે એના પરોક્ષ સમર્થનમાં પણ ટિપ્પણીઓ થઇ છે. ગુજરાત મુલાકાત દરમિયાન કોન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો ત્યારે એને સાર્થક ઠેરવવા માટેના પ્રયાસો પણ થયા. અલબત્ત આવો બચાવ કરનારા બંગાળ અને કેરળમાં થતી હીન્દુઓની હત્યાઓનો મુદ્દો ઊઠાવતા હોય છે અને એમની ચિંતા કદાચ સાચી પણ હશે.
મૂળ પ્રશ્ન એ છે કે દેશમાં હવે બહુ મોટા પાયે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. બહોળા પરીપેક્ષ્યમાં જોઇએ તો એક તરફ સરકાર અને એના સમર્થકો છે અને બીજી તરફ સરકારના વિરોધીઓ છે. સમસ્યા ગમે એ હોય, એની સચ્ચાઇ ગમે તે હોય, વાત હવે એવી બની ગઇ છે કે સરકારનો બચાવ કરનારા સરકારનો બચાવ જ કરશે અને વિરોધીઓ વિરોધ જ કરશે. કોઇ ચર્ચા, કોઇ વાર્તાલાપ કે કોઇ સમજૂતિને અવકાશ જ નથી. આ સ્થિતિમાં બંને પક્ષોને શક્ય એટલી તટસ્થતાથી સમજવાની કોશિષ કરવી જોઇએ. ઉપરથી તો આ બંને જૂથોના બધા સભ્યોમાં સામ્યતા લાગે, પરંતુ એમાં વિવિધ ઘટકો શામેલ છે. સૌથી પહેલા આપણે સરકારના સમર્થકો વિશે વિચારીએ.
સરકારી સમર્થકોમાં પહેલો વર્ગ દાયકાઓથી સંઘની વિચારધારામાં માનતા અને ભારતીય જનતા પક્ષના ટેકેદારોનો છે. આ લોકો દરેક ઘટનાને પોતાની વિચારસરણીથી જોવા અને મૂલવવા ટેવાયેલા છે. આથી કોઇ પણ ઘટના વિશેનું, સરકારના પગલાં વિશેનું એમનું મૂલ્યાંકન એકદમ પ્રામાણિક હોય છે. એટલે કે એમાં કોઇ ભેળસેળ નથી હોતી. તેઓ દાયકાઓથી જે માનતા આવ્યા છે એને આજે પણ તેઓ સાર્થક માને છે અને માનતા રહેશે.
સરકારના સમર્થકોનો બીજો વર્ગ સંઘ પરિવારની વિચારધારામાં જ માને છે, પરંતુ તેઓ કટ્ટરવાદી છે. એવા કટ્ટરવાદી, જેમને અટલ બિહારી વાજપેયીનું સમર્થન નહોતું અને કદાચ નરેન્દ્ર મોદીનું પણ સમર્થન નથી. આ કટ્ટ્રવાદીઓની વિચારસરણી એકદમ પછાત છે અને આધુનિક જગતની વાસ્તવિકતાથી તેઓ અજાણ છે. ગૌરક્ષાના નામ પર હીંસા આચરતા લોકો આ વર્ગનું એક ટિપિકલ ઉદાહરણ છે. અને નરેન્દ્ર મોદી જાહેરમાં આવા તત્ત્વોની ટીકા કરી ચૂક્યા છે.
સરકારી સમર્થકોનો બીજો એક વર્ગ એ છે, જે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્ત્વથી ખૂબ પ્રભાવિત છે. એમને લાગે છે કે નરેન્દ્ર મોદી જ આ દેશનું ભલુ કરશે અને એ જ આ યુગના સૌથી મહાન નેતા છે. નરેન્દ્ર મોદીના ચાહકોનો વર્ગ વિશાળ છે અને વિદેશમાં આવા ચાહકોની સંખ્યા બહુ મોટી છે. આ લોકો નરેન્દ્ર મોદીની વિરુદ્ધનું કંઇ સાંભળી શકતા નથી એટલે જ્યારે વડા પ્રધાનની કે સરકારની ટીકા થાય ત્યારે આ લોકો પણ આક્રમક બનીને સરકારનો બચાવ કરવા લાગે છે.
સરકારી સમર્થકોનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો વર્ગ રાજકીય રીતે સજાગ બની ગયેલા લોકોનો વિશાળ વર્ગ છે. આમાં શિક્ષિત પણ છે અને અશિક્ષત પણ છે. આમાં દરેક જાતિના લોકો છે, પરંતુ મોટા ભાગના હિન્દુ છે. આ એ જ વર્ગના લોકો છે, જેમાંના મોટા ભાગના દાયકાઓથી કોન્ગ્રેસના સમર્થક હતા, પરંતુ કોન્ગ્રેસ દ્વારા થયેલા મુસ્લીમ તુષ્ટીકરણના અતિરેકથી ગુસ્સે ભરાયેલા છે. આ એ જ લોકો છે, જેઓ પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ બાબતે ગૌરવ અનુભવે છે, પરંતુ અત્યાર સુધી એ જાહેરમાં વ્યક્ત કરતાં સંકોચ અનુભવતા હતા અને હવે એ વિશે બોલતા ગૌરવ અનુભવવા લાગ્યા છે.
એકંદરે સરકારી સમર્થકોના વિવિધ વર્ગો અનેક કોમન પરીબળોથી એકબીજા સાથે સંકળાયેલા છે. આ લોકો એક એવી ઉત્કટ લાગણી અનુભવે છે કે વર્ષો પછી અમારી પાસે સત્તા આવી છે તો હવે એ કોઇ પણ સંજોગોમાં હાથમાંથી જવી ન જોઇએ. આથી જ સરકારના કોઇ પણ પગલાંનો તેઓ બચાવ કરે છે. આથી જ તેઓ વિરોધીઓના વિરોધની સામે પડે છે. આક્રમક બને છે અને સરકારની સામે થતાં કોઇ પણ પ્રહારની આડે ઊભા રહી જાય છે. આ લોકોમાં આવડત છે. તેઓ સાચીખોટી દલીલો કરી જાણે છે.
બીજી તરફ સરકારના વિરોધીઓમાં ત્રણ મુખ્ય વર્ગો છે. પહેલા વર્ગમાં જૂના કોન્ગ્રેસીઓ અને એના દાયકા જૂના વફાદાર સમર્થકોનો સમાવેશ થાય છે. બીજા વર્ગમાં એ છે, જેઓ કોન્ગ્રેસી નથી, પરંતુ જમણેરી વિચારધારા તથા એના આદર્શોની વિરુદ્ધના છે. આ લોકો લિબરલ અને ખરા અર્થમાં સેક્યુલર છે. તેઓ જાતિવાદમાં કે કોમવાદમાં માનતા નથી. આ લોકો સંઘ પરિવારની વિચારસરણીને જોખમી માને છે. સરકારના વિરોધીઓનો ત્રીજો વર્ગ સ્યુડો સેક્યુલરોનો છે. આ વર્ગ જમણેરી કટ્ટરવાદીઓના કાઉન્ટર પાર્ટ જેવા છે. આમાંના મોટા ભાગના લોકો અહંકારી, સ્વકેન્દ્રીય અને સામાન્ય લોકોની લાગણી કે સમસ્યાઓથી સાવ અજાણ છે. આ લોકો પ્રામાણીક નથી અને ભારોભાર પક્ષપાત દાખવતા હોય છે. કાશ્મીરમાં કોઇ લશ્કરી અધિકારી કાયદો વ્યવસ્થાના એક વ્યુહ તરીકે કાશ્મીરી યુવાનને જીપ સાથે બાંધે તો આ લોકો ખોટી બૂમાબૂમ કરી મૂકે છે. આતંકવાદીઓ માર્યા જાય ત્યારે આ લોકો વિરોધ કરવા શેરીમાં ઉતરી આવે છે. ખોટા સમયે અને ખોટી જગ્યાએ માનવતાવાદની પિપૂડી વગાડીને આ લોકો હકીકતમાં પોતાને મહત્ત્વપૂર્ણ સાબિત કરવાની જ કોશિષ કરતાં રહે છે. સમસ્યા એ છે કે સરકારના કોઇ ભૂલભરેલા પગલાંને વિરોધ કરવાનો હોય ત્યારે આ બધા વર્ગો એકસાથે ભળી જાય છે, જેના કારણે ઘણી વાર વાત આડે ફંટાઇ જાય છે.
તો હવે સરકારતરફી અને સરકારવિરોધી તત્વોનું ધ્રુવીકરણ કમ્પ્લીટ થઇ ચુક્યું છે. બંને પક્ષો પોતપોતાની રીતે અડગ છે, પરંતુ આપણને વાંધો બીજી વાતનો છે. શું આપણે એકબીજાનો વિરોધ કરવાની તીવ્રતા ઘટાડી ન શકીએ? તીવ્રતા હંમેશા સ્વરૂપ બદલતી રહે છે. શબ્દોની તીવ્રતા શારિરીક રૂપ ધારણ કરી શકે છે અને હીંસાનો એક તિખારો આખાં મકાનને ખાક કરી શકે છે. રાજકીય સમર્થન અને વિરોધ ભલે થતા રહે, પરંતુ આપણે હીંસાથી દૂર રહેવાનો નિર્ધાર કરી શકીએ. જો હીંસા ટાળવી હોય તો વિરોધ કે સમર્થનમાં આક્રમકતા ઘટાડવાનું જરૂરી છે. હીંસક માનસિકતા ત્યજવાની જરૂર છે. અત્યારે માહોલ ઘણો બગડી ચુક્યો છે, છતાં હું આશાવાદી છું. હું હજુય એવું માની રહ્યો છું કે હાલનો અશાંતિ તથા દહેશતનો માહોલ ફ્કત ઇલેક્ટ્રોનિક મિડિયા તથા સોશ્યલ મિડિયાની ઉપજ છે, વાસ્તવિકતા નથી. જો આ સત્ય ન હોય તોય હું એવા ભ્રમમાં રહેવા માંગુ છું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર