ટીવી શોની કડવી રિયાલિટી
ટેલિવિઝન પર સોપ ઓપેરાનું સામ્રાજ્ય હતું ત્યારે આપણે એની ટીકા કરતા હતા અને ખાસ તો એકતા કપૂરની સાસ-બહુની સિરિયલોના સ્ટિરિયો ટાઇપ્ડ દૃશ્યો તથા ડાયલોગ્સ પર હસતાં હતા. કેટલાક લોકો આવી સિરિયલ ન જોતાં હોવાનું ગૌરવ લેતા અને એના બદલામાં બીજી ફાલતુ સિરિયલો જોતા હતા. ત્યાર પછી રિયાલિટી શોનો જમાનો આવ્યો. એક તરફ ન્યુઝ ચેનલો પર રાજકીય તથા સામાજિક પ્રશ્નો પરની ચર્ચાઓના કાર્યક્રમ આવ્યા અને બીજી તરફ ગીત, સંગીત અને ડાન્સને લગતા મનોરંજન કાર્યક્રમો આવ્યા. નસીબ આપણા ખરાબ કે હજુ સુધી કોઇ પ્રકારના ઊચ્ચ ગુણવત્તાવાળા કાર્યક્રમો આપણા ટેલિવિઝન પર દેખાતા નથી.
મનોરંજન કાર્યક્રમોમાં મહાભારત અને રામાયણ જેવી સિરિયલો તથા કૌન બનેગા કરોડપતિ તથા શરૂઆતના ઇન્ડિયન આઇડિયલ કાર્યક્રમોમાં થોડી ગુણવત્તા જળવાઇ હતી, જેને લીધે એ કાર્યક્રમો લોકપ્રિય બન્યા, પરંતુ આવા કાર્યક્રમોનું પ્રમાણ કુલ ટેલિકાસ્ટ થતાં કાર્યક્રમોના પાંચ ટકાય નથી હોતું. આજકાલ કેવા કાર્યક્રમો ટીવી પર આવે છે? એકદમ બકવાસ. ટેલિવિઝનની દુનિયા આમ તો બોલિવુડની નબળી આવૃત્તિ જેવી જ છે. બોલિવુડના અનેક દૂષણો ટીવી જગતમાં પ્રવેશ્યા છે. આમાંનું સૌથી મોટું દૂષણ એટલે માઇન્ડલેસ નકલ કરવાનું. સારી ગુણવત્તા શું કહેવાય એની ખબર ન હોવાને લીધે મોટા ભાગના પ્રોડ્યુસરો સફળતાની ફોર્મ્યુલા શોધતા રહે છે. જો કોઇ એક શોની અમુક વાતોને લોકોએ પસંદ કરી તો પ્રોડ્યુસરો પોતાના નવા શોમાં એ વાતોને ઠાંસી ઠાંસીને ભરવા મંડી પડે છે. અમારા એક મિત્ર નાના ટીવી પ્રોડ્યુસર છે. ગુણવત્તા વિશેની ચર્ચા કરતી વખતે એમણે કહ્યું કે નાગિન સિરિયલ સફળ થઇ એને પગલે એકસાથે પાંચ નિર્માતાઓએ નાગ વિશેની સિરિયલો બનાવવાનું શરૂ કરી દીધું અને ચેનલો પણ નાગ-નાગિન પરની સિરિયલો જ માંગે છે. આમાં અમે અમારી બુદ્ધિ ક્યાં લગાડીએ?
બોલિવુડમાં પણ ફોર્મ્યુલા પર ફિલ્મો બનાવવાનો દોર બહુ લાંબો સમય ચાલ્યો હતો. એક પ્રેમકથા, એક બળાત્કાર, એક આઇટેમ સોંગ, વિદેશમાં શૂટિંગ, કાર ચેઝિંગ, ક્લાઇમેક્સમાં મોટા ગોડાઉનોમાં આગ લગાડવી વગેરેનું મિશ્રણ કરીને અનેક ફિલ્મો બની. આવી બોદી ફોર્મ્યુલા પર બનેલી અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઇ ગઇ, છતાં નિર્માતાઓએ ફોર્મ્યુલાનું પૂંછડું છોડ્યું નહીં. હવે બોલિવુડ ફોર્મ્યુલા ફિલ્મોના ચક્કરમાંથી જરા મુક્ત થયું છે, પરંતુ મનોરંજન ટીવી જગતમાં હજુય ફોર્મ્યુલાનો પ્રભાવ છવાયેલો છે. ફોર્મ્યુલા માટેનું પરીબળ લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે જ ધારી લે છે અને એને પોતાના શોમાં શામેલ કરી દે છે.
નકલી ફોર્મ્યુલાનું એક પરીબળ છે શોમાં ઇમોશન્સ રાખવાનું. ઇન્ડિયન આઇડલ કે એવા કોઇ શોના પ્રારંભમાં નાનાં શહેરમાં રહેતા કોઇ સામાન્ય પરિવારના છોકરા કે છોકરીના સંઘર્ષની વાતો લોકોએ નિહાળી. એ કથાઓ સાચી હતી અને એ જોઇને દર્શકો લાગણીશીલ બની ગયા. શો હિટ થયો એટલે ઇમોશન્સ પણ હિટ થઇ ગયા અને એને સફળ ફોર્મ્યુલાનાં એક મજબૂત પાસાં તરીકે માન્યતા મળી ગઇ. પછી તો ગીત સંગીત કે ડાન્સના દરેક શોમાં કન્ટેસ્ટન્ટની દર્દભરી વાર્તાઓ જોવા મળી. કદાચ એવું પણ બનતું હશે કે કોઇ સશક્ત સ્પર્ધકના જીવનમાં કોઇ સંઘર્ષ ન હોય એને આગળ જવાનો મોકો નહીં આપવામાં આવતો હોય, કારણ કે શોના આયોજકો તો શોને હિટ બનાવવા માટે ઇમોશન્સને મહત્ત્વ આપે, ટેલેન્ટને નહીં. જરા વિચાર કરો, શોમાં પોતાની ટેલેન્ટ દેખાડતો દરેક સ્પર્ધક પોતાની દુઃખભરી વાર્તા કહે, જજ ઊભા થઇને એને ગળે લગાડે, અન્ય દર્શકો પણ રડે એવા દશ્યો તમે ક્યાં સુધી સહન કરી શકો? મનોરંજનના રિયાલિટી શો બનાવતા લોકો ટીવી દર્શકોને શું સાવ જ મૂર્ખ સમજા હશે?
ફોર્મ્યુલાનું બીજું એક બોગસ ફેક્ટર છે સેલિબ્રિટિને જજ તરીકે બોલાવવાનું. એક સમયે જાવેદ અખ્તર અનેક ટીવી શોમાં જજ તરીકે આવતા અને પોતાના વિદ્વતાભર્યા અભિપ્રાય વ્યક્ત કરતા હતા. લોકો જાવેદ અખ્તરથી બોર થઇ ગયા અને એવી ઇચ્છા વ્યક્ત કરી કે એમના બદલે કોઇ નવા જજ આવવા જોઇએ. જાવેદ અખ્તર હવે ક્યાંય દેખાતા નથી, પરંતુ એમના સ્થાને જે જજ આવ્યા છે એ તો સાવ જ ગોન કેસ જેવા છે. કરણ જોહર, શિલ્પા શેટ્ટી, સોનાલી સિંહા, મલાઇકા અરોરા આ બધા કોઇ રીતે ગીત, સંગીત કે અન્ય ટેલેન્ટના જજ બની શકે એવી ક્ષમતા નથી ધરાવતા. સિંગિંગ એ કરણ જોહરનો વિષય નથી, ડાન્સ એ શિલ્પા શેટ્ટીનો વિષય નથી છતાં આવી સેલિબ્રિટિ જજ બનીને પોતાના અભિપ્રાયોની ઠોકમઠોક કરતા રહે છે. મોટે ભાગે તો તેઓ અમુક વાક્યો ઘરેથી ગોખીને લાવે છે અને પછી ગમે ત્યાં એને ઘુસાડી દે છે. આવા બોગસ જજોના કેટલાક વાક્યો તો એટલી બધી વાર રિપીટ થાય છે કે તેઓ એ બોલે એ પહેલા જ આપણા ઘરમાં એના પડઘા પડવા માંડે. જેમ કે તમારું એનર્જી લેવલ ગજબનું છે, તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા એટલે તમે ઓલરેડી વિનર છો, તમારા અવાજમાં દેશની મિટ્ટીની મહેંક છે, તમે એક દિવસ બોલિવુડમાં છવાઇ જશો, તમે ડાન્સ કરતી વખતે એમાં ડૂબી જાવ છો ને એને માણો છો એ મારા માટે સૌથી વધુ મહત્ત્વનું છે. તમારા બન્નેની કેમિસ્ટ્રી જામે છે વગેરે. કેમિસ્ટ્રીની વાત કરતા આ જજને કેમિસ્ટ્રીને લગતો બીજો કોઇ પ્રશ્ન પૂછો તો રડી પડે.
મનોરંજનને લગતા દરેક રિયાલિટિ શોમાં ફોર્મ્યુલાના ઘટકો પરાણે ઘુસાડવાને કારણે જે કૃત્રીમતા પેદા થાય છે અને જે કંટાળો નીપજે છે એ છેવટે સહન તો દર્શકોએ જ સહેવા પડે છે. પ્રોડ્યુસરો તથા ટીવી ચેનલોને એની ચિંતા નથી. એમને તો ટીઆરપી સાથે સંબંધ છે. ટીઆરપી વધે તો આવક વધે.
ફોર્મ્યુલાનું દૂષણ ફક્ત મનોરંજન કાર્યક્રમોમાં જ નથી, જેને ગંભીર કાર્યક્રમ કહી શકાય એવી ન્યુઝ ડિબેટમાં પણ આની અસરો જોવા મળે છે. ન્યુઝ ચેનલો પર આવતા ડિબેટના કાર્યક્રમોમાં આપણે વધુ અપેક્ષા એ માટે રાખીએ કે એનો વિષય ગંભીર હોય અને એમાં ચર્ચા કરનારા મહદ અંશે જાણકારો તથા અભ્યાસુ લોકો હોય. આમ છતાં કાર્યક્રમના સંચાલનમાં પડદા પાછળ કામ કરતા લોકો આવા કાર્યક્રમની બરોબરની પત્તર ઠોકતા હોય છે. ચર્ચા માટેનો વિષય નક્કી થયા પછી તેઓ એની તરફેણમાં અને વિરુદ્ધમાં બોલનારા લોકોની યાદી તૈયાર કરે છે અને એમાંથી પછી સૌથી વધુ આક્રમક અને બેશરમ લોકોને ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવે છે.
કાર્યક્રમના સંચાલક એટલે કે એન્કરને એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય છે કે ચર્ચા દરમિયાન ઉગ્ર વિવાદ થવા જોઇએ, ઝઘડા થવા જોઇએ. હરીફ વક્તાઓ મારામારી પર આવી જાય તો પણ ચાલે, પરંતુ કાર્યક્રમ નીરસ ન બનવો જોઇએ. હિન્દી ન્યુઝ ચેનલોમાં તો ખરેખર વક્તાઓએ એકબીજા સાથે મારામારી કરી હોવાની ઘટનાઓ બની છે. ક્યારેક તો એન્કર પોતે એટલી મોટી ચીસાચીસ કરતા દેખાય કે જાણે એ પોતે જ મારામારી પર આવી જશે એવું લાગે. અંગ્રેજી ન્યુઝ ચેનલમાં અર્નબ ગોસ્વામી પોતાની આક્રમકતાને કારણે એક દંતકથા બની ગયા હતા. એમના જેટલી બૂમબૂમ કરવાવાળો બીજે એન્કર વર્ષો સુધી કદાચ પેદા નહીં થાય.
ન્યુઝ ચેનલોની વિવાદ તથા તકરાર માટેની ઘેલછા ક્યારેક જોખમી બની જાય છે, કારણ કે ગંભીર વિષય પરની ચર્ચામાં જો તમે પરાણે ઝઘડા ઘુસાડો તો ક્યારેક વાતનો અનર્થ થઇ જાય. કુલભુષણ જાધવને પાકિસ્તાને ફાંસીની સજા ફરમાવી એ પછી ન્યુઝ ચેનલોએ આ વિશેની ડિબેટ યોજી અને એમાં કેટલીક ગંભીર ભૂલો એમણે કરી નાંખી. આ વિષય દેશભક્તિનો છે એટલે સ્વાભાવિક છે કે કોઇ પણ ભારતીય પાકિસ્તાનના આ વલણની વિરુદ્ધમાં જ બોલે. ઇવન વિરોધ પક્ષો પણ આ બાબતે એકમત ધરાવે છે. આથી ન્યુઝ ચેનલોએ એક નવો અને જોખમી રસ્તો અપનાવ્યો. આ વિષય પરની ચર્ચામાં એમણે પાકિસ્તાનના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ તથા અન્ય સંરક્ષણ નિષ્ણાતોને બોલાવ્યા, જેથી તેઓ પાકિસ્તાનના પગલાંની તરફેણમાં બોલી શકે. ઇરાદો શોમાં તકરાર ઊભી કરવાનો હતો. આ રીતે એક તરફ ભારતના નિષ્ણાતો અને બીજી તરફ પાકિસ્તાનના નિષ્ણાતો. કાર્યક્રમને વિવાદાસ્પ બનાવવાની ફોર્મ્યુલા તરીકે આ ઠીક હતું, પરંતુ કાર્યક્રમના મૂર્ખ સંચાલકોએ એ ન વિચાર્યું કે પાકિસ્તાનીઓને ખોટા ખુલાસા કરવાનો મોકો આપીને તેઓ દેશહીતને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પ્રકારના અનેક કાર્યક્રમોમાં દર્શકોએ પાકિસ્તાની નિષ્ણાતોનો બકવાસ સાંભળ્યો અને પોતાનો જીવ બાળ્યો. ભલે જીવ બળ્યો, પરંતુ ન્યુઝ ચેનલના સંચાલકોએ કદાચ એવું વિચાર્યું હશે કે આનાથી ટીઆરપી વધશે અને ટીઆરપી વધે એટલે આવક વધે.
એકંદરે મનોરંજન કાર્યક્રમ હોય કે ન્યુઝ ચેનલનો કાર્યક્રમ, પોતાનું ભેજું લગાડવાનું કોઇને પસંદ નથી, ક્રિયેટિવિટી સાથે કોઇને કશી લેવાદેવા નથી. બસ, ફોર્મ્યુલા અપનાવો અને ટીઆરપી વધારો. પણ અફસોસ. ફોર્મ્યુલાનું આંધળું અનુકરણ કદી ચાલ્યું નથી અને ચાલવાનું નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર