બ્રાન્ડેડ જર્નાલિસ્ટ

12 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

આજના સમયમાં કોઈ પણ ચીજ સાથે બ્રાન્ડેડ શબ્દ જોડાય તો એ ટોપ ક્વોલિટી સૂચવે છે, પરંતુ કોઈ પત્રકારની સાથે આ શબ્દ જોડાય તો બ્રાન્ડને કોઈ ફરક નથી પડતો, પણ પત્રકારની વેલ્યુ એકદમ ડાઉન થઈ જાય છે. કરુણા એ છે કે આજકાલ બ્રાન્ડેડ ન હોય એવા પત્રકારો મળવા મુશ્કેલ છે.

પત્રકાર જ્યારે કોઈ રિપોર્ટ લખે, લેખ લખે કે વિશ્લેષણ કરે ત્યારે એણે કોઈ રાજકીય પક્ષની તરફેણ ન કરવી જોઈએ અને પૂર્વગ્રહ સાથે કોઈનો વિરોધ મનમાં ન રાખવો જોઈએ એવી એક મૂળભૂત અપેક્ષા એની પાસેથી રાખવામાં આવે છે. આ વાત બધા સમજે છે અને મોટા ભાગના પત્રકારો પોતે બ્રાન્ડેડ નથી એવી જાહેરાતો કરતા હોય છે, પણ હકીકત એનાથી ઊલટી હોય છે.

મોટા ભાગના પત્રકારોના લખાણ અને વલણ પરથી તમને ખ્યાલ આવી જાય છે કે, યા તેઓ ભારતીય જનતા પક્ષ માટે સહાનુભૂતિ ધરાવતા હોય છે યા તેઓ કોંગ્રેસ તરફી છે. પત્રકારને રાજકીય પક્ષો વિશે પોતાના અંગત અભિપ્રાય હોઈ શકે અને એનાથી પ્રભાવિત થઈને એ પોતાનું કામ કરે એ અમુક હદે સ્વીકાર્ય છે, પણ એનો અર્થ એ નથી કે તમારા દરેક લખાણમાં એકતરફી અભિગમ હોય. હવે તો ચારે તરફ મોદીભક્ત અને મોદીવિરોધી પત્રકારો જોવા મળે છે. રાજકીય તખતા પર નરેન્દ્ર મોદીના આગમન પછી આ ધ્રુવીકરણ જરા જોરમાં ચાલે છે.

પહેલા સાવ આવી સ્થિતિ નહોતી. ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન મોટા ભાગના પત્રકારો કોંગ્રેસ વિરોધી હતા. જે પાંચ પચ્ચીસ કોંગ્રેસ તરફી હતા એમને સૌ સારી રીતે ઓળખતા અને અખબારી આલમમાં એમની કોઈ વેલ્યુ નહોતી. ત્યાર પછી પણ પત્રકારોની કોઈ ખાસ બ્રાન્ડ જોવા નહોતી મળતી.

પણ હવે આખો સિનારિયો જ બદલાઈ ગયો છે. એમ લાગે કે આખો દેશ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો છેઃ ‘મોદીભક્તો અને મોદીવિરોધીઓ’. સરકારની વિરુદ્ધમાં લખતા પત્રકારો અને લેખકો પોતાની ફરજ બહાદુરીપૂર્વક બજાવતા હોવાનું અભિમાન જાહેરમાં વ્યકત કરતા હોય છે. બીજી તરફ મોદીની તરફેણ કરતા પત્રકારો પણ ગર્વથી કહેતા હોય છે કે, અમે મોદીભક્ત છીએ અને એ રીતે દેશની સેવા કરીએ છીએ. બંને પક્ષો વધુ ને વધુ કટ્ટર બનતા જાય છે. ફેસબુક અને ટ્વિટર પર આની જબરી અસર જોવા મળે છે.

સમસ્યા એ છે કે, કોઈ પણ પત્રકારે, ખાસ તો ગુજરાતી પત્રકારે આ બેમાંથી એક છાવણીના મેમ્બર બનવું જ પડે છે. જો એ તટસ્થ બનવા ગયો તો એની હાલત ખરાબ થઈ જાય. નિષ્પક્ષ બનીને જો એ કંઈક લખવા જાય તો એને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવેઃ દૂધ અને દહીં બંનેમાં પગ નહીં રાખવાના. જો કોઈ છાવણીમાં રહ્યા વિના પત્રકાર પોતાની રીતે લખતો રહે તો એના લખાણોના આધારે એની ઓળખ નક્કી કરવામાં આવે અને એના આધારે પરાણે એને બેમાંથી એક છાવણીનો મેમ્બર બનાવી દેવામાં આવે. બ્રાન્ડિંગ થઈ ગયા પછી કોઈ પત્રકારને પોતાની છાવણીથી ભિન્ન મત વ્યક્ત કરવાનો અધિકાર નથી રહેતો. જો એ એવો કોઈ પ્રયાસ કરે તો એની બિરાદરીવાળા એની હાલત ખરાબ કરી નાંખે અને સામી છાવણીવળા એની વાતને સ્વીકારે નહીં.

મારી સાથે થોડા દિવસ પહેલા આવું જ કંઈક બન્યું. એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે હું કોઈ છાવણીનો સભ્ય નથી, છતાં મારા લખાણોને કારણે મને મોદી વિરોધી છાવણીનો મેમ્બર માનવામાં આવે છે. એ ખરું કે ભાજપની નીતિઓ સામે મને વાંધો છે અને છેલ્લા એક વર્ષના નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપના નેતાઓ તથા પ્રવક્તાઓની ઠેકડી ઊડાવવાના અનેક મોકા મેં ઝડપ્યાં છે. મારી ‘પોપકોર્ન જંક્શન’, ‘સિક્રેટ ડાયરી’ અને હવે ‘નાનાં મોઢે નાની વાત’ કૉલમોમાં મેં નરેન્દ્ર મોદી તથા એમના સાથીઓની ટીકા કરી છે અને એમના પર અનેકવાર કટાક્ષ કર્યા છે.

આનો અર્થ જોકે એ નથી કે હું હંમેશાં માટે અને દરેક વાતે નરેન્દ્ર મોદી તથા ભાજપનો વિરોધ કરતો રહું. મારે શા માટે એવા કટ્ટર બનવું જોઇએ? મારે કોઈ રાજકીય કનેક્શન્સ નથી કે કોઈ સ્થાપિત હિત નથી. મને તો એ જ નથી સમજાતું કે એક પત્રકારે શા માટે કોઈનો પક્ષ લેવો જોઈએ. કોઈ રાજકારણીની એક વાત ખરાબ હોય તો બીજી કોઈ વાત સારી પણ હોઈ શકે. દરેક વાતે નિષ્ફળ ગયેલી સરકારે લોકોનું ભલું થાય એવું કોઈ એકાદ એવું સારું કામ કર્યું હોઈ શકે. કટ્ટરતા પત્રકારને આવાં જમાઉધાર પાસાંનું મૂલ્યાંકન કરતા રોકે છે. પત્રકારે કોઈ પણ ભોગે બ્રાન્ડેડ બનવાનું ટાળવું જોઈએ. પત્રકારનું ઘરેણું તો એની નિષ્પક્ષતા જ છે.

આ જ સંદર્ભમાં નરેન્દ્ર મોદીના પત્રકારો સાથેના વલણ અને વર્તાવનો વિચાર મને આવ્યો અને લાગ્યું કે, આ બાબતમાં તેઓ પ્રમાણમાં સહિષ્ણુ છે. ગુજરાતમાં અને ગુજરાતની બહાર નરેન્દ્ર મોદીની ટીકા બહુ આસાનીથી થઈ શકે છે, થઈ રહી છે. પણ એમના ટીકાકારોને નરેન્દ્ર મોદી પજવતા નથી. બહુ નાની લાગતી આ વાતનું મહત્ત્વ મને ત્યારે સમજાયું જ્યારે મેં બીજા રાજકારણીઓનો વિચાર કર્યો. મને એ પણ સમજાયું કે લોકશાહીમાં ગેરલાયક સરકારને બદલવાનો પ્રજાનો હક ત્યારે જ સાકાર થાય છે, જ્યારે નાગરિકો અને પત્રકારો નેતાઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને નીડર રીતે એમની ટીકા કરી શકે. નેતાઓમાં જો સહિષ્ણુતા ન હોય તો લોકશાહીની આખી પ્રક્રીયા જ થંભી જાય!

આ સંદર્ભમાં મેં ફેસબુક પર એક પોસ્ટ મૂકી અને એમાં નરેન્દ્ર મોદીના ટીકાકારોએ પણ જેની કદર કરવી પડે એવા એમના આ ગુણની વાત કરી તો પસ્તાળ પડી. બંને છાવણીવાળા સક્રિય બની ગયા. મોદીભક્તો તો ખુશ થઈ ગયા અને એમાંના કેટલાક નાદાનો તો એમ માનવા માંડ્યા કે, મેં છાવણી બદલી છે. વેલકમ! તો મોદી વિરોધીઓને આઘાત લાગ્યો. એમને લાગ્યું કે આપણી છાવણીમાંથી એક વિકેટ પડી. જે વાત મારા માટે એકદમ નોર્મલ હતી એનાથી અન્ય લોકોના મનમાં ખળભળાટ મચી ગયો. ફેસબુક પર નરેન્દ્ર મોદી વિશે જબરી ચર્ચા ચાલી અને એમાં મારા પક્ષાંતરની પણ ટીકા થઈ.

મારા એક મિત્ર કટ્ટર મોદી વિરોધી છે. મારા લખાણોને કારણે એમણે માની લીધું હતું કે, હું પણ એમના જેવો જ કટ્ટર મોદી વિરોધી છું. હકીકત એ છે કે  નરેન્દ્ર મોદીની અનેક વાતો મને પસંદ નથી. એમના પક્ષની નીતિઓ સામે મને તકલીફ છે. પણ હું નરેન્દ્ર મોદીનો આંધળો ટીકાકાર નથી. એક સમયે એમનામાં મને મોટી આશા દેખાઈ હતી અને ત્યારે એ વિશે મેં લખ્યું પણ હતું. પછી એ આશા ડૂબી ગઈ અને ત્યારે પણ લખ્યું હતું.

ફેસબુક પરની મારી પોસ્ટ વાંચીને કટ્ટર મોદી વિરોધી મિત્રને બહુ આઘાત લાગ્યો. એમણે મને લાગણીશીલ બનીને કહ્યું કે, ‘તે શા માટે પાટલી બદલી?’

‘ મેં પાટલી નથી બદલી,’ મેં કહ્યું, ‘કારણ કે મારી કોઈ પાટલી છે જ નહીં.’

‘નાટક નહીં કર.’ મોદી વિરોધી મિત્રે કહ્યું, ‘શું વાત છે સાચું કહે.’

‘કંઈ વાત નથી.’ મેં કહ્યું, ‘આમાં વાત શું હોઈ શકે?’

‘મોદીના ઘણા એજન્ટો મીડિયામાં ફરે છે.’ મિત્રે કહ્યું, ‘કોઈકે તને લાલચમાં ફસાવ્યો છે.’

‘લાલચ?’ મેં કહ્યું, ‘શેની લાલચ?’

‘બીજેપીની તરફેણમાં લખો તો ઘણા લાભ મળતા હોય છે.’ મિત્રે કહ્યું, ‘પણ તું આવી લાલચમાં ફસાઈ જશે એવું મેં ધાર્યું નહોતું.’

‘તું મારા વિશે ખોટી માન્યતા ધરાવે છે.’ મેં કહ્યું, ‘સારા લાભ મળતાં હોય તો હું લાલચમાં ફસાઈ જાઉં એવો છું.’

‘કેમ, તને હવે કોઈ એવોર્ડની ખૂજલી લાગી છે કે?’ મિત્રે કહ્યું, ‘ઘણા મામુલી લોકોને આવતા વર્ષે એવોર્ડ મળવાના છે.’

‘એ રીતે તો હું એવોર્ડ માટે વધુ લાયક છું,’ મેં કહ્યું, ‘મારા જેવો મામુલી માણસ શોધ્યો નહીં જડે.’

‘આ મજાકની વાત નથી.’ મિત્રે કહ્યું, ‘મોદીના કારણે દેશ માથે કેટલું જોખમ છે એનો વિચાર કર અને એમની વિરુદ્ધમાં લખીને પત્રકાર તરીકેની તારી જવાબદારી નિભાવ.’

મિત્રની વાતની મેં અવગણના કરી અને વિચાર્યું કે પત્રકારો જો આવી છાવણીઓ છોડીને તટસ્થ બનવાનું નક્કી કરે તો દેશ સામેનું જોખમ વધુ ઘટશે. આખરે તો બ્રાન્ડિંગ કોઈ ચીજને શોભે, પત્રકારને નહીં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.