સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ લેવાનો કસદાર ધંધો
પત્રકારત્વમાં સેલિબ્રિટીઝના એટલે કે વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ લેવાની દુર્ઘટનાઓનો પણ સમાવેશ થઇ જાય છે, પરંતુ દરેક ઇન્ટરવ્યુ પત્રકારત્વનો હિસ્સો નથી હોતો. હકીકતમાં અખબારો તથા મેગેઝિનોમાં છપાતાં કે ન્યુઝ ચેનલો પર લેવાતા મોટા ભાગના ઇન્ટરવ્યુ જર્નાલિઝમ નહીં, પરંતુ જર્નાલિઝમના નામ પર કલંક જેવા હોય છે. પત્રકારત્વ વાચકને કંઇક નવી જાણકારી આપવા માટે કે કોઇ ઘટનાક્રમને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજાવવા માટે થતું હોય છે. બહુ જ ઓછા કિસ્સામાં સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ આ કસોટીમાં પાર પડતા હોય છે. બાકી તો મોટા ભાગનામાં ફક્ત ચમચાગીરી જ હોય છે.
પહેલાના સમયમાં જાહેર માધ્યમો આટલા વિકસ્યા નહોતા ત્યારે જાણીતી હસ્તીઓ વિશે લોકોને જાણકારી મેળવવાની ઉત્સુકતા રહેતી, હવે એવું ખાસ કંઇ રહ્યું નથી, કારણ કે હવે લોકો પાસે બીજી અનેક રસપ્રદ બાબતો આવી ગઇ છે એટલે કોઇ ઉદ્યોગપતિ, કલાકાર કે લેખકને કયું શાક ભાવે છે એ જાણવામાં કોઇને રસ નથી હોતો. હા, જે વ્યક્તિ વિશેષ કોઇ મોટા વિવાદમાં હોય, ભૂગર્ભમાં ચાલી ગઇ હોય, વિદેશ ભાગી ગઇ હોય એવી વ્યક્તિનો ઇન્ટરવ્યુ જરૂર રસપ્રદ બની શકે. દાયકાઓ પહેલા શીલા ભટ્ટ દુબઇ જઇને દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યુ લઇ આવ્યા હતા એ જર્નાલિઝમ હતું. કેટલાક ત્રાસવાદી કે ક્રાન્તિકારી નેતાઓના ઇવ્ટરવ્યુ લેનાર પત્રકારને પણ શાબાશી આપવી પડે, કારણ કે આવી વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુની એક ખાસ ઉપયોગિતા હોય છે. ઇન્ટરવ્યુમાં એમની માનસિકતા કોઇને કોઇ રીતે છતી થતી હોય છે. વીરપ્પનનો ઇન્ટરવ્યુ પણ આવું જ સ્કૂપ હતું અને કદાચ એને પકડવામાં મદદરૂપ થયો હતો. ઇન્ટરવ્યુ એવી વ્યક્તિનો લેવો જોઇએ, જે ઇન્ટરવ્યુ આપવા રાજી ન હોય.
આજકાલ કોઇ પણ સેલિબ્રિટિનો ઇન્ટરવ્યુ કરવાની તમે તૈયારી બતાવો તો તરત જ એને લેવા માટે સામેથી કાર મોકલે, કારણ કે ઇન્ટરવ્યુ એ પ્રસિદ્ધિ મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે સેલિબ્રિટિને પ્રસિદ્ધિ આપીને પણ તમે એની પાસેથી ઉપયોગી માહિતી કઢાવી શકો છો. જો ખરું જર્નાલિઝમ જ કરવું હોય તો સામેથી ઇન્ટરવ્યુ આપવા તૈયાર થનાર સેલિબ્રિટિઝને પણ યોગ્ય પ્રશ્નો પૂછીને પોતાનું કર્તવ્ય નિભાવી શકાય. ઇન્ટરવ્યુ શા માટે લેવામાં આવ્યો છે એ જાણવાનું મહત્ત્વનું છે. વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ દરમિયાન એમને કયા પ્રશ્નો પૂછવામાં આવે છે એ સૌથી મહત્ત્વનું છે અને એ પ્રશ્નો દ્વારા જ નક્કી થાય છે કે આ ઇન્ટરવ્યુ જર્નાલિઝમ માટે લેવામાં આવ્યો છે કે એ વ્યક્તિની લાલમલાલ કરવા માટે લેવામાં આવ્યો છે.
કોઇ પણ ક્ષેત્રની આગળ પડતી સફળ વ્યક્તિના વિચારો, એમની કાર્યશૈલી તથા એમની ભાવિ યોજનાઓ વિશેની જાણકારી રસપ્રદ તેમ જ ઉપયોગી નીવડી શકે. જો વ્યક્તિ જાહેર જીવનના કોઇ જવાબદાર હોદ્દા પર હોય તો એમના માનસને સમજવાનું વધુ અર્થપૂર્ણ રહે. આવી વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ કઇ રીતે બહાર લાવી શકાય એની આવડત ઇન્ટરવ્યુ લેનારમાં હોવી જોઇએ.
વ્યક્તિનું સાચું વ્યક્તિત્ત્વ બહાર લાવવા માટે જેનો ઇન્ટરવ્યુ લેવાનો હોય એ વ્યક્તિને અનુકૂળ ન આવે એવા પ્રશ્નો પૂછવાની તૈયારી હોવી જોઇએ. સેલિબ્રિટીને પસંદ ન હોય એવી બાબતે હળવાશથી પૂછી શકાય કે 'તમારા વિશે લોકો આ બાબતમાં એવી વાત કરે છે...' અથવા તો 'તમારી એક છાપ એવી છે કે તમે...' આવા પ્રશ્નોના જવાબ આપતી વખતે સેલિબ્રિટિએ પોતાના મનની વાત કહેવી પડશે. આ ઉપરાંત 'તમે આમ કહો છો, પરંતુ છ મહિના પહેલા તમે આ વિશે આમ કહ્યું હતું.' એ પ્રકારના ક્રોસચેક પ્રશ્નો પણ સેલિબ્રિટીઝને સાચું બોલવા માટે ઉશ્કેરી શકે છે. આવા પ્રશ્નોના જવાબ આપવાની ટાળવાની કોશિશ થશે. ઇન્ટરવ્યુ લેનાર પર સેલિબ્રિટી ભડકી જાય એવું પણ બને. જો જવાબ આપવામાં બહુ તકલીફ પડે તો વ્યક્તિ વિશેષ ઇન્ટરવ્યુ અડધો છોડીને ઊભી થઇ જાય એવું પણ બને. જોકે ગુજરાતી પત્રકારત્વમાં ક્યારેય આવી ઘટના બની હોવાનું સાંભળ્યું નથી. આપણે ત્યાં તો પહેલીથી જ બધુ સેટ હોય છે. પોતાને કોઇ તકલીફ ન પડે એ માટે ખંધા રાજકારણીઓ ઇન્ટરવ્યુ આપતા પહેલા પત્રકાર વિશેની જાણકારી મેળવી લે છે. કેટલાક તો પહેલેથી નક્કી કરી લે છે કે અમુક બાબતો પર પ્રશ્નો નહીં પૂછવાના. અલબત્ત, એ જરા વાજબી છે. ઇન્ટરવ્યુ લેવો એટલે ફક્ત ખણખોદ જ કરવી એવું નથી. જો કોઇ સેલિબ્રિટી પોતાની અમુક અંગત બાબતો વિશે જાહેરમાં ચર્ચા કરવા ન માગતી હોય તો એ માટેનો આગ્રહ છોડી શકાય, પરંતુ એનો અર્થ એ પણ નથી કે આવી વ્યક્તિ વિશેષ જાહેર માધ્યમનો લાભ લઇને ફેવરેબલ ઇન્ટરવ્યુ લેવડાવે.
ઇન્ટરવ્યુ કઇ જગ્યાએ લેવામાં આવે છે વાતનું પણ એક મહત્ત્વ છે. આદર્શ તો એ કહેવાય કે સેલિબ્રિટીનો ઇન્ટરવ્યુ અખબારની ઓફિસમાં, એના કોન્ફરન્સ રૂમમાં અથવા તો બહાર કોઇ હોટલમાં લેવાય, પરંતુ આપણે ત્યાં મોટા ભાગના ઇન્ટરવ્યુ સેલિબ્રિટીઝના નિવાસસ્થાને કે એમની ઓફિસમાં લેવાતા હોય છે. આવી વ્યવસ્થામાં ઇન્ટરવ્યુ લેનારની સારી એવી આગતાસ્વાકતા થઇ શકે છે. આવે ત્યારે વેલકમ ડ્રીન્ક, ઇન્ટરવ્યુ દરમિયાન કોઇ સ્ટાર્ટર અને ઇન્ટરવ્યુ પૂરો થયા પછી 'તમે મારા ઘરે પહેલી વાર આવ્યા છો તો જમીને જ જજો.' પાછા જતી વખતે મુલાકાતને યાદગાર બનાવવા માટે એકાદ ગિફટ પણ આપવામાં આવતી હોય છે. આ આ રીતે ખાધું પીધું ને મોજ કર્યા પછી ઇન્ટરવ્યુ લેનારે સેલિબ્રિટીના કેટલા વખાણ કરવા પડે એનો આધાર ઇન્ટરવ્યુ લેનારની પાચનશક્તિ પર નિર્ભર રહે.
સિત્તેર અને એંશીના દાયકામાં સ્ટારડસ્ટ નામનું મેગેઝિન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નંબર વન હતું, કારણ કે એમાં ફિલ્મ સ્ટાર્સની ચમચાગીરી બદલે એમના અંગત જીવનના બેવડા ધોરણો અને એમના સ્ટેટસથી વિરુદ્ધની વર્તણૂકને આ મેગેઝિનમાં એક્સપોઝ કરવામાં આવતા. એમના લફડાંલોચા અને સ્કેન્ડલ્સનો ભાંડો ફોડવામાં આવતો. મેગેઝિનની ઇમેજ એટલી ખતરનાક હતી કે મોટા મોટા સ્ટાર્સ એનાથી બચતા ફરતા. એ સમયના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આવા એક લેખને કારણે સ્ટારડસ્ટથી નારાજ થઇ ગયા. અમિતાભે સ્ટારડસ્ટના પત્રકાર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો તો સુપરસ્ટારના એ ગોલ્ડન પિરિયડમાં સ્ટારડસ્ટે એક વર્ષ સુધી અમિતાભનો બહિષ્કાર કર્યો. છેવટે અમિતાભ બચ્ચને સામેથી સમાધાન માટે હાથ લંબાવવો પડ્યો. કારણ શું? મિડીયાને સ્ટાર્સની જરૂર નથી હોતી, સ્ટાર્સને મિડીયાની જરૂર પડે છે. આજે ફિલ્મનું માર્કેટિંગ કરવા માટે રિલીઝ પહેલા ફિલ્મસ્ટાર્સ મનોરંજન ટીવીની દરેક ચેનલો ફરી વળે છે. બોટમલાઇન એ છે કે સેલિબ્રિટિઝીને, વ્યક્તિ વિશેષને પ્રસિદ્ધિની ભૂખ હોય છે અને એ માટે એમને મિડીયાની જરૂર પડતી હોય છે. આ વાત લગભગ દરકે ક્ષેત્રને લાગુ પડે છે.
આમ છતાં ભ્રષ્ટ પત્રકારત્વના મહારથીઓએ એવી ઇમેજ ઊભી કરી છે કે સેલિબ્રિટીઝ જાણે કોઇ અતિશય મહાન અને દુર્લભ જણસ હોય. આવી વ્યક્તિના ઇન્ટરવ્યુ લઇને ભ્રષ્ટ પત્રકારો એવા દાવા ઠોકતા હોય છે કે અમે મહા મહેનતે આ સેલિબ્રિટિનો ઇન્ટરવ્યુ કર્યો. હકીકત એ છે કે આજે કોઇ પણ ક્ષેત્રની આગળ પડતી વ્યક્તિએ પોતાનું સ્થાન ટકાવી રાખવા કે પોતાની પ્રગતિ માટે કે વિવાદમાં ફસાયા પછી પોતાની ઇમેજ ચકચકીત રાખવી પડતી હોય છે. આમાં મિડીયા તથા ભ્રષ્ટ પત્રકારો એમને ખાસ મદદરૂપ થતા હોય છે. એ કહેવાની જરૂર નથી કે મોટા ભાગના ઇન્ટરવ્યુ સેલિબ્રિટીઝને ફેવર કરવા માટે, એમને લાભ કરાવવા માટે જ થતાં હોય છે. આના બદલામાં સેલિબ્રિટીઝ ઇન્ટરવ્યુ લેનારને એની કિંમત પણ ચૂકવતી હોય છે. કેશમાં નહીં તો કાઇન્ડમાં.
ખરેખર તો પત્રકારત્વમાં ઇન્ટરવ્યુ લેવાનું કામ પ્રમાણમાં ઘણું સરળ હોય છે. મગજ કસીને લેખ લખવો, ઘટનાનું રિપોર્ટિંગ કરવું કે ઇવન ટ્રાન્સલેશન કરવા કરતાં સેલિબ્રિટિનો ઇન્ટરવ્યુ કરવાનું કામ વધુ સરળ છે. બે ત્રણ દાયકા પહેલા ગુજરાતી પત્રકારત્ત્વમાં સ્ત્રીઓ ઓછી હતી. એ સમયે શોખથી આ ક્ષેત્રમાં પ્રવેશેલી નવાંગતુક મહિલા પત્રકારને સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ લેવાનું કામ આપી દેવામાં આવતું. એ કોઇ સેલિબ્રિટીને મળવા જાય ત્યારે એને બેચાર તૈયાર પ્રશ્નોની યાદી પણ આપવામાં આવતી, જેથી કોઇ ટેન્શન ન રહે.
એક તો પોતાને મફતની પ્રસિદ્ધિ મળવાની હોય અને ઇન્ટરવ્યુ લેનાર મહિલા હોય એટલે સેલિબ્રિટી પણ એની આગતાસ્વાગતામાં કોઇ કમી ન રાખે. સેલિબ્રિટીને મળવાના વિચારમાત્રથી નવાંગતુક મહિલા પત્રકાર ખુશખુશાલ થઇ જતી અને જબરજસ્ત અહોભાવ સાથે ઇન્ટરવ્યુ લેવા જતી. ઇન્ટરવ્યુ દરમિયાન કેટલાક ટિપિકલ સંવાદો આ પ્રકારન રહેતાઃ
મહિલા પત્રકારઃ હું ભૂલતી ન હોઉં તો 1980મા તમને ડબ્બાડૂલ એવોર્ડ મળ્યો હતો.
સેલિબ્રિટીઃ એ મારો ત્રીજો એવોર્ડ હતો.
મહિલા પત્રકારઃ ઓહો...તમે કેટલા મહાન છો.
મહિલા પત્રકારઃ અમારા વાચકોને તમે શું સંદેશ આપશો?
સેલિબ્રિટીઃ વાચકોને હું એટલું જ કહીશ કે ખૂબ મહેનત કરો અને સાચા માર્ગ પર ચાલો.
મહિલા પત્રકારઃ ઓહો... તમે કેટલા મહાન છો.
આવા અહોભાવવળા ઇન્ટરવ્યુ આજે પણ તમને વાંચવા સાંભળવા મળે છે અને એ આપણી સૌથી મોટી કમનસીબી છે. આવા ઇન્ટરવ્યુમાં સેલિબ્રિટી તથા ઇન્ટરવ્યુ લેનાર સિવાય બીજા કોઇને ફાયદો નથી. સૌથી મોટું નુકસાન તો સંબંધીત અખબાર કે પ્રકાશનને થતું હોય છે, કારણ કે કાયદેસર એડ્વર્ટાઇઝમેન્ટ તરીકે એ પૈસા સંસ્થાને મળતા નથી અને સેલિબ્રિટીને મફતમાં પ્રસિદ્ધિ મળે છે. કેટલાક પત્રકારો તો આવા ફાલતુ ઇન્ટરવ્યુ લેવા માટે પ્રકાશન સંસ્થાના ખર્ચે બીજા શહેરોના પ્રવાસ કરે છે. પ્રકાશન સંસ્થાઓએ આવા ચમચા પત્રકારો પાસેથી બધો જ ખર્ચ વસૂલ કરવો જોઇએ એટલું જ નહીં, સેલિબ્રટીનો ઇન્ટરવ્યુ જેટલી અખબારી જગ્યામાં છપાયો એને ફૂટપટ્ટીથી માપવો જોઇએ. ત્યાર પછી પ્રવર્તમાન જાહેરખબરના દર લાગુ કરીને લેભાગુ પત્રકાર પાસેથી એ પૈસા વસૂલ કરવા જોઇએ. હવે જ્યારે તમે કોઇ સેલિબ્રિટિનો ગૂડી ગૂડી ઇન્ટરવ્યુ વાંચો ત્યારે એક જ વિચાર કરજો કે આમાં ઇન્ટરવ્યુ લેનારને કયો લાભ મળ્યો હશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર