કેશલેસ ઇકોનોમીઃ પગલી, સપને કભી સચ હોતે હૈ?
નોટબંધીની નિષ્ફળતામાં જન્મેલું કેશલેસ ઇકોનોમીનું તૂત શરૂઆતમાં ઘણાને ઇમ્પ્રેસિવ લાગ્યું હતું. સરકારની તરફેણ કરનારાને તો આ પણ એક માસ્ટરસ્ટ્રોક લાગતો હતો. અને આમ પણ ટેકનોલોજીને પ્રાધાન્ય આપતું કોઇ પણ પગલું આવકારદાયક જ લાગે. કેશલેસ ઇકોનોમીના લાભ પણ ઘણા છે, છતાં પ્લાનિંગ વગરનો કોઇ પણ પ્રોજેક્ટ પિટાઇ જાય એવી જ દશા કેશલેસ ઇકોનોમીના વિચારની થવાની છે. આ દેશમાં કેશલેસ ઇકોનોમીનાં સપનાં તો જોઇ શકાય પણ હિન્દી ફિલ્મની ભાષામાં કહીએ તો અરે પગલી, સપને કભી સચ હોતે હૈ ક્યા?
કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ અને ડિજિટલ ઇકોનોમીમાં મુખ્યત્વ ત્રણ પાર્ટી હોય છે. એક, કસ્ટમર પોતે, બે વેન્ડર અથવા વેચનાર એટલે કે જેની પાસેથી કેશલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા કોઇ ચીજવસ્તુ ખરીદવાની છે એ અને ત્રણ, બેન્ક, જે કસ્ટમર તથા વેન્ડર વચ્ચેના નાણાંકીય વહેવારની પ્રક્રિયા કરી આપે. આ ત્રણેય પાર્ટીને અલગ અલગ રીતે સમજ્યા પછી મુખ્ય મુદ્દો સરળ બનશે.
સૌથી પહેલાં તો વેન્ડર એટલે કે વેપારી અથવા દુકાનદારની વાત કરીએ. દુકાનદારે પોતાનો માલ કસ્ટમરને વેચવાનો હોય છે અને એ માલ એ કેશમાં વેચે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા એનાથી એને કશો ફરક ન પડવો જોઇએ, પરંતુ એને ફરક પડે છે. પહેલું તો કેશ ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા તત્કાળ એના હાથમાં આવી જાય છે અને એનો એ તત્કાળ ઉપયોગ કરી શકે છે, જ્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં પ્રોસેસ થોડી લાંબી થઇ જાય છે. વેન્ડરને બીજો ગેરફાયદો એ થાય છે કે પોતે કેટલામાં માલ વેચ્યો, એનું કુલ ટર્નઓવર કેટલું થયું વગેરેની માહિતી હવે બેન્કની પાસે આવી જાય છે એટલે કરવેરાની બાબતે એની પાસે કોઇ છટકબારી નથી રહેતી. કાચાં અને પાકાં બિલ બનાવવાની એની સુવિધા છિનવાઇ જાય છે. દેશભક્તિની દૃષ્ટિએ આ સારું છે, પરંતુ વહેવારમાં એની કેટલીક મુશ્કેલીઓ છે. આ દેશમાં પ્રામાણિકપણે ધંધો કરનારે પણ બીજા અનેક વધારાના ખર્ચા કરવા પડતા હોય છે, જે એને કરવેરામાં બાદ ન મળી શકે. જેમ કે રાત્રે મોડે સુધી દુકાન ખુલ્લી રાખવી અથવા મહોલ્લાના ગુંડાત્ત્વોની લુખ્ખાગીરીથી બચવા માટે વેન્ડર સ્થાનિક પોલીસને હપ્તા ચુકવતો હોય અથવા અમુક ચીજવસ્તુઓ મફતમાં આપતો હોય. જો બધો વહેવાર કેશમાં થતો હોય તો વેન્ડરને આ બધુ એટજસ્ટ કરવામાં સરળતા રહે, પરંતુ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં એને તકલીફ પડે. કરવેરા ચુકાવવાની તકલીફ એ કંઇ તકલીફ ન કહેવાય છતાં, મુદ્દો એ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન કોઇ દુકાનદાર કે વેન્ડર સાચા મનથી પસંદ ન કરે અને સમય આવ્યે એનો વિરોધ કરશે.
કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં બીજી પાર્ટી છે બેન્કની. હવે આ બેન્ક એક મોટી માયા છે એટલે એને મૂળથી જાણવી પડે. બેન્ક એટલે શું અને એ ક્યાંથી અસ્તિત્વમાં આવી? આમ તો બેન્કનો વહેવાર સદીઓથી થતો આવ્યો છે. બેન્કની મૂળભૂત કામગીરી એટલે થાપણો સ્વીકારવી અને ધિરાણ ધરવું. એટલે બેન્કના વિચાર પહેલા થાપણનો વિચાર આવે. થાપણ એટલે ડિપોઝિટ. જીવન ગુજરાણનો ખર્ચ કાઢ્યા પછી માણસ પાસે જે પૈસા બચે એ બચત માણસ ભાવિની સલામતી માટે રાખતો હોય છે, પરંતુ બચતની રકમ એમ જ પડી રહે તો એમાંથી કશું ઉપજતું નથી, પરંતુ જો એ બચતની રકમને થાપણ તરીકે મૂકવામાં આવે તો એના પર વ્યાજ મળે અને એમાંથી આવક ઊભી થાય. આપણા દેશમાં શાહુકારો આવી થાપણો રાખવાનું કામ કરતા હતા. અઢારમી સદીમાં લંડનના સોનીઓ મોટી મોટી તિજારીઓ ધરાવતા હતા. આથી વેપારીઓ પોતાની પાસેની પાસેનું વધારાનું સોનુ આવા સોનીની તિજોરીમાં સલામતી માટે રાખતા અને એ માટેની ફી પણ ચુકવતા. ધીમે ધીમે આ વ્યવસ્થાનું મોડર્ન બેન્કિંગમાં રૂપાંતર થયું. લોકો વધારાની બચત શાહુકારો અથવા તો બેન્ક તરીકે ઊભી થયેલી કંપનીઓમાં રાખવા માંડ્યા. સોના પર કોઇ વ્યાજ ત્યારે મળતું નહોતું, પરંતુ પૈસા પર વ્યાજ મળવાનું શરૂ થયું, કારણ કે થાપણ મૂકનારના પૈસા બેન્કે વધુ વ્યાજ સાથે ધિરાણ તરીકે અન્ય લોકોને આપવાનું શરૂ કર્યું. થાપણ મૂકનારના પૈસા વધુ વ્યાજે ધિરાણ કરીને કમાણી કરવી એ બેન્કનો મુખ્ય વ્યવસાય.
પછી તો બેન્કના વ્યવસાયનો વિકાસ થયો અને બેન્કે અન્ય પ્રકારની સેવાઓ આપવાનું શરૂ કર્યું. આમાં પેમેન્ટના એજન્ટ તરીકે કામ કરવું, પૈસા એક સ્થળેથી બીજે ટ્રાન્સફર કરવા, ઇક્વિટિ કેપિટલ ઊભું કરવામાં મદદરૂપ થવું વગેરે જેવી સેવાઓનો મોડર્ન બેન્કીંગમાં સમાવેશ થઇ જાય છે. ભારતમાં 1969મા ઇન્દિરા ગાંધીએ 14 મોટી કમર્શિયલ બેન્કનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું. 1980મા બીજી છ કમર્શિયલ બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું. ત્યાર પછી નેવુંના દાયકામાં આર્થિક સુધારા શરૂ થયા અને ખાનગી બેન્કોને પરવાના આપવામાં આવ્યા. નવી પ્રાઇવેટ બેન્કો ન્યુ જનરેશન ટેક સાવી બેન્કો તરીકે ઓળખાવા લાગી હતી. ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક આવી સૌથી પહેલી બેન્ક હતી. ત્યાર પછી આપણી પ્યારી એક્સિસ બેન્ક (જેનું એ સમયે નામ હતું યુટીઆઇ બેન્ક), આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક અસ્તિત્વમાં આવી. ખાનગી બેન્કો માટે નિયમો હળવા બનાવવામાં આવ્યા અને વિદેશી રોકાણનું પ્રમાણ વધારવાની છૂટ આપવામાં આવી. એક તરફ દેશનું અર્થતંત્ર મજબૂત બનતું ગયું અને બીજી તરફ બેન્કો પોતાની સેવાના પ્રકારોમાં ઉમેરા કરતી ગઇ. રિટેલ બેન્કીંગ, મોર્ગેજ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગની સુવિધાઓ શરૂ થઇ.
2013ના આંકડા પ્રમાણે ભારતની બેન્કોમાં 11,75,149 કર્મચારીઓ કામ કરતા હતા અને કુલ 1,09,811 શાખાઓ કાર્યરત હતી. નાણાંકીય વર્ષ 2012-13મા ભારતમાં કાર્યરત બેન્કોએ 140 અબજ અમેરિકી ડોલર જેટલું ટર્નઓવર કર્યું હતું અને એમાંથી 15 અબજ ડોલરની કમાણી કરી હતી. તો મૂળ મુદ્દો આ છે. બેન્કો એ વ્યાવસાયિક સેવાઓ આપતી સંસ્થા છે, કોઇ એનજીઓ નથી. આથી તમે જ્યારે પણ બેન્કની સેવા લો ત્યારે તમારે એની સેવા માટેની ફી ચુકવવી જ પડે. કેશલેસ ઇકોનોમીની વાતમાં આ મુદ્દો વિસરાઇ ગયો છે.
અલબત્ત, તમે જ્યારે બેન્કના સેવિંગ એકાઉન્ટમાં તમારા પૈસા રાખો છો ત્યારે એના માટે તમારે કોઇ ફી નથી ચુકવવી પડતી, ઊલટું, તમને થોડુંઘણું વ્યાજ મળે છે. કારણ એ કે બેન્કોની મુખ્ય આવક ખાતેદારોના પૈસાની ડિપોઝિટ લઇને અન્ય લોકોને વધુ વ્યાજે એનું ધિરાણ આપવામાંથી થાય છે. સેવિંગ એકાઉન્ટમાં તમે ભલે તમારા પૈસા ગમે ત્યારે ઊપાડી શકો, પરંતુ હજારો અને લાખ્ખો ખાતેદારોની અમુક રકમ તો બેન્કમાં પડી જ રહેતી હોય છે. આ ઉપરાંત અમુક મિનિમમ બેલેન્સ રાખવાના નિયમ પણ હોય છે. આ રીતે બેન્કમાં કરોડો રૂપિયાની રકમ નિશ્ચિત વ્યાજની જવાબદારી વિના પડી રહેતી હોય છે. બેન્ક આ રકમનું વધુ વ્યાજે ધિરાણ ધરતી હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી બેન્કોની સેવાઓનો વ્યાપ વધ્યો છે અને લગભગ દરેક સેવા માટે સારો એવો ચાર્જ લેવામાં આવે છે. તાજેતરમાં પેટ્રોલ પંપવાળાસાથે બેન્કોની જે મગજમારી થઇ એના મૂળમાં આ ફીનો મુદ્દો જ છે. બેન્કો કહે છે કે અમે કોઇ પણ પ્રકારની સેવા ફી લીધા વિના શા માટે કરીએ?
કેશલેસ ટ્રાન્ઝેક્શનની છેલ્લી પાર્ટી એટલે કે કસ્ટમર ઉર્ફે ગ્રાહકની વાત પર હવે આવીએ. મૂળભૂત રીતે કોઇ પણ ગ્રાહકને બેન્કની જરૂર ત્યારે જ પડે જ્યારે એની પાસે વધારાની બચત હોય. રોજના પચાસ રૂપિયા કમાતા ગામડાંના ખેતમજૂર કે રોજના દોઢ સો રૂપિયા કમાતા શહેરી નીચલા મધ્યમ વર્ગને બેન્કની કોઇ જરૂર નથી, કારણ કે એની કમાણીમાંથી એના પરિવારનું ભરણપોષણ જ માંડ માંડ થતું હોય છે. આવા ગરીબો પાસે કોઇ બચત નથી થતી એટલે ટેકનિકલી એમને બેન્કનો દરવાજો જોવાની જ જરૂર નથી.
મજાની વાત એ છે કે વડા પ્રધાને જેમની સલાહ માનીને નોટબંધીનો નિર્ણય લીધો હોવાનું મનાય છે એ અનિલ બોકલીએ આંકડા આપીને એમને એવું સમજાવ્યું હતું કે ભારતમાં રોજના 800 લાખ કરોડ રૂપિયાના સરેરાશ 2.7 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, જેમાંના ફક્ત 20 બેન્ક મારફતે થાય છે. 70 ટકા લોકો રોજના વીસ રૂપિયા જ ખર્ચે છે. બોકલીએ એવું પણ સજેસ્ટ કર્યું કે આથી જો બધો જ વહેવાર બેન્કો દ્વારા કરવામાં આવે તો મોટી નોટોની જરૂર જ નહીં રહે. અહીં કવિ નરેન્દ્ર મોદી અને કવિ અનિલ બોકલી બન્ને ગોથાં ખાતાં નજર પડે છે. બોકલીના કહેવા પ્રમાણે જો ભારતના 70 ટકા લોકો રોજના ફક્ત વીસ જ રૂપિયા ખર્ચતા હોય તો એને બેન્ક તરફ લઇ જવાની શી જરૂર છે. બોકલી તો જાણતા જ હશે કે બેન્ક કોઇ સેવા મફતમાં નથી આપવાની. તો પછી ગરીબ લોકોને વિના કારણ બેન્ક સુધી લાંબા કરવા પાછળનો તર્ક શો છે?
હવેની બેન્કો કંઇ પરંપરાગત બેન્કો જેવી નથી રહી. એ અનેક સેવાઓ આપતી થઇ છે અને એ માટે મોટા ચાર્જીસ લગાવે છે. આ ઉપરાંત બેન્કોએ લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવા માટે કરોડોના ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તેમ જ ઓફિસની જગ્યાઓ ખરીદવા માટે જંગી રકમો ખર્ચી છે. આટલો ખર્ચ કરીને મફતમાં સેવા આપવા જેટલી દેશભક્તિ બેન્કો ક્યારેય નહીં બતાવી શકે.
ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા ઓછી છે અને એ વધારવાની વાતો બહુ થાય છે, પરંતુ હકીકતમાં ગ્રામીણ ભારતના લોકો તેમ જ શહેરી નીચલા મધ્યમ વર્ગના લોકો બેન્કીંગની સુવિધા લેવા માટે સજ્જ બને એટલા સદ્ધર એમને બનાવવાની જરૂર પહેલી છે. ગરીબો માટે વડા પ્રધાને એક ઝાટકે દોઢ કરોડ જેટલા જનધન એકાઉન્ટ્સ ખોલી આપ્યા, પણ એનું પરીણામ શું આવ્યું? નોટબંધીને પરીણામે શ્રીમંત લોકોએ પોતાના બ્લેક મની વ્હાઇટ કરવા માટે એમના ખાતાંનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ત્યાં સુધી જનધન ખાતાં એમના એમ પડ્યા રહ્યા હતા. ગરીબોને બેન્ક સાથે દૂર દૂરનો કોઇ સંબંધ નથી.
એકંદરે ભારતના ગરીબો માટે બેન્કીંગ સેવા આવશ્યક નથી અને કેશલેસ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ તથા ડિજિટલ ઇકોનોમી એ મોટી લક્ઝરી છે. જેનો રોજબરોજનો વહેવાર બેન્કો મારફતે થાય છે એમને જ ડિજિટલ ઇકોનોમી પરવડે. બાકી રોજનું કમાઇને રોજનું ખાવાવાળાને ફી સાથેની કોઇ જ બેન્ક સેવા પરવડે એમ નથી.
કરુણાની વાત એ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શ માટે ઇન્ટરનેટની સેવા આપતો એક સ્માર્ટ ફોન જરૂરી છે અને એનો ખર્ચ કરવાની ક્ષમતા પણ ગ્રામીણ ભારતના એક સરેરાશ માણસ પાસે નથી. તો પછી શા માટે એના પર બેન્કીંગ વહેવારનો બોજ નાંખવો જોઇએ
મૂળ મુદ્દો એ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ પર શું બેન્કોને ફી લીધા વિના દેશભક્તિ કરવાની ફરજ પાડી શકાય? કે પછી આ ફીનો ખર્ચ સરકાર પોતે ઊપાડશે? જો સરકાર એવું પગલું ભરે તો સરકારી તિજોરી પર મોટો બોજ આવી જાય. બરોબરના ફસાયા છીએ. એક વાત તો નક્કી જ છે કે સંપૂર્ણ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સનું સપનું ક્યારેય સાકાર નહીં થાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર