ઉત્સવોની ઉજવણીઃ પહેલા અને હવે

21 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

ઓગસ્ટ મહિનો એટલે તહેવારોના દિવસોની શરૂઆત. ઉત્સવો ઓગસ્ટથી શરૂ થઈને છેક નવેમ્બર ડિસેમ્બર સુધી ચાલે. અત્યારે ઉત્સવોની સિઝન ભરપૂર ખીલી છે. જન્માષ્ટમી અને પર્યુષણ પૂરા થયા, ગણેશોત્સવ શરૂ થયો. પછી નવરાત્રી અને દિવાળી આવશે. આપણે ઉત્સવપ્રેમી પ્રજા છીએ એટલે ઉત્સવોની ઉજવણી ઉત્સાહથી થતી રહે છે. આમ છતાં હવે દરેક વાતમાં ફરક પડ્યો છે. ખાસ તો ઉત્સવ સમયે દેખાતા કેટલાક ચહેરા બદલાયા છે. મને આ વાત વધુ ઈન્ટરેસ્ટિંગ લાગે છે. અગાઉના સમયમાં ઉત્સવ સમયે અમુક ખાસ પ્રકારના માણસો દેખાતા. આજે એમનું સ્થાન બીજા કોઈકે લઈ લીધું છે.

પહેલા નવાં કપડાં ફક્ત દિવાળી સમયે જ સીવડાવવાનો રિવાજ હતો. અથવા તો ઘરમાં લગ્નપ્રસંગ હોય ત્યારે ઘરમાં સૌને નવાં કપડાં મળતા. કપડાંની દુકાનેથી કાપડ ખરીદવાનું અને કાયમી દરજી પાસે એ સીવડાવવાના. મોટે ભાગે તો દરજી ઘરે આવતા. ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોય અને મહિનાઓ સુધી ઈન્ટિરિયરવાળા ઘરમાં રહે એમ દરજીકાકા દરરોજ ઘરે આવતા અને આખો દિવસ ઘરના લોકોના કપડાં સીવ્યા કતા.

હવે લોકો કપડાં ફક્ત ઉત્સવો કે લગ્નપ્રસંગે નથી સીવડાવતા. હવે તો સારું સેલ લાગ્યું હોય ત્યારે લોકો કપડાં ખરીદી લે છે. બેની ઉપર એક ફ્રીવાળું સેલ લાગ્યું હોય તો એને ખરીદી માટેનો ઉત્સવ જ ગણવામાં આવે છે. ઘરના લગ્નપ્રસંગે હવે એક નવો રિવાજ શરૂ થયો છે. લગ્ન માટે લોકો નવાં કપડાં ખરીદતા નથી, ભાડે લઈ લે છે. મોંઘી મોંઘી શેરવાની, સાફા, પહેરણ, ઝબ્બા બધુ ભાડેથી મળી જાય છે. વસ્ત્રો મોંઘા હોય એટલે વટ પડે, પણ ભાડાંના હોય એટલે જાણકારો બધુ જાણતા હોય. એમાં શું મજા આવે?

અગાઉ દિવાળી ટાણે બોણી એટલે કે બોનસ લેવા માટે ટપાલી દરેક ઘરની મુલાકાત લેતો અને સૌ એને ખુશીથી બક્ષિશ  આપતા. છેલ્લા કેટલાય સમયથી ટપાલો સાવ જ બંધ થઈ ગઈ છે એટલે ટપાલીઓ પણ ગાયબ છે. શુભેચ્છાઓની આપ-લે ઈમેઇલ અને એસએમએસ દ્વારા થાય છે. બાકી હોય એ ફેસબુક પર પૂરું થઈ જાય છે. જરૂરી કાગળિયાની ફિઝિકલ હેરફેર કુરિયર દ્વારા થાય છે. જોકે કુરિયરવાળા બોણી લેવા નથી આવતા એટલું સારું છે. આમ પણ કુરિયરવાળાને બક્ષિશ આપવાનું આપણને મન ઓછું થાય. ચન્દ્રકાંત બક્ષીને કુરિયવાળા પર બહુ ચીડ હતી. આપણે કંઈક મોકલવાનું હોય અને એ કુરિયર દ્વારા મોકલવાની વાત કરીએ તો એ કહી દેતા કે મહેરબાની કરીને કરિયરમાં નહીં મોકલતા. કારણ એ કે કુરિયરવાળા બપોરના સમયે જ દરવાજો ખખડાવે  અને બક્ષીબાબુને બપોરે આરામ કરવાની ટેવ હતી!

કુરિયરવાળાનો બીજો ત્રાસ એ હોય કે એ તમારી પાસે બેત્રણ જગ્યાએ સહી કરાવે અને તમારો મોબાઈલ નંબર લખાવે, તમારા જ હાથે! જોકે મેં આનો ઈલાજ શોધી કાઢ્યો છે. તમે તમારા બદલે બીજા કોઈનો નંબર લખો તો એમને ખબર ન પડે  અને વાંધો પણ ન લે. જોકે ટપાલી કે કુરિયરવાળાને બદલે માર્ક ઝુકરબર્ગને બક્ષીશ આપવી હોય આપી શકાય. પણ એને ગોતવો ક્યાં?

ગણેશોત્સવ કે નવરાત્રી જેવા ઉત્સવોમાં એક ખતરનાક માણસ હંમેશાં દેખાતો હોય છે અને એ છે વરગણી ઉઘરાવવાવાળો. પહેલાના સમયમાં શેરીમાં કે મહોલ્લામાં કોઈ જાહેર ઉત્સવનું આયોજન થવાનું હોય તો મંડળના વડીલો ઘરે આવીને પ્રેમથી આપણું યોગદાન નોંધી જતા. કોઈ આગ્રહ નહીં, કોઈ ધમકી નહીં. હવે તો મંડળની સૌથી પાવરફુલ ટોળકીના રીઢા સભ્યો ટોળાં સાથે ઘરે આવે. વરગણીની રકમ તમારી યથાશક્તિ પ્રમાણે નહીં, પણ એ લોકોએ નક્કી કરી હોય એ પ્રમાણે આપવાની. તમે આ બધામાં નથી માનતા, બહારગામ જવાના છો, તમે આપી શકો એમ નથી એવા કોઈ જ બહાના ન ચાલે. વરગણી ઉઘરાવના મુખ્યાનો પ્રભાવ એવો ખતરનાક હોય કે તમારે ચૂપચાપ નક્કી રકમ ચૂકવવી જ પડે. તમે ઉત્સવની ઉજવણીમાં શામેલ થાવ કે ન થાવ એની કોઈને ન પડી હોય. વરગણી ઉઘરાવનાર મુખ્યા ફક્ત આવા ઉત્સવો ટાણે જ દેખાય. રાજકીય નેતાની જેમ પછી ક્યારેય એના દર્શન જ ન થાય!

ઉત્સવ હોય અને નાચગાન ન હોય એવું ભાગ્યે જ બને. ઢોલનગારા વગાડવાવાળાનું સ્થાન હજુ સુધી બીજા કોઈએ લીધુ નથી. વગાડવાળા એ જ છે. એમનો જુસ્સો પણ એવો જ છે. ફક્ત એમના પોષાક બદલાયા હોય એવું લાગે. કેટલાક ઢોલનગારા વગાડનારા તમને જીન્સ કે ટીશર્ટમાં જોવા મળે ખરા. જોકે ઢોલનગારાના તાલે નાચવાવાળા લોકો બદલાયા છે. પહેલાના સમયે જાહેરમાં ભદ્ર ગણાતા ઘરના લોકો નાચતા નહોતા. હજુ હમણા સુધી યુવતીઓ કે સ્ત્રીઓ પણ જાહેરમાં નાચતી નહોતી. હવે સમય બદલાયો છે. હવે તો રસ્તાની વચ્ચોવચ ભદ્રંભદ્ર ખાનદાની લોકોના પગ પણ ઝૂમવા માંડે છે. છોકરીઓ પણ કોઈ સંક્ષોભ વગર નાચતી જોવા મળે છે. જોકે આમાં આપણને કંઈ વાંધો નથી. આ તો વાતની જરા નોંધ લેવી પડે એટલે લખ્યું.

પહેલા ઉત્સવોના સમયે સર્વજ્ઞાની મામા કે ભાભુનું મહત્ત્વ વધી જતું. કઈ વિધિમાં શું કરાય અને શું ન કરાય એની બધી જાણકારી આ મામા કે ભાભુને હોય. એમની ઓથોરિટીને પડકારવાની કોઈનામાં હિંમત ન હોય. જો કોઈ જુવાનિયો એમને પડકારે તો બધા વડીલો ભેગા થઈને એને ચૂપ કરી દેતા. દોઢડાહ્યો ન થા. તને ન ખબર પડે.

હજુ પણ આવા મામા કે ભાભુનું અસ્તિત્વ ટક્યું છે, પણ એમનું મહત્ત્વ પહેલા જેવું નથી રહ્યું. જરૂર પડે તો એમની સલાહ લેવામાં આવે છે, પણ એમના સૂચનો જો પ્રેક્ટિકલ ન લાગે તો એ ઊડાવી દેવામાં આવે છે. મામા અને ભાભુ પણ બિચારા કોઈ ખાસ દુરાગ્રહ નથી રાખતા. એમને પણ ખબર છે કે અત્યાર સુધી બહુ ચલાવ્યું, હવે નહીં ચાલે.

પહેલાના ઉત્સવોમાં હવે કેટલાક નવાં ઉત્સવોનો ઉમેરો થયો છે. જેમ કે વેલેન્ટાઈન્સ ડે પહેલા નહોતો ઉજવાતો, પણ હવે એ એક મોટા ઉત્સવની જેમ ઉજવાય છે. લગ્નના વીસ વર્ષ પૂરા થયા હોય અને નજીકમાં ફેબ્રુઆરી મહિનો આવતો હોય તો મેરેજ એનિવર્સરીની ઉજવણી વેલેન્ટાઈન્સ ડેના રોજ થઈ જાય. કંઈ નહીં તો છોકરાઓ બધુ ગોઠવી આપે. વેલેન્ટાઈન્સ ડેની સાથે જ કેક અને ડીજે પણ આવી ગયા. કોઈ કોઈ તો વધુ પડતા ઉત્સાહમાં માથે કચકડાંની કેપ પણ પહેરે છે અને છોકરાઓ પિપૂડી પણ વગાડે છે. આમાં આપણને કોઈ વાંધો નથી, પણ મોરલ પોલીસને આ બધુ પસંદ નથી હોતું. હવેના આધુનિક ઉત્સવોની ઉજવણી પર નજર રાખવાવાળા મોરલ પોલીસની એક નવી જમાત ઊભી થઈ છે.

જોકે ગુજરાતીઓની એક લાક્ષણિકતા આપણને ગમે છે. પૈસાની વાત આવે ત્યારે તેઓ કોઈ સમાધાન નથી કરતાં. એમાં કોઈ ભેળસેળ કે ઉતાવળ નહીં.

ધનતેરસના દિવસે થતાં પારંપરિક ચોપડાપૂજનમાં ભાગ્યે જ કોઈ પરિવર્તન આવ્યું છે. ચોપડાંના બદલે ભલે કમ્પ્યુટર્સ કે ફાઈલોનું પૂજન થાય, પણ એમાં જે વિધિ કરવી પડે એ કરવાની જ. ભાગ્યે જ કોઈ એવો વેપારી હશે, જે દિવાળી ટાણે ચોપડાપૂજન ન કરતો હોય.

ઉત્સવો આવતા રહેશે અને એની ઉજવણીમાં પરિવર્તન પણ આવતા રહેશે, પરંતુ ઉત્સવો માટેનો આપણો જુસ્સો ક્યારેય ઠંડો નહીં પડે. કારણ કે આપણે ઉત્સવપ્રેમી પ્રજા છીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.