સેન્સરશીપ હવે સેન્સલેસ બની ગઇ છે
ત્રાસવાદીઓ ક્યારે ત્રાટકશે એની દહેશત દેશવાસીઓના મનમાં કાયમ રહેતી હોય છે. બોલિવુડના ફિલ્મ સર્જકોનાં મનમાં પહલાજ નિહલાની ક્યારે ત્રાટકશે એની દહેશત કાયમ રહેતી હોય છે. પહલાજ નિહલાની કોઇ ત્રાસવાદી નથી, છતાં સેન્સર બોર્ડના ચેરમેન તરીકે એમની પાસે એવી સત્તા છે કે તેઓ ગમે એ ફિલ્મનો ડબ્બો કરી શકે છે. આ વખતે ફરી તેઓ ત્રાટક્યા છે. લિપસ્ટિક અંડર માય બુરખા (લિપસ્ટિકવાલે સપને) નામની એક ફિલ્મ રિલીઝ કરવાનો સેન્સર બોર્ડે ઇનકાર કરી દીધો છે અને ફરી વિવાદ જાગ્યો છે. પહલાજ નિહલાનીની સમસ્યા એ છે કે ફિલ્મ સેન્સર કર્યા પછી તેઓ એ વિશે જે કંઇ બોલે છે એ એટલું બધુ વાંધાજનક હોય છે કે એને સેન્સર કરવાવાળું કોઇ નથી. એઝ યુઝવલ પહલાજ નિહલાનીની વાતમાં ન કોઇ તર્ક હોય છે કે ન સેન્સ.
હવે આ લિપસ્ટિકવાલે સપને ફિલ્મ ભારતમાં રિલીઝ થઇ એ પહેલા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં રજૂ થઇ ચૂકી છે અને એને કેટલાક એવોર્ડ્સ મળી ચૂક્યા છે. આના કારણે બૌદ્ધિકોના એક વર્ગે તો મનોમન નક્કી કરી લીધું કે આ ફિલ્મ એકદમ કળાત્મક અને ઉત્કૃષ્ઠ હશે. આથી સેન્સર બોર્ડે એને રિલીઝ કરવાની મંજૂરી ન આપી એટલે આ વર્ગ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો ઝંડો લઇને તરત જ વિરોધ કરવા નીકળી પડશે. ફિલ્મ જોયા વિના એની ગુણવત્તા વિશે ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી, પરંતુ આ સેન્સર બોર્ડ નામની બલાનું કંઇક કરવું જોઇએ.
સેન્સર બોર્ડની રચના અને એની કાર્યશૈલીમાં અનેક કૌભાંડો સમાયેલા છે. સૌથી પહેલું તો ફિલ્મનું ખરું મૂલ્યાંકન કરી શકે એવા સભ્યોને સેન્સર બોર્ડમાં રાખવાનો પહેલેથી કોઇ રિવાજ નથી. આથી પહલાજ નિહલાની જેવા માણસો પોતાની રીતે સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી માથે લઇ લે છે. બીજું, સેન્સર બોર્ડના સભ્યોને લાંચ આપીને મનગમતાં સર્ટિફિટેક્સ લેવાની તથા પોતાની ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવાની ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. ત્રીજું, આ બોર્ડની રચનામાં હંમેશાં રાજકારણ રમાતું રહ્યું છે. કેન્દ્રમાં જે પક્ષની સરકાર બને એ પક્ષ પોતાના માણસને સેન્સર બોર્ડનો ચેરમેન બનાવે છે. આ પહલાજ નિહલાની આવું જ એક મોટી ઉંમરે ખીલેલું કમળનું ફૂલ છે.
સેન્સર બોર્ડની રચના થઇ ત્યારથી એણે અનેક વિવાદો ઊભા કર્યા છે. ભારતની પહેલી હિન્દી ફિલ્મ 1913મા રજૂ થઇ હતી અને 1920મા ઇન્ડિયન સિનેમેટોગ્રાફી એક્ટ પાસ થયો. એ અનુસાર મુંબઇ, કલકત્તા, મદ્રાસ વગેરે જેવા શહેરોમાં સેન્સર બોર્ડો બનાવવામાં આવ્યા. આ દરેક સેન્સર બોર્ડ સંબંધીત શહેરના પોલીસ વડાના હાથ નીચે કામ કરતા હતા. આઝાદી પછી સિનેમેટોગ્રાફી એક્ટ 1952 હેઠળ વિવિધ શહેરોના અલગ અલગ બોર્ડ્સને બોમ્બે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સ નામના એક છત્ર હેઠળ લાવવામાં આવ્યા. ત્યાર બાદ 1983મા સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધારા કરવામાં આવ્યા અને સેન્સર બોર્ડનું નવું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પડ્યું.
બસ, ત્યારથી સેન્સર બોર્ડ ફિલ્મને જાહેરમાં રિલીઝ કરવાની પરવાનગી આપતાં પહેલા એને સર્ટિફિકેટ્સ આપવાનું કામ કરે છે. મુખ્યત્વે સેક્સ અને હિંસાના દૃશ્યોના આધાર પર 'એ', 'યુ' અને 'એયુ' સર્ટિફિકેટ્સ તો અપાય જ છે, કોઇ ખાસ વર્ગ માટે જ પ્રદર્શિત કરવા માટેની ફિલ્મને 'એસ' સર્ટિફિકેટ પણ અપાય છે.
હવે સેન્સર બોર્ડ ક્યા માપદંડના આધારે સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે એક મોટી માથાકૂટનો વિષય છે. સંસ્કૃતિની રક્ષા કરવાનું બહાનું આગળ કરીને બોર્ડ ગમે એ ફિલ્મ સામે વાંધા ઊઠાવી શકે છે. સેક્સ અને ઇરોટિક દૃશ્યો વચ્ચેનો ફર્ક સમજાવવાનું કામ સરળ નથી. નગ્નતા અને કળાના દૃશ્યોને પણ અલગ પાડવાનું સહેલું નથી. સેન્સર બોર્ડ ક્યારેક ચૂંબનના દૃશ્યો કાપી નાંખે છે અને ફોરપ્લેના ખતરનાક દૃશ્યો મંજૂર કરે છે. ટૂંકમાં બધુ જ સબ્જેક્ટિવ છે એટલે બોર્ડના સભ્યોની મનમાની ચાલે છે.
ખરેખર સેન્સર બોર્ડે કઇ માર્ગદર્શિકા હેઠળ કામ કરવું જોઇએ? શું સંસ્કૃતિ વિશેની માન્યતા અને એની કહેવાતી રક્ષા હેઠળ કોઇ ફિલ્મની રિલીઝને અટકાવી શકાય ખરી? પ્રોબ્લેમ એ છે કે સેન્સર બોર્ડને શું વાંધાજનક લાગશે અને શું નહીં લાગે એની કોઇને ખબર નથી. આથી જ બોર્ડની કાતર નામની આફત ક્યારે અને કઇ રીતે ત્રાકટકશે એનો કોઇ ફિલ્મ મેકરને અંદાજ નથી હોતો. મૂળ પ્રશ્ન એ છે કે જાહેરમાં પ્રદર્શિત ન થઇ શકે એવું શું હોય છે? કઇ વાતે સેન્સર બોર્ડ ખરેખર સાબદા રહીને સામાજિક સલામતીની રક્ષા કરવી જોઇએ?
અત્યારે તો મુખ્યત્ત્વે હિંસા, સેક્સ તથા કોમી લાગણીને ધ્યાનમાં રાખીને ફિલ્મો સેન્સર કરવામાં આવે છે. કોમી લાગણીનો મુદ્દો એકદમ સાચો છે. જો કોઇ ફિલ્મમેકર કોમી ઉશ્કેરણી થાય અને વાતાવરણ બગડે એવી ફિલ્મ બનાવે તો એના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ લાદી શકાય, પરંતુ બાબત એકદમ નાજુક છે. ક્યા પ્રકારના દૃશ્યોની કેવી અસર થઇ શકે એ જજ કરવાનું બહુ મુશ્કેલ હોય છે. અને અત્યારે જે સેન્સર બોર્ડ છે એના સભ્યોનું સ્તર તો એટલી ઊંચાઇ પર પહોંચી શકે એવું નથી લાગતું. આમ છતાં આપણા દેશમાં કોમી હિંસાનો પ્રશ્ન એટલો સંવેદનશીલ છે કે એમાં કોઇ ચાન્સ ન લેવો જોઇએ એવી દલીલ ગળે ઊતરે એવી છે.
ફિલ્મ સેન્સર કરતી વખતે સેક્સ અને હિંસાના દૃશ્યો સામે વાંધો ઊઠાવવામાં આવે છે એના જેટલી વાહિયાત કોઇ વાત નથી. એક સમય હતો, જ્યારે ફિલ્મોમાં એક ચૂંબનનું દૃશ્ય પણ ચર્ચા જગાવતું અને કદાચ દર્શકો માટે પણ એમાં ઉત્તેજનાત્મક નવીનતા રહેતી. એ સમય હતો જ્યારે ટેલિવિઝન કે ઇન્ટરનેટ નહોતા. ટેલિવિઝનના આગમન પછી વિદેશી ચેનલો પર કોઇનો અંકુશ નથી રહ્યો. વિદેશી ચેનલો પરના કાર્યક્રમોમાં સેક્સ અને હિંસાના ભરપૂર દૃશ્યો હોય છે. અરે, હવે તો દેશી ચેનલોના દેશી કાર્યક્રમોમાં પણ સારી એવી છૂટ લેવામાં આવે છે.
ટેલિવિઝન તો ઠીક, ઇન્ટેરનેટને પગલે આખો સિનારિયો બદલાઇ ગયો છે. હળવા ઉત્તજેનાત્મક દૃશ્યોના સ્થાને સીધી પોર્નોગ્રાફી જ આવી ગઇ છે. જો તમે પોર્નોગ્રોફી રોકી ન શકો તો પછી સેક્સના બે-ચાર દૃશ્યો ધરાવતી ફિલ્મો સામે કઇ રીતે વાંધો લઇ શકો? પોર્નોગ્રાફીની વેબાસાઇટ્સ બેફામ જોવાય છે અને એ જો તમારે રોકવું હોય તો ઇન્ટરનેટ પર જ પ્રતિબંધ મૂકી દેવો પડે.
એક સમય હતો જ્યારે ન્યુડિટી અથવા સેક્સના દૃશ્યો ધરાવતી વિદેશી ફિલ્મો ફક્ત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં રજૂ થતી. આ ફિલ્મો જોવા માટે અનેક સામાન્ય માણસો અચાનક બૌદ્ધિક બનીને ફેસ્ટિવલમાં હાજરી આપવા સજ્જ બની જતાં. ફેસ્ટિવલ દર વર્ષે અલગ અલગ શહેરોમાં યોજાતો હોવાથી આ વિશેષ ફિલ્મ રસિયા ફિલ્મ એપ્રિશિયેશનના નામે દૂર દૂરના શહેરોમાં આઠ દસ દિવસ રહેવાની વ્યવસ્થા કરતા, ખાસ પેલી બેચાર સેક્સી ફિલ્મો જોવા માટે! બુદ્ધિશાળી ફિલ્મ રસિક હોવાનો દેખાવ કરવાનો હોય એટલે આ ફિલ્મ રસિયા સેક્સી ફિલ્મો સાથેની અન્ય ફેસ્ટિવલની બોરિંગ ફિલ્મો પણ જોઇ નાંખતા. હવે આ દંભ કરવાની જરૂર નથી પડતી. દરેક પ્રકારની આંતરરાષ્ટ્રીય ક્લાસિક ફિલ્મો તેમ જ સેક્સી ફિલ્મો ઇન્ટરનેટ પર ઘેર બેઠા, મફતમાં જોઇ શકાય છે.
સેક્સ અને હિંસાને બાજુ પર રાખીને સેન્સર બોર્ડના સભ્યોએ હકીકતમાં બીજા કેટલાય પાસાંને ધ્યાનમાં રાખવાની જરૂર છે. યુવાનો ફિલ્મોનું અનુકરણ કરે છે એ એક હકીકત છે એટલે એમના માનસ પર ખોટી છાપ ઊભી કરતાં દૃશ્યો પર કાતર ચલાવવાનું વધુ જરૂરી છે. જેમ કે હિન્દી ફિલ્મોમાં પ્રોફેસરો કે હેડ માસ્ટરોની ગંદી મજાક કરવી, એમને હેરાન કરવા વગેરે જેવા દૃશ્યો કોમેડી તરીકે વર્ષોથી આવતા હોય છે. મને આ દૃશ્યો વાંધાજનક લાગે છે. અલબત્ત, કોઇ પણ પ્રકારની સેન્સરશીપ જરૂરી નથી હોતી, પરંતુ જો ફિલ્મોના કોઇ દૃશ્યો સામે વાંધો ઊઠાવવો હોય તો આવા દૃશ્યો સામે ઊઠાવો.
સેન્સર બોર્ડના વિવાદની સમસ્યાના મૂળમાં એની સત્તા છે. સેન્સર બોર્ડને ફકત ફિલ્મ સર્ટિફિકેટ આપવાની જવાબદારી સોંપવી જોઇએ. ફિલ્મને રિલીઝ થતી અટકાવવાની સત્તા એની પાસે ન હોવી જોઇએ. સેન્સર બોર્ડને કોઇ ફિલ્મ વાંધાજનક લાગે તો એ ફિલ્મને એ પ્રકારનું સર્ટિફિકેટ આપી દે પછી એનું કામ પૂરું થઇ જવું જોઇએ. પછી ભલે ફિલ્મ રિલીઝ થતી. એ જોવી કે ન જોવી એ દર્શકોને નક્કી કરવા દો. અલબત્ત, આ વિચાર અત્યારે ડરામણો લાગે, પરંતુ હકીકતમાં એનાથી કોઇ નુકસાન નહીં થાય. સેક્સ, હિંસા કે ઇવન કોઇ સંવેદનશીલ બાબતો ને તમે વધુ મહત્ત્વ ન આપો, એને પડતી મૂકો તો એના પર ખાસ વિવાદ થતો નથી. સેન્સર બોર્ડ ફિલ્મ પર કાતર ચલાવે એટલે એના વિવાદ થાય છે અને અનેક કિસ્સામાં ફિલ્મને પબ્લિસિટી તથા સફળતા મળે છે.
નવી રિલીઝ થતી ફિલ્મ જોવા માટે દર્શકોએ ખાસ થિયેટરમાં જવું પડે છે. આથી દર્શકો પોતાની મરજીથી જ એ ફિલ્મ જોવા જશે. એમને ફક્ત એટલી જ જાણકારી આપવાની જરૂર છે કે સેન્સર બોર્ડે ફિલ્મને ફલાણું કે ઢીંકણું સર્ટિફિકેટ આપ્યું છે. જો બધી ફિલ્મો કોઇ કટ વિના, છૂટથી રિલીઝ થવા માંડશે તો ફિલ્મોમાં વાંધાજનક દશ્યોનું મહત્ત્વ જ ખતમ થઇ જશે. વાંધાજનક તો ટેલિવિઝનમાં અને સોશિયલ મિડિયામાં પણ ઘણું બને છે, પરંતુ લોકો એનાથી ટેવાઇ ગયા છે. એક બોલ્ડ ડિસિસન લેવાની જરૂર છે. વિના કોઇ કટ કે રોકટોક વિના દરેક ફિલ્મને રિલીઝ થવા દો. નોટબંધી વખતે જાણીતાં બનેલાં પેલાં વાક્યની જેમ શરૂઆતમાં થોડી તકલીફ થશે, પરંતુ પછીથી બધુ ઠીકઠાક થઇ જશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર