આપણા પરિવારોની બદલાતી વાસ્તવિકતા
સોશિયલ મીડિયામાં અને ખાસ તો વ્હોટ્સ એપ પર પરિવારને પ્રાધાન્ય આપતા લખાણો અવારનવાર પ્રસિદ્ધ થતા રહે છે. એમાં પણ માતૃદિન, પિતૃદિન, ભાતૃદિન વગેરે દિનોએ તો લાગણીઓના પૂર ઉમટે છે. વૃદ્ધાશ્રમો વિશે એવું લખાય છે કે એ જાણે પૃથ્વી પરના નરક હોય અને માબાપને ત્યાં મોકલનારા સંતાનો જાણે કસાઈ હોય. જાહેરમાં ઘણી મોટી મોટી વાતો થાય છે, પરંતુ દરેક પરિવારની વાસ્તવિકતા અલગ હોય છે. સચ્ચાઇ અલગ હોય છે. જે જાહેરમાં કહેવાય છે એનું આચરણ ખાનગીમાં નથી થતું. અને ખાનગીમાં જે થાય છે એ જાહેર નથી થતું. ઘણી ગરબડો ચાલી રહી છે.
આપણા પારિવારિક જીવનની વાસ્તવિકતા બદલાઇ છે, પરંતુ જાહેરમાં ભાગ્યે જ એની ચર્ચા થાય છે. પશ્ચિમના દેશોમાં નાની નાની સમસ્યાઓ માટે પણ કાઉન્સેલિંગ થાય છે અને લોકો પોતાના જીવનની સમસ્યાઓને સમજવા તેમ જ એના ઉકેલ લાવવા મથતા રહે છે. આપણા સમાજમાં દંભને ટોપ પ્રાયોરિટી મળે છે એટલે સમસ્યાઓ ધરબાયેલી રહે છે અને બહાર આવે ત્યાં સુધીમાં એનું સ્વરૂપ વિકૃત બની જાય છે. આનું કારણ એ છે કે પારિવારીક અને સાંસારિક જીવન માટે આપણે હજુ પણ પારંપરિક મૂલ્યોને પકડી રાખ્યા છે, જ્યારે વાસ્તવિકતા એનાથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. ક્યારેક તો વાસ્તવિકતા પારિવારીક મૂલ્યોથી સાવ જ ઊલટી બની ગઇ છે. આમ છતાં આપણે એ સ્વીકારવા તૈયાર નથી એટલે ભ્રમણા અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ મોટો થતો જાય છે.
આપણા પરિવારોમાં સંબંધોના સ્વરૂપ બદલાઇ ગયા છે, પરંતુ એ કહેવાની કોઇનામાં હિંમત નથી હોતી એટલે દંભના નામે ગાડું ચાલતુ રહે છે અને કજિયો થાય ત્યારે દબાયેલી લાગણીઓ સ્પ્રિંગની જેમ ઉછળે છે. એવું નથી કે માણસો ખરાબ થઇ ગયા છે. વાત એ છે કે વાસ્તવિકતા બહુ કઠોર છે અને એનો મૂલ્યો સાથે મેળ નથી ખાતો.
સૌથી પહેલા પતિ- પત્ની વચ્ચેનો સંબંધ જ તપાસીએ તો પતિની માન્યતાઓ અને એટિટ્યુડમાં ખાસ ફરક નથી પડ્યો, પરંતુ સ્ત્રીના મનોવિશ્વમાં તો ધરખમ ફેરફારો થઈ ગયા છે. એક સમય એવો હતો, જ્યારે સ્ત્રીઓ સંપૂર્ણપણે પતિ અને પરિવાર પર નિર્ભર રહેતી. સામા થવાનો કે બગાવત કરવાનો કોઇ વિકલ્પ જ નહોતો. ત્યાર પછી ધીમે ધીમે સ્ત્રીઓમાં શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા આવવા માંડી. સ્ત્રી વિચારતી થઈ કે મારે જે સહન કરવું પડે છે એ બધુ જ મારે સહન કરવાની જરૂર નથી. આર્થિક સ્વતંત્રતાએ તો અનેક વિકલ્પો ખોલી નાંખ્યા. બીજી તરફ પુરુષ આ બાબતે અંધારામાં જ રહ્યો. એને તો હજુ પણ એ જ, જૂના મૂલ્યોવાળી પત્ની જોઇતી હતી. એ સિવાયનું એને હેરાન પરેશાન કરી મૂકતું. જોકે એ તબક્કો પસાર થઇ ગયો, કારણ કે સ્ત્રીઓએ મક્કમ બનીને વૈકલ્પિક માર્ગ પર ચાલવાની તૈયારી બતાવી દીધી. શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર બનેલી સ્ત્રીના જુસ્સાભર્યા એટિટ્યુડનો બહુ મોટો આઘાત પુરુષે સહન કર્યો અને એ મનમાં જ સમસમી રહ્યો. ધીમે ધીમે એણે વાસ્તવિકતા સ્વીકારી લીધી. આમ છતાં પોતાના પરિવાર, સંબંધીઓ તથા મિત્રો સમક્ષ આ વાસ્તવિકતા સ્વીકારવાનું એના માટે કઠિન હતું. સમાજમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે વ્યાપક સ્તરે આવે છે. પુરુષને સમજાયું કે પોતે જે અનુભવી રહ્યો છે એ એના મિત્રો પણ અનુભવી રહ્યા છે. ધીમે ધીમે સ્ત્રીના સ્વતંત્ર મિજાજની વાસ્તવિકતા ચારેતરફ છવાઇ ગઇ. અત્યારે સ્ત્રી- પુરુષ વચ્ચેનો પારસ્પરિક સંઘર્ષ ઘણો હળવો બની ગયો છે. હવે પત્ની પાસે જૂના જમાનાની અપેક્ષાઓ રાખતા પુરુષો બહુ ઓછા જોવા મળે છે. પત્ની બેન્કનું કામ સંભાળે, બાળકોના એજ્યુકેશનની જવાબદારી નિભાવે અને સામાજિક વહેવારમાં પોતાનું ધાર્યું કરે એ સામાન્ય બની ગયું છે. પુરુષે મન મનાવીને સ્વીકાર્યું છે કે ઘરમાં સ્ત્રી કામ કરે તો એને અધિકારો પણ મળવા જોઇએ.
પતિ પત્ની વચ્ચેની આ સમજૂતિ ઘરના વડીલો માટે સ્વીકારવાનું જોકે આસાન નથી હોતું, કારણ કે એમના મૂલ્યો બદલાયા નથી. સાસુમા હજુ પણ પોતાના જમાનાના હેંગઓવરમાંથી બહાર નથી આવતા. એમણે ઘરના બધા કામો પોતે કર્યા હતા અને વહુ કામવાળી રાખે એમાં એમને તકલીફ પડે છે. આર્થિક દરજ્જો એકંદરે સુધર્યો છે એટલે કામવાળી જ નહીં, ઘરની અન્ય સુવિધાઓ પણ મોટા પાયે વધી છે. સાસુમા અને એમને સપોર્ટ કરવા માટે સસુરજી પણ ઘરના આઝાદ વાતાવરણથી નારાજ રહેતા હોય છે. પતિ માતાને સમજાવે કે પૈસાનો પ્રોબ્લેમ નથી અને મા એને સમજાવે કે સવાલ પૈસાનો નથી, ઘરમાં કંઈ શિસ્ત અને સંસ્કાર જેવું હોવું જોઇએ. વાતમાં કંઇ માલ ન હોય. ખોટી ખોટી દલીલો, ગેરસમજણ અને ટેન્શન.
આજકાલના આપણા પરિવારોમાં મોટે ભાગે પતિ પત્ની, એક કે બે બાળકો અને માતાપિતા અથવા બેમાંથી એક હોય છે. હવે બાળકો પ્રત્યેના પેરન્ટ્સના એટિટ્યુડ પણ બદલાયા છે. નાના કિકલા હોય ત્યાં સુધી બાળકોને રમાડવાના અને એમને લાડ લડાવવાનું સૌને ગમે છે, પણ બાળકો મોટા થાય પછી એમની સાર-સંભાળ રાખવાની અને એમને ભણાવવાની જવાબદારીની ભાવનામાં થોડી ઓટ આવી છે. અથવા તો એમ કહી શકાય કે બાળકોને ઉછેરવાની બાબતમાં પેરન્ટ્સનો ઉત્સાહ ઘટી ગયો છે. પતિ પોતાના ધંધા નોકરીમાં વ્યસ્ત છે અને પત્નીની પર્સનલ લાઇફ વિસ્તરી ગઇ છે. સવારથી સાંજ સુધી બાળકોનું ધ્યાન રાખવાનું અને એના શિક્ષણને લગતી દરેક જવાબદારી સંભાળીને એમાં જ ડૂબેલારહેવાનું આધુનિક સ્ત્રીને પસંદ નથી. એ કહે છે કે મારી પણ લાઇફ છે. મારે પણ લાઇફ એન્જોય કરવી છે. એને ફ્રેન્ડ્સ સાથે શોપિંગ માટે જવું છે, બ્યુટિપાર્લરમાં જવું છે, કિટી પાર્ટીમાં જવું છે. બાળકોની સાર-સંભાળ માટે આધુનિક દંપત્તિમાં થતી તકરારો સામાન્ય બની ગઇ છે. પુત્રને સ્કૂલે મૂકવા કોઇ જાય અને સ્કૂલની પેરન્ટ્સ મીટિંગમાં કોણ જાય એ વાતે તકરાર થતી રહે છે. પતિ કહેશે કે મારે મીટિંગ છે, પત્ની કહેશે કે તમે એને રસ્તામાં ડ્રોપ શકો, મારે રિક્ષા કરવી પડે. પતિ કહેશે, પૈસાની ચિંતા ન કર, આજે સંભાળી લે, કાલે હું જઇશ. અનંત દલીલો.
આમાં પાછા ઘરના વડીલો વચ્ચે ઝૂકાવે. બાળકોના ભવિષ્યની ચિંતાનો મુદ્દો લઇને ઠપકા આપે. જ્યાં ચિંતા કરવાની છે ત્યાં વડીલો ચિંતા ન કરે અને નકામી વાતોમાં દખલ કરે. વાસ્તવિકતા એ છે કે બાળઉછેર એ હવે પેરન્ટ્સ માટે કોઇ શોખ નથી રહ્યો. આથી જો આર્થિક રીતે પરવડતું હોય તો બાળકોને સારી બોર્ડિંગમાં મોકલવાનો વાંધો ન હોવો જોઇએ. આમ છતાં આપણે હજુ એ બાબતે એટલા ખુલ્લા નથી બન્યા. બાળકોને બોર્ડિંગમાં મૂકવા એ હજુ પણ એક ટેબુ ગણાય છે.
આવી જ પૂરાણી માન્યતાઓ વડીલો પ્રત્યેની છે. જેમ બાળકો નાના હોય ત્યારે તેઓ આજ્ઞાંકિત હોવા જોઇએ એવી અપેક્ષા રખાય છે એમ વડીલો મોટી ઉંમરના થાય એ પછી એમણે પણ પોતાના બાળકોના આજ્ઞાંકિત બની જવું જોઇએ. વડીલો જો આજ્ઞાકિંત બને તો ઘરમાં ઘણા સંઘર્ષ ટળી જાય. પરંતુ આપણે જૂના મૂલ્યોને ખોટી રીતે પકડી રાખીએ છીએ અને વાસ્તવિકતાથી દૂર ભાગી નથી શકતા એટલે સતત ટેન્શનમાં રહેવું પડે છે. આવા ટેન્શન ક્યારેક વધુ પડતી કડવાશ પેદા કરી દે છે. ક્યારેક તો વડીલોએ ન સાંભળવા જેવું સાંભળવું પડે છે. એમના અપમાન થાય છે. આવી સ્થિતિમાં એમને કોઇ સારા વૃદ્ધાશ્રમમાં રાખવાનું કોઇ વિચારો તો સામાજિક બહિષ્કાર થઇ જાય. કહેવાનો મતલબ એ નથી કે બધા જ વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા જોઇએ, પણ વૃદ્ધાશ્રમો ક્યારેક વધુ સારો વિકલ્પ હોય છે. એ વિશે વિચાર જ ન કરવો એ જડતા છે.
સામાજિક પરિવર્તન એની રીતે થયા કરે છે. જરૂર ફક્ત જૂના, પારંપરિક મૂલ્યોના સ્થાને નવા, વાસ્તવિક મૂલ્યોને અપનાવવાની.. દંભ દુઃખ આપશે અને સ્વીકાર શાંતિ આપશે.
(બીજા કેટલાક પારિવારીક સંબંધો વિશે ફરી ક્યારેક.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર