શાહરૂખ ખાન નામની પવિત્ર ગાય
ભારતમાં વસતા મુસ્લીમોની એક ટ્રેજડી એ છે કે એમને અવારનવાર પોતાની દેશભક્તિ પૂરવાર કરવાનું કહેવામાં આવે છે. પોતે દેશદ્રોહી નથી એ વાત સ્થાપિત કરવા માટે ઘણા મુસ્લીમો એટલા ડેસ્પરેટ હોય છે કે જો દેશપ્રેમ સાબિત કરવા માટેની કોઈ એક્ઝામ હોત તો એમાં પાસ થવા પણ તેઓ તૈયાર થઈ જાય. કમનસીબે દેશભક્તિ પૂરવાર કરી શકાય એવું કોઈ યંત્ર કે એવી કોઈ યંત્રણા ઉપ્લબ્ધ નથી. આના કારણે ગમે એવું નાનું કારણ આગળ ધરીને કોઈના પર દેશદ્રાહી હોવાનો આરોપ થઈ શકે છે.
ફિલ્મસ્ટાર શાહરૂખ ખાન દેશદ્રોહી નથી એ સૌ જાણે છે અને એ વિશે કોઈ ચર્ચા જ ન હોય, છતાં શાહરૂખ ખાને દેશમાં અસહિષ્ણુતા વધી હોવાની વાતને સમર્થન આપ્યું એટલે ગોરખપુરના ભાજપી સાંસદ યોગી આદિત્યનાથે શાહરૂખ ખાનને દેશદ્રોહી કહ્યો. પછી તો હંમેશાં બને છે એમ આખું ગામ આ વિવાદમાં કૂદી પડ્યું. અલબત્ત, મોટા ભાગનાએ શાહરૂખનો જ પક્ષ લીધો. મીડિયાથી માંડીને વિરોધ પક્ષોએ દેકારો બોલાવી દીધો. આખરે ભારતીય જનતા પક્ષે સત્તાવાર રીતે શાહરૂખને દેશપ્રેમી જાહેર કરવો પડ્યો. શાહરૂખ જાણે સુપર દેશપ્રેમી હોય એવો માહોલ ખડો થઈ ગયો.
ભારતીય મુસ્લીમોની બીજી ટ્રેજડી એ છે કે લઘુમતિ હોવાને કારણે જો એને કોઈ સહાનુભૂતિ કે લાભ મળવા જોઈએ એ બધા લાભ કોમના અગ્રણીઓને મળે છે. મોહમ્મદ અઝહરુદ્દીનને ટીમમાંથી પડતો મૂકવામાં આવે તો એ મુસ્લિમ છે એટલે એની સાથે અન્યાય થયો હોવાની વાત થાય. સાનિયા મિરઝા જો એક પાકિસ્તાની સાથે લગ્ન કરે અને એની કોઈ ટીકા કરે તો સાનિયાના ગુણગાનની વાર્તાઓ શરૂ થાય. શાહરૂખ સામે કોઈ આક્ષેપ થાય તો એના ખોળામાં દેશપ્રેમના સર્ટિફિકેટોનો ઢગલો થઈ જાય. આ પ્રેમ અને લાગણી ફક્ત અગ્રણી મુસ્લીમો માટે જ છે. રોજિંદા વહેવારમાં ગરીબ કે મધ્યમવર્ગી મુસ્લીમોના ફક્ત મુસ્લિમ હોવાને કારણે જે અપમાન થાય છે એની ચિંતા કોઈ નથી કરતું. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મુસ્લીમોને દેશના દુશ્મન ગણીને એમના માટે અપશબ્દો બોલવાની ઘટનાઓ ગામે ગામ અને શેરીએ શેરીએ દરરોજ બનતી હોય છે. ખરેખર તો આમાં બદલાવ લાવવાની જરૂર છે.
માન્યું કે શાહરૂખ ખાનને પણ સંવેદના હોય, છતાં એ તો પોતાનું ફોડી લે એવો છે. આ વિવાદથી એને કોઈ નુકસાન નથી થયું. જે પક્ષના સાંસદે તમારી એક વાતે ટીકા કરી હોય એ જ પક્ષ એ જ મુદ્દે તમારી તરફેણમાં બોલે એનાથી વિશેષ તમને શું જોઈએ?
એક તરફ યોગી આદિત્યનાથ, સાક્ષી મહારાજ વગેરે અને બીજી તરફ ઓવૈશી અને આઝમ ખાન જેવા તત્ત્વોનો સમય હવે પૂરો થવા આવ્યો છે. એમનો પ્રભાવ પણ મર્યાદિત છે એ સૌ કોઈ જાણે છે. જ્યાં સુધી જૂની માનસિકતા કાયમ છે ત્યાં સુધી આવા લોકો ચૂંટણીઓ પણ જીતશે અને તેઓ બેજવાબદારીભર્યા નિવેદનો પણ કરતા રહેશે. સારામાં સારો માર્ગ આવા લોકોની અવગણના કરવાનો છે, પરંતુ મીડિયા તથા સમાજનો એક વર્ગ એવો છે, જે આવા ઉદ્દામવાદીઓના વિવાદાસ્પદ નિવેદનોની રાહ જોઈને જ બેઠા હોય છે. મને તો એમ લાગે છે કે મીડિયા આવા ઉદ્દામવાદનું શોષણ કરી રહ્યું છે, કારણ કે એમાંથી જ એને વિવાદ અને વ્યુઅરશીપ મળે છે.
યોગી આદિત્યનાથના નિવેદનો ફક્ત વખોડવાલાયક જ છે, પરંતુ એને લીધે આ વિવાદ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાને ભૂલી ન શકાય. સૌથી પહેલી વાત તો એ કે શાહરૂખ ખાન કોઈ પવિત્ર ગાય નથી કે એના પર આંગળી ચીંધી જ ન શકાય. યોગી આદિત્યનાથના નિવેદનને પગલે આખો દેશ શાહરૂખના દેશપ્રેમના ઝંડા લહેરાવવા માંડ્યો એ જરા વધુ પડતું હતું. ઈન્દિરા ગાંધીના સમયમાં લગભગ દરેક રાજકારણી પર સીઆઈએના એજન્ટ હોવાના આરોપ લાગતા હતા. એવા આક્ષેપોને ગળે લગાડીને કોઈ રાષ્ટ્રીય શોક પાળવામાં નહોતો આવતો. શાહરૂખ અમેરિકા ગયો ત્યારે મુસ્લિમ નામને કારણે એને એરપોર્ટ પર કલાકો સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. એ સમયે શાહરૂખ સાવ ચૂપચાપ રહ્યો હતો. તો પછી શા માટે આ વખતે એણે અને લોકોએ આટલો હોબાળો મચાવવો જોઈએ? યોગી આદિત્યનાથના નિવેદનને ફક્ત વખોડી નાંખવાની જરૂર હતી. કરોડો ભારતીયોની લોકચાહનાના પ્રતાપે આવી મોટી સફળતા મેળવનાર અને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ફિલ્મસ્ટાર જો પોતાના પર લાગેલા દેશદ્રોહના આરોપને ગંભીરતાથી લે તો એ હાસ્યાસ્પદ ગણાય. એણે યોગી આદિત્યનાથના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવવાનું હોય, એમની વાતનું ખોટું લગાડીને મીડિયા સમક્ષ ફરિયાદ ન કરવાની હોય.
યોગી આદિત્યનાથના નિવેદનની વાતનું મૂળ પકડીએ તો શાહરૂખ ખાને બિહારની ચૂંટણીના સમયે દેશમાં પ્રવર્તમાન કથિત અસહિષ્ણુતા વિશે નિવેદન કરીને પરોક્ષ રીતે એનડીએનો રાજકીય રીતે વિરોધ કર્યો એની સામે કદાચ યોગીએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હિન્દુ કટ્ટરવાદી નેતાઓ જ્યારે કોઈને પાકિસ્તાન જતા રહેવાનું કહે ત્યારે એમનો ઈરાદો ખરેખર કોઈને પાકિસ્તાન મોકલી દેવાનો નથી હોતો. સૌ જાણે છે કે હવે કોઈ પાકિસ્તાન જવાનું નથી અને જાય તો પાકિસ્તાન એમને સ્વીકારવાનું નથી. આઝાદી પછી પાકિસ્તાન ગયેલા મુસ્લીમોને પણ એ લોકોએ સ્વીકાર્યા નથી તો હવે જાય એની કેવી હાલત થાય. હિન્દુ કટ્ટરવાદી નેતાઓ માટે પાકિસ્તાનનું નામ એક ધિક્કારનું પ્રતિક છે અને કટ્ટરવાદી નેતાઓ જેનાથી નારાજ થાય એમના પ્રત્યે આવા પ્રતિકાત્મક શબ્દો વાપરીને પોતાનો ધિક્કાર વ્યક્ત કરે છે.
શાહરૂખ ખાન પોતે એક ભણેલોગણેલો, સ્માર્ટ અને કાબેલ માણસ છે. ગણતરીપૂર્વકના જોખમો લઈને એણે શૂન્યમાંથી કરોડોનું સર્જન કર્યું છે. આવા હોંશિયાર માણસ માટે ટીવીની ન્યુઝ ચેનલ પર કોઈ યુવાન મહિલા પત્રકાર સહાનુભૂતિ વ્યક્ત કરીને રડે ત્યારે આપણને હસવું આવે. શાહરૂખ ખાને અણીના સમયે અસહિષ્ણુતાના સરઘસમાં જોડાઈને નિશ્ચિત રીતે એક રાજકીય વલણ અપનાવ્યું હતું અને તમે જ્યારે રાજકીય બનો ત્યારે એના અમુક રિએક્શન્સ તો આવવાના જ છે.
કોઈ લેખક, ખેલાડી કે અભિનેતા જ્યારે કોઈ રાજકીય મત વ્યક્ત કરે ત્યારે એનું એક મૂલ્ય હોય છે, પરંતુ આમાં એની નિષ્ઠા એકદમ મહત્ત્વની બની જાય છે. શાહરૂખ ખાને દેશની કોઈ સમસ્યા વિશે પોતાનો મત જાહેરમાં વ્યક્ત કર્યો નથી. આમીર ખાન અસહિષ્ણુતાના વિરોધમાં કંઈક બોલ્યો હોય તો માની શકાય, કારણ કે આમીર દેશની બીજી અનેક સમસ્યાઓ વિશે બોલતો રહ્યો છે અને સક્રીય પણ રહ્યો છે. શાહરૂખ અસહિષ્ણુતા વિશે બોલે ત્યારે એ હાસ્યાસ્પદ એટલા માટે લાગે કે પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે એ ક્યારેય કંઈ બોલ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ સ્ત્રીઓ તથા બળાત્કાર વિશે બેફામ નિવેદનો કર્યા ત્યારે અને એ રાજ્યમાં સર્જકો પર જુલમ થયા ત્યારે શાહરૂખ ખાન અસહિષ્ણુતા વિશે કંઈ જ નથી બોલ્યો. ક્યાંથી બોલે? એણે તો દીદી સાથે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ડાન્સ કર્યો હતો.
ક્યારેક તો એમ થાય કે શાહરૂખ ખાન જેવા નસીબ આપણા કેમ નથી. એ કંઈ પણ કરે તો મીડિયા એનો પક્ષ લે. વાનખેડે સ્ટેડિયમમાં પોતાના બાળકો તથા એમના ફ્રેન્ડ્સની હાજરીમાં સિક્યોરિટી ગાર્ડ સાથે ઝઘડો કરવો, ગાળાગાળી કરવી એ કોઈ સારી વાત નથી છતાં એ સમયે પણ જાણે એની સાથે મોટો અન્યાય થઈ ગયો હોય એવી જ વાતો થઈ હતી. એક દીકરો અને એક દીકરી સાથેનો સુખી પરિવાર ધરાવતો માણસ અચાનક સરોગેટ મધર દ્વારા એક ત્રીજા બાળકની ઈચ્છા કરે તો એ વિશેનું કૌતુક કોઈને પણ એકદમ સહજ રીતે થાય. એમાં પણ આ તો મોટો સુપરસ્ટાર છે. છતાં જો આ વિશે કોઈ પ્રશ્ન કરે તો મીડિયા એની વાટ લગાવી દે. એ તો શાહરૂખની અંગત બાબત છે, એમાં તમે કઈ રીતે દખલ દઈ શકો?
ખરેખર, નસીબ હોય તો શાહરૂખ ખાન જેવા. કાશ, ભારતના દરેક મુસ્લિમના નસીબ શાહરૂખ ખાન જેવા હોત.
***
(નોંધઃ યોગી આદિત્યનાથને કટ્ટર હિન્દુવાદી ગણાવવામાં આવ્યા છે અને એમના નિવેદનને લેખમાં અનેકવાર વખોડવામાં આવ્યું છે એટલે અન્ય કટ્ટરવાદીઓએ મનમાં નબળા વિચારોને પ્રવેશ ન આપવો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર