મીડિયાની દેશભક્તિ વધુ જોખમી છે
ઇન્ડિયન એરલાઇન્સનું એક વિમાન હાઇજેક કરીને ભારતની જેલમાં પૂરાયેલા પોતાના સંગઠનના સરદારને છોડાવવાની માંગણી ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવે એની વાર્તા 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'જમીન'માં છે. વિમાનની અંદર બાન રખાયેલા યાત્રીઓને ખાતર ત્રાસવાદીઓની માગણી મંજૂર રાખવામાં આવે છે અને સંગઠનના નેતા બાબા તાહીર ખાનને મુક્ત કરવામાં આવે છે. જેલમાંથી છૂટ્યા પછી તાહીર ખાન બડાશ હાંકે છે અને ભારતીયોનું અપમાન કરતી ટિપ્પણી કરે છે, જે ફિલ્મના હીરો અજય દેવગણથી સહન નથી થતી. એ સમયે અજય દેવગણ તાહીરખાનની પિટાઇ કરે છે, પરંતુ એ પહેલા ત્યાં હાજર ભારતીય ન્યૂઝ ચેનલોના પત્રકારોને કેમેરા બંધ કરી દેવાની વિનંતી કરે છે, જે માન્ય રાખીને ભારતીય મીડિયા પોતાની દેશભક્તિ વ્યક્ત કરે છે. ફિલ્મના એ દૃશ્ય પર દર્શકોએ ખૂબ તાળીઓ પાડી હતી.
એ સમય અલગ હતો અને આજનો સમય અલગ છે. આજે પણ મીડિયા દેશભક્તિ કરી રહ્યું છે, પરંતુ અલગ રીતે, કારણ કે સંજોગો બદલાઇ ગયા છે. ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી એ પછી સરહદ પર લગભગ યુદ્ધની સ્થિતી પેદા થઇ છે. આવા સમયે મીડિયાની ભૂમિકા બહુ જ મહત્ત્વની બની ગઇ છે. છેલ્લા કેટલાય સમયથી આ બાબતે અંધાધૂંધી ચાલી રહી છે. મીડિયાને પણ કદાચ ખરબ નથી કે એ જે કરી રહ્યું છે એ સાચું છે કે ખોટું.
ન્યુઝ ચેનલો ત્રાસવાદી હુમલા અને સૈનાની કાર્યવાહી વિશે વિગતવાર અહેવાલો આપે છે. ક્યારેક એમાં અતિશયોક્તિ થાય છે અને એની અસર દર્શકો પર કેવી થાય છે એનો એમને અંદાજ નથી હોતો. કોઇ ઘટના કે કોઇ નેતાના નિવેદન વિશે લાંબી ડિબેટ યોજાય છે. ડિબેટ જાણે કોઇ કબડ્ડીની મેચ હોય એમ પેનલને બે પારસ્પરિક વિરોધી મત ધરાવતા પક્ષોમાં વહેંચી દેવામાં આવે છે અને પછી શરૂ થાય છે દે ધના ધન. પેનલિસ્ટો ગાળાગાળી કરે, અપશબ્દો બોલે અને મારામારી પર આવી જાય ત્યાં સુધી એન્કર ઉશ્કેરણી થવા દે છે અને પછી સભ્યતાનું નાટક કરીને કહે છે કે પ્લીઝ જરા શિસ્ત રાખો. એન્કર વારંવાર જાણે મોટો દેશભક્ત હોય એમ રાષ્ટ્રહિતની વાતો કરતો કે કરતી રહે છે, પરંતુ એના દિમાગમાં એના કાર્યક્રમની ટીઆરપી સિવાય બીજું કશું જ હોતું નથી.
છેલ્લા કેટલાક સમયથી કાર્યક્રમને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ તથા ડિફેન્સ એક્સપર્ટ્સને ગેસ્ટ તરીકે બોલાવવાની પ્રથા શરૂ થઇ છે. પછી પાકિસ્તાની ગેસ્ટ અને ભારતીય પેનલિસ્ટો વચ્ચે જંગ જામે છે. અલબત્ત, દેશહિત તથા ટીઆરપીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનો સંચાલક ભારતીય પેનલિસ્ટોની જ તરફદારી કરે છે, પરંતુ પાકિસ્તાની ગેસ્ટને એમાં કોઇ નુકસાન નથી. ભારતની ચેનલો પર જે કંઇ એર ટાઇમ મળે એ એમના ફાયદામાં જ છે. પોતાને મળતા સમયમાં પાકિસ્તાની પેનલિસ્ટો મન ફાવે એવા દાવા કરતા રહે છે. દર્શકોને કદાચ આવા કાર્યક્રમો ગમતું હશે અને ચેનલોની ટીઆરપી વધતી હશે, પરંતુ આવી ચર્ચાથી દેશને કોઇ ફાયદો થતો નથી.
થોડા સમય પહેલા એક અંગ્રેજી ચેનલ પર આઘાતજનક દૃશ્ય જોવા મળ્યું. રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર ખૂનની દલાલીનો આરોપ કરીને ચકચાર જગાવી એ વિશેની ડિબેટ યોજાઇ હતી. કાર્યક્રમમાં બીજેપી તથા કોંગ્રેસના પ્રવક્તાઓને બોલાવવામાં આવ્યા હતા. આઘાતજનક વાત એ હતી કે એ કાર્યક્રમમાં પાકિસ્તાનના એક ગેસ્ટને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે આપણી આવી આંતરિક બાબતની ચર્ચામાં પાકિસ્તાની ગેસ્ટને શા માટે બોલાવવા જોઇએ? પણ જવા દો, પ્રમાણભાન સાથે ન્યૂઝ ચેનલોને પહેલેથી દુશ્મની છે.
સરહદ પરના રિપોર્ટિંગનો એક બીજો અનિચ્છનિય ટ્રેન્ડ શરૂ થયો છે. સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સાથેની સરહદ પર તંગદિલી વધી છે એ વાતનો લાભ લઇને ન્યૂઝ ચેનલો પોતાના રિપોર્રટો તથા કેમેરામેનોને સરહદ પર મોકલી રહી છે. આ રિપોર્ટરો ત્યાં જઇને એવો રિપોર્ટ આપે છે કે આપણા જવાનો ગમે એવી વિષમ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરી રહ્યા છે. આવા રિપોર્ટ્સમાં સરહદના વિસ્તારો તથા જવાનો સાથેની ટૂંકી વાતચીતના દૃશ્યો ટેલિકાસ્ટ કરવામાં આવે છે. મને તો સમજાતું નથી કે આવા રિપોર્ટિંગનો શો મતલબ છે? આપણા જવાનો પોતાની રીતે દેશની સરહદોની રક્ષા કરતા આવ્યા છે અને કરશે. એમાં કોઇ શંકા છે જ નહીં. શી જરૂર છે આવું રિપોર્ટિંગ કરવાની? મને પોતાને આ જવાનોની કામગીરી વિશે કોઇ માહિતી મેળવવાની ઉત્સુકતા નથી. આ પ્રકારનું રિપોર્ટિંગ દુશ્મન દેશ માટે મદદરૂપ પણ બની શકે છે. પણ જવા દો, પ્રમાણભાન સાથે ન્યૂઝ ચેનલોને પહેલેથી દુશ્મની છે.
મીડિયાનો પ્રોબ્લેમ શો છે? શા માટે એ બેજવાબદાર રીતે વર્તી રહ્યું છે? ખરેખર તો તમે કોઇ પણ સેન્સિબલ પત્રકારને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો, ત્રાસવાદી પ્રવૃત્તિઓ તથા બે દેશો વચ્ચેની તંગદિલી વિશે પૂછશો તો એનો જવાબ એ જ હશે કે બંને દેશોએ શાંતિથી, સાથે બેસીને મંત્રણા કરવી જોઇએ અને કોઇ પણ પરિસ્થિતીમાં યુદ્ધની શક્યતા ટાળવી જોઇએ. મનમાં વિચાર ઉમદા હોય છે, પરંતુ કોઇક કારણસર ગાડી આડે પાટે ચડી ગઇ છે. શા માટે આવું બને છે?
મૂળભૂત રીતે કોઇ પણ પત્રકારને તટસ્થ રહેવાનું પસંદ હોય છે. મોટા ભાગના પત્રકારોને નિડર રહેવાનું પણ પસંદ હોય છે. અને એ માટે ગમે તેવો ભોગ આપવા પણ એ તૈયાર હોય છે. વગદાર રાજકારણીઓ, રાજકીય પક્ષો કે ઉદ્યોગપતિઓ ખોટું કરે તો પત્રકાર એને એક્પોઝ કરતાં અચકાતો નથી. આ ઉપરાંત, રાજકારણીઓના નબીરાઓ સ્વચ્છંદી રીતે વર્તીને કાયદો પોતાના હાથમાં લે છે ત્યારે પણ એમની સાન ઠેકાણે લાવવાનું કામ મીડિયા જ કરે છે. આ બધુ ચાલે છે, ઠીક છે, પણ દેશભક્તિની વાત આવે ત્યારે બધુ બદલાઇ જાય છે. ઇન ફેક્ટ, દેશભક્તિની બાબતમાં પણ હમણા સુધી બધુ ઠીકઠાક હતું.
થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ સાથે સંકળાયેલા સંગઠનો તથા એમના કેટલાક નેતાઓએ હંમેશાં મુજબ પોતાની બ્રાન્ડની દેશભક્તિ આગળ કરીને એમનાથી વિરુદ્ધ મત ધરાવનાર લોકોને સતાવવાનું શરૂ કર્યું. રોહિત વેમુલા, જેએનયુ, એવોર્ડ વાપસી, ગૌરક્ષાના નામે હિંસા વગેરે જેવી ઘટનાઓમાં બનાવટી દેશભક્તિનો જુવાળ ફાટી નીકળ્યો. આમ છતાં એ સમયે આપણું મીડિયા અડગ રહ્યું. બનાવટી દેશભક્તોને એક્પોઝ કરવામાં આવ્યા. ત્યાં સુધી બધુ ઠીકઠાક હતું.
પરંતુ પછી અર્નબ ગોસ્વામી નામના એક ઇલેક્ટ્રોનિક પત્રકાર મીડિયાના સેન્ટર સ્ટેજમાં આવી ગયા. અર્નબ ગોસ્વામી મૂળ તો અંગ્રેજી મીડિયાના લિબરલ કલ્ચરમાં પાંગરેલા એક પત્રકાર છે, પરંતુ કોણ જાણે કેમ, ટાઇમ્સ નાઉ ન્યૂઝ ચેનલના વડા બન્યા પછી એમણે એક અલગ જ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અગાઉ કોઇ અંગ્રેજી ન્યૂઝ ચેનલે ન કરી હોય એવી બનાવટી દેશભક્તિ અને અસલી મોદીભક્તિ અર્નબ ગોસ્વામીએ શરૂ કરી. આમ તો છેલ્લા ઘણા સમયથી અર્નબે ભગવા રંગને સમર્થન આપીને પક્ષપાતી પત્રકારત્વ શરૂ કરી દીધું હતું, પરંતુ જેએનયુ તથા પઠાણકોટની ઘટનાને પગલે અર્નબ ગોસ્વામી જોરમાં આવી ગયા. દેશભક્તિને હથિયાર બનાવીને એમણે વિરોધ પક્ષોના નેતાઓ જ નહીં, દેશના બૌદ્ધિકો પર પ્રહાર શરૂ કર્યા. બનાવટી દેશભક્તિના નામે કાગારોળ મચાવી અને દર્શકોની લાગણી ઉશ્કેરવાની કોશિશ કરી. એક કોમવાદી રાજકારણીની જેમ અર્નબ ગોસ્વામી પણ દર્શકોમાં ધ્રુવીકરણ કરાવી શક્યા. ચેનલ દ્વારા વ્યક્ત થતાં આવેશ અને ઉશ્કેરાટને લીધે લોકો એમની ચેનલના કાર્યક્રમો રસથી જોતાં થયા અને ચેનલની ટીઆરપી વધતી ગઇ.
બસ, ભારતના ઇલેક્ટ્રોનિક મીડિયાનો આ કદાચ સૌથી ખરાબ ટર્નિંગ પોઇન્ટ હતો. થોડો સમય તો અન્ય ન્યૂઝ ચેનલોએ અર્નબની ટીકા કરી અને એમને ઇગ્નોર કર્યા, પરંતુ પછી અન્ય ચેનલો માટે સર્વાઇવલનો પ્રશ્ન ઊભો થયો. એમને લાગ્યું કે આમ જ ચાલ્યું તો અમારી ચેનલની વ્યૂઅરશીપ ઘટી જશે, અમને એડ્વર્ટાઇઝમેન્ટ્સ મળતી બંધ થઇ જશે. માટે અમારે પણ દેશભક્ત બનવું જોઇએ. પઠાણકોટ અને ઉરીને ઘટનાને પગલે દેશભરમાં ઘણો આક્રોશ વ્યાપી ગયો હતો. હવે 'ઓન એર દેશભક્તિ' સિવાય બીજું કંઇ ચાલે એમ નહોતું. આથી અન્ય ચેનલોએ પણ ભક્તિ અને દેશભક્તિ શરૂ કરી. એ ચેનલોએ પણ દેશભક્તિના વહેણમાં પોતાની નૈયા ચલાવવાનું શરૂ કરી દીધું. અને આ રીતે શરૂ થઇ ન્યૂઝ ચેનલોની દેશભક્તિ માટેની સ્પર્ધા.
હવે તો દેશભક્તિ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. સ્વદેશી દેશભક્તિમાં ભ્રષ્ટાચાર, ગેરવહિવટ, સિવિક ઇશ્યુઝ વગેરે છે અને આંતરરાષ્ટ્રીય દેશભક્તિમાં દુશ્મન દેશ પ્રત્યેની ઘૃણા સામેનો આપણો દેશપ્રેમ છે. આંતરરાષ્ટ્રીય દેશભક્તિની બાબતે હવે કોઇ ન્યૂઝ ચેનલ જોખમ લેવા નથી માગતું. સચ્ચાઇ ગમે એ હોય, રિપોર્ટિંગ ભારતવાસીઓની લાગણીઓને વટાવી ખાવા માટે જ થાય છે. ડિબેટમાં પણ એવી જ હાઇ પીચ.
મીડિયાની દેશભક્તિનો તકલીફ ફક્ત એ છે કે એનાથી કોઇ હેતુ સરતો નથી. મોટા ભાગના કિસ્સામાં ધાર્યા કરતાં ઊલટુ પરિણામ આવે છે. ઉરી ઘટના અને ત્યાર પછીની સર્જિકલ સ્ટ્રાઇકની ઘટનાનો દાખલો લો. દેશની ન્યૂઝ ચેનલોએ ભારતીય લશ્કરી જવાનોની કામગીરીને બિરદાવી, સિદ્ધિની ગૌરવ ગાથાઓ કહી, પાકિસ્તાનના ડિનાયલ મોડની ટીકા કરી, ભારતના આક્રમક મિજાજની ઝાંખી કરાવી અને પાકિસ્તાનને સીધુદોર થઇ જવાની હાકલ કરી. હવામાં શોરબકોર થાય છે, પણ કંઇ વળતું નથી.
ન્યૂઝ ચેનલોની દેશભક્તિની સૌથી મોટી તકલીફ એ છે કે એનાથી કૃત્રિમ દેશભક્તિની એક હવા ઊભી થાય છે. પ્રજા ખોટા પ્રકારનો નશો માણતી થઇ જાય છે અને સૌથી મહત્ત્વનું તો, રાજકારણીઓ પર એનાથી બહુ મોટું દબાણ આવે છે. નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી ઇચ્છે તો પણ શાંતિની દિશામાં આગળ વધી ન શકે એવી સ્થિતિ સર્જાઇ છે. આની પાછળનું એક કારણ મીડિયા દ્વારા ઊભું કરવામાં આવેલું દબાણ પણ છે. ઉરીની ઘટના બન્યા પછી પ્રજામાં રોષ હતો એ ખરું, પરંતુ કેટલી ન્યૂઝ ચેનલોમાં કેટલી વાર ન્યૂઝ રીડરો તથા પ્રોગ્રામ એન્કરો ચિલ્લાઇ ચિલ્લાઇને બોલ્યા કે આ બધુ આપણે ક્યાં સુધી ચૂપચાપ સહન કરીશું? કેટલી વાર છપ્પન ઇંચની છાતીના મેણાટોણાં ન્યૂઝ ચેનલોમાં ગાજ્યા?
મીડિયા સાથે સંકળાયેલા લોકો કદાચ આ વાતથી વાકેફ છે, પરંતુ એમની ચિંતા એ છે કે જો તેઓ પોતાના ન્યૂઝ કાર્યક્રમોમાં જોશ નહીં લાવે તો બીજી ચેનલોવાળા લાવશે અને એની ટીઆરપી વધી જશે. આ રીતે ન્યૂઝ ચેનલોનો અગ્રતાક્રમ દેશભક્તિ નહીં પણ વેપારી ગણતરી છે. ટૂંકમાં ન્યૂઝ હવે ફક્ત એક ધંધો બની ગયા છે. યહ બિલકુલ ગલત હૈ. અખબારી માધ્યમોને અભિવ્યક્તિની પૂરી સ્વતંત્રતા હોવી જોઇએ, પરંતુ ન્યૂઝનો વેપાર કોઇ પણ સંજોગોમાં ન થવો જોઇએ. શું કરી શકાય આ ન્યૂઝના ધંધાને અટકાવવા માટે?
અલબત્ત, આપણી લોકશાહીમાં અખબારી માધ્યમો પર પ્રતિબંધ મૂકવાનું તો વિચારી જ ન શકાય, પરંતુ અખબારી માધ્યમોએ સ્વૈચ્છિક આચારસંહિતા વિશે વિચારવું જોઇએ. અગાઉ ઘણી વાર આ વિશે ચર્ચા કરી છે, પરંતુ કોઇ નક્કર દિશામાં કામ નથી થયું. આ સમય છે ન્યૂઝ ચેનલો માટે પોતાની આચારસંહિતા નક્કી કરવાનો.
કોઇ કહેશે કે પ્રિન્ટ મીડિયાના અખબારો વચ્ચે વર્ષોથી સ્પર્ધા થતી રહી છે અને તેઓ પણ વેપારને એટલું જ મહત્ત્વ આપે છે. પરંતુ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા વચ્ચે બહુ મોટો ફરક છે. ઓડિયો વિઝ્યુઅલની અસર અખબાર કરતાં અનેકગણી વધુ હોય છે. એની ફ્રિક્વન્સી પણ અખબારો કરતાં અનેકગણી હોય છે. ન્યૂઝ ચેનલો બહુ જ ઝડપથી દર્શકો સુધી પહોંચી જાય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઇને ન્યૂઝ ચેનલો દ્વારા થતાં ન્યૂઝના ધંધા પર કોઇ અંકુશ લાદવાની ખાસ જરૂર છે. ભવિષ્યની કોઇ સરકાર અંકુશ લાદે એ પહેલા મીડિયાએ પોતે જ સમજી જવું જોઇએ. ન્યૂઝનો ધંધો દેશ માટે, દેશની પ્રજા માટે બહુ જ હાનિકારક છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર