સર્જનહારથી મોટો છે વિવેચનહાર
'આ ફિલ્મ એક વખત જોવા જેવી છે' એવું મોટા ભાગના ફિલ્મી સમીક્ષકો વારંવાર લખતા હોય છે. મુદ્દો એ છે કે આપણે કઇ ફિલ્મ થિયેટરમાં ત્રણ - ચાર વખત જોવા જઇએ છીએ!!? સમીક્ષકોની મજા એ છે કે તેઓ સરેરાશ દરજ્જાની ફિલ્મ માટે આવો શબ્દપ્રયોગ કરતા હોય છે. જેમ કે, 'ફિલ્મનો પ્લોટ નબળો છે. નટી(હિરોઇન)ના ભાગે ગીતો સિવાય ખાસ કશું આવ્યું નથી, પણ એક વખત ફિલ્મ જોઇ શકાય.'
-તેજસ વૈદ્ય
આ તેજસ વૈદ્ય કોઇ ગ્રીક કે ફ્રેન્ચ ફિલોસોફર નથી. એક યુવા ગુજરાતી પત્રકાર છે, પરંતુ એમણે જે વાત કરી છે એ મજાની છે. આ વાત ફક્ત ફિલ્મ સમીક્ષકોની જ નથી, વાર્તા, કવિતા, પેઇન્ટીંગ, ફોટોગ્રાફી વગેરે જેવી અનેક કળાકૃતિઓમાંથી ઉદભવતી દ્વિધા અને વિવેચકો, સમીક્ષકો, અવલોકનકારો વગેરે દ્વારા વધારવામાં આવતી સમસ્યાની છે. આ સૃષ્ટિ ઊભી કરનારને આપણે સર્જનહાર કહીએ છીએ, પરંતુ સૃષ્ટિનું ઉત્પાદન થઇ ગયા પછી નાનાં મોટા સ્તરે બીજા અનેક સર્જનો થતાં રહે છે. ખાસ તો કળા અને સાહિત્ય જગતમાં વિપુલ પ્રમાણમાં સર્જનો થાય છે અને એ દરેક ક્રિએશનને કળાકૃતિ અથવા સર્જન કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ દરેક ફિલ્મ, પેઇન્ટીંગ, નવલકથા એ કળાકૃતિ છે, સર્જન છે.
સર્જન અને કળાકૃતિઓની મૂળભૂત સમસ્યા એ હોય છે કે એના દ્વારા જે કંઇ વ્યક્ત થવાનું હોય, કન્વે થવાનું હોય એ સીધી રીતે નથી થતું. એની રીતભાત હંમેશાં પરોક્ષ, ગૂઢ અને અઘરી હોય છે. આમાં વાંક કળાકૃતિનો નથી હોતો, વાંક એનું સર્જન કરનાર સર્જકનો હોય છે. મોટા ભાગના કિસ્સામાં જોકે વાંક સર્જકનો પણ નથી હોતો, વિવેચકનો હોય છે. કઇ રીતે?
વિવચક કે સમીક્ષક એવું દૃઢપણે માને છે કે સર્જકે પોતાનું સર્જન કર્યા પછી એને ભૂલી જવાનું. એને ભાવક સુધી પહોંચાડવાનું, એનું રસદર્શન કરાવવાનું, એનો અર્થ સમજાવવાનું કામ અમારું છે. સર્જક પોતાના સર્જન દ્વારા શું કહેવા માગે છે એ સર્જકે નક્કી નથી કરવાનું, અમારે એટલે કે વિવેચકોએ નક્કી કરવાનું છે. કેટલાક સર્જનો તો સાવ સીધા અને સરળ હોય છતાં વિવેચકો એને ગૂંચવણભર્યા બનાવવા માટે ઉત્સુક રહેતા હોય છે. એમનું માનવું હોય છે કે ભાવકને સીધી રીતે સમજાય એ સાચું સર્જન નથી. કોઇ પણ સર્જનમાં વિવેચકના બે ટકા લાગે જ લાગે.
મૂળ વાત ફિલ્મોની હતી અને સંદર્ભ કદાચ શાહરૂખ ખાનની બહુચર્ચીત ફિલ્મ 'ફેન'નો હતો. ફેન ફિલ્મની બે વિશેષતા હતી. એક તો મેકઅપની અભૂતપૂર્વ ટેકનિક દ્વારા શાહરૂખને એકદમ યુવાન દેખાડવામાં આવ્યો હતો. આ વિશેષતા પર દરેક વિવેચકે વારી જવાનું હતું. ફિલ્મની બીજી વિશેષતા એ હતી કે એમાં એક પણ ગીત નહોતું. આ બાબતે દરેક વિવેચકે શાહરૂખ ખાન અને દિગ્દર્શકની હિંમતને દાદ આપવાની હતી. ફિલ્મ શાહરૂખની હતી અને એની પબ્લિસિટી પણ જોરદાર થઇ હતી એટલે ફિલ્મ સુપરહિટ જશે એવી આગાહી કરવામાં કોઇ વિવેચકને જોખમ નહોતું લાગ્યું. કમનસીબે ફેન ફિલ્મની કોઇ જ બાબતે એક પણ વિવેચક સાચા ન પડ્યા. કોઇએ એમ ન કહ્યું કે ફક્ત મેકઅપની કળા માટે ફિલ્મ ન જોવાય, કોઇએ એમ ન કહ્યું કે શાહરૂખ જેવા રોમેન્ટિક હીરોની ફિલ્મમાં એક પણ ગીત ન હોય તો એ એના ચાહકોને પસંદ ન આવે. કોઇએ એમ ન કહ્યું કે આ આટલા જંગી ખર્ચે બનાવવામાં આવેલી ફિલ્મનું વેપારની દૃષ્ટિએ પીંડુ વળી જશે. મોટા ભાગનાએ ગોળાકાર ધારણ કરીને કહ્યું કે અમુક આમ છે અને અમુક તેમ છે, છતાં એકવાર જોવાય.
ક્લાસિક ગણાતી ફિલ્મ 'શોલે' માટે પણ વિવેચકો આવા જ ગોથાં ખાઇ ગયા હતા. શોલે રિલીઝ થઇ ત્યારે મોટા ભાગના વિવેચકોએ એને ઊતારી પાડી હતી. એ ફિલ્મને ફિલ્મફેરનો ફક્ત એક જ એવોર્ડ મળ્યો હતો અને એ પણ એડિટિંગ માટે. નબળા રિવ્યુને કારણે શરૂઆતમાં ફિલ્મનો ધંધો પણ ઠંડો રહ્યો, પણ પછી ફિલ્મનું અસલી પોત (માઇનસ ક્રિટિક) છતું થયું અને લોકપ્રિયતાના તોફાનો જાગ્યા.
મોટા ભાગના વિવેચકો સેફ રમતા હોય છે. મૌલિક દૃષ્ટિથી વિચારનારા બહુ ઓછા જોવા મળે છે. સાચા-ખોટાં તરફ એમની દૃષ્ટિ ભાગ્યે જ પહોંચે છે. મને તો ડગલે ને પગલે આ વાતનો અહેસાસ થયો છે. ફિલ્મ 'કભી કભી'નું એક ગીત લોકપ્રિય બન્યું હતુઃ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ... સુહાગ રાત હૈ.. ઘૂંઘટ ઊઠા રહા હૂં મૈં... હવે આ તે કોઇ ગીત છે? ગીતના શબ્દો આવા હોય? આવું બીજું એક ગીત જયા-અમિતાભની બહુ વખણાયેલી ફિલ્મ 'અભિમાન'નું છે. તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઇ ગૂલ ખિલાયેગી... શું મતલબ છે આનો? આમ તો આનો અર્થ બહુ વલ્ગર નીકળે. શું ગીતમાં આવા શબ્દો શોભે? શું આ શબ્દોમાં કોઇ મધુરતા છે? મને નથી લાગતું કે આવા ગીતોના લિરિક્સની ક્યારેય ટીકા થઇ હોય. સમીક્ષકો સાચી સમીક્ષા કરતા નથી એ એક પ્રોબ્લેમ છે.
વાત ફક્ત ફિલ્મોની નથી, દરેક પ્રકારના કળાસર્જનમાં આવી ગરબડો ચાલે છે. ગુજરાતી સાહિત્યમાં તો સમીક્ષા કરવા જેવું ખાસ લખાતું જ નથી, છતાં જે લખાય છે એમાં મામલો અંદરોઅંદર પતી જાય છે. કોઇ પુસ્તક છપાવાનું હોય ત્યારે લેખક, લેખકના ગોડફાધર અને પ્રકાશક વચ્ચે એક ઊચ્ચ સ્તરની બેઠક યોજાય છે અને એમાં લેખકને બે પ્રશ્નો પૂછવામાં આવે છે કે પ્રસ્તાવના કોની પાસે લખાવવી છે અને અવલોકન કોની પાસે કરાવવું છે. અમુક કિસ્સામાં તો પ્રસ્તાવના લખનાર જ અવલોકન પણ ઘસડી આપે છે. ક્યારેક એવું પણ બને છે કે અવલોકનકાર પાસે વધુ કામ આવી જાય તો એ પેટા કોન્ટ્રેક્ટ આપીને આઉટસોર્સિંગ દ્વારા કામ પતાવે છે.
મોડર્ન આર્ટ અને પેઇન્ટીંગ વિશે કહેવાય છે કે એ જેટલું ન સમજાય એટલું સારું ગણાય. જે ન સમજાય એને તમારે ફક્ત કોઇક સરસ નામ આપી દેવાનું. જેમ કે પડઘા, આવેગ, ઉદ્વેગ, આક્રોશ વગેરેની અનુભૂતિ. મોડર્ન આર્ટની કદર કરતી વખતે તમે જેટલા ગંભીર રહી શકો એટલું તમારું નોલેજ વધુ. આ રીતે તમે ગમે એવી ફેંકાફેંક કરી શકો અને જો કોઇ એને પડકારે તો એમ કહી શકો કે હું તો એને આ રીતે સમજ્યો છું. જો કોઇ વધુ લપ કરીને કહે કે પણ સર્જકે પોતે કહ્યું છે એનો અર્થ આ નહીં, પણ આ છે. તોય તમે ઠાવકું મોઢું રાખીને કહી શકો, 'મૅ બી. અમે બંને અનુભૂતિના અલગ પ્લેટફોર્મ પર છીએ.' કોઇ તમને લાફો મારે ત્યાં સુધી તમે દલીલ કરી શકો અને આર્ટની કદર કરી શકો. ક્લાસિક ગણાતા પેઇન્ટીંગ મોનાલિસાના બહુ વખાણ થયા છે અને કહેવાય છે કે મોનાલિસાનું સ્મિત રહસ્યમય છે. મેં તો અનેકવાર આ ચિત્ર જોયું છે અને મને એમાં કોઇ જ રહસ્ય નથી દેખાયું. એના કરતાં તો માધુરી દિક્ષિતનું સ્મિત મને વધુ મોહક લાગ્યું છે.
શાસ્ત્રીય સંગીત એક એવી બાબત છે, જેના જાણકારો એના વિશે વાત કરતી વખતે અન્યો સામે એવા તુચ્છકાર ભાવથી જુએ કે જાણે એ બધા જ મિકા સિંઘના ફેન હોય. શાસ્ત્રીય સંગીતની જાણકારીનું બાહ્ય લક્ષણ ફક્ત એક જ છે. સંગીત સાંભળતી વખતે તમને સારી રીધમમાં ડોકું ધૂણાવતા આવડવું જોઇએ. રાગ ભૈરવી વાગી રહ્યો હોય ત્યારે તમારે એને માણવો પડે, પછી ભલે તમારું માથું ફાટી રહ્યું હોય. ખાનગી ટીવી ચેનલો નહોતી ત્યારે દૂરદર્શન પર જે સાંસ્કૃતિ કાર્યક્રમો આવતા એના શ્રોતાગણમાં હાજર રહેવા લોકો ભારે ઉત્સુક રહેતા. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હાજર રહેવાનો જેમને મોકો મળતો એમને કાર્યક્રમની પહેલા ડોકાં ધૂણાવવાની ખાસ તાલીમ આપવામાં આવતી. ફિલ્મોના શાસ્ત્રીય સંગીતના મિશ્રણવાળા અમુક ગીતો મને ગમ્યા છે, પરંતુ શુદ્ધ શાસ્ત્રીય સંગીત મને ક્યારેય કર્ણમધુર નથી લાગ્યું. હું તો માનું છું કે જો કોઇ ઉસ્તાદ શાસ્ત્રીય સંગીતનો જાણકાર હોવાનો દાવો કરતો હોય અને એને રાગ મલ્હાર ગાવાનું કહેવાનું. વરસાદ પડવો જોઇએ. ન પડે તો બધી વાત નકામી.
આમ તો આ લેખમાં મેં વિવેચકોના વખાણ જ કર્યા છે, છતાં જો કોઇને એમાં ટીકા લાગે તો હું એક કબૂલાત કરી લઉં કે હું પોતે પણ એક વિવેચક જ છું. 'સમકાલીન' ના શરૂઆતના વર્ષોમાં હું પણ ફિલ્મોના અવલોકન કરતો હતો એટલે દરેક ટીકા મને પણ લાગુ પડે છે. રિગલ થિયેટરના મિની ઓડિટોરિયમમાં એ સમયે ફિલ્મોના પ્રિવ્યુ થતાં. દંતકથા સમાન પત્રકાર વિનોદ મહેતાનો બે નોકરીઓ વચ્ચેનો બેકારીનો સમય ચાલતો હતો અને ત્યારે તેઓ 'મિડ ડે' માટે ફ્રી લાન્સિગમાં ફિલ્મ રિવ્યુ કરતા હતા. હું ગર્વથી કહી શકું છું કે ઇન્ટરવલમાં અમે એક પંગતમાં ઊભા રહીને સાથે કોમ્પ્લીમેન્ટરી નાસ્તો કર્યો છે. અલબત્ત, ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી એટલે ક્યારેય એમની સાથે વાત કરવાની હીંમત નહોતી કરી. એ સમયે હું 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં ફિલ્મ રિવ્યુ કરતા ખાલીદ મોહમ્મદથી પ્રભાવિત હતો. ખાલીદના રિવ્યુ એમની લેખનશૈલી માટે પ્રખ્યાત હતા. એમનામાં જબરજસ્ત સેન્સ ઓફ રિડિક્યુલ હતી. એમના રિવ્યુ વાંચવાની મજા આવતી. એમના રિવ્યુ વાંચીને જ મેં નક્કી કરી લીધુ હતું કે ફિલ્મની સમીક્ષા ભલે સચોટ ન થાય, પણ રિવ્યુમાં રમૂજ હોવી જોઇએ, એ વાંચવાની લોકોને મજા આવવી જોઇએ.
આજની વાત કરીએ તો હવે લોકોની અપેક્ષા વધી છે અને એ અનુસારના ફિલ્મ રિવ્યુ પણ ગુજરાતીમાં લખાય છે. આ બાબતે મને ખાસ ફરિયાદ નથી. જયેશ અધ્યારુ સારું લખે છે અને નંબર વન ગણાય છે. અભિમન્યુ મોદી ભારે ખંતથી રિવ્યુ લખે છે. એમ કહી શકાય કે આ બંનેએ રિવ્યુ લખવાની પોતાની અલગ જોનર ઊભી કરી છે. બંને પોતાનો વિશિષ્ટ ચાહકવર્ગ ધરાવે છે. આ સિવાય પણ બીજા કેટલાક સમીક્ષકો સારા રિવ્યુ કરે છે.
સમીક્ષકો અને વિવેચકો પાસે હું ફક્ત એક જ અપેક્ષા રાખું. વ્યવસાય અને કામ માટેની પ્રામાણિકતા. બાકીનું બધુ આપોઆપ આવતું હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર