આપણા રાજકીય પક્ષોનું કથળતું ધોરણ

18 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

થોડા દિવસ પહેલા ભારતીય રાજકારણના સ્તરને નીચે લઇ જતી બે ઘટનાઓ બની. કોંગ્રેસે જાહેર કર્યું ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષિત છે. આમ તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખરાબ રીતે હારી ગયેલા શીલા દિક્ષિતને લગતા કોઇ જ સમાચાર રસપ્રદ ન બને, પણ કોંગ્રેસ પાસે રસપ્રદ બાબતોને બિનરસપ્રદ બનાવવાની અને બોરિંગ બાબતોને રસપ્રદ બનાવવાની અનોખી આવડત છે. શીલા દિક્ષિતને લગતા નિર્ણયના આઘાતમાંથી લોકો બહાર આવે એ પહેલા જ રાજકીય પંડિતોએ પોતાની ફિશિયારી શરૂ કરી દીધી. ટીવીની ન્યૂઝ ચેનલો પરની ચર્ચામાં રાજકીય વિશ્લેષકો કહેવા માંડ્યા કે કોંગ્રેસનું આ ગણતરીપૂર્વકનું પગલું છે, ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોના મત મેળવવા માટેનો આ વ્યૂહ છે વગેરે. કેટલાકે તો એમ કહ્યું કે કોંગ્રેસનો આ માસ્ટરસ્ટ્રોક છે.

આપણા રાજકીય પક્ષોનું કેવું અધઃપતન થઇ રહ્યું છે એનું આ એક ક્લિયરકટ ઉદાહરણ છે. એક તરફ આપણે જાતિવાદ સામે લડવાની વાત કરીએ છીએ અને બીજી તરફ ફક્ત જાતિના મતોની ગણતરીને ધ્યાનમાં રાખીને રાજકીય વ્યૂહો ઘડાય છે. એટલું જ નહીં, રાજકીય વિશ્લેષકો દ્વારા એની સરાહના પણ થાય છે. અલબત્ત, ભારત જેવા દેશમાં રાજકીય પક્ષો આ પ્રકારની થોડીઘણી ગણતરી રાખે એ સમજી શકાય, પરંતુ હવે તો દલિતમત, મહાદલિતમત, બ્રાહ્મણમત, યાદવમત, લઘુમતીમત વગેરે જેવા શબ્દો જાણે સત્તાવાર બની ગયા છે. રાજકીય વિશ્લેષકો પણ કોઇ છોછ રાખ્યા વિના આવી વોટબેન્ક વિશે બોલતા રહે છે. કોઇ એમ નથી કહેતું કે આ પ્રકારનું વોટબેન્કનું રાજકારણ જરાય ચલાવી ન લેવાય.

સમસ્યા ફક્ત વોટબેન્કના રાજકારણ પૂરતી જ સીમિત નથી. રાજકીય પક્ષોએ અનેક ક્ષેત્રે અધોગતિ કરી છે.

એ પહેલા તાજેતરમાં બનેલી બીજી દુઃખદ ઘટના વિશે વાત કરી લઇએ. આ ઘટના વધુ દુઃખદ એટલા માટે છે કે જેની પાસે મોટી અપેક્ષાઓ છે એવી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એની સાથે સંકળાયેલા છે. પક્ષના વિસ્તરણ માટે આપ બીજા રાજ્યોમાં ચૂંટણી લડવા માટે સજ્જ થઇ જાય એમાં કશું ખોટું નથી, પણ શું એ માટે કોઇ ધારાધોરણ નક્કી કરવાના છે કે પછી એમ જ દે ધનાધન? અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી વિવિધ ધર્મો પ્રત્યે જાહેરમાં આસ્થા દર્શાવતા નજરે ચડ્યા છે અને ગુજરાતમાં આગમન ટાણે પણ એમણે એ જ કર્યું. એમણે જાહેર કર્યું કે સોમનાથ મહાદેવ મને બોલાવી રહ્યા છે એટલે હું ગુજરાત આવી રહ્યો છું. શું તેઓ નરેન્દ્ર મોદીની નકલ કરી રહ્યા છે? નરેન્દ્ર મોદીએ પણ બનારસ જતી વખતે એમ કહેલું કે ગંગા મૈંયા ને મુઝે બુલાયા હૈ. કોઇ વ્યક્તિ કે રાજકારણી ધાર્મિક આસ્થા રાખે એની સામે કોઇને વાંધો ન હોઇ શકે, પરંતુ જ્યારે રાજકારણ સાથે એનું મિક્સઅપ કરવાની કોશિશ થાય ત્યારે નિરાશા ઉપજે. જો આ રીતે જ ચાલ્યું તો પછી આપ અને બીજા રાજકીય પક્ષોમાં કોઇ ફરક નહીં રહે.

શીલા દિક્ષિત અને અરવિંદ કેજરીવાલની ઘટનાઓ પરથી રાજકીય પક્ષોના એકંદર ધોરણ વિશે વિચાર આવે એ સ્વાભાવિક છે. લગભગ દરેક બાબતમાં રાજકીય પક્ષોનું ધોરણ નીચે ગયું છે. ગુનાખોરીનું બેકગ્રાઉન્ડ ધરાવતા રાજકારણીઓની જ વાત કરીએ તો આ વિશેની ચર્ચા દાયકાઓથી થઇ રહી છે, છતાં કોઇ રાજકીય પક્ષ આવા ઉમેદવારો માટે દરવાજા બંધ નથી કરતો. જ્યાં પણ સ્થાનિક ગુંડા ચૂંટણી જીતાડવા સક્ષમ હોય, પાર્ટી માટે નાણાં એકઠાં કરવાની તાકાત રાખતા હોય એવા ગુંડાને ચૂંટણીની ટિકિટ આસાનીથી મળી જાય છે. આ બાબતમાં કોઇ રાજકીય પક્ષ દૂધે ધોયેલો નથી. કોંગ્રેસ અને બીજેપી વિશે તો કંઇ કહેવાનું નથી, પણ મમતા બેનરજીના તૃણમુલ કોંગ્રેસમાં પણ આવી જ સંસ્કૃતિ વિકસી છે. સામ્યવાદીઓ પ્રમાણમાં બહેતર છે, પરંતુ એમની સમસ્યા બીજા પ્રકારની છે. બીજા નાનાં મોટા પક્ષોને તો કોઇ બાધ રાખતા જ નથી. આ બધા જ રાજકીય પક્ષોને જ્યારે ગુનાખોરીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો વિશે પૂછવામાં આવે ત્યારે એવો જ ખુલાસો કરવામાં આવે કે તેઓશ્રી જેલમાં ભલે ગયા હતા, પરંતુ એમની સામેના આરોપો પૂરવાર નથી થયા.

નૈતિકતાને આધારે નિર્ણયો લેવાની બાબતમાં રાજકીય પક્ષોનું ધોરણ વધુ ઝડપથી કથળી રહ્યું છે. યુપીએ ટુના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો હતો કે બેચાર પ્રધાનોના રાજીનામાં પડવા છતાંય કોંગ્રેસના માથાં પરની ભ્રષ્ટાચારની છાપ ન ભૂંસાઇ અને એનું પરિણામ 2014ની લોકસભાની ચૂંટણીઓમાં દેખાયું. બીજેપી એ સિદ્ધાંતો પર આધારીત રાજકીય પક્ષ છે એવી છાપ એક સમયે ઊભી કરવામાં આવી હતી, પરંતુ સત્તા પર આવ્યા પછી બીજેપીએ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ વગેરે સામે ભ્રષ્ટાચારના આરોપ થયા ત્યારે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે એકદમ સ્પષ્ટપણે પક્ષની નીતિ જાહેર કરી દેતા કહ્યું કે અમે કંઇ યુપીએ નથી. રાજીનામા આપવાનો પ્રશ્ન જ નથી. પ્રધાનોને ડિમોટ કરવાની વાત પણ વિચિત્ર છે. જો કોઇ પ્રધાને એક ખાતાંમાં સારું પરફોર્મન કર્યું હોય તો એ બીજા ખાતાં માટે કઇ રીતે લાયક બની જાય? સ્મૃતિ ઇરાની જો માનવ સંસાધાન ખાતાં માટે યોગ્ય નથી તો પછી કાપડ ખાતા માટે યોગ્ય છે એવું કઇ રીતે ધારી શકાય? તૃણમૂલ કોંગ્રેસમાં પણ ગુંડાગીરીનું કલ્ચર વિકસ્યું છે. એના અનેક સંસદસભ્યો બેફામ ભાષણો કરતા રહે છે, છતાં મમતા બેનરજીનું વાત્સલ્ય એમને બચાવી રાખે છે.

મૂળ પ્રશ્ન એ થાય કે શું રાજકીય પક્ષો ક્યારેય નવી રીતે વિચારી જ નહીં શકે? શું ખરેખર તેઓ એમ માને છે કે જાતિવાદ, કોમવાદ મની પાવર, મસલ પાવર વગેરે જેવા હથિયારો વડે જ ચૂંટણીઓ જીતી શકાય છે? સમસ્યાઓ અને સાચા મુદ્દા પર ચૂંટણી લડવાની પહેલ કેમ કોઇ નથી કરતું? કોઇ કહેશે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દા પર લડ્યા હતા, પણ હવે એ બેશકપણે પૂરવાર થઇ ગયું છે કે એ ફક્ત વાતો હતી અને એ વાતો હજુ પણ હવામાં જ છે. લોકસભાની ચૂંટણીઓ પછી બીજેપી કેટલાક રાજ્યોમાં ફક્ત નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી અને બીજા કેટલાકમાં એ જ જૂના મુદ્દાઓને વટાવી ખાવાની કોશિશ કરી. બીજેપીએ કોંગ્રેસ કરતા કંઇ જ નવું ન કરવાની કસમ ખાધી છે એ વાત હવે બધા જાણી ગયા છે.

કોંગ્રેસને શું થયું છે. માન્યું કે ખરાબ દિવસો ચાલે છે અને ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખવાની ડાહી ડાહી વાત પણ થાય છે, છતાં કોંગ્રેસ એ જ જૂના માર્ગ પર ચાલી રહી છે. કોઇ જ નવી વાત કરવાની કે એનો અમલ કરવાની કોંગ્રેસની દાનત નથી દેખાતી અને એવી કોઇ પહેલ પણ ક્યાંય નથી જણાતી.

હવે તો એવું લાગે છે કે ભારતીય રાજકારણમાં ચૂંટણીઓ ફક્ત બાય ડિફોલ્ટ જ જીતાશે. કોંગ્રેસ બહુ જ ખરાબ દેખાવ કર્યો એટલે બીજેપી બાય ડિફોલ્ટ સત્તા પર આવી. હવે કોંગ્રેસ કદાચ એ રાહ જોઇ રહી છે કે બીજેપી ખરાબ પરફોર્મ કરે. એટલું ખરાબ પરફોર્મ કરે કે એ કોંગ્રેસને સારી કહેવડાવે. અને એ રીતે બાય ડિફોલ્ટ કોંગ્રેસને ચૂંટણીમાં ફરીથી જીત મળે.

કંઇ જ નવું કે સકારાત્મક કર્યા વિના બીજાના દોષ થકી ચૂંટણીઓ જીતવામાં માનતા રાજકીય પક્ષો એ નથી વિચારતા કે રાજકીય પક્ષો જ્યારે જ્યારે સકાત્મક અભિગમ સાથે કોઇ મુદ્દા પર ચૂંટણી લડ્યા છે ત્યારે એમને વિજય મળ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલો ભવ્ય વિજય એનું જ્વલંત ઉદાહરણ છે. નિષ્ઠા અને મુદ્દા એકદમ સ્પષ્ટ હોય ત્યારે કોઇ પણ પ્રકારનુ વોટબેન્ક પોલિટિક્સ કામ નથી કરતું. મનિ પાવર અને મસલ પાવર પણ નિષ્ફળ જાય છે.

આપણા રાજકીય પક્ષો ક્યારે આ વાતને સાચી રીતે સમજી શકશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.