સ્માર્ટ બનવા માટે ક્રિટિકલ થિન્કીંગ વિકસાવો
આજનો જમાનો સ્માર્ટનેસનો છે. બધાને સ્માર્ટ બનવું છે અને મોટા ભાગના લોકો માને છે કે પોતે સ્માર્ટ છે. ક્યારેક ફક્ત હોંશિયારી મારતાં લોકો પોતાને સ્માર્ટ સમજતા હોય છે તો ક્યારેક ચાલાકી અને છેતરપીંડી કરતાં લોકો પોતાને સ્માર્ટ સમજતાં હોય છે. આપણે સ્માર્ટ છીએ કે નહીં એનો જવાબ એનાથી વિરુદ્ધનું વિચારવામાં મળી શકે. એટલે કે તમે ઉલ્લુ કે મૂર્ખ છો કે નહીં? જો તમે ઉલ્લુ કે મૂર્ખ ન હોવ તો તમે સ્માર્ટ હોઈ શકો, પરંતુ તમને ક્યારે ખબર પડે કે તમે ઉલ્લુ નથી? તમને કોઈ ઉલ્લુ બનાવી જાય ત્યારે? કે એ પછી? શું એ પહેલા તમે જાગ્રત રહીને એવી સ્થિતિમાંથી બચી શકો? ભૌતિક ચીજ પડાવી લેવા માટે કોઈ આપણને છેતરી જાય અથવા ઉલ્લુ બનાવી જાય એનો ખ્યાલ આપણને તરત આવી જાય, પરંતુ વૈચારીક રીતે કોઈ આપણી સાથે મેનિપ્યુલેટ કરતું હોય, પોતાની માન્યતા આપણા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતું હોય અને ત્યારે જો આપણે સાવધ ન રહીએ તો આપણે ખરેખરા ઉલ્લુ છીએ, મૂર્ખ છીએ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં વૈચારીક રીતે સજાગ રહેવાનું ખૂબ જરૂરી છે.
ખરેખરા સ્માર્ટ બનવા માટે વિચારોની સ્પષ્ટતા અને એકદમ સચોટ રીતે વિચારવાની ક્ષમતા હોય તો આપણને કોઈ મૂર્ખ ન બનાવી શકે. ખરેખરી સ્માર્ટનેસ આ પ્રકારના ક્રિટિકલ થિન્કિંગમાં જ છે. સાચું શું અને ખોટું શું એ નક્કી કરતી વખતે મોટે ભાગે આપણે ઉલ્લુ બનતા હોઈએ છીએ કારણ કે આપણે જૂની અને એક જ લઢણની વિચાર પ્રક્રીયામાંથી પસાર થતાં હોઈએ છીએ. ક્રિટિકલ થિન્કિંગની આપણને ટેવ જ નથી.
મોટા ભાગના લોકો લોજિક ભણ્યા નથી હોતા અને સ્કૂલ કે કોલેજમાં જે લોજિક ભણાવવામાં આવે છે એ થિયેરોટિકલ વધુ હોય છે. પ્રિમાઈસ, પ્રપોઝિનશન, ઈક્વેશન્સ વગેરેના કોન્સેપ્ટ ગૂંચવણો પેદા કરતાં હોય છે. સાચી લોજિકલ ફેલસીસ શોધવી હોય તો એ માટે કોમન સેન્સના લોજિકનો સહારો લેવો પડે.
જો થોડા સજાગ રહીને અમુક મુદ્દા પર ધ્યાન આપીએ તો આપણે તર્કની કેટલીક મૂળભૂત ખામીઓને સમજી શકીએ. ક્રિટિકલ થિન્કિંગ અપનાવી શકીએ અને વૈચારીક રીતે તાકાતવાન બની શકીએ. સ્માર્ટ બની શકીએ. ક્રિટિકલ થિન્કિંગ વિકસાવવા માટેની કેટલીક તરકીબ અહીં પ્રસ્તુત છે.
કોઈ પોતાની વાત સાચી ઠેરવવા માટે કોઈ ઓથોરિટીને ક્વોટ કરે ત્યારે એના પર વિચાર કરવો. દરેક ઓથોરિટીની મંજૂરી ફાઈનલ નથી હોતી. વઘારેલી ખીચડીમાં દહીં નાંખીને ખાવાથી શરદી થઈ જાય એવી કોઈ વાત કરે અને પછી કહે કે વ્હોટ્સ એપમાં આવ્યું છે તો એની ઓથોરિટી બોગસ છે એ તમે આરામથી સમજી શકો. આ જ રીતે કોઈ મોટી ઓથોરિટીની વાત કરે ત્યારે એને પણ ચેલેન્જ કરો અને તમારી પોતાની રીતે નિર્ણય લો.
ઘણી વાર લોકો પોતાની વાત તમારી સમક્ષ સાચી ઠેરવવા માટે એકની એક જ દલીલ ગોળગોળ ફેરવતા રહે છે. આને સર્ક્યુલર રીઝનિંગ કહેવાય છે. કોઈ તમને કહે કે સંજય લીલા ભણસાલીને વિવાદાસ્પદ ફિલ્મો બનાવવાનો શોખ છે. તમે દલીલ કરો કે વિવાદ તો પછી થાય, પહેલા એ ફિલ્મ બનાવે છે. તો સામે દલીલ થશે કે એ જાણી જોઈને એવા વિષય પર ફિલ્મ બનાવશે, જેમાં વિવાદ થાય. તમે ફરી દલીલ કરો કે વિવાદસ્પદ બનાવવાથી એને નુકસાન થાય એવું એ શા માટે કરે તો સામે દલીલ થશે કે જેને વિવાદમાં જ મજા આવે એ બીજી કોઈ ચિંતા શા માટે કરે? તમારી સામે નવી કોઈ જ વાત નહીં આવે.
જો એક ઘટના બને તો તરત એના અનુસંધાનની બીજી ઘટના બને જ એવી એક માન્યતા આપણા સૌના મનમાં ગ્રહણ કરી ગઈ હોય છે એ વાતને આપણે આખરી સત્ય તરીકે સ્વીકારી લેતાં હોઈએ છીએ, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી હોતું. સચીનનો સિતારો જોરમાં હતો ત્યારે સચીન આઉટ થાય એટલે મોટા ભાગના ક્રિકેટ ચાહકો માનતા કે હવે ઈન્ડિયા હારી જશે. એવું ઘણી વાર બન્યું પણ હશે, છતાં સચીન આઉટ થયા પછીય ઈન્ડિયન ટીમ ઘણી મેચો જીત્યું છે. આથી જ કોઈ કહે કે જીડીપીનો દર વધ્યો એટલે મોંઘવારી ઘટશે તો એ વાત માનવી નહીં.
આપણા સાહિત્યમાં અને સંસારમાં ઉપમા અલંકારનું મહત્ત્વ અનેરું છે. કોઈ પણ વાતને સાચી કે ખોટી ઠેરવવા માટે આપણે તરત જ હાથવગાં ઉદાહરણો શોધી લેતાં હોઈએ છીએ. આમ છતાં ક્યાં કઈ ઉપમા આપી શકાય અને કઈ ઉપમા લાગુ પડે એના વિશે ભાગ્યે જ વિચાર થતો હોય છે. નોટબંધી પછી એના ફાયદા સમજાવવા માટે અનેક વિદ્વાનોએ પોતાની દલીલમાં એવા કિસ્સાની ઉપમાઓ આપી હતી, જેમાં નોટબંધીને કારણે સંબંધીત દેશને ફાયદો થયો હતો. બીજી તરફ નોટબંધીથી બરબાદ થયેલા અર્થતંત્રોની ઉપમા વિરોધ પક્ષો આપતા રહ્યા. અરે ભાઈ એવી ઉપમાઓને પડતી મૂકીને અહીંની વાત કરો ને.
ઝડપથી આખરી ચુકાદા પર આવી જવાની ફેલસી એ ક્રિટિકલ થિન્કીંગનું સમજવા જેવું પાસું છે. કેરી હાથમાં લઈને જરા સૂંઘવાથી એ કેટલી કાચીપાકી કે મીઠી છે એનો અંદાજ આપણને આવી જાય, પરંતુ કેટલીક ઘટનાઓ અને ઘટનાક્રમ એવા હોય છે, જેને સાચી રીતે સમજીને એનું પુરું એનાલિસિસ કર્યા વિના એના વિશેનું તારણ કાઢી શકાતું નથી. આજકાલ રાજકારણમાં આવું વધુ બને છે. ચાર ન્યાયમૂર્તિઓએ સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્ર સામે વિરોધ કરવા પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે સરકાર વિરોધી પરીબળો તરત જ એવા તારણ પર આવી ગયા કે સરકારનો આમાં વાંક છે. સુબ્રહ્મણિય સ્વામીએ પણ કહ્યું કે વડા પ્રધાને આમાં દરમિયાનગીરી કરવી જોઈએ. આ દિશામાં આગળ કંઈ વાત વધે એ પહેલા સરકારના સમર્થકોએ ધાર્યા મુજબ ચારેય ન્યાયમૂર્તિઓની નિષ્ઠા પર શંકા કરવાનું શરૂ કરી દીધું. ધીરજ રાખીને પૂરી તપાસ કે અભ્યાસ કર્યા વિના તારણો કાઢવા અને ચુકાદો આપી દેવો એ આનું નામ. જો તમે ક્રિટિકલ થિન્કીંગ કરતાં હોવ તો આવી સમસ્યા ન થાય.
દરેક વાતને એક જ ઢાંચામાં ઢાળીને સમજવી અને વ્યક્ત કરવી એને ઓવરજનરલાઈઝેશનની ખામી કહે છે. ભાજપના નેતાઓ પોતાના બચાવમાં મોટે ભાગે એકના એક ઢાંચાનો ઉપયોગ કરીને કોન્ગ્રેસ પર પ્રહાર કરતાં હોય છે. સિત્તેર વર્ષો સુધી દેશને લૂંટનારા અમને કઈ રીતે કઈ શકે? વગેરે. બીજી તરફ કોન્ગ્રેસીઓ પણ સરકારની વિરુદ્ધની કોઈ પણ ઘટનાને આરએસએસ માનસિકતાના જૂના ઢાંચામાં ઢાળીને વ્યક્ત કરતાં જોવા મળે છે.
યોગ્ય રીતે વિચારી ન શકવાનું એક મુખ્ય કારણ એ હોય છે જે વાતચીત કે ચર્ચા ચાલી રહી હોય એના પર આપણે પૂરતું ધ્યાન કેન્દ્રીત નથી કરતાં હોતા. આના લીધે જે મુદ્દા વ્યક્ત થાય એને સાચા સ્વરૂપમાં સમજવાની તસ્દી પણ નથી લેવાતી. ક્રિટિકલ થિન્કીંગ માટે આ ફેલસી દૂર કરવાનું જરૂરી છે.
અમુક લોકોની વાત કરવાની છટા પ્રભાવશાળી હોય છે તો ક્યારેક લોકો પોતાની દલીલો વધુ મક્કમતાપૂર્વક કરતાં હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક તમારી સ્વતંત્ર વિચારશક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં સારામાં સારો ઉપાય એ છે કે કોઈ પણ વાતે કન્વીન્સ થવા માટે પૂરાવા માંગવાની ટેવ રાખવી. લોકો ભલે તમને લપિયા કહે, પરંતુ જો કોઈ વાત તમે કન્વીન્સ ન થતાં હોય તો પૂરાવા માંગવા અને એ ન મળે ત્યાં સુધી ઝુકવું નહીં.
લોકો પોતાની વાત તમારા મનમાં ઠસાવવા માટે દુનિયાભરની બધી વાતો કરશે, પરંતુ પોતાની ફેવરમાં ન હોય એવી સૌથી વધુ મહત્વની વાત તમને નહીં કરે, વિમા એજન્ટો, એસ્ટેટ એજન્ટો અને માર્કેટિંગવાળા આ કળામાં માહેર હોય છે. એસ્ટેટ એજન્ટ તમને નવું ઘર બતાવશે ત્યારે બાજુમાં ઝુંપડપટ્ટી બની હોય એ તરફની બારી ખોલશે જ નહીં. કઈ વાત તમારા માટે મહત્ત્વની છે એ પહેલેથી નક્કી કરવું અને એ જો સામે ન આવે તો એના વિશે પૂછવું એ ક્રિટિકલ થિન્કીંગ છે.
જ્યારે પણ કોઈ નવી વાત કહે, તમને વાત કન્વીન્સ કરવાનો પ્રયાસ કરે ત્યારે એ વિશે તમારી પોતાની માન્યતા શી છે એ બાબતે સ્પષ્ટ રહેવું જોઈએ. અલબત્ત, ચર્ચા દરમિયાન તમે મન ખુલ્લું રાખવું અને તમારી સામે કઈ નવી વાત આવી રહી છે એના પર ધ્યાન આપવું. આ રીતે તમે સાચાં અને ખોટાં વચ્ચેના ફરક વિશે વિચારી શકશો. સામી વ્યક્તિની વાતમાં સત્વ હોય તો તમે તમારી માન્યતા બદલવાની તૈયારી રાખી શકો. આ પ્રકારની એલર્ટનેસ એટલે ક્રિટિકલ થિન્કીંગ અને એ જ સાચી સ્માર્ટનેસ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર