શું લાલ બહાદુર શાસ્ત્રીએ ખોટો દાખલો બેસાડ્યો હતો?
1956માં તામિલનાડુના અરિયાલુરમાં એક મોટો રેલવે અકસ્માત થયો, જેમાં 142 માણસોના મૃત્યુ થયા. એ સમયે રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા અને આ અકસ્માતથી તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા. અકસ્માત માટેની નૈતિક જવાબદારી સ્વીકારીને શાસ્ત્રીજીએ રાજીનામું આપી દીધું. ત્યારના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ શાસ્ત્રીજીની બહુ પ્રસંશા કરી. હકીકતમાં દેશભરમાં શાસ્ત્રીજીના વખાણ થયા અને એમની લોકપ્રિયતામાં વધારો થયો. ત્યાર પછી તો શાસ્ત્રીજીએ બીજા ખાતાં પણ સંભાળ્યા અને છેવટે તેઓ દેશના વડા પ્રધાન પણ બન્યા.
આ ઘટના પછી જ્યારે જ્યારે રેલવે દુર્ઘટના બને ત્યારે લોકો લાલ બહાદુર શાસ્ત્રી અને એમના વિખ્યાત રાજીનામાંને યાદ કરે છે. નૈતિક જવાબદારીનો આ જાણે એક બેન્ચ માર્ક બની ગયો છે. જોકે શાસ્ત્રીજીના એ વિખ્યાત રાજીનામાં પછી એવી નૈતિક જવાબદારીની ઘટનાઓ બહુ ઓછી બની છે. ઓગસ્ટ 1999માં આસામમાં ગૈસલ રેલ દુર્ઘટના બની, જેમાં 290 માણસોના મૃત્યુ થયા. આ દુર્ઘટના માટે નૈતિક જવાબદારી સ્વીકારીને ત્યારના રેલવે પ્રધાન નિતિશ કુમારે રાજીનામું આપી દીધું હતું. બોલો, નિતિશ કુમાર એક સમયે કેવાં નીતિમત્તા પર આધારિત નિર્ણયો લેતા હતા. ત્યાર પછી 2000ની સાલમાં બનેલી બે મોટી રેલ દુર્ઘટનાઓને પગલે ત્યારના રેલવે પ્રધાન મમતા બેનરજીએ રાજીનામું આપી દીધું હતું, પરંતુ ત્યારના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એમનું રાજીનામું સ્વીકારવાની ના પાડી દીધી હતી.
હવે આજે ઉપરાઉપરી બનેલી બે મોટી રેલ દુર્ઘટનાઓને પગલે સુરેશ પ્રભુએ રાજીનામું આપી દીધું. સો રૂપિયાનો સવાલ એ છે કે શો ફરક પડશે? સવાલ સો રૂપિયાનો હોવાનું કારણ એ કે નાની નાની વાતોમાં આ રાજીનામું માંગવાની વાત જ ખોટી છે. ભારતીય રેલવે જેવા વિશાળ તંત્રમાં, દૂર ગ્રામીણ વિસ્તારમાં કોઈ એક જગ્યાએ અકસ્માત થાય તો એમાં રેલવે પ્રધાન કઈ રીતે જવાબદાર ગણાય એ આપણને નથી સમજાતું. અમુક વિસ્તારોમાં તો માઇલો સુધી સલામતી વિનાની પટરી લગાવેલી હોય છે. ધારો કે કોઈને તોડફોડ કરવી હોય તો પાટા પર બેચાર અવરોધો મૂકી દે તો કોઈને ખબરેય ન પડે અને મોટો અકસ્માત થઈ જાય. આવા કિસ્સામાં દિલ્હીમાં બેઠેલા રેલવે પ્રધાન કરી પણ શું શકે?
ભારતીય રેલવેનું તો તંત્ર જ એટલું મોટું છે કે એ બધું એક મંત્રાલયમાં આવે છે એ જ ખોટું છે. ખરેખર તો રેલવેના પ્રવાસન વિભાગ, નવી યોજનાઓનો વિભાગ, જાળવણી એટલે કે મેઇન્ટેનન્સ વિભાગ એ દરેકના અલગ અલગ મંત્રાલય હોવા જોઈએ.
રેલવેની વાત છોડો, બીજા કોઈ મંત્રાલયમાં પણ નૈતિક જવાબદારીના કારણસર પ્રધાનનું રાજીનામું માંગવાની જે પ્રથા છે એમાં ઘણી ખામીઓ છે. કોઈ મંત્રાલય કે ફોર ધેટ મૅટર કોઈ કંપનીના સીઇઓ કે વહીવટીતંત્રના કોઈ વિભાગના વડા પાસે ક્યારે નૈતિક જવાબદારીના કારણસર રાજીનામું માંગવું જોઈએ અને ક્યારે એમણે એ આપવું જોઈએ?
સૌથી પહેલું કારણ એ હોઈ શકે કે પ્રધાનશ્રીની કોઈ ખોટા કે નુકસાનકારક કામમાં સીધી સંડોવણી હોય. દા.ત. કોઈ પ્રધાન ભ્રષ્ટાચાર કે બળાત્કાર જેવા દુરાચારમાં સીધી રીતે સંડોવાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે. કોઈ કંપનીના સીઇઓ કંપનીના ભોગે પોતાનો લાભ લેવાની પ્રવૃત્તિ કરતાં પકડાય, કંપનીની મહિલા કર્મચારીનું શોષણ કરતાં પકડાય. આ દરેક કિસ્સામાં પ્રધાનશ્રી કે કંપનીના સીઈઓનું રાજીનામું માંગી શકાય અને એમણે એ આપવું જોઈએ.
બીજું કારણ બિનકાર્યક્ષમતા હોઈ શકે. માનો કે કોઈ મંત્રાલયનું તંત્ર અચાનક સાવ કથળી જાય. બિનકાર્યક્ષમતા દેખીતી રીતે છતી થાય. પ્રધાનશ્રી જાહેરમાં બેદરકારીપૂર્વક વર્તન કરતાં જણાય. એ મંત્રાલયની બિનકાર્યક્ષમતાને લીધે પ્રજાએ વધુ પડતું સહન કરવું પડે. એ જ રીતે સીઈઓના કોઈ મોટા નિર્ણયને લીધે કંપનીએ મોટું નુકસાન વેઠવું પડે, નફો કરતી કંપની અચાનક નુકસાની કરતી થઈ જાય. આવી ઘટના બને ત્યારે બિનકાર્યક્ષમતાના કારણસર પ્રધાનશ્રી કે સીઇઓ પાસે રાજીનામું માંગી શકાય, પરંતુ મંત્રાલયોની બિનકાર્યક્ષમતા કે નિષ્ફળતા એટલી ઝડપથી પુરવાર નથી થતી. બીજી તરફ કંપનીના સીઇઓની નિષ્ફળતા છૂપી નથી રહી શકતી, એટલે વહેલીમોડી એમણે વિદાય લેવી જ પડે છે.
મહત્ત્વના મંત્રાલયો સંભાળતા પ્રધાનોના રાજીનામાંની માગણી અવારનવાર ઊઠતી હોય છે. ક્યારેક એમના પર ફક્ત આરોપ થાય છે તો ક્યારેક એમની સામેના આરોપ બાબતે તપાસ પણ શરૂ થઈ જાય છે. આવા સંજોગોમાં પ્રધાનના રાજીનામાંની માગણી થાય ત્યારે સરકાર તરફથી એવો દાવો કરવામાં આવે કે આ તો ફક્ત આરોપ છે, એમનો ગુનો પુરવાર નથી થયો. આ તો મીડિયા ટ્રાયલ છે. બીજી તરફ વિરોધ પક્ષો એવી માગણી કરે છે કે પ્રધાનશ્રી સામે તપાસ પૂરી થાય ત્યાં સુધી એમણે એ હોદ્દો છોડી દેવો જોઈએ, કારણ કે હોદ્દા પર કાયમ રહીને તેઓ તપાસ પર પ્રભાવ પાડી શકે.
પ્રધાનોના રાજીનામાંની માગણી થાય ત્યારે એમાં નૈતિક જવાબદારી નિભાવવી કે ન નિભાવવી એ દ્વિધા કરતાં રાજકીય રીતે પીછેહઠ કરવી કે ન કરવી એ દ્વિધા વધુ મહત્ત્વની બની જાય છે. વિરોધ પક્ષો ફક્ત એ કારણસર રાજીનામું માંગતા હોય છે કે જો પ્રધાન રાજીનામું આપે તો સરકારનું નાક કપાય. પ્રજામાં એમની વિશ્વસનીયતા ઓછી થાય. સરકારને પણ જે તે પ્રધાનનું રાજીનામું માંગી લઈને એમના સ્થાને બીજા કોઈને બેસાડવામાં ખાસ કોઈ વાંધો ન હોય, પણ વિરોધ પક્ષોને એનો લાભ ન મળે એ વાતને ધ્યાનમાં રાખીને પ્રધાનશ્રીને એ ખુરસી પર બેસાડેલા રાખવાની સરકાર જીદ કરે.
આ રાજકીય દાવપેચમાં સંબંધિત પ્રધાનની ખરેખર કોઈ ભૂલ હતી કે નહીં અને એમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એની ચર્ચા થતી જ નથી. પ્રધાનશ્રીની નિષ્ફળતા કે દુરાચારનું સાચું અસેસમેન્ટ પણ નથી થતું. ક્યારેક રાજીનામાંની વાત મિડિયામાં એટલી બધી ચગી જતી હોય છે કે સરકાર પરનું દબાણ વધી જાય છે અને પ્રધાનશ્રીને રાજીનામું આપી દેવાનું જણાવવામાં આવે છે.
ખરી મજા તો એ પછી જ થાય છે. જે પ્રધાનશ્રીને બિનકાર્યક્ષમતા કે દુરાચાર માટે પદ છોડી દેવાનું કહેવાયું એને બીજી કોઈ સજા મળતી નથી. ફક્ત એ ખાતું છોડે એટલે એમના બધા ગુના જાણે માફ થઈ જાય. થોડા જ સમયમાં એ પ્રધાનશ્રીને બીજું અને ક્યારેક વધુ મહત્ત્વનું ખાતું સોંપવામાં આવે. અરે ભાઇ, જે પ્રધાન પેલું ખાતું બરોબર સંભાળી ન શક્યા એને બીજું કોઈ ખાતું કેવી રીતે સોંપી શકાય? આ આખી કવાયત સાવ જ વાહિયાત પુરવાર થાય, કારણ કે પ્રધાનના રાજીનામાંથી વિરોધ પક્ષને કોઈ લાભ નથી મળતો અને સત્તા પક્ષને કોઈ નુકસાન નથી થતું. પ્રજાને તો કોઈ રાહત મળતી જ નથી, ઊલટું ખાતાની હેરાફેરીને લીધે મંત્રાલયના કામકાજ બગડે એમાં કોઈ શંકા નથી.
મુખ્ય વાત એ છે કે આ બધામાં નૈતિક જવાબદારી જેવું કંઈ આવતું જ નથી. લાલ બહાદુર શાસ્ત્રીએ જે નૈતિક મૂલ્યના આધારે રાજીનામું આપ્યું હતું એ મૂલ્યો આજે ક્યાંય પ્રવર્તતા નથી. હા, કોઈ ખોટા કામમાં પોતાની સંડોવણી કે બિનકાર્યક્ષમતા પુરવાર થાય અને પ્રધાનશ્રી પોતે સમજીને રાજીનામું આપી દે એટલુંય ઘણું છે. બીજી તરફ જો નૈતિક મૂલ્યોની અપેક્ષા બહુ ઊંચી રાખીએ તો કોઈ સરકાર ચાલી જ ન શકે. વારે ઘડીએ પ્રધાનોએ રાજીનામાં આપવા પડે. આના કરતાં વાસ્તવિક ધરતી પર આવી એ અને જે કંઈ થોડું કામ થતું હોય એને થવા દઇએ.
હવે પાછાં આપણે કરન્ટ સિચ્યુએશન પર આવીએ તો એનડીએ તથા બીજેપીના હરીફો પણ કહે છે કે રેલવે પ્રધાન તરીકે સુરેશ પ્રભુ સારું કામ કરી રહ્યા છે. માણસ તરીકે પણ પ્રભુ સાવ માણસ જેવા નથી. જેન્ટલમેન છે. આટલાં સમયથી તેઓ રેલવેની જાણકારી મેળવીને એને સુધારવા માટેની યોજનાઓ બનાવી રહ્યા છે, નવી યોજનાઓ બનાવી રહ્યા છે. એમાં તેઓ જે કંઈ કરે છે એ નવા આવનાર કોઈ નમૂના કરતાં સારું જ કરશે.
અને મુખ્ય પ્રશ્ન તો એ છે કે નવા રેલવે પ્રધાન તરીકે કોણ આવી શકે? એનડીએની આ સરકારમાં તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય કોઈ લાયકાત ધરાવતા નેતાઓ છે જ નહીં. અરુણ જેટલીને એક અમલદાર હોય એ રીતે કામો સોંપવામાં આવે છે. બાકીના બધા તો હવે ઠીક. આવી હાલતમાં પ્રભુનું સ્થાન લઈ શકે એવા કોઈ યોગ્ય નેતા દેખાતા નથી. મનમાં ડર તો એ પણ લાગે કે ક્યાંક સ્મૃતિ ઇરાનીનું નામ ટપકી ન પડે. નવા ચહેરામાં અનુપમ ખેર કે નવરા પડેલા પહલાજ નિહલાનીના નામના આઘાતની તૈયારી પણ રાખવી પડે. તો હે પ્રભુ, રેલવે પ્રધાન તરીકે આપણા પ્રભુ જ શું ખોટા છે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર