નિર્ભયાને હવે ન્યાય મળ્યો. ખરેખર?

08 May, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: intoday.in

રશિયન લેખક ફિયોદોર દોસ્તોવસ્કીએ 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ' શીર્ષક હેઠળની એક ક્લાસિક નવલકથા લખી છે. દુનિયાએ એને બહુ વખાણી છે, પરંતુ મારા માટે એનું મહત્ત્વ એક જ છે કે એ મેં વાંચી નથી. નવલકથાનું પુસ્તક સ્વરૂપ એટલું મોટું થોથું છે કે એ હાથમાં લેતાં ભલભલાનાં હાંજા ગગડી જાય. આ પુસ્તકને યાદ કરવાનું કારણ એ કે પાંચ વર્ષ પહેલા દિલ્હીમાં બનેલી બળાત્કારની હીચકારી ઘટનાનો આખરી ચુકાદો બે દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે આપી દીધો. નિર્ભયા બળાત્કાર કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવાની હાઇકોર્ટે આપેલી સજા સુપ્રીમ કોર્ટે બરકરાર રાખી છે. આથી હવે રિવ્યુ પિટિશન અને મર્સી પિટિશન જેવી ઔપચારિકતાઓ પછી આરોપીઓને ફાંસી આપવામાં આવશે. પાયાનો પ્રશ્ન એ છે કે શું આ સજાને પગલે ભવિષ્યમાં બળાત્કારીઓ આવું કૃત્ય કરતાં અચકાશે? શું ફાંસીની સજા ભાવિ ગુનેગારો માટે ભયની લાલબત્તી પૂરવાર થશે? 

નિર્ભયા બળાત્કારની ઘટના અનેક રીતે ચર્ચાસ્પદ બની હતી. ખાસ તો એમાં જે ક્રૂરતાથી આ ગુનો આચરવામાં આવ્યો હતો એનાથી આખો સમાજ જાણે અચાનક જાગ્રત બની ગયો હતો. દિલ્હીમાં લોકો શેરીમાં ઊતરી આવ્યા હતા અને નિર્ભયાના આત્માની શાંતિ માટે તથા એને ન્યાય મળે એ માટે લોકોએ મીણબત્તી હાથમાં રાખીને કૂચ કાઢતા હતા. દિલ્હી જ નહીં, દેશના અનેક શહેરોમાં આ ઘટના બાબતે આક્રોશ વ્યાપી ગયો હતો. 

નિર્ભયા કેસ બહુ વિવાદસ્પદ બની ગયો હતો અને એની સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા પણ ચર્ચાનો વિષય બન્યા હતા. એક તો જુવેનાઇલ આરોપીને લગતો મોટો વિવાદ થયો અને આવા હીન ગુનામાં જુવેનાઇલને પણ સરખી જ સજા મળવી જોઇએ એવી માગણી થઇ હતી. આ ઉપરાંત નિર્ભયા વિશે બ્રિટિશ ફિલ્મમેકર લેઝ્લી ઉડવિને બનાવેલી ડોક્યુમેન્ટરી 'ઇન્ડિયાઝ ડોટર' પણ ઘણી વિવાદસ્પદ બની હતી. હવે આ કેસમાં છેલ્લામાં છેલ્લો વિવાદ છે ફાંસીની સજાનો એટલે કે કેપિટલ પનિશમેન્ટનો. ફરી એકવાર ચર્ચા જાગી છે કે માણસને મોતની સજા આપી શકાય કે નહીં?

આમ તો બળાત્કાર કેસમાં ગુનો પૂરવાર થાય તો પણ કાયદાનુસાર અમુક વર્ષની જેલથી વધુની સજા થતી નથી, પરંતુ નિર્ભયાના કેસમાં બળાત્કાર એટલી ક્રૂર રીતે કરવામાં આવ્યો હતો કે છોકરીનું મોત થઇ ગયું. આથી બળાત્કારની કલમના બદલે હત્યાની કલમ 302 હેઠળ આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે. કાનૂનની દૃષ્ટિએ આ એક રસપ્રદ મુદ્દો છે. ક્રૂરતા આચર્યા પછી પણ જો નિર્ભયા જીવિત રહી ગઇ હોત તો આરોપીઓને ફાંસી ન મળી હોત. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બચાવ પક્ષના વકીલે કહ્યું  કે અન્યાય થઇ ગયો છે. જે જીવન આપી શકે એ જ જીવન છીનવી શકે. એટલે કે મોતની સજા આપવાનો કોઇને અધિકાર નથી. વાત છે કેપિટલ પનિશમેન્ટની. મોતની સજાની. કોર્ટે જ્યારે ચુકાદો સંભળાવ્યો ત્યારે કોર્ટરૂમમાં તાળીઓના ગડગડાટ થયા. નિર્ભયાના માતાપિતાએ પણ કહ્યું કે હવે નિર્ભયાને ન્યાય મળ્યો. શું નિર્ભયાને ખરેખર ન્યાય મળ્યો ગણાય? શું એના આત્માને શાંતિ મળી ગણાય? નિર્ભયાને કોણ પૂછવા જશે?

મોતની સજાની તરફેણ કરનારા લોકો એવી દલીલ કરતાં હોય છે કે આવી કડક સજા આપવામાં આવે તો જ ભવિષ્યમાં લોકો આવો ગુનો કરતાં અટકશે. આ એક મજબૂત ડિટરન્ટ છે. હવે આમાં બે મુદ્દા છે. એક તો એ કે વેરની વસુલાતથી શું કોઇના આત્માને શાંતિ મળી શકે? પાંચ વર્ષ થઇ ગયા આ ઘટના બન્યાને. નિર્ભયાના માતાપિતા એ સમયે ટીવી પર આવતા ત્યારે એમના ચહેરા પરનો રોષ અને આક્રોશ સ્પષ્ટપણે દેખાતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં તેઓ અસંખ્ય વાર ટીવી પર દેખાયા છે અને કેમેરા સામે તેઓ એકદમ કમ્ફર્ટેબલ થઇ ગયા છે. એમની બોલવાની રીતભાતમાં પણ એક પ્રકારનું ફિનિશિંગ અને કસાયેલી છટા જોવા મળે છે. દીકરી સાથે જે હીચકારી ઘટના બની એનો આઘાત બહુ જ ઘેરો હોય, પરંતુ શું પાંચ વર્ષ સુધી આવો આક્રોશ એટલી જ તીવ્રતાથી મનમાં ભરાઇ રહી શકે ખરો? શક્યતા ઓછી. આમ છતાં નિર્ભાયાના માબાપ આજે ખુશ નહીં તો સંતુષ્ટ છે. પોતાની દીકરી સાથે ખોટું કરનારાને સજા મળી એનાથી એમને શાંતિ થઇ છે. ખરેખર તો આ પ્રકારની લાગણી એ વેરની વસુલાતની લાગણીથી વિશેષ બીજું કશું જ નથી. વેરની વસુલાતથી દુનિયામાં કશું જ બદલાતું નથી. ફક્ત એક પ્રકારની ભ્રામક લાગણીનો અનુભવ થાય છે અને વાત ખતમ. 

ગુનેગારને સજા થાય ત્યારે વેરની વસુલાત કરવામાં આવી એવું કબૂલવું કોઇને ગમતું નથી, કારણ કે એ બહુ જ પછાત માનસિકતા છે. પહેલાના સમયમાં જ્યારે કાયદા કાનૂન અને સભ્યતા નહોતી ત્યારે ન્યાયની આ પદ્ધતિને અપનાવવામાં આવતી. આજે લોકોની માનસિકતા જૂનવાણી જ છે, છતાં એ છૂપાવવાનો પ્રયાસ થાય છે. આથી જ તેઓ ન્યાયની વિવિધ પદ્ધતિઓનો આશરો લઇને એને સાર્થક ઠેરવવાનો પ્રયાસ કરે છે. આવી એક થિયરીમાં તેઓ એવી દલીલ કરે છે કે ગુનેગારો સામે કડક પગલાં ભરીશું તો ભવિષ્યમાં બીજું કોઇ આવો ગુનો કરતાં પહેલા સો વાર વિચાર કરશે અને ડર અનુભવશે. શું એક વ્યક્તિને આપવામાં આવેલી મોતની સજા અન્ય વ્યક્તિને એટલું બધુ ડરાવી શકે કે કોઇ એવો ગુનો જ ન કરે? જો એવું જ હોત તો હત્યાની ઘટનાઓ બનતી જ ન હોત. દફા તીન સૌ દોથી સૌ કોઇ વાકેફ હોય છે. બીજું, અનેક મોટા ગુનાઓ ક્ષણના આવેશમાં બનતા હોય છે. માણસ માનસિક સમતુલા ગુમાવી બેસે ત્યારે પરિણામની ચિંતા નથી કરતો. હકીકતમાં પોતે ગુનો કરી રહ્યો છે એ વાતથી પણ ક્યારેક બેખબર બની જાય છે તો એ ગુનાની સજા વિશે ક્યાં વિચારવા બેસવાનો? 

હા, કડક સજાનો ભય બતાવીને તમે અમુક પ્રકારના ગુના અટકાવી શકો. જેમ કે એક જ પેટર્નમાં બનતાં ગુના તમે આવી સજા દ્વારા અટકાવી શકો. દા. ત. સરકારી ઓફિસમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા હોય જ છે અને એ અટકાવવાની જરૂરત પણ સૌ જાણતા હોય છે, છતાં ભ્રષ્ટાચારના ગુના માટેની સજા મામુલી છે એટલે એ થતાં રહે છે. જો નાનામાં નાના ભ્રષ્ટાચાર માટે પણ ઉમરકેદ કે એવી કોઇ મોટી સજા નક્કી કરવામાં આવે તો એ નિશ્ચિતપણે ભ્રષ્ટાચાર થતો અટકાવી શકે. પણ ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોને રસ છે. એ જ રીતે ખાદ્ય સામગ્રી વેચનારા હલકી ગુણવત્તાવાળી તથા બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેચવાના જ છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય એવો ગુનો કરવાના જ  છે. એ અટકાવવા માટે જો ગુનેગારને ભારે મોટી સજા નક્કી કરવામાં આવે તો આવા ગુના બનતા અટકી શકે, પરંતુ વહીવટીતંત્રને આ વાત મહત્ત્વની નથી લાગતી. કહેવાનો મતલબ એ છે કે જે પ્રકારના ગુનાઓ નિયમિત પેટર્ન અનુસાર, નિશ્ચિત સ્થળે બનવાની શક્યતા હોય ત્યાં તો તમે કડક સજાની જોગવાઇ કરો તો એ ગુના બનતા અટકી શકે. જે ગુના આવેશમાં બનતા હોય, છૂટીછવાઇ રીતે બનતા હોય એ ગુના સજાના કડક માપદંડ નક્કી કરવાથી ન અટકી શકે.

ગુનેગારોને સજા આપવાની બાબતમાં રિફોર્મેટિવ થિયરીને જ વ્યાપકપણે માન્યતા મળી છે. એમાં એવું માનવામાં આવે છે કે માણસ પોતે જન્મથી ગુનેગાર નથી હોતો. સંજોગો એની પાસે ખોટું કામ કરાવે છે. આમાં એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ કોઇક માનસિક રોગનો ભોગ બની હોવાથી ખોટું કામ કરે છે. આથી એ વ્યક્તિની સારવાર કરીને એને સાજો કરવો જોઇએ. આ રીતે એનુ રિહેબિલિટેશન કરવું જોઇએ. ગુનો કરનાર વ્યક્તિ સુધરીને ફરીથી સમાજમાં ભળી શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ. જુવેનાઇલ જસ્ટિસ આ થિયરીનું ઉદાહરણ છે. એમાં જુવેનાઇલ ગુનેગારોને રિફોર્મેટરીમાં રાખવામાં આવે છે. ત્યાં એમને શિક્ષણ તથા અન્ય તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ફરીથી સમાજમાં ભળી શકે.

રિફોર્મેટિવ પદ્ધતિની ખામી એ છે કે રીઢા ગુનેગારો આવી કોઇ તાલીમ કે પ્રેમભાવથી સુધરવાના નથી. એ લોકો આવી પદ્ધતિનો લાભ જ ઊઠાવે. આ ઉપરાંત રિફોર્મેટરીમાં કમ્ફર્ટેબલ લાગે તો તેઓ બહારની દુનિયામાં મહેનત કરીને કમાવાનું બંધ કરી દે અને રિફોર્મેટરીમાં જ કાયમી ધામા નાંખી દે. 

ન્યાય માટેની દરેક પદ્ધતિના કેટલાક નિશ્ચિત લાભ અને ગેરલાભ છે, પરંતુ બોટમ લાઇન એ છે કે વેરની વસુલાત દ્વારા ન્યાયની લાગણી અનુભવવી એ પછાત માનસિકતા છે અને એ પ્રકારની સજાથી ગુનાખોરી અટકતી નથી કે સમાજને કોઇ લાભ નથી થતો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.