તટસ્થતા અને નિષ્પક્ષતાઃ એક સમજવા જેવો ભેદ

03 Jul, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: telco2research.com

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. આજે લોકો મન ફાવે એ રીતે જાહેરમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. એક વ્યક્તિના અભિપ્રાયના આધારે બીજી વ્યક્તિનો અભિપ્રાય ઘડાઇ શકે છે. જે લોકો આ મીડિયામાં માસ્ટરી મેળવે તેઓ પબ્લિક ઓપિનિયન એટલે કે જાહેર મત પોતાની રીતે ઘડવા પર પ્રભાવ પાડી શકે છે. જાહેર મતમાં મોટી સર્વાનુમતી આવી જાય ત્યારે બહુ મોટું પરિવર્તન આવી શકે છે અને આ રીતે પરિવર્તન આવતું જ હોય છે. 1857મા જો સોશિયલ મીડિયા અને વાયફાય હોત તો દેશને ત્યારે જ આઝાદી મળી હોત, કારણ કે એ સમયે બગાવતની ભાવના દરેક દેશવાસીમાં હતી, ફક્ત યોગ્ય કમ્યુનિકેશનનો અભાવ હતો.

જાહેર મત હોય કે અંગત મત, માણસ દરેક વાતે કોઇ ને કોઇ માન્યતા ધરાવતો હોય છે. આ માન્યતાના આધારે ચોક્કસ ઘટના, વિષય કે વિચારો પર એ કોઇક ચોક્કસ મત ધરાવતો થઇ જાય છે. કેટલીક માન્યતાઓ, કેટલાક મત અને અભિપ્રાયો વધુ પ્રભાવશાળી નથી હોતા, પરંતુ કેટલીક માન્યતાઓ પોતાને જ નહીં, સમગ્ર સમાજને અને દેશને અસર કરે એવી હોય છે. સોશિયલ મીડિયાના ઉપોયગને લીધે આ માન્યતાઓ, આ અભિપ્રાયો વધુ ઝડપથી પ્રસરે છે, વધુ લોકોને પ્રભાવિત કરે છે એટલે અભિપ્રાય બાંધવાનું તેમ જ અભિપ્રાય વ્યક્ત કરવાનું કામ બહુ જવાબદારીભર્યું બની જાય છે, પરંતુ અફસોસ. આવી જવાબદારી આજકાલ બધે દેખાતી નથી.

કોઇ પણ વિષય પર અભિપ્રાય બાંધવાની, એ વ્યક્ત કરવાની તથા એના આધારે કોઇ પગલું ભરવાની પ્રક્રિયામાં એ સાથે સંકળાયેલા કેટલાક મૂળભૂત શબ્દોને સાચા અર્થમાં સમજવાનું જરૂરી છે. ત્યાર પછી જ એ શબ્દાર્થો પર ભાર મૂકીને અભિપ્રાય ઘડવાની પ્રક્રિયાને સાચી રીતે સમજી શકાય. જ્યારે પણ રાજકીય વિષય પર કોઇ પોતાનો મત વ્યક્ત કરે ત્યારે તટસ્થતા, પૂર્વગ્રહ, નિષ્પક્ષતા વગેરે શબ્દોના લેબલ એના પર લાગે છે અને એ રીતે એની મૂલવણી થતી હોય છે. સમસ્યા એ છે કે આ વિશેષણોને આપણે સાચા અર્થમાં સમજતાં નથી હોતા. આજના માહોલમાં રાજકીય વિચારો કે અભિપ્રાયો માટે બે શબ્દો બહુ વપરાય છે. તટસ્થતા અને નિષ્પક્ષતા. અંગ્રેજીમાં ન્યુટ્રાલિટી, ઓબ્જેક્ટિવિટી જેવા શબ્દો છે. આમ તો આ બધા જ શબ્દોના અર્થ બહુ નજીક નજીકના છે, પરંતુ એટલે એમની વચ્ચેનો તફાવત સમજવાનું ખૂબ જ અગત્યનું છે.

થોડા સમય પહેલા અર્નબ ગોસ્વામીએ ટાઇમ્સ નાઉ પર એક નવાં પ્રકારનું પત્રકારત્વ શરૂ કર્યુઃ સરકારની તરફેણ કરવાનું. પોતાના વલણને સાર્થક ઠેરવવા માટે અર્નબે તટસ્થતાની ટિકા કરતાં કહ્યું કે પત્રકારે તટસ્થ રહેવાનું જ ન હોય. પત્રકારે સ્ટેન્ડ લેવું જોઇએ. એણે એવો દાવો કર્યો કે હું દેશભક્તિની તરફેણનું સ્ટેન્ડ લઉં છું. આ બાબતમાં હું તટસ્થ નહીં રહું. આ દલીલ ઘણા લોકોના ગળે ઊતરી ગઇ અને દેશભરમાં નકલી દેશભક્તિમાં રાચતાં લોકો લગભગ આવી જ દલીલ સાથે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં હોય છે.

અર્નબની તથા એના જેવા અન્ય લોકોની મૂળ સમસ્યા એ છે કે  દેશભક્તિની વ્યાખ્યા તેઓ પોતે જ નક્કી કરી લે છે અને એ ઘણી સંકુચીત હોય છે. આમ છતાં દેશભક્તિની ભાવનામાં જોશ એટલું બધુ હોય છે કે લોકો લાગણીના આવેશમાં તર્કનો છેદ ઊડાડી દે છે. અર્નબ તથા એના જેવી રીતે વિચારતાં લોકો પછી એવું માનવા માંડે છે કે અમારા જેટલા આવેશથી જે લોકો દેશભક્તિમાં નથી માનતા તેઓ સાચા દેશભક્ત નથી. કેટલાક તો વળી એમ પણ કહેતા હોય છે કે આવા લોકોને પાકિસ્તાન મોકલી દો. આ જ અભિપ્રાય વધુ ઉગ્ર બને એટલે મોબ લિન્ચિંગનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, ટોળાંની હિંસા ફેલાવી શકે છે.

માટે જ આપણો અભિપ્રાય બાંધતા પહેલા, એનો પ્રસાર કરતાં પહેલા ખૂબ જ સાવધ રહેવાનું જરૂરી છે. અભિપ્રાય કેવી રીતે બંધાય છે અને કઇ રીતે એ સ્વીકૃતિ કે અસ્વીકૃતિ પામે છે? 

સૌથી પહેલા આપણે અંગત સ્તર પર વાત કરીએ. આપણા દોસ્તોમાં કોઇ મનદુઃખ કે ઝઘડા થાય ત્યારે આપણે શું કરીએ છીએ? જે બેની વચ્ચે ઝઘડા થયા હોય એ બંને આપણા દોસ્ત હોય એટલે આપણે ત્યારે કોઇના પક્ષમાં નથી હોતા. આથી આપણે એ જાણવાની કોશિશ કરીએ કે ખરેખર શું બન્યું હતું ? પહેલા કોણે શું કહ્યું હતું, કોનો વાંક હતો વગેરે જાણવાની કોશિશ કરીએ. સ્વાભાવિક છે તકરારમાં પડેલા બંને દોસ્તો તો પોતાની જ રામકહાણી કહેવાના. આથી આપણે એ સમયે ત્યાં હાજર રહેલા અન્ય દોસ્તોની વાત સાંભળવાનું પસંદ કરીશું. કારણ? કારણ કે આપણે એવું માનતા હોઇએ છીએ કે એ દોસ્તો તટસ્થ રહીને, નિષ્પક્ષ રહીને સાચી વાત કહેશે અને એના આધારે આપણે નક્કી કરી શકીશું કે બંને દોસ્તોમાં કોનો વાંક હતો. પછી ફરી એક પ્રોબ્લેમ થઇ શકે. સાક્ષી તરીકે જે દોસ્તોની વાત આપણે સાંભળવાનું નક્કી કરીએ એમાંનો એક દોસ્ત એવો પણ હોઇ શકે, જેને તકરારમાં પડેલા બે દોસ્તોમાંના એકની સાથે વધુ સારું બનતું હોય, જે એનાથી વધુ ક્લોઝ હોય. આ વાત યાદ આવતાં આપણે એ દોસ્તની જુબાનીને વધુ વિશ્વસનિય નહીં ગણીએ અને બીજા સાવ જ તટસ્થ હોય એવા સાક્ષી દોસ્તોની વાત માનીશું.

તો આ છે આપણો અભિપ્રાય ઘડાવાની પ્રક્રિયા. જ્યાં આપણો કોઇ પૂર્વગ્રહ નથી, જ્યાં આપણે કોઇનો પક્ષ નથી લેવાનો એવી બાબતમાં અભિપ્રાય ઘડતી વખતે આપણે તટસ્થ વ્યક્તિ પર ભરોસો રાખવાનું પસંદ કરીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્વગ્રહ ધરાવનાર વ્યક્તિ ઘટનાની સાચી હકીકત નહીં જણાવે. આ જ રીતે આપણે પોતે જો તટસ્થ ન હોઇએ એટલે કે બેમાંના એક મિત્ર પર આપણો પ્રેમભાવ જરા વધુ હોય તો આપણે સાચી વાતની તપાસ કર્યા વિના સીધા જ એની સાથે તકરાર કરનાર બીજા મિત્રને ધમકાવવાનું શરૂ કરી દઇશું. આપણો પૂર્વગ્રહ આપણો અભિપ્રાય બદલી નાંખે છે એટલું જ નહીં, એનાથી આપણું વર્તન પણ બદલાઇ જાય છે.

આથી જ કોઇ પણ ઘટના, વ્યક્તિ કે વિચાર બાબતે અભિપ્રાય ઘડતાં એ વિશેની સાચી હકીકતોનું તટસ્થતાથી, રિપીટ તટસ્થતાથી મૂલ્યાંકન કરવાનું ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ મૂલ્યાંકન કરતી વખતે તટસ્થતા જ સૌથી વધુ ઉપયોગી નીવડે છે.

હવે આ તટસ્થતા એક ગૂંચવણભર્યો શબ્દ બની ગયો છે, કારણ કે બીજા કેટલાક શબ્દાર્થોની એની સાથે ભેળસેળ થઇ ગઇ છે. મોટે ભાગે અંગ્રેજી શબ્દ ન્યુટ્રલનું ગુજરાતી ભાષાંતર તટસ્થતા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ન્યુટ્રલનો અર્થ બેમાંથી કોઇનો પક્ષ ન લેવો એ થાય છે. એટલે કે નિષ્પક્ષ. બે દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે જે દેશ કોઇના પક્ષમાં ન હોય એને ન્યુટ્રલ કન્ટ્રી ગણવામાં આવે છે.

તટસ્થતા એ ખરેખર તો પૂર્વગ્રહનો વિરોધી શબ્દ છે. જેમાં પૂર્વગ્રહ ન હોય એ તટસ્થતા. આ રીતે તટસ્થતા એ અંગ્રેજીના અનબાયસ્ડ શબ્દનું ગુજરાતી ભાષાંતર છે, ન્યુટ્રાલિટીનું નહીં. આથી તટસ્થતા કેળવવા માટે દરેક પ્રકારના પૂર્વગ્રહોમાંથી બહાર નીકળીને વિચારવાનું હોય છે. જ્યારે આપણે નિષ્પક્ષ હોઇએ, પૂર્વગ્રહથી મુક્ત હોઇએ ત્યારે આપણે માનવી મૂલ્યોના આધારે અભિપ્રાય ઘડતા હોઇએ છીએ અને એટલે એ જ અભિપ્રાય વધુ સાચા, વધુ યોગ્ય હોવાની શક્યતા હોય છે. જોકે પૂર્વગ્રહોથી મુક્ત રહેવાનું બહુ જ મુશ્કેલ છે, કારણ કે એ માટે પહેલા તો આપણા પૂર્વગ્રહોને સમજવા પડે અને એનો સ્વીકાર કરવો પડે. આ રીતે તટસ્થતા એ માનસિક પ્રક્રીયા છે, જ્યારે કોઇ પક્ષ લેવો કે નિષ્પક્ષ રહેવું એ એક્શન છે. 

તટસ્થતાપૂર્વક અભિપ્રાય બાંધ્યા પછી કોઇનો પક્ષ લેવો કે નિષ્પક્ષ રહેવું એ સમસ્યા સામે આવે છે. ક્યારેક કોઇ બાબતમાં પક્ષ લેવાનું જરૂરી હોય છે તો ક્યારેક એ જરૂરી નથી હોતું. દોસ્તોમાં તકરાર થાય ત્યારે આપણે નિષ્પક્ષ નથી રહેતા. જેનો વાંક હોય એને કડક શબ્દોમાં ધમકાવતા હોઇએ છીએ. બીજી તરફ બે મોટી ઉંમરના પરિવારજનો કે બે પડોશીઓ ઝઘડે ત્યારે પણ આપણે બેમાંથી કોઇ એકનો પક્ષ લેવાનું ટાળીએ છી. એમ તો બે દારૂડિયા ઝઘડા કરે ત્યારે પણ આપણે નિષ્પક્ષ જ રહેવાનુ હોય. જે લોકો ક્યારેય કોઇ સ્ટેન્ડ ન લેતાં હોય એવા લોકો મહાઘંટ હોય છે. સારી ભાષામાં તેઓ ડિપ્લોમેટીક તરીકે ઓળખાય છે. આવાં લોકો ક્યારેય ઝડપથી કોઇ પક્ષ નથી લેતાં અને કોઇ પણ મુદ્દે સ્ટેન્ડ લેવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવે છે. આપણાથી નબળા લોકો સાથે કંઇ ખોટું થાય ત્યારે એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની આપણી ફરજ છે. આથી જ ભારે અન્યાયની કોઇ ઘટના બને ત્યારે પણ ચૂપ બેસી રહેનારા લોકોને આપણે સામાન્ય રીતે ધિક્કારતા હોઇએ છીએ અને એમના માટે એમ કહેતા હોઇએ છીએ કે એમને તો દરિયા કિનારે બેસીને તમાશો જોવાનો શોખ છે. આજકાલ પત્રકારો અને લેખકો માટે તટસ્થતા તેમ જ નિષ્પક્ષતા શબ્દો વધુ વપરાય છે. આમાં સ્પષ્ટતા એ જ કરવાની કે કોઇ પણ લેખકે, પત્રકારે કે સામાન્ય નાગરિકે પોતાનો અભિપ્રાય બાંધતા પહેલા તટસ્થ રહીને, પૂર્વગ્રહથી મુક્ત રહીને ઘટના કે નિર્ણયનું મૂલ્યાંકન કરવું જોઇએ અને અભિપ્રાય બાંધ્યા પછી ન્યાય તથા યોગ્યતાના આધારે કોઇ પક્ષ લેવો કે ન લેવો અથવા લેવો તો કોનો પક્ષ લેવો એ નક્કી કરવું જોઇએ. રાજકીય બાબતમાં કોઇ પક્ષ લેવામાં કંઇ ખોટું નથી. સરકારની તરફેણમાં રહેવું કે સરકારની વિરુદ્ધમાં રહેવું એ વાત કરતાં પણ વધુ અગત્યનું એ છે કે શું એ નિર્ણય પર આવતાં પહેલા આપણે પૂર્વગ્રહોથી મુક્ત રહીને આપણો અભિપ્રાય બાંધી શક્યા હતા?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.